Tuesday, August 23, 2022

 

રીક્ષાનો નંબર

 



 

નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી ગાડી સ્ટેશન ઉપર જઈને ઊભી રહી ત્યારે મનને થોડી નિરાંત થઈ - ‘હાશ ! મંઝીલે પહોંચ્યા તો ખરા.' મૂળ ગણતરી તો એવી હતી કે ઘેર પહોંચીને થોડો આરામ કરી, નિરાંતે પરવારીને ઓફીસે જવા માટે નીકળી શકાશે. પણ બે કલાક મોડી પડેલી ગાડીએ અંદાજ તો ખોટો પાડયો , પણ ઘેર પહોંચીને સ્નાન કરીને ઓફીસે જવા નીકળવા જેટલો સમય પણ રહ્યો. ગજવું પરવાનગી આપતું હોવા છતાં રીક્ષા કર્યા વિના છૂટકો નહોતો. સ્ટેશનથી બહાર નીકળીને રીક્ષામાં બેઠો ત્યાં શુકન થયા, એવા સારા કે મારા જેવા બે ડગલાં આગળ નસીબવાળાને ક્યારે થતાં હોય.

 

રીક્ષાની સીટ ઉપર પાંચસોની બે નોટો પડેલી હતી. જોઈને મનમાંનો બધો ઉંચાટ ક્ષણવાર તો શમી ગયો. રકમ વધારે નહોતી અને ખર્ચના સ્થાનો એટલા બધા હતા કે બે ને બદલે વીસ નોટો મળે તો પણ થઈ રહે. ચંચળ મન સરવાળો કર્યા વિના નાની મોટી રકમો ફાળવતું રહ્યું. બીજી તરફ અજ્ઞાત મને ક્યારે હાથને હુકમ કરી નોટો રીક્ષાવાળાને વહેમ જાય તેવી રીતે ખિસ્સામાં મૂકી દેવરાવી તેની ચંચળ મનને ખબર પણ પડી.

 

પહાડમાંથી ફૂટીને બાલ્યકાળમાં કૂદાકૂદ કરી મૂકતી નદી મેદાનમાં આવતા શાંત અને ગંભીર બને તેમ તત્કાળ કૂદી ઊઠેલું મન ધીરે ધીરે શાંત પ્રવાહ ધારણ કરતું ગયું. ક્યાંથી આવી હશે નોટો ? કોની હશે ? કેવી રીતે પડી ગઈ હશે ! રીક્ષાવાળાને ખબર હશે કે નહિ ? વગેરે વિચારોમાંથી ધીરે રહીને નોટો લઈ લેવી યોગ્ય કહેવાય કે કેમ તેની દ્વિધામાં મન ક્યારે સરકી ગયું તે પણ ખબર પડી. રીક્ષાવાળો તો મારા સમગ્ર મનોવ્યાપારથી અજાણ બને તેટલી ઉતાવળથી મને ઘેર પહોંચાડી બીજી સવારી માટે નીકળી પડવાની ધૂનમાં ચલાવ્યે રાખતો હતો. નોટો વાપરવા જાઉં અને પકડાઉ તો ! બનાવટી નીકળે તો ! એવું હોય તો પણ નોટો લેવાનો મને હક્ક ખરો ? લઉં તો મારા પછીનો કોઈ પેસેન્જર અથવા તો રીક્ષાવાળો પોતે લઈ લેશે તો તેમને માટે પણ તે અણહક્કનો પૈસો તો ખરો ને ? તો પછી હું શું ખોટો ? પાકીટ હોય અને સરનામું હોય તો મૂળ માલિકને પહોંચાડી શકાય, પણ ચલણી નોટો ઉપર તો કોઈ સરનામાં હોતાં નથી. કદાચ હોય તો પણ તે સરનામાવાળા પાસેથી નોટો અનેક હાથોમાં ફરી ચૂકી હોય છે, માનવી તરીકે આવા સંજોગોમાં મારો ધર્મ શો ? મન કબૂલ કરતું હતું કે હું પૈસા માટે હક્કદાર નથી, પણ હક્કદારને શોધીને પરત કરી શકાય તો એના ઉપર પહેલો મારો અધિકાર રહે એવી દલીલ મન કરતું હતું, અને એટલું તો ચોક્કસ હતું કે એના ખરા હક્કદારને ખાતરીપૂર્વક શોધી શકાય તેવું નહોતું.

 

શરૂઆતમાં આવેલ આનંદનો ઊભરો હવે ગૂંચવાડામાં પલટાઈ ગયો હતો અને કલાકના ૪૦ કિલોમીટરની ઝડપે હું ઘર તરફ ઘસડાતો જતો હતો.

 

ઘર થોડું દૂર રહ્યું હતું ત્યાં મને યાદ આવી ગયો, મહિના પહેલાનો એક પ્રસંગ. અમે નીકળ્યા હતા ફરવા જવા માટે, મિત્રો અને તેમના કુટુંબીઓ સાથે દશેક જણાનો કાફલો હશે. જ્યાંથી આજે હું રીક્ષામાં બેઠો ત્યાં સ્ટેશન પાસે અમે ઉતર્યાં હતાં અને ટીકીટ માટે પૈસા ભેગા કરવા માંડ્યાં ત્યારે ખબર પડી હતી કે મારૂં પાકીટ ખીસ્સામાં નહોતું. ફરવાનો પોગ્રામ તો કેન્સલ કરવો પડયો, મિત્રો અને મારી પત્નીની મહેરબાનીથી, પણ ફરવા જવાનો આનંદ પાકીટ ગયાના શોકથી કલંકિત થઈ ગયો હતો. પાકીટમાં તે સમયે લગભગ હજારેક જેટલી રકમ હશે. પાકીટમાં ફોટો પણ હતો પણ સરનામું નહોતું અને રીક્ષાનો નંબર યાદ રાખ્યો નહોતો. મારી ભૂલ મને પાકીટ ગયા પછી સમજાઈ હતી. પ્રસંગ યાદ આવતા મને ખાતરી થઈ ગઈ કે પૈસા ભગવાને મારા પાછાં મોકલ્યા છે અને તે મારે લઈ લેવા જોઈએ. બસ, નિર્ણય થઈ ગયો. બરાબર મોકાસર મળ્યા હતા. બહારગામ ગયો ત્યાં ખર્ચ ધાર્યા કરતા વધારે થઈ ગયો હતો અને પગાર આડે હજુ પંદર દિવસ હતા, અને તો મારા ગયેલા મને મળતા હતા!

 

ઘર આગળ રીક્ષા ઊભી રાખી, સામાન ઉતારી મીટર જોઈને પૈસા કાઢતા પેલી બે નોટો ભાગી છૂટવા માગતી હોય તેમ આગળ આવી ગઈ. રીક્ષાવાળો મારા ચહેરા તરફ જોઈ રહ્યો હતો. મને ડર લાગ્યો કે મેં બે નોટો લઈ લીધાની એને ખબર તો નહી પડી હોય !

એણે મીટર કરતા થોડા પૈસા વધુ માગ્યા હતા, તે મેં આનાકાની વિના આપી દીધા, એટલું નહિ પણ તેની સાથે નજર મેળવવાનું ટાળ્યું, તે મારા ચહેરા તરફ જોઈ રહ્યો હતો તેની મને ખાતરી થઈ. લેવડદેવડની બેત્રણ મિનિટ મને જુગ જેવડી લાગી.

 

કામ પતી જતાં હું સામાન ઊંચકવા જતો હતો ત્યાં રીક્ષાવાળાએ કહ્યું, “એક મિનિટ, સાહેબ !''

 

ઠંડી હોવા છતાં સાંભળી મને પરસેવો છૂટી ગયો. રીક્ષાવાળો મને પૈસા લેતા જોઈ ગયો હશે તેની મને ખાતરી થઈ ગઈ. તેના તરફ જોયા વિના અને ભોંઠપ અનુભવી કબૂલાત કર્યા વિના હવે છૂટકો નહોતો. ‘નોટો ઉપર નામ લખેલ નથી. ના કહીશ તો પણ શું?’ એવો વિચાર પણ ઝબકી ગયો.

 

સહેજ વાર લાગતા રીક્ષાવાળાએ ફરી અવાજ કર્યો : ‘‘સાહેબ એક મિનિટ ઊભા રહેશો ?'' હવે તો છૂટકો નહોતો. હું ઊભો રહી ગયો અને પ્રયત્નપૂર્વક તેની સાથે નજર મેળવવાનું ટાળવા લાગ્યો. રીક્ષાવાળો હમણાં પૂછશે અને હું ઈન્કાર કરીશ એવું કાંઈક ગોઠવી રહ્યો હતો.

 

ફોટો તમારો હોય એમ લાગે છે. જુઓ તો ?’ રીક્ષાવાળાએ કહ્યું. મેં ફોટો હાથમાં લીધો અને જોયો. મને ખાતરી થઈ ગઈ કે મારો ફોટો હતો અને તે મોટે ભાગે મારું જે પાકીટ મહિના પહેલા ખોવાયેલું હતું તેમાંનો હતો.

 

છે તો મારો . તમારી પાસે ક્યાંથી?' ઉત્સુકતાસહ મેં પૂછ્યું.

 

મારી શંકા સાચી પડી. મહિના પહેલા તમારૂં પાકીટ મારી રીક્ષામાં પડી ગયું હતું. તમને યાદ હોય તો ?’’ રીક્ષાવાળાએ કહ્યું.

 

હા, યાદ છે ને ? તે તમારી રીક્ષા હતી?' મેં કહ્યું .

 

હા, લો તમારું પાકીટ, એક હજાર પંદર રૂપિયા છે અંદર, ગણી લો,'' કહી. તેણે પાકિટ આપ્યું.

 

‘‘ગણવાની જરૂર નથી '' કહી મેં તે લીધું અને વિચારમાં પડી ગયો. હવે પેલા રૂપિયા રાખવાનો મેં માનેલો અધિકાર ખૂંચવાઈ ગયો હતો. રીક્ષાવાળાને તબક્કે કહેવામાં મારે મારી અપ્રમાણિકતા છતી કરી તેની આગળ નાના બનવાનું હતું એટલે તે રાખી મૂકવાનો વિચાર આવ્યો. પણ હ્રદયને અટકાવી શક્યો નહિ.

 

તમારો અત્યંત આભાર'' કહી, સ્હેજ અટકી તે રીક્ષા સ્ટાર્ટ કરવા જતો હતો ત્યાં તેને અટકાવી પાંચસોની બે નોટો મેં તેની સામે ધરી, “સાહેબ, તમારા પૈસા તમને આપ્યાં તે આમ પાછા આપવાના હોય.” રીક્ષાવાળાએ કહ્યું. હું મૂઝાયો, મન ઘર તરફ ખેંચી રહ્યું, પણ હૃદય જીત્યું.

 

‘‘એવું નથી. તો તમારા છે.'' મેં કહ્યું રીક્ષાવાળો મારી તરફ જોઈ રહ્યો અને પછી પૂછ્યું, ‘‘કેવી રીતે ?’’

 

સ્ટેશનેથી બેઠો ત્યારે રીક્ષામાં પડેલા હતા. લોભવશ મેં તે લઈ લીધા હતા. પણ તમે પ્રમાણિકતા બતાવી મને પ્રમાણિક બનવાની ફરજ પાડી.” મેં કહ્યું.

 

પણ રાખો તમારી પાસે . હું એના માલિકને કેવી રીતે શોધીશ? અને મારી પાસે રહેશે તો મને અજંપો રહેશે.'' રીક્ષાવાળાએ એમ કહીને મને પાછા આપવા માંડયા.

 

જેમ મહિને હું મળ્યો એમ કદાચ તેનો માલિક પણ તમને મળી જશે. અને નહિ મળે તો એનો વધારે સારો ઉપયોગ તમે કરી શકશો.'' કહી મેં તે લીધા.

 

શું હતો રીક્ષાનો નંબર ?………’' ઓફિસમાં મિત્રોને વાત કરી ત્યારે તેમણે પૂછ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે મહિના પહેલા રીક્ષાનો નંબર લઈને મેં ફક્ત પૈસા ગુમાવ્યા હતા, જ્યારે આજે એક પ્રમાણિક દોસ્ત.

No comments:

Post a Comment