Monday, September 19, 2022

‘પ્રેમ' અને ‘લગ્ન’

 

પ્રેમ' અને ‘લગ્ન’

 



 

        પ્રસિદ્ધ તત્ત્વવેત્તા પ્લેટોએ એક દિવસ તેના ગુરૂને પૂછ્યું, “ગુરૂજી, પ્રેમ શું છે? તેને હું કેવી રીતે શોધી શકું?”

        ગુરૂજીએ કહ્યું, “જો, સામે ઘઉંનું મોટું ખેતર છે. તેમાં થઈને સીધો ચાલ્યો જા. રસ્તામાં તને જે સુંદરમાં સુંદર છોડ મળે તે ઉપાડી લેજે. શરત એટલી કે તારે પાછા ફરવાનું નહિ. તું જે સુંદર છોડ મેળવી શકે તેપ્રેમ.'

        પ્લેટો આગળ ને આગળ ચાલતો ગયો. એક-એકથી ચડિયાતા છોડ જોતો ગયો. પણ હજુ સારો આગળ હશે એવી લાલચમાં તેમાંથી એકે ઉપાડ્યો નહિ. અડધે પહોંચ્યા પછી જે બધા છોડો સામે આવ્યા તે બધા અગાઉના કરતા ઉતરતા હતા, પણ હવે પાછા તો જવાય નહીં! તે ખાલી હાથે પાછો ફર્યો.

             ગુરૂજીએ પૂછ્યું, “તું કેમ એકે છોડ લાવ્યો નહિ?”

             પ્લેટોએ કારણ બતાવ્યું. પછી ગુરૂજીએ કહ્યું, “એને પ્રેમ' કહેવાય, સમજ્યો?"

             બીજા દિવસે પ્લેટોએ ગુરૂજીને પૂછ્યું, “લગ્નએટલે શું?”

             ગુરૂજીએ કહ્યું, “જો, ત્યાં મોટું જંગલ છે. તું સીધોને સીધો ચાલ્યો જા. જંગલમાં મોટાં મોટાં ઝાડ છે. એમાંથી સૌથી ઘટાદાર અને ઊંચું ઝાડ જોઈને એક કાપી નાંખજે, અહીં પણ પાછા ફરવાનું નહી. તને 'લગ્ન' શું છે તે ખબર પડી જશે.

         પ્લેટો જંગલમાં ચાલતો ગયો. બધા જ વૃક્ષો તેને સામાન્ય અને ઓછી ઊંચાઈના લાગતા ગયા. પણ અગાઉનો અનુભવ યાદ કરીને વધુ આગળ જવાને બદલે તેણે એક સામાન્ય ઝાડ કાપી નાંખ્યું. અને પરત આવી ગુરૂજીને વાત કરી.

         ગુરૂજીએ પૂછ્યું, “તેં કેમ આવું ઝાડ કાપ્યું? એ તો સાવ સામાન્ય છે!”

         પ્લેટોએ ઉત્તર આપ્યો, “અગાઉ હું અડધે સુધી ગયો હતો અને ખાલી હાથે પાછો ફર્યો હતો. તેથી આ વખતે જોખમ લીધા વિના મને જે ઝાડ ઠીક લાગ્યું તે મેં કાપી નાંખ્યું. કારણકે આ વખતે હું તક ચૂકવા માગતો નહોતો."

         ગુરૂજીએ કહ્યું, “આવું જ ‘લગ્ન’નું છે!”

 

(અંગ્રેજી ઉપરથી)

 

2 comments: