Friday, September 2, 2022

 

કવિનું મૃત્યુ

 



કવિ હતો અને કવિ હોવાનું ગૌરવ અનુભવતો હતો. જયારે જયારે કવિ સંમેલનો અને મુશાયરાઓમાં એનું નામ બોલાતું ત્યારે એની છાતી બેત્રણ ઈંચ ફૂલી જતી.માઈક પાસે ઊભો રહીને તે અદાપૂર્વક શ્રોતાજનો અને મંચ પર બેઠેલા કવિઓ તરફ નજર નાંખી ગળું ખોંખરતો. ગળું ખોખરવાનું કારણ હતું કે ગળામાં કંઈક બાજ્યું હોય, પણ ગળું ખોંખારવાની વિધિ કવિતા રજુ કરતા કવિ માટે, ગાયક માટે આલાપ જેવી એક ગૌરવપૂર્ણ વિધિ હતી એમ માનતો. કવિતા રચવા કરતાં કવિતા ગાવાનું કામ કાંઈક હલકા પ્રકારનું છે એવી ગ્રંથિ એના મગજમાં ઘૂસી ગઈ હતી.આમ છતાં કવિતા વાંચવાની અદા અને અભિનય દ્વારા, સારું ગઈ શકે તેની પ્રતીતિ કરાવવાનો પ્રયત્ન કરતો.

 

કવિ સંમેલનો અને મુશાયરાઓના આમંત્રણો એને ગૌરવપ્રદ પ્રમાણપત્રો જેવા લાગતા. માટે એણે એક મોંધા ભાવનું આલ્બમ ખરીદી તેમાં ગોઠવી દીધાં હતાં. કવિસંમેલનોમાં હાજર રહેવા માટે તેણે ખાસ પોષાક તૈયાર કરાવ્યો હતો. રેશમી ઝભ્ભો અને લેંઘો, કવિસંમેલનોમાં તે મોટા ભાગે અછાંદસ રચનાઓ રજુ કરતો. તેની તો ઈચ્છા હતી કે મુશાયરાઓમાં ભાગ લેવા માટે જોધપુરી શૂટ બનાવરાવે પણ તેવી સગવડના અભાવે તે ઝભ્ભા ઉપર બંડી અને લેંઘાને બદલે સુરવાલ પહેરતો. મુશાયરાઓમાં તે ગઝલ રજૂ કરવા પ્રયત્ન કરતો. પણ ગઝલની ફાવટ ઓછી એટલે કયારેક અછાંદસથી પણ ચલાવી લેતો.

 

કવિતાની રજૂઆત વખતે શ્રોતાઓ અને કવિમિત્રો ‘વાહ’ ‘ઈર્શાદ' ‘કયા કહી' જેવા પ્રસંશા વચનો વ્યકત કરતા ત્યારે તે અટકીને અદાપૂર્વક આભાર વ્યક્ત કરીને પછી જ આગળ વધતો. જો કોઈ સંમેલન કે મુશાયરામાં ફોટોગ્રાફરની વ્યવસ્થા હોય તો એની છટા ઘણી વધી જતી. મધ્યાંતરમાં કે પાછળથી ફોટોગ્રાફરને મળી એને માટે ફોટાની નકલ મેળવી લેવાની વ્યવસ્થા કરવાનું એને ફાવી ગયું હતું. એવા ફોટોગ્રાફ માટે પણ એણે એક મોંઘી કિંમતનું આલ્બમ ખરીદ્યું હતું. ટેલીવીઝન પર રજૂ થવાના હોય તેવા કોઈ સંમેલનમાં એને હજુ તક નહોતી મળી એને એ દેશનું દુર્ભાગ્ય સમજતો.

ગુજરાતી ભાષાના નાના-મોટાં અખબારોમાં, સામાયિકોમાં તેની રચનાઓ કદી કદી પ્રસિદ્ધ થતી. એની પ્રકાશિત રચનાઓનાં કટીંગનું પણ એણે એક આલ્બમ બનાવ્યું હતું, મોંઘી કિંમતનું. એના કાવ્યોના બે સંગ્રહો એણે પોતાના ખર્ચે પ્રસિદ્ધ કર્યા હતા, જેમાંના એક માટે સ્વખર્ચે ગાંધીનગરના પાંચ ધક્કા ખાધા પછી સરકારી મદદ મળી હતી. ગુજરાતીઓ કવિતાના પુસ્તકો ખરીદતા નથી તેનું એને અનહદ દુઃખ હતું. પણ એણે સંબંધીઓ, મિત્રો, કવિઓ, વિવેચકો, તંત્રીઓને એ સંગ્રહોની નકલો પોતાના ખર્ચે ક્યાંક સપ્રેમ' ક્યાંક ‘અવલોકનનાથે” તો ક્યાંક ‘શુભેચ્છા સહ’ મોક્લીને એની કવિતાનો વ્યાપ વિસ્તાર્યો હતો. એના ધ્યાનમાં આવતી દરેક કાવ્ય સ્પર્ધાઓમાં એ ભાગ લેતો અને પોતાના કાવ્યને પ્રથમ ઈનામ મળશે જ એવી અપેક્ષા રાખતો. ક્યારેક પ્રથમ, ક્યારેક દ્વિતિય ઈનામ મળતું પણ ખરું. એવા ઈનામની રકમ કે ચીજ ગમે તે હોય, પણ એનો સ્વીકાર કરવા એ જયાં જવું પડે ત્યાં જતો અને એ પ્રસંગના વી.આઈ.પી બનવાનું ગૌરવ અનુભવતો. આવા પારિતોષિકોનાં પ્રમાણપત્રો માટે પણ તેણે ખાસ આલ્બમ ખરીદ્યું હતું.

 

કવિનો નિયમ હતો કે રોજ રાત્રે બાર વાગે કવિતાઓની રચના કરવા બેસવું અને ઓછામાં ઓછી એક રચના કરીને પછી જ સૂવું. આ નિયમનું પાલન એ અચૂકપણે કરે છે એવું એ જયાં બોલવાની તક મળે ત્યાં બધે જ કહેતો. જો કે એના પ્રતિઃસ્પર્ધીઓ કહેતા કે એ શાળામાં બાળકોને ભણવવાને બદલે કવિતા કરતો રહેતો હતો. કવિના ઘરે જનાર મહેમાનને નાસ્તામાં ચાર ચાર આલ્બમોનું અવલોકન અને ચાની સાથે તાજી લખાયેલી રચનાઓ સાંભળવાનો લહાવો મળતો. ચવાણા- ચાના નાસ્તા-પાણી કરતા આવા અલૌકિક નાસ્તા પાણી મહેમાનને ખૂબ જ ઊંચા પ્રકારનો સાત્વિક આનંદ આપે છે એમ એ માનતો અને કહેતો. જો મહેમાન રસિક હોય તો પોતાનો અને પોતાના પ્રતિસ્પર્ધીઓનાં કાવ્યોનો તુલનાત્મક આસ્વાદ પણ કરાવતો. એની સાથે થોડીવાર વાત કરનારને પ્રતીતિ થઈ જતી કે કવિને ગુજરાતના બધા જ નામી કવિઓ સાથે મૈત્રી હતી અને બધા એને મિત્ર ગણતા હતા!

 

કવિના ભરણપોષણ ની જવાબદારી સમાજ અને રાજ્યે સ્વીકારી લેવી જોઈએ એવી એની દઢ માન્યતા હતી. રોટલાની ચિંતામાં કવિની સંવેદના ધારહીન થઈ જાય છે એવું એ માનતો અને પ્રચાર કરતો. છતાં નિર્વાહની જવાબદારી સમાજ સ્વીકારે ત્યાં સુધીની વ્યવસ્થા તરીકે કવિ એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો. કવિ સંમેલનો અને મુશાયરાઓમાં હાજર રહેવા માટે એને ખાસ રજા મળવી જોઈએ એવી રજુઆત એ દર વર્ષે અધિકારીઓ સમક્ષ કરતો, પણ એનું પરિણામ ન આવતાં હક્ક રજાઓ પૂરી કરતો અને ક્યારેક કપાત પગારે પણ રજા લેતો. જેમ માન્ય પત્રકારોને સરકાર મફત મુસાફરીની સગવડ આપે છે તેમ કવિ-લેખકોને પણ સાહિત્યિક કાર્યક્રમોમાં હાજર રહેવા માટે મફત મુસાફરીની સગવડ મળવી જોઈએ એવું એણે લાગતા વળગતા પ્રધાનોને કેટલીય વાર લખ્યું હતું. કવિસંમેલન કે મુશાયરામાં ભાગ લેવા આવનારા કવિઓ પોતાના ખર્ચે આવે અને તેનો હેવાલ લેવા આવનારા પત્રકારો મફતમાં આવે તેવી વિચિત્ર વ્યવસ્થા બદલ તે સખત અફસોસ વ્યકત કરતો.

પગારમાંથી બચત ન હોય ત્યારે તે મિત્રો પાડોશીઓ પાસેથી ઊછીના લઈને કે, ઘરભાડાના, કરિયાણાના કે દૂધના પૈસા બાકી રાખીને આવા કાર્યક્રમો માટે વાપરતો. કવિ પાસે કોઈ પૈસાની ઉધરાણી કરે ત્યારે તેના સ્વમાનને સખત ઠેસ પહોંચતી અને તે ઉઘરાણી કરનાર સમક્ષ વ્યક્ત કરતો પણ ખરો.

 

છેક કોલેજમાં હતો ત્યારથી કવિની ઈચ્છા હતી કે તે સ્વ-પસંદગીની તેની કવિત્વ શક્તિની કદરદાન એવી કોઈ ચંદ્રમુખીને જીવન સહધર્મચારિણી બનાવે. પણ જે બે-ત્રણને એ એવા પ્રકારની માની દરખાસ્ત મુકવાનું વિચારતો હતો તે વારાફરતી તેમના પિતાએ પસંદ કરેલા, કાવ્યના ‘કા' ને બદલે કાગડાના 'કા' ભણનારા મૂરતિયાઓ સાથે પરણી ગઈ. બહુ રાહ જોવા જતાં રહી જવાશે એવી બીક લાગવાથી ‘વ્યવહારુ' બનીને તેને પિતાએ શોધેલી કન્યા સાથે લગ્નના ફેરા ફરી ગૃહસંસાર માંડવો પડયો હતો અને પત્ની પ્રત્યેની વ્યવહારિક ફરજને અનુલક્ષીને ત્રણ છોકરીઓ અને એક છોકરાના પિતા પણ બનવું પડયું હતું. પોતાના આ વ્યવહારું વર્તનને તે ચંદ્રમાં રહેલા ડાઘ સમાન ગણાવતો.

 

મુશાયરા કે સંમેલનોમાં દસ-પંદર કવિઓ વચ્ચે બે ત્રણ કવિયિત્રીઓ ઉપસ્થિત હોય ત્યારે એની કવિત્વશકિત તો સોળે કળાએ ખીલતી જ, એનું સ્ત્રીદાક્ષિણ્ય પણ ઉત્તમ કક્ષાએ પહોંચતું. એમાંથી કોઈક એની રચનાનાં વખાણ કરે ત્યારે એને એનું જીવન સફળ થયાનો અહેસાસ થતો અને આભારરૂપે એકાદ શેર કે આખી ગઝલ વ્યકત કરી દેતો. પાંચ સાત વાર સાથે મુશાયરામાં ભાગ લેવાથી નજીક આવેલી એક કોકિલકંઠી કવિયિત્રી સાથે તેને સારું બનતું. તેના પ્રત્યે‘રાધા’ ભાવ અનુભવતો હોવાનું તેણે તે કવિયિત્રી સમક્ષ એક વાર ઉત્સાહના ઉન્માદમાં કબૂલી લીધું ત્યારે થોડીવાર તો બંને મૌન થઈ ગયેલાં. પછીથી કવિયિત્રીએ કબૂલ્યું હતું કે રાધાને જે ભાવથી કૃષ્ણની ‘બંસી'ની અદેખાઈ આવતી હતી, તેવો જ ભાવ તેને પણ કવિની પત્ની પ્રત્યે પણ પેદા થયો હતો. કવિયિત્રી યુવાન હતી, અપરિણિત હતી અને કવિની દષ્ટિએ સુંદર પણ હતી.

 

કવિને હવે સમાજના રૂઢ બંધનો પ્રત્યે પણ ફરિયાદનું કારણ ઊભું થયું. જીવનપથમાં ભલે સહયાત્રી ન બની શકાય પણ કાવ્યપથમાં હંમેશા સાથે રહેવાનો બંને નિર્ધાર કર્યો હતો. એ લક્ષ્યને નજર સમક્ષ રાખીને બંનેએ સંમેલનો અને મુશાયરાઓ સિવાય પણ મળતા અને કાવ્યપઠન, આસ્વાદ, વિવેચન વગેરે કરતાં. એમની ચર્ચામાં પ્રાચીન કવિઓ કાલિદાસ કે ભાસની રચનાઓ પણ આવતી. 'શાકુંતલ' કે 'વિક્રમોર્વશીયમ્'ની ચર્ચા દરમ્યાન કયારેક બંને ભાવુક પણ બની જતાં અને જો કયાંક ખુલ્લામાં બેઠા હોય તો જોનારાઓને અનેરું દશ્ય જોવા મળતું. બે ત્રણ વખત એવું બન્યા પછી બંનેએ ખુલ્લામાં બેસવાનું ટાળ્યું હતું.

 

કવિના ‘રાધા' ભાવનો અણસાર એની પત્નીને આવવા માંડયો હતો અને સદા સૌમ્ય અને ગૃહસ્થધર્મનું પાલન કરનારી ગૃહિણી હવે ક્યારેક ચંડીસ્વરૂપ પણ ધારણ કરવા માંડી હતી.. મોટા થયેલા બાળકોનો ખ્યાલ કરીને એ ઝડપથી શાંત થઈ જતી ત્યારે કવિને લાગતું કે તેમની ધાક હવે પત્ની પર જામવા માંડી છે.

 

ગુજરાતમાં વ્યાપેલા દુકાળની અસર કવિના ગામમાં પણ થઈ હતી. સૌથી વધુ મુશ્કેલી પાણીની હતી. આંતરે દિવસે એક ટેન્કર એક કિલોમીટર દૂર આવેલા ગામમાં આવતી અને પત્ની ત્યાં પીવાનું પાણી લેવા જતી. એક રજાના દિવસે પણ પુત્રનું ધ્યાન રાખવાનું કવિને કહીને તે પાણી લેવા ગઈ હતી. કવિ ત્યારે ખુશ હતા કારણ કે સરકાર તરફથી તેમને સરકારી સામયિક માટે કાવ્યરચના મોકલવાનું આમંત્રણ મળ્યું હતું. પત્નીને પાણી ભરવા જતી જોઈ કવિને પ્રેરણા મળી. કવિએ દુકાળમાં પાણીની વ્યવસ્થા કરતી સરકારની પ્રસંશા કરતું કાવ્ય રચવાનું વિચારી કાઢ્યું. પત્નીના ગયા પછી તે ડાયરી ને પેન લઈ કાવ્યની રચના કરવા બેઠો. વિચારતાં વિચારતાં એને લાગ્યું કે ફક્ત એક જ કિલોમીટર દૂર આંતરે દહાડે પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરીને સરકારે છપ્પનીઆના કાળની કે ઇથિયોપીઆ જેવા દેશની સરકારો કરતાં ઉત્તમ વહીવટી કાર્ય કર્યું છે. એ જ વાતને મધ્યમાં રાખીને તેણે સરકારના ગુણગાન ગાવાનું નક્કી કર્યું. આવા ગુણગાન એની કવિ તરીકેની કારકીર્દીને ઉચ્ચ સ્તરે પહોંચાડશે તેની એને ખાત્રી હતી, અને વિચાર આવ્યો કે આવા મહત્વના કાર્યમાં ‘રાધા’ નો સાથ મળે તો તરી જવાય!

 

કવિના અંતરાત્માની ઈચ્છા અવાજ બનીને કવિયિત્રી સુધી પહોંચી હોય તેમ થોડી જ વારમાં તેના પગલાં કવિના દ્વારે થયાં. કવિનો પુત્ર જ તેને ઘર સુધી દોરી લાવ્યો. પુત્રને બહાર રમવા મોકલી કવિ પુત્ર સાથે કાવ્યચર્ચાએ વળગ્યા. તેણે વિચારેલા વિષય ઉપર બંનેએ એક અછાંદસની રચના કરી દીધી. ત્યાર બાદ બંને ચર્ચાએ વળગ્યા અને ધીરે એમના પ્રિય કવિઓ કાલિદાસ અને ભાસની રચનાઓનો રસાસ્વાદ કરતાં ભાવુક બનીને વાણીને બદલે શરીરના પ્રયોગમાં સરી પડયા. સમય ક્યાં વ્યતિત થયો તેનો પણ તેમને ખ્યાલ ન રહ્યો.

 

ધોમધખતા તાપમાં એક કિલોમીટર દૂરથી માથે ભરેલું બેડું લઈને ગૃહિણીએ ઘરમાં પગ મુક્યો ત્યારે મહેમાનને જોઈને એને ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ પરાણે કાબૂ રાખ્યો. પાણીનું બેડું ઠેકાણે મૂકી રસોડા તરફ વળી ત્યાં કવિએ ચા બનાવવાની ફરમાઈશ કરી દીધી. ચૂલો સળગાવ્યો ત્યાં નાનો પુત્ર બહારથી દોડતો આવી માને વળગીને ખાવાનું માગતાં બોલ્યો, ‘પપ્પાને ઘણી વાર કીધું પણ તો માસી સાથે...’ કહેતા પપ્પા તરફ નજર પડતાં અટકી ગયો..

 

ઘણાં સમયથી પરાણે દબાવી રાખેલો ગુસ્સો ફરી ઊભરી આવ્યો અને ગૃહિણીએ ચા મૂકવા માટે પેટાવેલા ચૂલામાં કવિના હાથમાંની ડાયરી, ઘોડા પરના આલ્બમો, ડાયરીઓ વગેરે કવિની મહામૂલી મૂડી સળગીને રાખ થવા માંડી. કવિએ અને રોકવાનો પ્રયત્ન કર્યો પણ વીફરેલી વાઘણ જેવીબંસી'નો એક ધક્કો ખાધા પછી બીજી વાર હિંમત કરી શક્યો.

 

સમગ્ર ઘટનાનું વર્ણન પેલી કવિયિત્રીએ પછીથી એક અછાંદસ રચનામાં કરી તેને મથાળું આપ્યું, કવિનું મૃત્યુ'. રચનાને સાહિત્ય સંસદની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો, પણ કવિને તેની ખબર પડી!

 

 

( એક સંપૂર્ણપણે કાલ્પનિક કથા છે. કોઈ કવિશ્રીની લાગણીને ઠેસ પહોંચી હોય તો દિલથી માફી માંગુ છું.)

 

 

No comments:

Post a Comment