Thursday, August 18, 2022

જય બદ્રી વિશાલ

 



 

ગુપ્તકાશીથી સવારે નીકળી ઊખીમઠ થઈને નવેક વાગ્યે રૂદ્રપ્રયાગ પહોંચ્યા, જ્યાંથી બદ્રીનાથ જતી બસ તરત મળી ગઈ. ડ્રાઈવરે અમને જણાવ્યું હતું કે ઊખીમઠથી તુંગનાથ થઈને સીધો ચમૌલી જતો રસ્તો છે અને તે રસ્તે ખૂબ ઓછા સમયમાં અને ઓછા અંતરે કેદારનાથથી બદરીનાથ પહોંચાય છે. પણ રસ્તો ખૂબ ચડ ઉતરનો હોવાથી ઘણા ઓછા વાહનો રસ્તે જાય છે. રસ્તે આવેલું તુંગનાથનું મંદિર આશરે ૧૪૪૦0 ફૂટની ઊંચાઈએ આવેલું છે અને કેદારનાથ પછી શિવજીનું બહુ મોટું મંદિર છે.

 

રૂદ્રપ્રયાગથી બસમાં બેઠા ત્યારે ડ્રાઈવરે અમને સધ્યારો આપ્યો કે સાંજ સુધીમાં અમને બદ્રીનાથ પહોંચાડી દેશે. અલ્લડ અલકનંદાને કિનારે કિનારે કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમૌલી થઈને જોશીમઠ પહોંચ્યા ત્યારે ચાર વાગ્યાનો ગેટ બંધ થઈ ગયો હતો. ત્યાર પછી કોઈ વાહનોને બદ્રીનાથ તરફ જવા માટે પ્રવેશ (એકમાર્ગી હોવાથી) નહોતો. અમારે ત્યાં રહેવું ફરજિયાત હતું. રૂદ્રપ્રયાગથી જોશીમઠનો રસ્તો ખૂબ મુશ્કેલ હતો. દરેક દસ વીસ ફૂ ટે વળાંકો આવતા હતા. એક બાજુ પહાડની દિવાલ અને બીજી બાજુ ખતરનાક ખીણ, જો ડ્રાઈવર સહેજ ચૂકે તો ત્યાં અંત. વળાંક લેતા પહાડો પર દૂરથી દેખાતી બસો ભીંત પર ફરતી ગરોળીઓ જેવી દેખાતી હતી.

 

જોશીમઠ મોટો કસ્બો છે. આદિ શંકરાચાર્યે દેશના ચાર ખૂણે સ્થાપેલા ચાર મઠોમાંનો એક (અન્ય ત્રણ દ્વારકા, પુરી અને શૃંગેરી) ત્યાં આવેલો છે. તે ઉપરાંત ચીન - તિબેટની સરહદથી ફક્ત સાઠેક કિલોમીટરના વ્યૂહાત્મક સ્થળે આવેલું હોવાથી ત્યાં મોટી લશ્કરી છાવણી છે. જિલ્લા ગેસ્ટ હાઉસ રસ્તાની નજીકમાં હતું. ડ્રાઈવરે ખાત્રી આપી હતી કે સવારે ઊઠાડીને અમને લઈ જશે, એટલે તે રાત્રે નિરાંતે ઊંધ્યા. રાત્રે વરસાદ ખૂબ પડયો હતો તે સવારે જાણ્યું. ડ્રાઈવરે અમને ઊઠાડયા અને બસમાં બેઠા. બસ ત્યાંથી નીકળીને બે-ત્રણ કિલોમીટર દૂર જઈને અટકી ગઈ. રાતના વરસાદના કારણે આગળ ભૂપ્રપાત થયો હતો અને રસ્તો બંધ થઈ ગયો હતો. પાછા ફરીને જોશીમઠ આવી ગયા. બદ્રીનાથ સરહદથી ૧૫-૨૦ કિલોમીટર દૂર છે. છેક સરહદથી ઋષિકેશ સુધીનો રસ્તો લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વનો હોવાથી તેનો વહીવટ સરહદી રસ્તાઓની સંભાળ રાખતી લશ્કરની પાંખ કરે છે. એના માણસો રસ્તો બંધ થયાની ખબર પડતા પૂરતા સાધન સરંજામ અને મજૂરો સાથે ત્યાં પહોંચી જાય છે અને યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરી દે છે. એટલે બદ્રીનાથનો રસ્તો બે-ત્રણ કલાકમાં ખુલી જશે એવી આશા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી. પણ ઠેકઠેકાણે ગાબડા પડ્યા હોવાથી રસ્તો ખુલ્લો થતા બપોર થઈ ગઈ. પણ એની સાથે એક મુશ્કેલી આવી પડી.

 

જે બસ બદ્રીનાથ જવાની હતી, મતલબ કે જેમાં અમે આવ્યા હતા, તેને જોષીમઠથી રદ કરી પાછી રૂદ્રપ્રયાગ તરફ મોકલી દેવામાં આવી હતી. જોશીમઠથી રૂદ્રપ્રયાગ તરફના રસ્તે પણ  એવું ભારે ભંગાણ પડ્યું હતું કે તરફથી કોઈ વાહનો આવી શકે એમ નહોતું. એટલે બદ્રીનાથ જવાનો રસ્તો ખુલ્યો ત્યારે કોઈ વાહન નહોતું. પાછળનો રસ્તો ખૂલે અને કોઈ બસ આવે તેની રાહ જોવામાં ત્રણ વાગી ગયા. ચારનો ગેટ ફરી બંધ થાય તો બીજી રાત પણ ત્યાં કાઢવી પડે. સ્થાનિક બજારમાં પૂછપરછ કરતા તપાસ કરતા એક ટેક્ષી મળી ગઈ. ઉતાવળથી તેની જોડે નક્કી કરી બદ્રીનાથ જવા નીકળી પડયા.

 

જોશીમઠથી બદ્રીનાથનો ૪૫ કિલોમીટરનો રસ્તો અત્યંત ખતરનાક છે. એક મોટા પહાડને વચમાંથી ચીરીને વાંકીચૂકી વહેતી અલકનંદાને કાંઠે પહાડના એક બાજુના ફાડિયામાં કોતરી કાઢેલો રસ્તો કલ્પનાતીત છે. રસ્તો વીસ ફૂટ પણ સીધો નથી અને ઠેર ઠેર અંધ વળાંકો (blind curves) આવે છે. ડ્રાઈવર સહેજ ગફલત કરે તો સીધા સેંકડો ફૂટ નીચે અલકનંદાની ખીણમાં એવા ફેંકાઈ જઈએ કે ટુકડો મળે. જોષીમઠથી બદ્રીનાથ સુધીના રસ્તાની મુસાફરી રોમાંચક અને છે. દર વર્ષે કેટલાક વાહનો તો ખીણમાં અદશ્ય થાય છે જ (હવે એમાં ઘણું પરિવર્તન આવ્યું છે). રસ્તે ગોવિંદઘાટી નામનું સ્થળ આવે છે, ત્યાંથી ચાલીને દશેક કિલોમીટર દૂર આશરે ૧૩૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા શીખોના પવિત્રધામ હેમકુંડ સાહિબ જવાય છે અને પંદરેક કિલોમીટર જેટલું ચાલીને આશરે૧૨૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલીફૂલો કી ઘાટી' (Valley of flowers) જવાય છે. ફૂલોકી ઘાટીમાં સંખ્યાબંધ ખીણો રંગબેરંગી સુગંધિત ફૂલોથી આચ્છાદિત જોવા મળે છે. દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ ફક્તફૂલો કી ઘાટી' જોવા માટે અહીં આવે છે.

 

સાંજે બદ્રીનાથ પહોંચ્યા ત્યારે તે દિવસે ત્યાં પહોંચનાર પણ અમે પહેલા યાત્રાળુઓ હતા. ગીતા મંદિર ધર્મશાળામાં ઉતારો કરી બદરી વિશાળની આરતીમાં સામેલ થઈ ગયા. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથના ચરણોમાં બેસીને આરતી કરવાનો અલભ્ય લ્હાવો અમને તે દિવસે મળ્યો. બદ્રીનાથના ગર્ભગૃહમાં ભાવ વિભોર બનીને વિતાવેલો અડધા કલાકથી વધુ સમય તેની ભાવાનુભૂતિ માટે ક્યારેય નહિ ભૂલાય. ભગવાન માટે એમ કહેવાય છે કે જેને તે પોતાની વધુ નજીક બોલાવવા માગતા હોય તેને વધુ ને વધુ કષ્ટ આપે છે. એવો અનુભવ અમને કેદારનાથ અને બદ્રીનાથમાં થયો,

કેદારનાથથી તો નિર્વિઘ્ને પાછા ફર્યા હતા પણ બદરી વિશાળ એવા ભોળા નહોતા. જિંદગીભર યાદ રહી જાય એવી તકલીફો તો એમણે દર્શન પછી આપવાનું ગોઠવ્યું હતું.

 

હાથ બોળીએ તો હાથ લાકડું થઈ જાય એવા ઠંડા પાણીને કોલાહલ સાથે ધસમસાવતી અલકનંદાને કિનારે , બદ્રીનાથના મંદિરની બાજુમાં ગરમ પાણીના કુંડો કુદરતે મૂક્યા છે - યાત્રાળુઓના થાક ઉતારવા માટે! ગરમ કુંડમાં સ્નાન કરી ફરી ભગવાનની પૂજા કરી. હિમાલયમાં એકાંત જગ્યાઓ શોધીને સાધના કરતા સાધકોને ખોળી ખોળીને તેમને માટે અન્નવસ્ત્રનો પ્રબંધ કરતા કાળી કુમળીવાળા ટ્રસ્ટને શક્તિ અનુસાર દાન કરી, અમે પાછા ફરવાની તૈયારી કરી. બદ્રીનાથનું કુદરતી સૌંદર્ય કેદારનાથ જેટલું સુંદર નથી લાગતું, તેનું કારણ બદ્રીનાથ પ્રમાણમાં મોટા સપાટ વિસ્તારમાં વસેલું છે. એની આસપાસના નાના શિખરોથી તે ઘેરાયેલું છે. બદ્રીનાથની આજુબાજુ આવેલા ચોખમ્બા અને કામેટ જેવા વીસ હજાર ફૂટથી વધુ ઊંચા શિખરોને નાના શિખરો ઓઝલ રાખે છે, છતાં બદ્રીનાથમાં ફરતા કેટલીક જગ્યાએથી ઊંચા હિમાચ્છાદિત શિખરોના દર્શન થઈ જાય છે. આમ છતાં અન્ય પર્વતીય સ્થળોની સરખામણીમાં બદરીનાથ ભવ્ય છે. લગભગ સાડાદશ હજાર ફૂટની ઊંચાઈએ વસેલું પુરાણ પ્રસિધ્ધ યાત્રાધામ સમગ્ર ભારતમાંથી યાત્રાળુઓને આકર્ષે છે, એટલું નહીં પણ સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓને પણ આકર્ષે છે.(વ્યુહાત્મક સ્થળે વસેલું હોવાથી પરદેશી પ્રવાસીઓ માટે કેટલાક વધારાના નિયમો પણ છે). કહેવાય છે કે જ્યારે વાહનો અને રસ્તાની સગવડ નહોતી ત્યારે યાત્રાળુઓ તેમની શ્રાદ્ધક્રિયા સુદ્ધાં પતાવીને અહીં આવવા નીકળતા - ફરી પાછા જઈ શકવાની ખાતરી લઈને. કેટલાક લોકો માને છે કે મહાભારતમાં પાંડવોહિમાળે હાડ ગાળવા’ - અંતિમ યાત્રાએ - નીકળ્યા હતા તે કદાચ બદ્રીનાથ હશે. હિમાલય સિવાય બીજું કોણ આવું અદમ્ય આકર્ષણ સર્જી શકે? કેદારનાથની માફક બદ્રીનાથ પણ વૈશાખથી આસો સુધી ખુલ્લું રહે છે. બાકીના સમયે તે બરફથી ઢંકાયેલું રહે છે.

 

રોકી રાખેલી ટેક્ષી દ્વારા હેમખેમ પાછા જોશીમઠ આવી પહોંચ્યા ત્યારે રૂદ્રપ્રયાગ જતી બસ તૈયાર હતી. અમને ગુપ્તકાશી સુધી ઓવરલોડ લેનાર ડ્રાઈવરે અમને આવકાર્યા. જોશીમઠ છોડયા પછી ફરી વીસેક કિલોમીટર દૂર જઈને બસ અટકી ગઈ, કારણ કે રસ્તો તૂટી ગયો હતો. હમણાં ખૂલશે એવી આશામાં સાંજ પડી ગઈ, પણ રસ્તો ખુલ્લો થવાના ચિહ્નો નહોતા. કામદારો કામ કરતા હતા, રસ્તા પર પડેલા પથ્થરો સુરંગો દ્વારા ઉડાડી દેવાતા હતા, પણ તૂટી પડેલો આખો પહાડ ખસેડવાનું કામ સહેલું નહોતું. આવું બેત્રણ જગ્યાએ બન્યું હતું. જે જગ્યાએ બસ અટકી ગઈ હતી તે જગ્યા ખતરનાક હતી. ડ્રાઈવરે જણાવ્યું કે બે વર્ષ પહેલા સ્થળેથી એકાએક ભારે પૂર આવતા પચ્ચીસેક જેટલી બસોને મુસાફરો સાથે તણાઈ જતા તેણે નજરે જોઈ હતી. પોતે ભાગીને તોતીંગ ચીલનું ઝાડ પકડી લીધું હોત તો બચ્યો હોત. આથી દિલમાં ઉચાટ વધતો જતો હતો. ત્યાં ખાવાની કે પાણીની પણ સગવડ નહોતી અને રાત્રે વરસાદ પડે ને રસ્તો નીચેથી સરકી જાય કે ઉપરથી પહાડ તૂટી પડે તો મરવાનું ફરજિયાત હતું. કામ કરી રહેલા માણસોને પણ અહીં અટકી પડેલી વીસેક જેટલી બસો, કેટલાક નાના વાહનો અને એક આખા લશ્કરી કાફલા સામે પડેલા જોખમનો ખ્યાલ હતો. અંધારું થાય તે પહેલા કાચો રસ્તો બનાવી, તેમણે ધીરે ધીરે બધા વાહનોને પસાર કરી, થોડેક દૂર આવેલ સલામત સ્થળ જેવા તંગડી ગામ સુધી પહોંચાડી દીધા.

 

ગામ નાનું હતું અને પહાડના ઢોળાવ પર વસેલું હતું. રસ્તા પર એક બે નાની હોટલો હતી, જેનો લાભ ક્યારેક રસ્તે જતા મુસાફરો લેતા. આટલા બધા મુસાફરોને ખાવાનું, ચા પૂરા પાડી શકે અશકય હતું. છતાં હોટલવાળા લોકોએ ગામમાંથી લોટ ઉઘરાવી પૂરીઓ બનાવી ચણાના લોટની રાબ સાથે શક્ય તેટલા માણસોને ખાવાનું પૂરું પાડ્યું. હવે સૂવાનો પ્રશ્ન હતો. બસમાં સુવાય એવું નહોતું. ખૂલ્લામાં વરસાદ પડે તેનું જોખમ હતું. અમારી સાથે મુસાફરી કરતા એક સ્થાનિક શિક્ષણાધિકારીએ અમને ગામની શાળામાં વ્યવસ્થા કરી આપવાનું કહ્યું. તે પોતે પણ એ શાળામાં જ રહેવા જવાના હતા. પણ શાળા પહાડની ટોચે આવેલી હતી અને એટલું ચડવા માટે અમારામાંથી કોઈ શારીરિક રીતે તૈયાર નહોતા. પહેલા હું સાહેબ સાથે જઈને જગ્યા જોઈ આવ્યો, પછી જે કઈ મળ્યું તે જમીને આગ્રહ - દબાણ કરી બધાને હું ત્યાં ખેંચી ગયો અને સરકારી શાળાના વિશાળ ઓરડામાં શાળાની શેતરંજી ઉપર અમે રાત વિતાવી. પહાડની ટોચે આવેલી શાળાના સુંદર બગીચામાં, રાત્રે વાતો કરતા વિતાવેલ એકાદ કલાકનો સમય આત્માને આનંદ આપી ગયો. સવારે શાળાની બાજુમાં રહેતા શિક્ષકે ચાપાણીની સગવડ પણ કરી આપી, પરવારીને પાછા બસમાં હાજર થઈ ગયા ત્યારે ડ્રાઈવરે સમાચાર આપ્યા કે હજુ રસ્તો ખૂલવાનું કાંઈ ઠેકાણું નથી. ત્યાં આમ તેમ સમય વિતાવતા બપોર થઈ ગઈ. બારેક વાગ્યે રસ્તો ખુલ્યો ત્યારે બંદૂકમાંથી ગોળી છૂટી હોય તેમ ડ્રાઈવરે બસ મારી મૂકી. જોખમી રસ્તે પણ આડા-અવળા થઈને અનેક વાહનોને ઓવરટેક કરી ક્યાંય ખાસ રોકાયા વિના તેણે અમને સાંજે શ્રીનગર (ગઢવાલ) પહોંચાડી દીધા. રસ્તામાં આવેલી રૂઈઆ ધર્મશાળા પાસે બસ ઊભી રાખી અમારા સામાન સાથે અમને મૂકી તે બસ સ્ટેન્ડ ઉપર લઈ ગયો. પાછળથી બધી બસો આવી ત્યારે તે ધર્મશાળાની પરસાળમાં પણ જગ્યા નહોતી.

 

હવે ઋષિકેશ પચાસેક કિલોમીટર દૂર હતું અને રસ્તો સારો હતો એટલે સવારે ઋષિકેશ પહોંચી જવાની ખાત્રી થઈ ગઈ હતી. તે રાત્રે ડ્રાઈવરને સાથે રાખી શ્રીનગરમાં સ્વાદિષ્ટ પંજાબી ભોજન જમ્યા, ખરીદી પણ કરી અને સ્થાનિક સિનેમામાં ફિલમ પણ જોઈ. જે બસમાં અમે આવ્યા હતા તે તો પૌરી જવાની હતી, એટલે ડ્રાઈવરે બીજી બસમાં વ્યવસ્થા કરી આપી. સવારે વહેલા ઊઠીને બીજી બસ પકડી. હવે વહેલાં ઋષિકેશ પહોંચી હરદ્વાર પહોંચવાની ઉતાવળ લાગી હતી, કારણ કે ખૂબ થાકી ગયા હતા, પણ બદરી વિશાળ એટલા મહેરબાન નહોતા.

 

શ્રીનગરથી નીકળ્યા ત્યારે વરસાદ શરૂ થઈ ગયો હતો. દેવપ્રયાગ છોડી આગળ વધ્યા પછી વરસાદ વધ્યો. દસ-બાર કિલોમીટર દૂર જઈને ફરી પાછી બસ અટકી ગઈ. અડધા કલાક પહેલા ભૂપ્રપાત થયો હતો અને રસ્તો બંધ હતો. હવે અમારી ધીરજ ખૂટી હતી, પણ કોઈ ઈલાજ નહોતો. એક પછી એક પંદરેક બસો અને બીજા વાહનો આવીને ઊભા રહી ગયા. સાંકડો રસ્તો, એક બાજુ નીચે ગંગાની ખીણ અને બીજી બાજુ ઊંચા પહાડની વચ્ચે બીજે ક્યાંય જઈ શકાય તેમ નહોતું. સહેજ આગળ થોડે નીચે એક ઝરણું હતું અને પ્રવાસીઓ આરામ કરી શકે એવી સગવડ હતી, પણ એનો ઉપયોગ થવાને કારણે વેરાન હતી. ચા નાસ્તાની કોઈ સગવડ નહોતી, અને અમારી પાસેનો ખોરાક પણ ખૂટી ગયો હતો. થોડીવારે ખબર મળી કે પાછળ પણ ભૂપ્રપાત થયો હતો એટલે પાછા શ્રીનગર જવાનું પણ શક્ય નહોતું. વિસ્તારમાં ફરતી સ્થાનિક બસો આવા પ્રસંગોએ પેસેન્જરોની અદલા બદલી કરી લેતી હોય છે. જ્યાં ભંગાણ હોય તેની એક તરફ ઊભેલી, તે કંપનીની બસના મુસાફરોને, તૂટેલો ભાગ પગપાળા પસાર કરાવી, બીજી તરફની બસમાં બેસાડી બસો પાછી વળતી હોય છે. અમે શક્યતા તપાસી જોઈ, પણ પાછળના ભૂપ્રપાતને કારણે અદલા બદલી પાછલા ભૂપ્રપાતની પેલી બાજુએ ઊભેલી બસોના પેસેન્જરો સાથે થતી હતી. વિસ્તારમાં ઓવરલોડ ઉપર સખત પ્રતિબંધ હોવાથી કોઈ વધારાના મુસાફરો લેવા રાજી નહોતું. એમ કરતાં સાંજના થવા આવ્યા ત્યારે ધીરજ ખૂટી. રસ્તો સાફ થવા આવે ને ફરી પાછો ટૂકડો ધસી આવે એવું આખા દિવસમાં બે-ત્રણ વખત બન્યું હતું એટલે હવે રસ્તો ખૂલવાને બહુ વાર નહિ લાગે એવું લાગવા છતાં વિશ્વાસ બેસતો નહોતો. અંતે પેલી તરફ રહીને અદલાબદલી કરતી બીજી કંપનીની એક બસમાં ઓવરલોડ મુસાફરો તરીકે ડ્રાઈવર-કંડક્ટરને ભાઈ-બાપા કરીને સ્થાન મેળવ્યું ત્યારે સૂરજ ડૂબવાની તૈયારી કરતો હતો.

 

ઋષિકેશ બહુ દૂર નહોતું રહ્યું ત્યારે ફરી પાછી બસ અટકી ગઈ. ડ્રાઈવર ઉતરીને બસનું હૂડ ખોલીને બેસી ગયો, તેના કહેવા પ્રમાણે બસ બગડી હતી. થોડીવાર સુધી બસને રીપેર કરવા તેણે કોઈ તજવીજ કરી ત્યારે અમને શંકા ગઈ. ઉતરીને પૂછ્યું ત્યારે એણે જણાવ્યું ‘‘સા બહુત બડી ગલતી કી મૈને, આપકો ઓવરલોડ પેસેન્જર લેકર." એની ચિંતાનું કારણ હતું કે આગળ ચેકીંગ હતું. અમે દંડ ભરી દેવાનું કહ્યું, ત્યારે તેણે કહ્યું, “ઈસસે નહિ ચલેગા સા'. મેરા લાઈસન્સ જપ્ત હો જાયેગા ઔર જબ તક મૈં ફેમીલી પ્લાનીંગ કે કેસ લાકર પેશ કરૂં તબ તક વાપસ નહિ મિલેગા!'' અમને ચીડ ચડી અને નવાઈ પણ લાગી, અંતે અંધારૂં  થતા અને ચેકીંગવાળા જતા રહેવાનો સંકેત મળતા તેણે બસ મારી મુકી અને અમને લક્ષ્મણ ઝૂલા ઉતારી દીધા. અમે એટલા થાકેલા અને ભૂખ્યા હતા કે ત્યાંથી ટેક્ષી કરી તે સીધા હરદ્વાર. દોસ્તની રૂમ બંધ હોવાથી સામાન આમતેમ પટકી દોડયા સીધા ગુજરાત ભવનના ડાઈનીંગ હોલમાં. ઋષિકેશની ગુજરાતી ધર્મશાળાના મેનેજર, જેણે અમને ના જવાની સલાહ આપી હતી, પણ ત્યાં મળી ગયા. પ્રતિકુળ હવામાન છતાં અમે બદ્રી કેદાર જવા નીકળ્યા હતા તે તેમને ખબર હતી, પણ તેમને ખાત્રી હતી કે અમારે અધવચ્ચેથી પાછા ફરવું પડશે. જયારે અમે તેમને મુશ્કેલીઓ વચ્ચે અમે પૂરી કરેલી યાત્રાની વાત કરી ત્યારે તેમણે અમને ખૂબ શાબાશી આપી.

 

ત્યાર પછી થાક ઉતારવા બે દિવસ હરદ્વાર રહ્યા, પણ નજીકમાં આવેલા દહેરાદૂન અને હીલ સ્ટેશનોની રાણી કહેવાતા મસુરી જવાની વાત સુદ્ધાં કોઈએ ઉચ્ચારી. એને માટે થાક કારણભૂત હતો કે આત્માને થયેલી તૃપ્તિ…..!!!

 

No comments:

Post a Comment