Monday, August 15, 2022

 

અજાચક

 



 

સંધ્યાનો સમય છે. સૂર્ય ક્ષિતિજ નીચે ઊતરી ગયો છે, છતાં તેના કિરણોનો પ્રતાપ રસ્તો અજવાળી રહ્યો છે. એક બ્રાહ્મણ, ધીરે ધીરે, નિરાશ વદને ઘર તરફ ડગલા માંડી રહ્યો છે. ખભે થેલો છે, પણ ખાલી, હાથમાં પુસ્તકો છે, કપડા ફાટેલાં છે, શરીર સુકલકડી છે, પણ વદન ઉપર વિદ્વતાનું તેજ છે. દાઢીના વાળ થોડા સફેદ થયા છે, જ્યારે માથાના થોડા વાળમાંથી ઘણાખરા સફેદ દેખાય છે. લોકો તેને માનથી બોલાવે છે, અન્યમનસ્ક રીતે તેનો ઉત્તર આપતા ઘર તરફનું પ્રયાણ ચાલુ રાખે છે. ગામની નાની મોટી શેરીઓ વટાવી બ્રાહ્મણ એક ગલીમાં    વળે છે અને છેડે આવેલા ભાંગ્યાતૂટયા ઘરના બારણાં પાસે જઈને ઊભો રહે છે. ઘરમાં જવાની જવાની સહેજે ઊતાવળ હોય તેમ શાંતિથી થોડી મિનિટો ઊભા રહી પછી, છૂટકો હોય તેવા ભાવથી બારણું ખખડાવે છે. થોડી વારમાં બારણું ઉઘડે છે અને ફાટેલા, અર્ધા વસ્ત્રો પહેરેલો એક છોકરોપિતાજી આવ્યા’’ ની બૂમો પાડતો ઘરમાં દોડી જાય છે. હાથમાંના પુસ્તકો બાજુ પર મૂકી ખાલી થેલો ખીંટીએ લટકાવી બ્રાહ્મણ એક પાટ ઉપર બેસી જાય છે અને થોડીવાર ખાલી થેલા સામે જોઇ રહે છે. પછી હાથપગ ધોઇને એક ખૂણામાં બનાવેલ ધ્યાનની ઓરડીમાં જઇ સંધ્યાપૂજામાં મગ્ન બની જાય છે.

 

ગોરાણી પાછળથી આવે છે, ખાલી થેલા તરફ જુએ છે, કંઇક સમજે છે અને એક નિશ્વાસ નાંખી ચાલી જાય છે. ઘરમાં બ્રાહ્મણ પતિપત્નીને સાંજે વાળુ કરવાનો પ્રશ્ન કદી મૂંઝવતો નહિ, કારણકે બંનેએ એકટાણાનો નિયમ કર્યો હતો. છોકરાઓને પણ ઘણીવાર એકટાણા કરવાની ટેવ પડી હતી. આજે ચૂલો ઠંડો હોવાથી છોકરાઓ સમજી ગયા હતા કે આજે પણ અપવાસ છે. એટલે કલાક પછી બ્રાહ્મણ સંધ્યાપૂજા કરીને નીકળ્યા ત્યાં સુધીમાં છોકરાઓ ઊંઘી ગયા હતા.

 

“આમને આમ ક્યાં સુધી ચલાવીશું?'' બ્રાહ્મણ બહાર આવતા પત્નીએ પ્રશ્ન કર્યો. બ્રાહ્મણ મૌન રહ્યા, આજે વેદપાઠ કરવા ગયા હતા એટલે મને આશા હતી કે કાંઇક દક્ષિણા પામીને ઘરમાં આવશો.'' થોડીવાર મૌન રહ્યા પછી પોતાની જાતને કહેતા હોય તેમ બ્રાહ્મણ બોલ્યા, “બ્રાહ્મણ છું એટલે દક્ષિણા સ્વીકારવાનો અધિકાર છે, છતાં થાય છે કે દક્ષિણા લેવામાં અને વિદ્યા વેચવામાં શો તફાવત? આવો વિચાર આવે છે અને મારાથી દક્ષિણાનો ઇન્કાર થઇ જાય છે. આજે પણ એવું થયું, ઇન્કાર કર્યા પછી તમારા બધાનો વિચાર આવે ત્યારે ઇન્કાર કરવા બદલ પસ્તાવો થાય છે.''

 

છોકરાઓનો વિચાર કરૂં છું ને જીવ બળે છે. કુમળી વયે ગજા ઉપરાંતના ઉપવાસ તેઓ કરે છે. લોકો પોતાના પ્રાણીઓ પ્રત્યે પણ આના કરતા વધુ દયાળુ હશે.” ગોરાણીએ કહ્યું.

 

'‘તમારી વાતનો કોઇ વિવાદ નથી. વિવાદનો વિષય પણ નથી. દુઃખ મને મારા સ્વભાવ માટે થાય છે. ગામમાં કોઇની પાસે ફક્ત એક વાર માગી શકું તો આપણું દુઃખ હંમેશને માટે ટળી જાય. પણ નથી થઇ શકતું. સામે ચાલીને આપનારા પાસેથી વિના આગ્રહે લઇ લઉં તો પણ આટલી મુશ્કેલી રહે. પણ એય થઇ શક્યું નથી.’’

 

“મને લાગે છે કે તમને મોટાઇ વળગી છે. ગામના લોકો તમને મોટા વિજ્ઞાન તરીકે ઓળખે છે એટલે દક્ષિણા માગતા તમને તમારી મોટાઇ જતી રહેવાની બીક લાગે છે. આવો સૂક્ષ્મ અહંકાર કદાચ તમને તમારી પ્રાથમિક ફરજો અદા કરવા પ્રત્યે ઉદાસીન બનાવતો હશે. અહંકાર, વાણીનો કે વર્તનનો, બંને સરખા.”

 

‘‘કદાચ તમારી વાત સાચી પણ હોય. '' બ્રાહ્મણે કહ્યું અને વિચારમાં ડૂબી ગયા.

 

મારો હેતુ તમારૂં માનભંગ કરવાનો નથી. એવું પણ નથી ઇચ્છતી કે ગામમાં તમારી જે મૂર્તિ છે તે ખંડિત થાય. પણ બાળકોની ભૂખ મારાથી નથી જેવાતી એટલે આકળા થઇ જવાય છે.'' ગોરાણીએ કહ્યું.

 

“તમારી વાતને હું મહેણું નથી ગણતો. તમે જે કાંઇ કહ્યું તેનુ મને દુઃખ પણ નથી. ઉલટું મને થાય છે કે કોઈક તો મારું છે જે મને સાચું કહી શકે છે.”

 

એક વાત કહું?”

 

“કહો ''

 

‘‘તમે તમારું અજાચક વ્રત છોડવાનું વિચારો તો વ્રત તમારા સહાધ્યાયી રાજકુમાર શ્રીકૃષ્ણ પાસે છોડો તો ?’

 

“ભલે.” કહી સુદામા ફરી પાછા ધ્યાનની ઓરડીમાં ગયા અને આત્મમગ્ન બની ગયા.

 

સુદામાએ સવારે પત્નીને જણાવ્યું કે તેઓ બીજે દિવસે દ્વારકા જવા નીકળશે, સુદામાપત્નીને આનંદ થયો, પણ તે થોડીવાર ટક્યો. સુદામા દ્વારકા સુધી પ્રવાસ કરવાની મુશ્કેલીઓ તો વેઠે, પણ પછી જ્યારે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે આવી વાત કરી શકે તે વિષે તેમને થોડી અશ્રધ્ધા પેદા થઇ. વર્ષોથી સુદામાની સાથે રહી તેઓ સુદામાના સ્વભાવને ઓળખી શક્યા હતા, માનવસ્વભાવ મહત્વના સમયે અસલ રીતે પ્રગટ થાય તેનો તેમને ખ્યાલ હતો. શ્રીકૃષ્ણને મળવાનું સૂચન કરવા બદલ તેમને હવે પસ્તાવો થવા લાગ્યો. અર્ધભૂખ્યા સુદામાને દિવસોના કષ્ટદાયક પ્રવાસ માટે ધકેલવા બદલ તેમણે જાતને ઠપકો આપ્યો. સુદામાના નિર્ણય અને શ્રીકૃષ્ણની મુલાકાત વચ્ચે લાંબા દિવસોનો ગાળો, નજર સમક્ષ કુટુંબના ભૂખભર્યાં ચિત્રોનો અભાવ અને શ્રીકૃષ્ણના જેવું વ્યક્તિત્વ સુદામાના આજના નિર્ણયને બદલી શકે તેવા મોટા પરિબળો હતા. આખો દિવસ તેમણે વિચારોમાં વીતાવ્યો.

   

સુદામાને દ્વારકા જવાની પ્રેરણા આપનાર પોતે હોવાથી ના કહી શકાય તેમ નહોતું. તેમ કરતા જીવ પણ નહોતો ચાલતો. તેમણે સુદામાને પ્રવાસ માટે જરૂરી વસ્તુઓ ભેગી કરી થેલામાં ભરવા માંડી. થોડું ખાવાનું પણ બાંધ્યું અને તે બાંધતા તેમના મનમાં વિચાર આવ્યો. મિત્રને ત્યાં જતાં તેમના બાળકો માટે કાંઇક ખાવાનું લઇ જવાની સુદામાની ફરજ હતી. શ્રીકૃષ્ણને તો કોઇ ચીજની નવાઇ હોય. પણ એને નિમિત્ત બનાવી એવી વસ્તુ સુદામાને આપવી કે જે કૃષ્ણને પહોંચાડતાં સુદામા કહે તો પણ શ્રીકૃષ્ણ સુદામાની સ્થિતિ જાણી જાય. ઘરમાં તો કંઇ હતું નહિ. તેણે પાડોશમાંથી ડાંગર માંગી લાવી પૌઆ બનાવી પોટલી બાંધી અને સુદામાને કહ્યું, ‘‘મિત્રને ત્યાં પહેલી વખત જાઓ છો એટલે ખાલી હાથે જવાય. તમને તો કોઇ કાંઇ કહે પણ એક ગૃહિણી તરીકે મારી કિંમત થાય. આથી એક પોટલી પૌઆની પણ મૂકી છે જે શ્રીકૃષ્ણને મારા વતી હાથોહાથ આપશો.'' સુદામાને એનો પ્રતિવાદ કરવાની ઇચ્છા થઇ પણ જતા પહેલા પત્નીને નારાજ કરવાના હેતુથી સ્વીકારી લીધી.

 

દિવસોના પગપાળા પ્રવાસના અંતે સુદામા જ્યારે દ્વારકાના દરવાજે આવ્યા ત્યારે તેમના શરીર અને ચહેરા પરથી થાક નીતરતો હતો. પ્રવાસ દરમ્યાન સુદામા પૂજાપાઠ કરવાનું ચૂક્યા નહોતા. તે માટે તેમને સ્નાન પણ કરવું પડતું. વળી જે સ્થળે રાતવાસો કરતા ત્યાં જમવાની વ્યવસ્થા પણ વિના માગ્યે થઇ રહેતીએટલા માટે નહિ કે લોકો તેમને શ્રીકૃષ્ણના મિત્ર વિદ્વાન સુદામા તરીકે ઓળખતા હતા, પરંતુ ગામને આંગણે આવેલા અતિથિને ભૂખ્યા સૂવા દેવાય એવો તે સમયે  વણલખ્યો નિયમ હતો. તેથી એટલે સુદામા દેખાવમાં ખાસ નબળા પડ્યા નહોતા.

 

દ્વારકાની ભવ્યતા જોઇને સુદામાને આશ્ચર્ય થયું. સમૃધ્ધિનો જ્યાં પાર નહોતો એવી દ્વારકાનગરીના દરવાજે તેઓ વિમાસણમાં ઊભા રહ્યા ત્યારે દ્વારપાળ તેમને ભિખારી કલ્પે તેમાં નવાઇ નહોતી. સુદામાએ જ્યારે દ્વારપાળ સમક્ષ શ્રીકૃષ્ણને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે દ્વારપાળ થોડી વાર તો સુદામા તરફ જોઇ રહ્યો. સુદામા સમજી ગયા અને સાથે તેમને શ્રીકૃષ્ણ પોતાના પ્રત્યે કેવી રીતે વર્તશે તે અંગે શંકા પેદા થઇ. છતાં ધીરજથી તેમણે દ્વારપાળને વાત કરી. દ્વારપાળને તેમની વાતમાં વિશ્વાસ બેઠો. તેમને બેસવાની સગવડ કરી આપી સુદામાના સમાચાર શ્રીકૃષ્ણ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં રોકાયો. સુદામાના સમાચાર વહેલી તકે શ્રીકૃષ્ણને પહોંચે એવી વ્યવસ્થા કરીને દ્વારપાળ સુદામા પાસે ગયો ત્યારે સુદામાને ખબર પડી કે પોતાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણ સુધી પહોંચતા અને ત્યાંથી તેનો ઉત્તર આવતા એકાદ દિવસ તો નીકળી જાય. દ્વારપાળનું રહેઠાણ દ્વારની મેડી ઉપર હતું, આથી તેણે પોતાના પુત્રને બોલાવી શ્રીકૃષ્ણનો સંદેશો આવે ત્યાં સુધી પોતાનું આતિથ્ય સ્વીકારી આરામ કરવા સુદામાને સુદામાને વિનંતી કરી. સુદામાને સંકોચ થયો પણતેમણે તે સ્વીકાર્યું.

 

દ્વારપાળનું ઘર જોયું ત્યારે સુદામાને દ્વારકાની સમૃધ્ધિનો ખ્યાલ આવ્યો. પોરબંદરના અગ્રણીઓને પણ શરમાવે એવો ઠાઠ તેમણે દ્વારપાળના ઘરમાં જોયો. છતાં તેમના વર્તનમાંથી સંપૂર્ણ સૌજન્યની સુવાસ આવી. પોરબંદરના અગ્રણીઓની સ્થિતિ અને તેમના વર્તનની સરખામણી સુદામા દ્વારકાના દ્વારપાલ સાથે કરી રહ્યા. તેમને શ્રીકૃષ્ણ માટે અનહદ માન પેદા થયું. જે રાજા આવી સમૃધ્ધિમાં પણ સૌજન્ય પ્રેરી શકે તે સમગ્ર વિશ્વને દોરતા હોય તો વિશ્વનું કલ્યાણ થાય. સાંદીપનિએ શીખવેલા રાજધર્મનું પાલન શ્રીકૃષ્ણ મન, વચન અને કર્મથી કરી રહ્યા હોય તેમ લાગ્યું. સાથે પોતે શું કર્યું એનો વિચાર આવ્યો. શ્રીકૃષ્ણે તો પોતે શીખેલો રાજધર્મ આચરી બતાવ્યો હતો. તેમણે પોતે શીખેલો બ્રાહ્મણધર્મ હજુ મનમાં ઘૂંટાતો હતો. જેમ જેમ વિચાર કરતા ગયા તેમ તેમ પોતાની જાતને વધુને વધુ લઘુ અનુભવતા ગયા. શ્રીકૃષ્ણનું સ્વરૂપ તેમની સમક્ષ વધુને વધુ વિરાટ થતું ગયું. એ વિરાટ તત્વને મળવાની પ્રેરણા કરનાર ગોરાણી માટે તેમને પહેલી વાર અત્યંત માન પેદા થયું. વિદ્વતાના પોતે રચેલા કિલ્લામાં ભરાઇ રહીને રાજી થતા પોતાને ગોરાણીએ બહારની વિશાળ દુનિયાનો પરિચય કરાવ્યો, જેની સામે પોતાનું જ્ઞાન તેમને પાંગળુ લાગ્યું.

 

આવા વિચારોમાં ખોવાયેલ સુદામા શાંતિથી બેઠા હતા ત્યાં બહાર કોલાહલ સંભળાયો અને તે ધીરે ધીરે નજીક આવતો ગયો. ઉત્સુકતાવશ તેઓ બારીએ ગયા અને તેમનાથી થોડે દૂર નીચે સંખ્યાબંધ રક્ષકો અને અનુચરોથી ઘેરાયેલ શ્રીકૃષ્ણને પગપાળા આવતા જોયા. શ્રીકૃષ્ણે પણ તેમને જોયા, ઓળખ્યા અને સુદામાની આંખોમાંથી હર્ષના આંસુ દડી પડ્યા. તેઓ ઝડપથી ઉતરી ગયા અને શ્રીકૃષ્ણે તેમને બાથમાં લઇ લીધા ત્યારે લોકોએ ‘શ્રીકૃષ્ણની જય’” અને ‘‘સુદામાની જય''ના નાદોથી વાતાવરણ ગજવી મૂક્યું. હાથ પકડીને શ્રીકૃષ્ણ સુદામાને દ્વારકાના રાજમાર્ગ ઉપર દોરી રહ્યા, ત્યારે માર્ગની બંને તરફ ભેગા મળેલા સંખ્યાબંધ યાદવો બંનેની જય બોલાવતા રહ્યા અને પુષ્પવર્ષા દ્વારા પ્રગટ થતી પ્રેમવર્ષા કરી રહ્યા.

 

“દ્વારકાના યાદવો જેટલા શ્રીકૃષ્ણને ઓળખે છે તેટલા સુદામાને પણ ઓળખે છે. હોં!’’ શ્રીકૃષ્ણે હસતા હસતા કહ્યું.

 

‘‘કેવી રીતે?'' સુદામાએ આશ્ચર્ય સહ પૂછયું.

 

“યાદવસભામાં લેવાતા નિર્ણયોમાં સુદામાની વિદ્વતા મોટો ભાગ ભજવે છે. કોઇ મહત્વની ચર્ચા થાય ત્યારે હું આપણા બંને વચ્ચે થયેલી ચર્ચાઓને યાદ કરી ‘હું આમ કહું છુ પણ સુદામાએ આમ કહ્યું હોત’ એવો ઉલ્લેખ વારંવાર કરૂં છું અને કેટલાક નિર્ણયો શ્રીકૃષ્ણના નહિ પણ સુદામાના મત પ્રમાણેના હોય છે."

 

“એ તો તમારી મહાનતા છે. ગુરૂજીએ શીખવેલો રાજધર્મ તમે સાચી રીતે આચરણમાં મૂક્યો છે તેથી ગુરૂજીને કેટલો આનંદ થયો હશે!''

 

“‘તું ને બદલે ‘તમે ’થી બોલાવવાનું કોણે તને કહ્યું ? ભાભીએ? મને એ નથી ગમતું. તારા સમાચાર આવ્યા ત્યારે મને થયું કે હાશ, ઘણા સમયે એક માણસ એવો મળ્યો કે જેની સાથે રાજકાજ, વિદ્વતા, ન્યાય-અન્યાય વગેરેની વાતો બાજુએ મૂકીને હું બાળક બની જઇશ. પણ 'તમે'થી શરૂઆત કરીને તેં તો મારો ઉત્સાહ ભાંગી નાખ્યો. જે સુદામો સાંદિપની જેવા વિદ્વાનથી કે સિંહ જેવા પ્રાણીના બળથી અંજાતો નહોતો એ સમૃદ્ધિ જોઈને અંજાઇ ગયો?”

 

સુદામા કશું બોલી શક્યા નહિ. તેમની નજર સમક્ષ પોતે અહીં કયા કારણે આવવા નીકળ્યા હતા તેનું દૃશ્ય તરવરી રહ્યું. તે યાદ આવતા પત્નીએ આપેલી પૌઆની પોટલી યાદ આવી, પણ તે તો દ્વારપાળના ઘરમાં રહી ગઇ હતી. સુદામા વિહ્વળ બની ગયા. દ્વારપાળના ઘરના બધા પોટલી જોશે અને સાંજ સુધીમાં દ્વારકાની શેરીઓમાં શ્રીકૃષ્ણના પૌઆવાળા મિત્રની અવનવી વાતો વહેતી થઇ જશે એવા વિચારોમાં તેઓ શ્રીકૃષ્ણની વાતો પણ પૂરી સાંભળી શક્યા નહિ.

 

શ્રીકૃષ્ણના મહેલમાં પણ એવી જ ધમાલ હતી. સુદામા ત૨ફ મહેલની દરેક વ્યક્તિ આદરથી જોતી. સુદામાની દૃષ્ટિમાં પ્રકટ થતો આદેશ ઝીલવા અનેક વ્યક્તિઓ તત્પર રહેતી. શ્રીકૃષ્ણની પત્નીઓ પણ સુદામાની ખબર લઇ ગઇ. પત્ની અને બાળકોને લીધા વિના આવવા બદલ ઠપકો પણ આપ્યો. શ્રીકૃષ્ણે તો જાણે રાજકાજમાંથી ૨જા લઇ લીધી હતી. રાણીઓની હાજરીમાં બાળપણના પ્રસંગો યાદ કરી કરીને વાગોળવામાં દિવસ ક્યાં વીતી ગયો તેની પણ ખબર પડી.

 

બધાની વચ્ચે સુદામાના અંતરને આરામ નહોતો. પૌઆની પોટલીનું શું થયું હશે તેનો વિચાર કરતા તેમને ચક્કર આવી જતા. વળી પોતે જે કામે આવ્યા હતા - યાચના કરવાનું - તે તો કરી શકાય એવા માન અને મહેમાનગતિ એમને મળી રહ્યા હતા. આમ સુદામાનાં અંતરમાં અજંપો હતો. શ્રીકૃષ્ણ કળી ગયા હતા. એમને આનંદમાં રાખવાના બધા પ્રયત્નો કરતા છતાં સુદામાના અંતરમાં આનંદ નહોતો તે તેઓ જોઇ શક્યા.

 

સુદામાને જોઇને તેમની અને તેમના કુટુંબની સ્થિતિની કલ્પના કરીને શ્રીકૃષ્ણે રડી લીધું. સુદામાની સ્થિતિનું કારણ પણ શ્રીકૃષ્ણના ખ્યાલમાં આવી ગયું હતું. પણ સુદામાની સ્થિતિ કેમ દૂર કરવી તેનો રસ્તો જડતો નહોતો. સામે ચાલીને આપવાથી સુદામા લે. લે તો પણ યાચક બન્યા પછી સુદામા પોતાની સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખે. વળી, લોકોની સામે કે લોકો જાણે એવી રીતે, કાંઇક આપવાથી સુદામાને લોકોની નજરમાં નીચાઉતારવાનું થાય. આવું કશું બને અને સુદામાની સ્થિતિ સુધરે તેવો કોઇ રસ્તો વિચારતા શ્રીકૃષ્ણ પણ રાત્રે પડખા ફેરવતા હતા. રૂક્ષ્મણીએ શ્રીકૃષ્ણને કારણ પૂછ્યું અને તેમણે જણાવ્યું પણ ખરૂં. બે દિવસના વિચારના અંતે શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીએ એક રસ્તો કાઢ્યો.

 

*****

 

એક દિવસ પોરબંદરના દરિયાકાંઠે એક સુંદર નૌકા ઊભી રહી અને તેમાંથી એક યુવાન પોતાના અનુચરો સાથે ઉત્તરી પોરબંદરની રાજસભા તરફ જવા લાગ્યો. આવું ભાગ્યે બનતું. એટલે લોકોને અચરજ થયું અને કેટલાક કુત્તુહલવશ તેમની પાછળ પણ થયા. રાજ્યસભાના દ્વારપાળે આવીને રાજા સમક્ષ નિવેદન કર્યું કે દ્વારકાના રાજા શ્રીકૃષ્ણનો દૂત રાજાને મળવા માગે છે ત્યારે સૌના શ્વાસ થોડીવાર માટે તો અધ્ધર થઇ ગયા. શ્રીકૃષ્ણ યુધ્ધખોર નહોતા તે સૌ જાણતા હતા. સૌ પણ જાણતા હતા કે શ્રીકૃષ્ણ અન્યાયી રાજાઓ સામે અવશ્ય ઝઝૂમે છે. આથી પોરબંદર રાજ્યની કોઇ ભૂલ તો નથી થઇ તેની સૌ ચિંતા કરવા લાગ્યા. એટલામાં શ્રીકૃષ્ણ નો દૂત અંદર આવ્યો. રાજાએ તેને આવકાર આપી પોતાની પાસે બેસાડયો અને શ્રીકૃષ્ણનો સંદેશો જાણવા પૃચ્છા કરી.

 

દૂતે જણાવ્યું, “રાજન, અમારા શ્રીકૃષ્ણ આપનો આદર કરે છે અને આપને વડીલ માની પ્રણામ પાઠવે છે. દ્વારકાને કોઇ ચીજની ઉણપ નથી, એમ વિશ્વ માને છે પણ અમારા શ્રીકૃષ્ણને અજંપો છે. એમને ખોટ છે એક એવા વિદ્વાનની જેને દુન્યવી સમૃધ્ધિનો કોઇ લેપ હોય, વિદ્વતાનો કોઈ અહંકાર હોય, પોતાની વિદ્વત્તામાં મગ્ન એવા જે પોતાની સાંસારિક જવાબદારીઓ ભૂલી જતા હોય, અને લાગણી કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના જે સમાન રીતે કરતા વ્યક્ત હોય. રાજ, શ્રીકૃષ્ણ જણાવે છે કે આવા એક વિદ્વાન આગળ એમની સર્વ શક્તિ અને સમૃધ્ધિ તુચ્છ છે. આથી શ્રીકૃષ્ણ આપને વિનવે છે કે આપના રાજ્યમાં વસતા એવા એક વિદ્વાનને રાજન્ દ્વારકામાં પધારવા રજા આપે. બદલામાં પોરબંદરને જે જોઇએ તે આપવા શ્રીકૃષ્ણ તૈયાર છે.”

 

રાજ્યસભા સ્તબ્ધ થઇ ગઇ. આવા વિદ્વાન પોરબંદરમાં કોણ હશે તે સૌ વિચારવા લાગ્યા અને કાનોકાન અટકળ પણ કરવા લાગ્યા. રાજા મૂંઝાયા. આવું રત્ન પોતાના શહેરમાં હોય અને પોતાને ખબર હોય એવું જાહેર કરવાથી તો તેમની આબરૂના કાંકરા થઈ જતા હતા. રાજદૂત કળી ગયો.

 

થોડી વાર પછી એણે કહ્યું, “રાજન, આપને વિષે વિચાર કરવો હોય તો કરો. વિદ્વાનની ઇચ્છા જાણવી હોય તો તેમ પણ કરો. અમે રાહ જોઈશું.”

 

“એમ કરીએરાજાએ કહ્યું અને દૂતના ઉતારા માટેની વ્યવસ્થા કરી મુખ્ય પ્રધાન સાથે ખાનગી વિચારણામાં પડ્યા. જુદા જુદા બ્રાહ્મણો અને દરબારીઓ સાથે ચર્ચા કરતા એક નામ યાદ આવ્યું અને તેમને ખ્યાલ આવ્યો કે સુદામા તો શ્રીકૃષ્ણના સહાધ્યાયી હતા. એમણે તાત્કાલિક માણસો મોકલી સુદામાની તપાસ આદરી પણ તેઓ તો નહોતા. આવા વિદ્વાનને કારમી ગરીબીમાં રહેવું પડે છે તે શ્રીકૃષ્ણના માણસો જાણે તો રાજ્યની આબરૂ જાય એટલે માણસો મોકલી સુદામાના પત્ની તથા બાળકોને એક સારા મકાનમાં ખસેડી સુદામાનું ઘર તાત્કાલિક મોટું બનાવવા સૂચના આપી દીધી.

 

બીજે દિવસે રાજ્યસભામાં શ્રીકૃષ્ણના દૂતને જણાવાયું કે સુદામા વિદેશ પર્યટને ગયા હોવાથી તેમની ઇચ્છા જાણી શકાય તેમ નથી. આથી તેમના આવ્યા બાદ તેમની ઇચ્છા જાણીને પોરબંદરના દૂત શ્રીકૃષ્ણને નિવેદન કરશે. શ્રીકૃષ્ણના દૂત સુદામા માટે સદભાવના પ્રતિક તરીકે ભેટ આપતા ગયા, જે પોરંબદર માટે તો વૈભવ ખરીદી શકાય તેટલી હતી.

 

*****

 

દ્વારકાના દ્વારપાળના હાથમાં જ્યારે સુદામાની પૌઆની પોટલી આવી ત્યારે તે પણ વિચારમાં પડ્યો. સુદામાની દશાનો ખ્યાલ તેને આવેલો હતો. વિદ્વાનનું માનભંગ થાય, એમને કોઇક રીતે મદદ થાય અને એમના પૌઆ શ્રીકૃષ્ણને પહોંચે એવું કાંઇક કરવાનું તે વિચારી રહ્યો. એણે બીજે દિવસે સોનાની પેટી બનાવડાવી તેમાં પૌંઆની પોટલી મૂકી દીધી. તે પેટી કિંમતી રેશમના વસ્ત્રમાં બાંધીસુદામા ભૂલી ગયા છે’. એમ કહીને શ્રીકૃષ્ણને પહોંચાડવા ગયો. સુદામાની પેટી તરીકે શ્રીકૃષ્ણ તે રાખે નહિ અને પાછી લઇ જતાં સુદામાને સારૂ એવું દ્રવ્ય મળી શકે. વળી સોનાની પેટીમાં મૂકેલા પૌઆથી સુદામાને શ્રીકૃષ્ણની રાણીઓ અને અનુચરો આગળ નીચા જોવાનું પણ થાય. અનેક આંટીઓ વટાવ્યા બાદ દ્વારપાળ શ્રીકૃષ્ણને મળી શક્યો.શ્રીકૃષ્ણે પેટી લઈને ખોલી ત્યારે તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એક રાજવી તરીકે પોતે પ્રજાનો એટલો પ્રેમ સંપાદન કર્યો છે કે પોતાના મિત્રને નીચું જોવાનું થાય અને મદદ થાય તે માટે એક દ્વારપાળ પણ પ્રયત્ન કરે તે જાણી તેઓ ગદગદિત થઇ ગયા. દ્વારપાળને વિદાય કરી શ્રીકૃષ્ણે પોતાની રાણીઓને બોલાવી. સુદામાની ભેટ તેમને વહેંચી અને કહ્યું કે પૌઆ મારા મિત્રની પત્નીની વિદ્વતાનું પ્રતિક છે. મારા રાજ્યમાં કોઇ જાતની મણા હોય તેની તેમને ખાત્રી હતી. આથી મારા ભાભીએ સ્વહસ્તે ડાંગર ખાંડી પૌઆ તૈયાર કરી, મને મોક્લાવી કહે છે કે સોના જેવી સમૃદ્ધિમાં પણ પૌઆ જેવા સાદા રહેવાથી સંસારનો આનંદ માણી શકાય. પ્રસાદ લો અને અનુભવો કે સાદાઈમાં અમૃત છે.'

 

ત્યાર પછી શ્રીકૃષ્ણે, પેટીમાં સ્વહસ્તે કાંઇક બનાવી સુદામા પત્નીને મોકલવા રૂક્ષમણીને જણાવ્યું. દિવસો સુધી શ્રીકૃષ્ણની મહેમાનગતી માણી સુદામા પોરબંદર જવા નીકળ્યા ત્યારે શ્રીકૃષ્ણ ગદગદ થઇ ગયા. તેમને ભાવભીની વિદાય આપી. સુદામા પૌઆની પોટલીને બદલે રૂક્ષમણીએ બનાવેલ મીઠાઇ ભરેલી સોનાની પેટી બગલમાં લઇ પોરબંદરના રસ્તે જવા ઉપડ્યા. શ્રીકૃષ્ણે તેમની આટલી મહેમાનગતિ કરી પણ કાંઇ આપ્યું નહિ, એટલી ચિંતા હતી. પોતે ખાઇપીને મજા કરી જ્યારે પત્ની બાળકો ભૂખે રહીને આશાથી પોતાની રાહ જોતા હશે વિચાર તેઓ ઉદ્વિગ્ન બન્યા. શ્રીકૃષ્ણ પાસે તે કાંઇ માગી શક્યા તે બદલ દુઃખ થયું અને વગર માગ્યે કાંઇ આપવા માટે શ્રીકૃષ્ણનો વાંક પણ કાઢ્યો…! ઘરે પહોંચીને શું ઉત્તર આપવો તેની ચિંતામાં તેઓ રસ્તામાં આવતા ગામોમાં રોકાતા ત્યારે સત્સંગ કરવાનો પ્રયત્ન કરતા જેથી ઘરે જલ્દી પહોંચવું ના પડે. સોનાની પેટી હતી એટલો સંતોષ હતો. તેને સાચવવાની ચિંતામાં તેઓ વાટમાં રાત્રે ઊંઘી પણ શક્યા.

 

પોરબંદર પહોચ્યા ત્યારે સૌ તેમના તરફ અહોભાવથી જોઇ રહેતું, અને નમસ્કાર કે એવી કોઇ રીતે તેમનો આદર કરતું દેખાયું. આવું તો તેમણે કદી અનુભવ્યું નહોતું, તેમનું કોઇએ કદી અપમાન કર્યું નહોતું, પણ એમને માટે જે માન હતું તે આટલું સ્પષ્ટ રીતે ક્યારેય વ્યક્ત થતું. ઘર પાસે પહોંચ્યા તો તેમનું ઘર મળે..! તેઓ ચિંતામાં પડી વિચારવા લાગ્યા. પોતાના ભાંગ્યા તૂટયા ઘરને સ્થળે હવેલી થઇ ગઇ હતી. ભૂલા પડ્યા હોવાની શંકાથી તેઓ પાછા ફરવા જતા હતા ત્યાં તેમના પત્નીનો અવાજ સાંભળ્યો અને પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર આવી એમને હવેલીમાં દોરી ગઈ.

 

"કેમ છો તમે બધા? અને આ બધું કેવી રીતે બદલાઈ ગયું ?" સુદામાએ પૂછ્યું.

 

મેં તમને કહ્યું હતું ને કે એકવાર શ્રીકૃષ્ણને મળો. તે બધું બરાબર કરશે!’ પત્નીએ ઉત્સાહથી જણાવ્યું.

 

પણ મેં તો તેમને કાંઇ કહ્યું નથી.” સુદામા હજુ આશ્ચર્યમાં હતા. વાત આગળ ચાલે તે પહેલા રાજ્યનું તેડું આવ્યું.

 

“ઘડીએ ઘડીએ તમારા સમાચાર પૂછે અને આવો કે તરત મળવા બોલાવ્યા છે, રાજાએ.” પત્નીએ કહ્યું.

 

સુદામા રાજાને મળવા ગયા. રાજાએ તેમને માનથી બોલાવ્યા. પોતાની પાસે બેસાડ્યા અને એટલો સમય એમની અવગણના કરવા માટે માફી માંગી, શ્રીકૃષ્ણના દૂતે કરેલી વાત સુદામાને જણાવી. સુદામા બધુ સમજી ગયા. શ્રીકૃષ્ણનો તેમણે મનોમન ઉપકાર માન્યો અને રાજાને જણાવ્યું, “આપ જેવાને છોડીને દ્વારકા જવું મને ઠીક લાગતું નથી. આપણે પોરબંદરને દ્વારકા જેવું બનાવવાનો પ્રયત્ન કરીએ.”

 

વાહ! હું આશા રાખતો હતો. આપના પાસે.”  કહી રાજાએ ઊઠીને સુદામાને બાથમાં લીધા.

 

પોરબંદરના રાજાના મુખ્ય સલાહકાર તરીકે સુદામા શ્રીકૃષ્ણને ફરી મળ્યા ત્યારે બંને વચ્ચેની વાતો સાંદિપની આશ્રમનો ભૂતકાળ વટાવી પ્રજા કલ્યાણના વિવિધ માર્ગો ઉપર ફરી રહી હતી. હા ફરીવાર દ્વારકા જતી વેળા સોનાની પેટીમાં મીઠાઈ મૂકી દ્વારપાળ માટે લઇ જવાનું સુદામા ચૂક્યા નહોતા…!

 

(કથાબીજ : નરસિંહ મહેતાનું સુદામાચરિત્ર)

 

 

No comments:

Post a Comment