Tuesday, August 2, 2022

સિનિયર સિટીઝન્સ અને ઈન્ટરનેટ

 સિનિયર સિટીઝન્સ અને ઈન્ટરનેટ


હું લગભગ વીસેક વર્ષ પહેલા કોમ્પ્યુટર શીખ્યો અને લગભગ ૧૭ વર્ષથી ઈન્ટરનેટનો ઉપયોગ કરું છું. એ અગાઉ કોમ્પ્યુટર, અત્યારે અનેક વડીલોને માટે છે તેમ, મારે માટે પણ એક રહસ્યમય સાધન હતું. કોમ્પ્યુટર શીખવાની જરૂરત તો વ્યવસાયિક (પ્રિન્ટીંગ) કારણોસર પડી, પણ એક વખત એની ખૂબીઓ અને ઉપયોગિતા, તથા ઈન્ટરનેટના પરિચયમાં આવ્યા પછી એ એક અત્યંત ઉપયોગી સાથી બની ગયું. કોમ્પ્યુટરની રચના અને તેના ઉપયોગો વિષે સરળ ગુજરાતી ભાષામાં એક પુસ્તક પણ લખીને દશેક વર્ષ પહેલા પ્રસિદ્ધ કર્યું અને તે લોકપ્રિય પણ બન્યું. આ પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એ કે હવે પછી હું જે કાંઈ જણાવવા માગું છું તે અનુભવસિદ્ધ છે તેની પ્રતિતી થાય.

પ્રથમ તો એ કે કોમ્પ્યુટર શીખવું કાંઈ અઘરું નથી, ફક્ત થોડા દિવસોમાં સરળતાથી શીખી શકાય. બીજું, નિવૃત્ત વડીલો માટે એ ખૂબ જ ઉપયોગી સાધન બની શકે છે - અનેક રીતે. હવે કોમ્પ્યુટરની ખૂબીઓ નાનકડા સ્માર્ટફોનમાં પણ સમાવી લેવામાં આવી છે અને તેનો પણ સંદેશાવ્યવહારની સાથે કોમ્પ્યુટર તરીકે ઉપયોગ કરી શકાય છે.

વડીલો માટે ઉપયોગી એવા સોસિયલ મીડીયા અંગે વાત કરતા પહેલા અન્ય કઈ રીતે તેઓ તેનો ઉપયોગ કરી શકે તે જાણીએ. અમૂક ઉંમર થયા પછી સૌથી મોટી મુશ્કેલીઓ બે હોય છે – લખતી વેળા આંગળાની કંપન અને વાંચતી વેળા આંખના નંબરના કારણે પડતી તકલીફ. લખવામાં કોમ્પ્યુટરનો ઉપયોગ શરૂઆતમાં કંટાળાજનક લાગે, પણ થોડા સમયમાં તેનાથી ટેવાઈ જવાય છે અને પછી તો હાથ લખવા કરતા પણ વધારે ઝડપથી લખી શકાય છે. તમારે જે કાંઈ લખવું હોય - પછી તે હિસાબની નોંધ હોય, પત્ર હોય કે અન્ય કોઈ પણ, તેને જ્યાં સુધી રાખવું હોય ત્યાં સુધી સાચવી શકાય છે, કોઈને મોકલવું હોય તો ઈમેલ, વોટ્સએપ, મેસેન્જર જેવાનો ઉપયોગ કરીને જેને મોકલવું હોય તેને મોકલી શકાય છે અને કાગળ ઉપર પ્રિન્ટ કરીને પણ રાખી શકાય છે. ઈન્ટરનેટ દ્વારા બેન્કની સવલતોનો ઉપયોગ કરવા માગો તો ધ્રૂજતા હાથે થતી સીગ્નેચરના કારણે પડતી મુશ્કેલી પણ નિવારી શકાય.

કોમ્પ્યુટરમાં રહેલી કોઈપણ બાબત વાંચવા કે જોવા માટે તેને નાની કે મોટી કરીને જોઈ-વાંચી શકાય છે. હવે તો છાપાઓ, મેગેઝીનો, પુસ્તકો વગેરે પણ ઈન્ટરનેટ ઉપર આવતા થયા છે એટલે આપણા ઘરે ફક્ત એક જ છાપું આવતું હોય તો પણ દુનિયાભરના છાપાઓ, લાઈબ્રેરીમાં ગયા વિના ઈન્ટરનેટ ઉપર શોધીને વાંચી શકાય છે. કોઈ પણ વિષય અંગે, કે કોઈ પણ સ્થળ અંગે જિજ્ઞાસા જાગે તો થોડાક શબ્દો સર્ચ એન્જીનમાં મૂકીને તેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત રેલ્વે, વિમાન કે બસમાં સીટ રીઝર્વેશન જેવી બાબતો પણ સરળતાથી ઘરે બેઠાં થઈ શકે. સમય પસાર કરવા માટે વિવિધ પ્રકારની રમતો પણ કોમ્પ્યુટર ઉપર રમી શકાય, જેમ કે ચેસ, સોલિટેર (પાના) જેવી રમતો પણ કોમ્પ્યુટરની સામે રમી શકાય. હું તો ચેસમાં ભાગ્યે જ કોમ્પ્યુટર સામે જીતી શક્યો છું, એટલા ઈન્ટેલીજન્ટ આ અને આવી અને અન્ય રમતોના સોફ્ટવેર હોય છે. તમારે કોઈ વસ્તુ ઘરે બેઠાં ખરીદવી હોય તો એના વિવિધ મોડેલ, ભાવ બધું તમારી સામે ઘરમાં કોમ્પ્યુટરમાં જ હાજર થઈ જાય છે અને ઓર્ડર આપો તો ઘરે પહોંચાડી પણ દે છે. તમારા વીજળી, ગેસ કે અન્ય બીલોનું પેમેન્ટ ત્યાં જઈને લાઈનમાં ઊભા રહ્યા વિના ઘરે બેઠાં થઈ શકે. આવી અનેક સુવિધાઓ કઈ રીતે મેળવવી તે શીખવા માટે કાંઈ વાર પણ ન લાગે. યુવાનો તો આ સગવડોનો ઉપયોગ કરતાં થઈ ગયાં છે, પણ ઘણા વડીલો હજૂ જૂની રીતે જ વ્યવહાર કરે છે અને ફક્ત ન શીખવાને કારણે તકલીફ વેઠે છે.

વડીલો, જેમને સમય પસાર કરવો મુશ્કેલ છે તેઓ માટે સૌથી ઉપયોગી છે ઈન્ટરનેટથી ચલાવાતું સોસિયલ મિડીયા, જેવાં કે ફેસબુક, ટ્વીટર, લીન્ક્-ઈન, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે. એમાં ફેસબુક સૌથી વધુ પ્રચલિત છે. જૂના પરિચયોને શોધીને તેમના સંપર્કમાં આવવાનું, જાણીતા લોકોના ફોટો અને પ્રવૃત્તિઓ વિશે જાણવાનું, આપણા જેવા રસ ધરાવતા અજાણ્યા લોકોને મિત્ર બનાવીને ગપ્પાં મારવાનું વગેરે આ માધ્યમ દ્વારા સરળતાથી થઈ શકે અને વડીલોને તો તેમાં ખૂબ રસ પડે. યુટ્યુબ ઉપર જૂનાં ગમતાં કિલ્મી ગીતો સાંભળવાનું, હિન્દી કે અંગ્રેજી કે કોઈ પણ અન્ય ભાષાની ફિલ્મો aઆખી જોવાનું, જોવાની રહી ગયેલી ટીવી સિરીયલો જોવાનું, કથાઓ કે ભાષણોમાં રસ હોય તો તે શોધીને સાંભળવાનું પણ અહીં શક્ય બને. તમારા ગમતા સ્થળના ફોટો જોવા હોય તો ઈન્સ્ટાગ્રામ ઉપર ફકત નામ લખીને તે સ્થળના સેંકડો ફોટો તમારી સામે આવી જાય અને તમને જાતે તે સ્થળે ફરી આવ્યાનો અનુભવ થાય. ટ્વીટર ઉપર થોડાંક શબ્દોમાં થતા રાજકારણ કે અન્ય વિષયોના ટીકા-ટિપ્પણ વાંચી શકાય - ભાગ લઈ શકાય.


ટૂંકમાં આ માધ્યમ જેટલું બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો માટે ઉપયોગી છે તેટલું જ વડીલો માટે પણ ઉપયોગી છે.



No comments:

Post a Comment