Tuesday, August 16, 2022

 

જય શ્રી કેદારનાથ

 



 

અમદાવાદથી નીકળ્યા ત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. એવા દિવસોમાં હિમાલયની યાત્રાએ નીકળનાર પાંચ જણની ટૂકડીને મિત્રો આશ્ચર્યથી જોઈ રહેલા. એમાં યે પાંચમાંથી ત્રણ મહિલાઓ. બધા પર્વતીય વિસ્તારોથી તદ્દન અજાણ.

 

દિલ્હી થઈને હરદ્વાર પહોંચ્યા ત્યારે ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ. હરદ્વારમાં જઈને પહેલી ચિંતા કેદારનાથ જવાશે કે કેમ તેની હતી. અમારામાંના ડો. રેણુકાબેનના ભાઈએ નોંધાવી રાખેલા ગુજરાતી ભવનના સગવડભર્યા વિશાળ ફલેટમાં બેસીને ચિંતા કરી રહ્યા હતા, ત્યારે બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો. આવા દિવસોમાં હિમાલયમાં ભારે પ્રમાણમાં ભૂપ્રપાત (landslide) થાય છે અને રસ્તાઓ દિવસો સુધી બંધ થઈ જાય છે. એટલે જે કોઈને પૂછ્યું તે બધાએ યાત્રા કરવાની સલાહ આપી. હરદ્વારના પ્રવાસ - આયોજકો સાથે વાત કરી. તો કોઈએ જણાવ્યું કે અમારી બસો દિવસોથી ફસાઈ પડી છે, તો કોઈએ કહ્યું કે અમારી ટેક્ષીઓ મહિનાથી પાછી ફરી નથી. પણ અમારા દિમાગમાં એક જીદ્દ સવાર થઈ હતી. ફરી પાછું ક્યારેય નીકળાય અને જ્યારે નીકળી શકાય ત્યારે કેદારનાથની યાત્રા કરવાની શારીરિક ક્ષમતા હોય કે હોય!

 

સાંજેહરકી પૌરી' પર ઠંડા જળમાં ડૂબકી મારીને એક તરફ તનને ગંગાસ્નાનથી પવિત્ર કર્યું, તો બીજી તરફ કોઈપણ ઉપાયે કેદારનાથબદ્રીનાથ જવાનો નિર્ણય પાકો થયો. બદ્રીનાથ - કેદારનાથ - ગંગોત્રીથી વહીને હરદ્વારમાં આવતા ગંગાજીના પવિત્ર જળના સ્પર્શે ઉત્સાહ જાણે કે બમણો થઈ ગયો, તો મનોરમ્ય અને ભાવવિભોર બનાવતી ગંગાજીની આરતીએ અમારા નિર્ણયમાં કેદારનાથના હિમાચ્છાદિત શિખરોનું દર્શન કરવા અદમ્ય શ્રદ્ધા ભરી દીધી.

 

બીજે દિવસે ઋષિકેશ સુધી વધુ તપાસ માટે ધક્કો ખાધો. ટેક્ષી તો કોઈ આપવા તૈયાર નહોતું, એટલી માહિતી મળી કે તે તરફ જતી પેસેન્જર બસો (સ્થાનિક મુસાફરોની સગવડ માટે) શક્ય હોય ત્યાં સુધી જાય છે. એવી પણ માહિતી મળી કે કેદારનાથ તરફ સોનપ્રયાગ સુધી (ત્યાંથી કેદારનાથ તે સમયે ચાલીને જવું પડતું હતું) જતી બસો ચાલુ છે અને આતુર એવા અમે તો ઝૂકાવી દીધું. બીજા દિવસે સવારે ઊપડતી બસની ટીકીટો પણ બુક કરાવી દીધી અને તે દિવસે સાંજે ઋષિકેશ જઈને ધામો પણ નાંખી દીધો. લક્ષ્મણઝૂલા અને ગંગાના કિનારાના અન્ય અનેક મંદિરોના દર્શન કરતી વખતે પણ મન તો દૂર દૂર બસો ત્રણસો કિલોમીટરના અંતરે આવેલા કેદારનાથ અને બદ્રીનાથ પહોંચી ગયા હતા. ઋષિકેશની ગુજરાતી ધર્મશાળાના મેનેજરે પણ અમને જવાની સલાહ આપી, પણ શિવજીનું તેડું અમે ટાળી શક્યા. બીજે દિવસે વહેલી સવારે ઋષિકેશથી એક સ્થાનિક મિત્રે અમને વિદાય આપી ત્યારે તેને ખાત્રી હતી કે અમારી યાત્રા અધૂરી રહેશે. વરસાદ તો ચાલુ હતો.

 

અમારી બસમાં અમારા પાંચ સિવાય બધા જ સ્થાનિક મુસાફરો હતા. ઋષિકેશ હિમાલયની અંદરના જમ્નોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ વગેરે યાત્રાસ્થાનો અને અનેક શિખરોએ પહોંચવા માટેનું એક પ્રવેશદ્વાર છે. ત્યાંથી સ્થાનિક બસો જમ્નોત્રી, ગંગોત્રી, કેદારનાથ (સોનપ્રયાગ સુધી), બદ્રીનાથ વગેરે સ્થળોએ જવા માટે નીકળે છે. હિમાલયના વિસ્તારોમાં રાત્રે વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વાહનો ચાલે છે. સૂર્યાસ્ત સમયે નજીકના સ્થળે રોકાઈ જવું પડે. કેટલાક રસ્તા સાંકડા હોવાથી એકમાર્ગી છે (one-way) છે. ત્યાં દરેક બાજુથી પ્રવેશવાના નિશ્ચિત સમય હોય છે. એક તરફથી પ્રવેશેલા વાહનો બીજી તરફ પહોંચી શકે તેટલા સમયની ગણતરી કરીને બંને તરફથી પ્રવેશવાના સમયો નક્કી કરવામાં આવે છે.

 

ઋષિકેશથી જમ્નોત્રી અને ગંગોત્રી તરફ જતા વાહનો તેહરી (ગઢવાલ) ના રસ્તે જાય છે, તો કેદારનાથ અને બદ્રીનાથ તરફ જતા વાહનો ગંગા નદીને કિનારે કિનારે શ્રીનગર (ગઢવાલ), દેવપ્રયાગ અને ત્યાંથી રૂદ્રપ્રયાગ સુધી એક માર્ગે જાય છે. દેવપ્રયાગમાંભાગીરથીઅનેઅલકનંદાનો સંગમ થાય છે અને ત્યાંથી તેગંગાનામ ધારણ કરે છે. જ્યાં બે નદીનો સંગમ થતો હોય તે સ્થળના નામની સાથેપ્રયાગલગાડવામાં આવે છે.

 

અમે નિર્વિઘ્ન દેવપ્રયાગ પસાર કરીને બપોરે તો ગઢવાલ જીલ્લાના શ્રીનગર પહોંચી ગયા. દિવસ ખુશનુમા હતો. વરસાદ પણ બંધ હતો. હિમાલયની ભરપૂર વનરાજીઓ, કલ કલ નહીં, પણ શોરગુલ મચાવીને વહેતા ઝરણાઓ, ક્યાંક દેખાતા હિમાચ્છાદિત શિખરો અને હિમનદીઓ વચ્ચે વસેલું શ્રીનગર રમણીય છે. થોડું રોકાઈને ત્યાંથી નીકળી બસ રૂદ્રપ્રયાગ પહોંચી ત્યારે સૌમ્ય મંદાકિની અને તોફાની અલકનંદાનો સંગમ, તેમના ભારે ઘોંઘાટભર્યા મિલનથી અમને આકર્ષી રહ્યો. કાકાસાહેબ કાલેલકરે તેમના 'હિમાલયનો પ્રવાસ'માં મંદાકિનીને શરમાળ કન્યા અને અલકનંદાને નટખટ યુવતી સાથે સરખાવી છે. અહીંથી મંદાકિનીને કિનારે કિનારે કેદારનાથ પહોંચાય છે. રૂદ્રપ્રયાગથી તિલવાડા- ઉખીમઠ થઈને સાંજે ચારેક વાગ્યે ગુપ્તકાશી પહોંચ્યા ત્યારે હેમખેમ સોનપ્રયાગ પહોંચી જવાની ખાત્રી થઈ ચૂકી હતી. વરસાદ બંધ હતો. ગુપ્તકાશીથી એક યુવાને અમારી સાથે આવી, અમે ગુજરાતથી આવીએ છીએ કે કેમ અને અમારે કેદારનાથ જઈને કાંઈ ધાર્મિક વિધિ કરાવવાની છે કે કેમ એવી પૃછા કરી, ત્યારે અમે એને અવગણી કાઢ્યો.

 

અમારો વિશ્વાસ થોડાક કિલામીટર દૂર જઈને ખોટો પડ્યો. સોનપ્રયાગ તો ઘણું દૂર હતું. તે પહેલા એક જગ્યાએ રસ્તો તૂટીને નીચે જતો રહ્યો હતો. વળાંકના લીધે ઘણે દૂર રહેલું એક નાનું ગામ નજરે પડતું હતું. સાંજ થઈ ગઈ હતી. ડ્રાઈવરે કહ્યું કે તે હવે બસ પાછી લઈને ગુપ્તકાશી જશે. અમે અંતરિયાળ અટકી ગયા હતાં. ગુપ્તકાશી પાછા જવું એટલે પ્રવાસનું અચ્યુતમ્! બસના સ્થાનિક મુસાફરો તો પોતપોતાના પોટલાં માથે ચઢાવીને બાજુમાં રહેલો ડુંગર ચડી પેલે પાર પહોંચવા નીકળી પડ્યા હતા. અનિર્ણાયકતાની ઘડીમાં શ્રદ્ધા જીતી, શ્રદ્ધાથી સાહસ પેદા થયું અને અમે પણ સ્થાનિક માણસો સાથે, એક માણસને અમારો સમાન ઉચકવા સમજાવી, તેના સહકારથી, કાદવીયો ડુંગર ચઢી ગયા અને સામે દેખાતા ગામ ફાંટા પહોંચી ગયા . રસ્તા પર રહેલું ગામ એટલે નાની હાટડીઓ સિવાય કઈ નહોતું. તપાસ કરતા ઉતારા માટે એક ઝૂંપડી મળી શકી. સો ચોરસ ફૂટ કરતાં નાની ઝૂંપડીમાં પાંચ જણનો સમાવેશ કરીને રાત કાઢવા સિવાય છૂટકો પણ નહોતો. તકલીફમાં પણ સ્થાનિક ધાબાવાળાએ અમને ત્યાં સરસ દાળભાત, શાક, રોટલી તો બનાવી આપ્યા. ઝૂંપડીની પાછળ થઈને વહેતા એક નાના ઝરણાનો અવાજ જોરદાર હોવા છતાં, હાલરડા જેવો મીઠો લાગ્યો. બીજું એક કુટુંબ થોડી વાર પછી અમારી બાજુની ઝૂંપડીમાં આવીને રોકાયું. વાત કરતા જાણવા મળ્યું કે તેઓ કલકત્તાથી વિમાનમાં દિલ્હી અને ત્યાંથી ટેક્સી કરીને આવ્યા હતા, પણ ટેક્ષી રસ્તો બંધ હતો ત્યાં છોડી આવ્યા હતા. એમણે આગળ જવાનું રદ કરીને પરત ફરવાનો નિર્ણય કર્યો હતો અને ફક્ત રાત કાઢવા ફાંટા આવ્યા હતા.  થાકને કારણે ક્યારે સવાર થઈ ગઈ તેની ખબર પડી. રાત્રે થોડો વરસાદ પડ્યો હતો. સવારે ઊઠીને પહેલું કામ સોનપ્રયાગ સુધીની પદયાત્રા હતી. તપાસ કરતા સદભાગ્યે એક મજૂર મળી ગયોસામાન ઉપાડી લેવા માટે. ચા પીતા પીતા સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા, રસ્તા પર હોઈએ અને ભૂપ્રપાત થાય તે પહેલાના ચિહ્નો સમજવા પ્રયત્ન કર્યો. ચા અને નાસ્તો ત્યાં પતાવીને અમે ચાલી નીકળ્યા - દસ-બાર કિ.મી. જેટલું અંતર પગપાળા કાપવા!

 

 

અમારા આશ્ચર્ય વચ્ચે, ગુપ્તકાશીમાં જેને અમે નિરાશ કર્યો હતો તે યુવાન, કિશન, પણ ત્યાં રોકાયો હતો. તે અમારી સાથે આવવા તૈયાર થયો ત્યારે અમે સ્પષ્ટતા કરી કે તેણે અમારી પાસે કોઈ મોટી અપેક્ષા રાખવી નહિ, પણ અમે એક ભોમિયા તરીકે તેને સ્વીકાર્યો. કાદવ-કીચડવાળા રસ્તે અલકમલકની વાતો કરતા અમારી પદયાત્રા શરૂ થઈ. મંદાકિનીને કિનારે દરેક વળાકે આવતા પ્રકૃત્તિ સૌંદર્યને માણવાનો લ્હાવો અમને આપવા માટે કુદરતે આવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હશે! ક્યાંક તૂટેલા રસ્તાઓ વચ્ચે બસો અને ટેક્ષીઓ ફસાઈ ગયા હતા, ક્યાંક સરકારી માણસો રસ્તો બનાવવાના પ્રયત્નો કરતા હતા. ક્યાંક કાપીને નદીમાં વહાવી દેવા માટે રાખેલા ચીલ અને દેવદારના લાકડાના ઢગલા પડેલા હતા. નદીના પાણી માલવહન પણ કરે છે તે પહેલી વાર જાણ્યું! જંગલમાં એક જગ્યાએથી કાપેલા ઝાડના થડને નિશાની કરીને નદીમાં વહાવી દેવાય છે અને તણાતા તણાતા, ટ્રક કરતા વધુ ઝડપે તે છેક ઋષિકેશ પહોંચી જાય છે. ત્યાં લાકડાને કોન્ટ્રાકટરના માણસો કાઢી લે છે. ચાલતા ચાલતા અમે પાણીથી ચાલતી ઘંટીઓનું પણ નિરીક્ષણ કર્યું. પહાડના ઢોળાવ પરથી પડતા પાણીને ભૂંગળામાં થઈને એવી રીતે પસાર કરવામાં આવે છે કે તેના ધોધથી અનાજ દળવાની ઘંટીઓ ચાલે છે. વિસ્તારમાં મોટા ભાગની ઘંટીઓ રીતે ચાલે છે.

 

આજુબાજુ છૂટી છવાયી વસ્તી હતી. પૂછતા જણાયું કે ત્યાં પર્વતના ઢોળાવોમાં ક્યારીઓ બનાવીને મુખ્યત્વે બાસમતી ચોખાની ખેતી થાય છે. વસ્તીના ઘણા ખરા પુરૂષો ક્યાં તો મીલીટરીમાં નોકરી કરી આવ્યા હોય છે કે કરતા હોય છે.

 

પદયાત્રા દરમ્યાન ભૂપ્રપાતનો અનુભવ પણ કરી લીધો. અમારામાંથી બે જણ થોડા આગળ હતા અને ત્રણ જણ પાછળ, તેવામાં એક જગ્યાએ  ઉપરથી રસ્તા પર માટી અને પથરાઓ પડવા માંડયા. રસ્તા ઉપર કામ કરી રહેલા માણસોએ અમને ચેતવ્યા. અમારામાંના આગળ જતા બે જણ દોડીને આગળ ભાગી ગયા, જયારે પાછળના ત્રણ જણા થોડા પાછળ હટીને ઊભા રહી ગયા. ત્યાં ધમાકા સાથે પહાડનો ટૂકડો તૂટીને રસ્તા ઉપર ઢગલો થઈ ગયો! પહાડ જેવા પહાડની પણ અહીં આવી દશા થતી હોય તો માણસનું શું ગજું? સ્થાનિક માણસોએ અમને હિંમત આપી કે આવું તો વારંવાર બને છે. પહાડ તૂટવાનું પૂરૂં થયું. છેલ્લા થોડા પથ્થરો પણ પડી રહ્યા એટલે પાછળ રહેલા ત્રણે જણા ઢગલો ચઢીને ઓળંગી ગયા અને અમારી પદયાત્રા આગળ વધી.

 

બાર વાગ્યે સોનપ્રયાગ પહોંચ્યા ત્યારે એવા થાકી ગયા હતા કે આગળ વધવાના હોંશ નહોતા. અમારી પાછળ પાછળ આવી પહોંચેલો કિશન અમારી હિંમતને દાદ આપતો હતો. સોનપ્રયાગના સ્થાનિક ધાબાવાળા અને અન્ય માણસો અમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. બપોર થવાના કારણે ઘોડાવાળા બધા ચાલી ગયા હતા. છતાં એક મળી ગયો. મહિલાઓ માટે કંડી નક્કી કરવામાં આવી. કંડી એટલે એક એવો કરંડીયો જેમાં બેસી શકાય અને મજુરો તેને ખભે ઉપાડીને ચાલી શકે. કિશનને અમે હવે અમારા ગાઈડ તરીકે સ્વીકારી લીધો હતો અને તેની સાથે અમારી યાત્રા શરૂ થઈ. ત્રણ કંડીવાળા ગુરખાઓ, એક ઘોડાવાળો છોકરો અને કિશન, એમ પાંચ માણસો અમારા સંઘમાં ઉમેરાયા. હજાર ફૂટની ઊંચાઈએ આવેલા સોનપ્રયાગથી સાડાબાર હજાર ફૂટ ઊંચાઈએ આવેલા કેદારનાથ સુધીનું ચઢાણ ખૂબ કપરૂં હતું. વરસાદ ચાલુ હતો અને તેને કારણે ઠંડી પણ લાગતી હતી. આવા વાતાવરણમાં પ્લાસ્ટીકના રેઈનકોટ ખૂબ રાહતરૂપ બન્યાત્યાં સુધી કે બેગમાંના કપડાઓ ભીના થઈ ગયા હતા ત્યારે ગૌરીકુંડના ગરમ પાણીમાં નહાવા માટે પણ તે કામ આવ્યા.

 

કેટલીક જગ્યાએ રસ્તો સાંકડો હતો, જે ચીકણો બની ગયો હતો. લપસ્યા તો સીધા મંદાકિનીની ખીણમાં થઈને ઉપર પહોંચવાનું હતું. અજાણ્યો અને નિર્જન પ્રદેશ હતો અને અમે બે પુરૂષો અને ત્રણ મહિલાઓની સાથે પાંચ અજાણ્યા પુરૂષો હતા. તેમની દાનત બગડી તો! રસ્તો તદ્દન સુમસામ હતો. મહિલાઓ ક્યારેક કંડીમાંથી ઉતરીને ચાલવાનું પસંદ કરતી, પણ ચઢાણ હોવાથી, અને ઊંચાઈના કારણે હવા પાતળી થવા માંડી હોવાથી જલદી થાકી જવાતું હતું. મારા મિત્ર પણ વારંવાર ઘોડા પરથી ઉતરી જતા. હું કિશન સાથે વિવિધ પ્રકારની વાતો કરતો ચાલતો રહ્યો. અનુભવી યુવાન પાસેથી પ્રદેશ અંગે ઘણું જાણવા મળ્યું. પદયાત્રા દરમ્યાન હિમાલય અમને વડીલ સમાન લાગ્યો. તેની શીળી ગોદમાં મનમાં કોઈ ભય પેદા થયો! હિમાલયના અદભૂત પ્રકૃતિસૌંદર્યનું જે પાન અમે દરમ્યાન કર્યું તે અવર્ણનીય છે. ત્રણેક વાગે ગૌરીકુંડ પહોંચીને ત્યાંના ગરમ પાણીમાં નિરાંતે સ્નાન કરીને શરીરનો થાક અડધો દૂર કર્યો. કુદરતે કદાચ શ્રદ્ધાળુ યાત્રીઓનો પદયાત્રાનો થાક ઉતારવા માટે સાત સાડાસાત હજાર ફૂટની ઊંચાઈએ ગરમ પાણીની વ્યવસ્થા કરી હશે!

 

કિશન મને વારંવાર કહેતો હતો કે અંધારૂં થાય તે પહેલા રામબારા પહોંચી જઈએ તો સારૂં. તેના ચહેરા પર ઉચાટ હતો. એટલે શક્ય તેટલી ઝડપથી રસ્તો કાપવાનો પ્રયત્ન કરતા હતા. અંધારૂ થવાને થોડી વાર હતી ત્યારે અમે એક એવી જગ્યાએ આવી પહોંચ્યા, કે જયાં પહોંચીને સાહસ કરવા બદલ ક્ષણભર તો પસ્તાવો પણ થયો! રસ્તો તૂટીને વહી ગયો હતો અને ફક્ત એક- દોઢ ફૂટ જેટલી પહોળી કેડી રહી ગઈ હતી. કેડીની ડાબી બાજુએ દિવાલ સમાન પહાડ હતો તો જમણી બાજુએ ઊંડી ખીણ. પહાડ ઉપરથી નાના ધોધરૂપે પાણી પડતું હતું, જે થોડું કેડી ઉપર અને વધારે સીધું ખીણમાં જતું હતું. ક્યારેક પાણીની સાથે નાના મોટા પથરા પણ આવતા હતા. અમે બધા ઊભા રહી ગયા. કિશને આ સ્થળ પાર કરવામાં રહેલા જોખમોથી અમને અને ગુરખાઓને વાકેફ કર્યાં. શરૂઆતમાં એકબીજાના હાથ પકડી ધોધની નીચેથી દોડીને અમે કેડી પાર કરી ગયા. ત્યાર પછી ઘોડાવાળા સાથે મિત્ર પ્રહલાદ અને ગુરખાઓ સાથે વારાફરતી મહિલાઓ પણ સ્થળ પાર કરી ગઈ ત્યારે કિશનના મોં ઉપર સંતોષની રેખાઓ ઉપસી આવી. તે બોલી ઊઠ્યો, “મુઝે ઈસકા બહુત ડર થા ઔર આપ સબ અકેલે હી ચલે થે.'' કદાચ માટે તો અમારી સાથે નહોતો આવ્યો?

 

અડધોએક કલાક ચાલીને રામબારા પહોંચ્યા ત્યારે અંધારૂં થઈ ગયું હતું અને વરસાદ પણ ચાલુ હતો. ઠંડીનું પ્રમાણ ખૂબ વધ્યું હતું. અમને જોઈને ત્યાંના માણસો પણ આશ્ચર્ય પામી ગયા. કેદારનાથથી પાછા ફરી રહેલા કેટલાક યાત્રીઓ ત્યાં બે દિવસથી રોકાઈ ગયા હતા. તે રાત્રે અમે ત્યાં રહેવા જમવાની સગવડ કરી. અમારા દશ જણાના કાફલા માટે હજુ કેદાર ઘણું દૂર હતું અને હવે ચઢાણ મુશ્કેલ હતું. રામબારામાં હવા પાતળી હોવાથી રાત્રે અમારા સૌના શ્વાસ ધમણ ચાલતી હોય તેમ ચાલતા હતા. ઠંડી ભારે હતી અને લગભગ બધા કપડા ભીના થઈ ગયા હતા. અમારા સાહસને ગાંડપણ કહેવું કે સાહસ તેની ચર્ચા કરતા રાત્રે બે-બે ત્રણ-ત્રણ ગોદડા ઓઢીને પડયા ત્યારે બીજો દિવસ કેવો જશે તેની ચિંતા નહોતી, કારણ કે હવે અમે ભગવાન શિવથી થોડાક દૂર હતાં!

 

સવારે ઊઠ્યા ત્યારે પણ વરસાદ ચાલુ હતો. ઠંડી પણ ભારે હતી. ચા નાસ્તો કરીને અમે નીકળી પડયા. ઠંડીમાં સ્નાન તો શક્ય નહોતું. હવામાં ઘટતા જતા ઓક્સિજનના પ્રમાણને કારણે કારણે પડતી મુશ્કેલીનો ખ્યાલ હવે આવવા માંડયો હતો. હાંફ એટલો ચડી જતો હતો કે થોડું ચાલીને ઊભા રહી જવું પડતું. કિશને જણાવ્યું કે બધા વિસ્તારમાં સાત આઠ માસ સુધી તો બરફ છવાયેલો રહે છે. વૈશાખથી આસો સુધી રસ્તો ખુલ્લો રહે છે, પણ વૈશાખ - જેઠમાં મોટા ભાગના વિસ્તારોમાં બરફ જોવા મળે એ કારણે આપણે ત્યાં ભારે ઉનાળો પ્રવર્તતો હોય ત્યારે ત્યાં સખત ઠંડી અનુભવાય છે. જેમ જેમ બરફ ઓગળતો જાય તેમ તેમ ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય છે. આમ શ્રાવણમાં જ્યારે અમે ત્યાં હતા ત્યારે ઠંડીનું પ્રમાણે સૌથી ઓછું હતું. સૌથી ઓછા પ્રમાણને ધીમો વરસાદ અને સાથે ફૂંકાતો પવન અસહ્ય બનાવી રહ્યો હતો. આઠ હજા૨ ફૂટથી વધુ ઊંચાઈના વિસ્તારોમાં મોટા વૃક્ષો ઓછા દેખાતા હતા. નાના નાના છોડ, હરિયાળા ઘાસ અને તેમાં ખીલેલા રંગબેરંગી ફૂલો, ફરતેથી ડોકાતા બરફની સફેદ ટોપી ઓઢેલા શિખરોની વચ્ચે આહ્લાદક લાગતા હતા. નીચે સેંકડો ફૂટ ઊંડી ખીણ બનાવીને મંદાકિની વહી રહી હતી. આટલી ઊંચાઈએ પણ ઘેટાં-બકરાં નિરાંતે ચરી રહ્યાં હતાં, તે જોઈને અમને આશ્ચર્ય થયું.

 

રામબારાથી નીકળ્યા પછી ખાસ કોઈ વિઘ્ન આવ્યું નહિ. કેદારનાથ બે કિલોમીટર દૂર રહ્યું ત્યારે કિશન અમારી રજા લઈને તેની અનુભવસાધ્ય ઝડપી ચાલ ચાલી આગળ નીકળી ગયો, ઉતારે પહોંચીને અમારે માટે સગડીગરમ પાણીની વ્યવસ્થા કરવા માટે. અગિયારેક વાગ્યે કેદારનાથનું મંદિર દેખાયું. જાણે શિવ સ્વયં પ્રગટ થયા હોય. તેમને ભેટવા દોડતા હોય તેમ અત્યંત થાકેલા હોવા છતાં મંદાકિનીને ઓળંગીને અમે ઝડપથી ટેકરી ચડી ગયા. આકાશ વાદળોથી  આચ્છાદિત હતું એટલે પાછળનું કાંઈ દેખાતું નહોતું. કિશને આપેલી નિશાનીના આધારે આગળ વધી તેનાગુજરાત ભવન'માં પેઠા ત્યારે એવો તો સંતોષ થયો! પણ કિશને અમને વધુ આરામ લેવા દીધો. “બાબુજી, ગરમ પાની તૈયાર હો ગયા હૈ, આપ સબ સ્નાન કર લે તો હમ મંદિરમે પૂજા કે લિયે જા શકતે હૈં.”

 

તૈયાર થઈને બહાર નીકળ્યા ત્યારે લાગ્યું કે અત્યાર સુધી ભગવાન શંકર અમારી કસોટી કરી રહ્યા હતા. હવે આકાશ નિરભ્ર થઈ ગયું હતું અને મધ્યાહ્રના સૂર્યનો પ્રકાશ, કેદારનાથના મંદિરની છત્રી બનીને પાછળ ઊભેલા ૧૫ થી ૨૦ હજાર ફૂટ ઊંચા હિમાચ્છાદિત શિખરો પરથી પરાવર્તીત થઈને, અમારી આંખોને આંજી રહ્યો હતો. મધ્યાહ્રના સૂર્યકિરણોથી શિખરો રૂપલે મઢ્યા હોય તેવા લાગતા હતા. ભગવાન શિવને ભૂલીને અમે થોડીવાર તો તેમના કૈલાસને નીરખી રહ્યા, જુદી - જુદી જગ્યાએથી, જુદે જુદે ખૂણેથી!

 

મંદિરમાં જઈને કેદારનાથના જ્યોતિર્લિંગની પાસે બેસી તેની પૂજા ત્યાંના પૂજારીની મદદથી   શાંતિથી સર્વ વિધિ સહિત કરી, કારણ કે તે દિવસે ત્યાં પ્રવેશનાર યાત્રાળુઓ અમે પાંચ હતા - અને તે પણ બે દિવસ પછી..! કોઈ ગીરદી નહોતી. ભગવાન શિવે અમને તેમના ખોળે બેસાડી વહાલ સાથે પૂજા કરવાની તક આપવા તો સ્થિતિ નહોતી સર્જી? અગાઉ આવેલા અને રોકાઈ પડેલા યાત્રાળુઓ છૂટા છવાયા દેખાતા હતા. બહાર નીકળ્યા ત્યારે પેલા શિખરો પાછા વાદળોમાં ઓઝલ થઈ ગયા હતા. ઉતારે પહોંચીને કિશને તૈયાર કરાવેલી સુંદર રસોઈ જમીને બધા ઊંઘી ગયા.

 

ત્રણેક વાગ્યે અચાનક આંખ ઉઘડી અને બારીમાંથી જોયું તો પેલા શિખરો હવે રૂપામાંથી સોનાના બની રહ્યા હતા. જેમ જેમ સૂર્ય નમતો જતો હતો તેમ તેમ શિખરોના રંગો રૂપેરીમાંથી સોનેરીમાં બદલાતા જતા હતા. ઝડપથી બધાને ઊઠાડ્યા. ચા પીને બહાર નીકળી પડયા અને કેદારનાથના પ્રકૃતિ સૌંદર્યનું મન ભરીને પાન કર્યું. ત્યાંના અદભૂત સૌંદર્યને જોઈને લાગ્યું કે હવે કદાચ દુનિયાનું કોઈ હીલ સ્ટેશન, આની જોડે સરખામણી થઈ જવાને કારણે, સુંદર નહિ લાગે. અહીં પહોંચવા માટે અમે વેઠેલી તકલીફોનું વળતર, અમને સંતોષ દ્વારા અનેકગણું મળી ગયું. પાછળ ઊંચા સદાય બરફાચ્છાદિત રહેતા શિખરો, વચ્ચે કેદારનાથનું મંદિર, દુકાનો, ધર્મશાળાઓ વગેરે અને નીચે મંદ ગતિએ વહી જતી મંદાકિનીની ખીણ. નદીને કિનારે બંને બાજુ ભગવાનને નમન કરતા દ્વારપાલ સમા અન્ય નાના શિખરોનું અદભૂત દૃશ્ય જોયા વિના કલ્પી શકાય. (૨૦૧૩ની હોનારત પછી નવનિર્માણ પામેલા કેદારનાથ ધામમાં હવે તો ઘણું પરિવર્તન આવ્યું છે)

 

સાંજે ફરી પાછા જ્યોતિર્લિંગના દર્શન કર્યા, મંદાકિનીને કિનારે ફરી પ્રકૃતિનું પાન કર્યું, આરતીમાં ભાગ લીધો અને કિશને આટલી ઊંચાઈએ પણ અમારે માટે બનાવડાવેલ દૂધપાક-પૂરી જમીને સૂતા ત્યારે એક અલૌકિક અનુભૂતિની અસર અમારા મન ઉપર એટલી હતી કે અમારી વાતો મોડી રાત સુધી ખૂટી.

સવારે ચા પાણી કરી સાત વાગે કેદારનાથથી ચાલવાનું શરૂ કર્યું, ત્યારે મોસમ સુધરી ગઈ હતી. ઉતરવાનું હતું એટલે ઝડપથી ચાલી શકાતું હતું. રામબારામાં ભોજન કર્યું, ફરી ગૌરીકુંડમાં સ્નાન કર્યું, અને ત્રણેક વાગ્યે સોનપ્રયાગ પહોંચ્યા. ત્યાંથી બે ગામો વચ્ચે ફેરા કરતી એક ફસાઈ ગયેલી બસમાં થોડે સુધી અને ત્યાંથી ફરી પદયાત્રા કરીને પાંચ વાગ્યે ફાંટા પહોંચ્યા ત્યારે ત્યાંથી ગુપ્તકાશી જતી છેલ્લી બસ ઉપડવાની તૈયારી હતી. ડ્રાઈવરે ઓવરલોડ પેસેન્જરો લેવાની આનાકાની કરી તેને કિશને ગમે તેમ કરીને સમજાવી દીધો. સાંજે વાગ્યે ગુપ્તકાશી પહોંચ્યા ત્યારે આકાશ સ્વચ્છ હતું. હિમાચ્છાદિત શિખરો દૂર દૂર દેખાતા હતા. આટલા ઓછા સમયમાં ત્રીસેક કિલોમીટર જેટલું ચાલીને અમને ગુપ્તકાશી પહોંચેલા જોઈ લોકોને આશ્ચર્ય થતું હતું, કિશને ત્યાં પણ ઉતારાની વ્યવસ્થા કરી. અમે એટલા થાકી ગયા હતા કે દશ પગથિયા ઉતરીને જમવા જવાનું પણ ભારે તક્લીફભર્યું લાગતું હતું, પણ ભૂખ તો લાગી હતી. જમતા જમતા ગુપ્તકાશીની દેશી હોટલમાં બેસીને અમારી યાત્રાની વાતો ત્યાંના સ્થાનિક માણસો અને બસોના ડ્રાઈવર- કંડકટરોને કરી ત્યારે સૌના મોંમાં શબ્દો હતા, “કમાલ કર દિયા આપને!"

 

હજુ બદ્રીનાથની યાત્રા બાકી હતી અનેબદ્રી વિશાલે' પણ અમારી કસોટી કરવાની તૈયારી કરી રાખી હતી, જેનું વર્ણન હવે પછીના લેખ 'જય બદ્રી વિશાલ' માં.

 

No comments:

Post a Comment