Thursday, September 15, 2022

દાદા

 

 



સંસ્થાએ આપેલું આમંત્રણ સ્વીકારી તો લીધું, પણ વિષય કેટલો જટીલ છે એનો ખ્યાલ આવ્યો ત્યારે વ્યાખ્યાન માટે ના પાડવાની ઈચ્છા થઇ આવી. પરંતુ શક્ય નહોતું. જે સંસ્થાએ વ્યાખ્યાનમાળા ગોઠવી હતી, તેણે નિમંત્રણો પણ પાઠવી દીધા હતા અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષયમાં વક્તા તરીકે મારૂં નામ જાહેર પણ થઇ ગયું હતું.

મારી નાની સરખી લાઇબ્રેરીમાં અંગે જેટલાં પુસ્તકો હતાં તે બધાં જોઇ ગયો, પણ તેમાંથી ખાસ કાંઇ મળ્યું નહિ. શહેરની બધી મોટી લાઇબ્રેરીઓનાં કબાટો પણ ફંફોળી વળ્યો, પણ સંતોષજનક તૈયારી થઇ શકે તેવું કશું મળ્યું નહિ, વ્યાખ્યાનને ફક્ત બે દિવસ બાકી રહ્યાં ત્યારે મારી ચિંતા વધી ગઇ. અભ્યાસીઓ અને વિવેચકો સમક્ષ ભાષણ આપવાનું હતું, એટલે પૂરતી તૈયારી વિના ત્યાં જવાથી મારી અત્યાર સુધીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવવા જેવું હતું. હું ખૂબ મુંઝાઇ ગયો. ટેબલ પર પડેલા પુસ્તકોના ઢગલા ઉપર ફરી એક વાર નિરાશાપૂર્ણ નજર નાંખી. એમાંથી એક પુસ્તક લઇને હાથમાં આમતેમ રમાડતો વિચારોમાં ડૂબી રહ્યો. હાથમાંથી પેલા હાથમાં ઝોલા ખાઇ રહેલા પુસ્તકમાંથી એક નાનકડી ચબરખી ઊડીને નીચે પડી, અને સહેજ કુતૂહલથી મેં તેને ઉપાડી લીધી. તેમાં એક સરનામુ હતું. થોડીક મિનિટોના વિચાર પછી મારી સમક્ષ વિસેક વર્ષ પહેલાંનો સમય તરવરી રહ્યો.

તે સમયે હું એમ.એ. ની તૈયારી કરી રહ્યો હતો. બધાં પુસ્તકો ખરીદવાની શક્તિ નહોતી અને લાઈબ્રેરીમાંથી મળતાં પુસ્તકો વધારે સમય રાખી શકાતાં નહોતાં. એટલે હું અવારનવાર જૂના પુસ્તકોની શોધમાં નીકળી પડતો . ઘણું કરીને રવિવારે ગુજરીમાંથી બે ત્રણ પુસ્તકો તો મળી રહેતાં. જ્યાં જ્યાં જૂનાં પુસ્તકો મળતાં ત્યાં જવાનું વ્યસન જેવું મને થઈ ગયું હતું. આ દરમિયાન જ મારે આ વૃધ્ધ કે જેમનું નામ કેશવભાઈ હતું, તેમની સાથે પરિચય થયો. તેઓ પણ મારી માફક જ જૂના પુસ્તકોની શોધમાં આવતા અને દરેક વખતે આઠ-દસ પુસ્તકોનો થેલો ભરીને લઈ જતા. એક પુસ્તક માટે જ્યારે અમારે બંનેને હરિફાઈ જેવું થયું ત્યારે અમારો પરિચય થયો. મને અભ્યાસ માટે એ જોઈતું હતું, તે જાણ્યા પછી તેમણે પ્રેમથી એ પુસ્તક મને આપી દીધું. એટલું જ નહિ પણ તેમનું સરનામું મને આપી એમના પુસ્તક ભંડારનો ઉપયોગ કરવાનું પણ મને આમંત્રણ આપ્યું. ત્યાર પછીની મુલાકાતોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ ઉપર અમારે ચર્ચાઓ થતી રહી. મારું જ્ઞાન અભ્યાસક્રમ પૂરતું મર્યાદિત હતું, જ્યારે તેમનું જ્ઞાન વર્ષોના વાચનથી ઘડાયેલા તેમના વિચારોથી સમૃધ્ધ હતું. એટલે મને તેમની પાસેથી ઘણુ શીખવાનું મળતું.

આમ તો કેશવલાલ નિવૃત્ત સરકારી અધિકારી હતા. તેમની નોકરી દરમિયાન પણ તેમનો એક માત્ર શોખ વાચનનો હતો. તેમનું વાંચન સર્વાંગી હતું અને લગભગ દરેક વિષય ઉપરનું તેમનું જ્ઞાન તલસ્પર્શી હતું. પરંતુ તેમને ખાસ રસ હતો ભારતીય સંસ્કૃતિના વિષયમાં. તેમણે સારાં એવાં પુસ્તકો વસાવ્યાં હતાં. નિવૃત્ત થયા પછી તેમણે એ રસ વધુ વિકસાવ્યો હતો. તેમના છોકરાઓ ધંધે વળગ્યા હોવાથી તેમને કોઈ જવાબદારી નહોતી. તેમને મળતું પેન્શન તેઓ આવા કાર્યમાં ખર્ચે તેમાં છોકરાઓને વાંધો નહોતો. કેશવલાલની આ પ્રવૃતિ છોકરાઓને માટે એક રીતે તો આશીર્વાદરૂપ હતી. નવરાશની ક્ષણોમાં કેશવલાલના કુંટુંબની આ અંતરંગ વાત પણ તેમણે જ મને કરી હતી.

મારો અભ્યાસ પૂરો થતાં હું નોકરીએ વળગ્યો. અને પછી જુના પુસ્તકોની શોધમાં જવાની જરૂર ન રહેતા એ રસ ઓછો થઇ ગયો. કેશવલાલના ઘરે જવાની તક મેં એકે વાર લીધી નહિ, અને પછી તો હું તેમને ભૂલી પણ ગયો.

પુસ્તકોમાંથી સરી પડેલી ચબરખીએ મને આશાનું આછું કિરણ દેખાયું. કેશવલાલની મુલાકાત થઇ શકે તો મારા વ્યાખ્યાન માટે જરૂરી સામગ્રી મળી શકે તેવી મને આશા બંધાઇ. સરનામું જૂનું હતું. ત્યારપછી તો ઘણો સમય વીતી ગયો હતો. કેશવલાલની હયાતી હશે કે કેમ, હોય તો તેઓ આપેલા સરનામે રહેતા હશે કે કેમ, લાઇબ્રેરી જાળવી રાખી હશે કેમ, એવી અનેક આશંકાઓ છતાં લખેલ સરનામાથી શરૂ કરી તપાસ કરતા કરતા ઘર શોધી કાઢ્યું.

બારણું ઉઘાડીને એક આધેડ ઉંમરના બહેન મારા જેવા અજાણ્યા સામે પ્રશ્નાર્થસૂચક દષ્ટિથી તાકી રહ્યા ત્યારે ક્ષણભર તો હું મૂંઝાઈ ગયો. “મારે કેશવકાકાને મળવું હતું.” મેં ધીરેથી કહ્યું.

”કોને?!” આશ્ચર્યથી પેલા બહેને પૂછ્યું.

'આજથી વિસેક વર્ષ પહેલાં કેશવલાલ નામના એક વૃધ્ધ સગૃહસ્થ માથે ઓળખાણ હતી... પોળમાં તપાસ કરતાં આ સરનામુ મળ્યું એટલે અહીં આવ્યો છું.”

“મતલબ કે તમે દાદાને મળવા આવ્યા છો. માફ કરજો, દાદાનું નામ કેશવલાલ છે તેનો ખ્યાલ અમને ઘરનાને પણ રહેતો નથી. અહીં આવ્યા પછી તમે કદાચ પહેલી જ વ્યક્તિ હશો જેમણે એમની ઓળખાણ નામથી આપી હોય. આવો.”

હું તે બહેનને અનુસર્યો, મને ડ્રોઇંગ રૂમમાં બેસાડીને બહેન અંદર ગયાં અને થોડીવારમાં એક આધેડ વયની વ્યક્તિ બહાર આવી. ‘કેશવલાલનો દીકરો હશે! મેં અનુમાન કર્યું .

“ક્યાંથી આવો છો આપ?” અવાજમાં બને તેટલો વિનય લાવી તેમણે પૂછ્યું.

“હું કોલેજમાં પ્રોફેસર છું.” કહી મેં મારો સંપૂર્ણ પરિચય આપ્યો.

“દાદાને ક્યાંથી ઓળખો આપ?” ફરી તેમણે પૂછ્યું. જે કાર્ય માટે હું આવ્યો હતો તે લંબાતું જતું હતું. મેં વિસ્તારથી ઓળખાણ આપી અને સાથે સાથે આટલા વર્ષે કેશવલાલને શોધતાં આવવાનું પ્રયોજન જણાવ્યું. તેમના ચહેરા ઉપર આવા વિદ્વાનના પુત્ર હોવાનો ગર્વ છવાઇ ગયો.

“મુશ્કેલી એ છે કે દાદાને થોડા દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો અને ડોક્ટરે તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી છે. તેઓ બહુ વાતોડીયા છે. વળી છેલ્લા બે વર્ષથી તેમનું મગજ પણ કાંઇક અસ્થિર થવા લાગ્યું હોય તેવી ડૉક્ટરને શંકા છે. આંખે ઝાંખ તો વળે જ છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી અમે કોઇને તેમને મળવા દેતા નથી.” તેમણે સંકોચાતા ખુલાસો કર્યો. મારાથી તેમને મળવાનો આગ્રહ થઇ ન શકે એવી નાજુક સ્થિતિ હતી. હું વિમાસણમાં પડ્યો.

“એવું હોય તો મારાથી એમને મળવાનો આગ્રહ ન થઇ શકે, પરંતુ જો તેમના પુસ્તકાલયમાં મને જવા દેશો તો આભારી થઇશ.” મેં રસ્તો કાઢવાના આશયથી કહ્યું.

“દાદાને પુસ્તકો પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમની સમગ્ર લાઇબ્રેરી તેમણે પોતાના રૂમમાં જ ખડકી છે. અને તે છે પણ અવ્યવસ્થિત. નથી તેઓ કોઇને તેને વ્યવસ્થિત કરવા દેતા કે નથી પોતે કશું વ્યવસ્થિત રાખતા. કોઇ ટકોર કરે તો તરત જ કહે છે કે મારા મરી ગયા પછી તમે એને સળગાવી મૂકો તો પણ વાંધો નથી. એમનો પુસ્તકપ્રેમ ગાંડપણની હદમાં પ્રવેશી ગયો છે એમ કહીએ તો ચાલે. અને એમની લાયબ્રેરી એમની પથારી સાથે જ છે. એટલે એમને મળ્યા વિના તો લાઇબ્રેરીને અડકાય પણ નહિ.” એમના વક્તવ્યમાંથી એમની લાચારી ડોકાઇ રહી હતી.

“કશો વાધો નહિ. હું પાછો જઇશ. એમને મળી શક્યો હોત તો આનંદ થાત.” કહી મેં ઊઠવાની તૈયારી કરી. પરંતુ તે પહેલાં જ પેલાં બેન નાસ્તો લઇને આવ્યાં એટલે મારે રોકાવું પડ્યું.

એ દરમ્યાન “મમ્મી કોણ આવ્યું છે?” કહેતી એક છોકરી દાખલ થઇ અને મને જોતાં જ ઓળખાણ હોય તેમ મારા તરફ તાકી રહી.

‘‘આ અમારી નાની. આપની જ કોલેજમાં પહેલા વર્ષમાં ભણે છે.” તેમણે ઓળખાણ કરાવી. નાનીએ મને નમસ્તે કર્યાં. તેની આંખોમાંથી કુતુહલ છલકી રહ્યું હતું.

“ક્યાં ડીવીઝનમાં છે?”થી શરૂઆત કરી મે કેટલાક ઔપચારિક પ્રશ્નો પૂછ્યા અને તેના તેણે સલુકાઈથી જવાબ આપ્યા.

“સાયન્સમાં જવાને બદલે આટર્સ કેમ કર્યું ?”

“દાદાનો આગ્રહ, અને મને પણ આટર્સમાં રસ વધારે છે એટલે.”

“નીનાને હોશિયાર બનાવવાનો યશ દાદાને ફાળે જાય છે. હજુ પણ દાદા નીનાનું કહેવું ટાળી શક્તા નથી. એવો પ્રેમ છે બંને વચ્ચે.” નીનાના પપ્પાએ કહ્યું .

“તો તો કદાચ એ મને મદદ કરી શકે. માફ કરજો. સ્વાર્થી લાગીશ, પણ નીના મને જોઇતાં પુસ્તકો દાદાની લાઇબ્રેરીમાંથી લાવી આપી શકે તો મારું કામ થઈ જાય.” મેં સંકોચ સહિત સ્વાર્થ આગળ કર્યો.

“એ એક રસ્તો છે.” એના પપ્પા પણ સંમત થયા અને મેં નીનાને વિષય સમજાવી એને લગતાં બધાં પુસ્તકો જુદા કાઢી રાખવા જણાવ્યું. બીજે દિવસે જવાનું નક્કી કરી હું ઘરે આવ્યો. મારા કાર્યમાં થોડીક સફળતા મળી હતી, પણ હું જાણતો હતો કે નીનાની શક્તિ મર્યાદિત હતી, એટલે મારે કામની સામગ્રી મળી શકશે કે કેમ તે અંગે હજુ શંકા હતી.

બીજે દિવસે કોલેજ જઇને પહેલું કામ મેં નીનાને બોલાવવાનું કર્યું, પરંતુ તે આવી નહોતી. મને ફરી શંકા થઈ,પરંતુ બપોરે નીના મને મળવા આવી. તેણે કાઢી રાખેલા પુસ્તકોની યાદી બનાવીને તે લેતી આવી હતી. યાદી જોઈને મને આનંદ થયો. કારણ કે મારે જરૂરી એવી ઘણીખરી સામગ્રી તેમાંથી મળશે એવી મને આશા બંધાઇ. નીના જેવી નાની છોકરી આટલા ઓછા સમયમાં આટલાં પુસ્તકો જુદા તારવી શકી તેથી મને તેની શક્તિ માટે માન પેદા થયું.

“આટલાં પુસ્તકો તું મુશ્કેલીથી જુદાં કાઢી શકી હોઇશ.” મેં તેને કહ્યું.

“ના, સહેજ પણ નહી. તમે સમજાવેલો વિષય મેં દાદાને કહ્યો એટલે તેમણે મને સૂતાં સૂતાં જ આંગળી ચીંધીને પુસ્તકો બતાવ્યાં તે મેં કાઢી લીધાં. આજે આપ આવો ત્યારે દાદાને જરૂર મળશો. તેમને ખૂબ આનંદ થશે. પપ્પાને હું સમજાવી લઇશ.” નીનાએ કહ્યું.

“દાદા તો મને ઓળખતા નહિ હોય?”

“આમ તો યાદ નહોતું. પણ પપ્પાએ ઓળખાણ આપી કે તરત ઓળખી ગયા. એટલું જ નહિ પણ જે પુસ્તકને માટે આપની અને દાદાની વચ્ચે હરીફાઇ થઇ હતી તેનું નામ પણ તેમણે કહ્યું. આપ સાંજે જરૂર આવશો ને?'

“હાસ્તો, મારે માટે તો એ જરૂરી છે.” મેં કહ્યું.

“પપ્પાએ કહ્યું છે કે જો આપ કોલેજથી સીધા આવો તો જમવાનું અમારી સાથે રાખશો.” અજાણ્યાને આટલા પ્રેમથી આવકારવાના સંસ્કાર રેડનાર દાદા માટે ત્યારે ખરેખરું માન પેદા થયું.

મેં અગાઉ અનેક વ્યાખ્યાનમાળાઓમાં ભાગ લીધો હતો અને મારા વ્યાખ્યાનોની પ્રશંસા પણ સાંભળી હતી. આ વ્યાખ્યાન પણ એવા જ પ્રકારનું હતું, છતાં મારે માટે તે અનોખું હતું. એટલા માટે કે એના પાયામાં હતી એક અભ્યાસી નિવૃત્ત સરકારી અધિકારીની મૌલિક નિપુણતા. વ્યાખ્યાનના અંતે એ વૃધ્ધ કેશવલાલનો નિર્દેશ કરી મારું આ વ્યાખ્યાન તેમને આભારી હતું એમ મેં સ્વીકાર્યું, પણ વિવેચકોએ મારા નિર્દેશનો ઉપયોગ કર્યો મારા નિસ્પૃહી અમે નિષ્કપટ વ્યક્તિત્વના વખાણ કરવામાં.

તે રાત્રે મને ઊંઘ ન આવી. મારા વખાણ કરતા વિવેચકો અને એના માટે કારણભૂત એવા દાદાનાં ચિત્રો વારંવાર મારા માનસપટ સમક્ષ ઉપસતાં રહ્યાં. પ્રશંસાને લાયક હું નહોતો અને મેં એ કબૂલ્યું હતું છતાં તે કબુલાતે પણ મારી જ પ્રશંસામાં વધારો કર્યો હતો. મારો ઉપરછલ્લો અભ્યાસ મને વિદ્વાનમાં ખપાવી રહ્યો હતો, જ્યારે જેમણે જીવનભર તપસ્યા કરી વિદ્વતા પ્રાપ્ત કરી હતી તેમને જાણવાની કોઇને પડી નહોતી.

બીજે દિવસે સવારે જ ફરી દાદાને મળવા ગયો તે પહેલાં વર્તમાનપત્રોમાં મારી પ્રશંસા આવી ગઇ હતી. દાદાના ઘરમાં સૌ તે જાણી ચૂક્યાં હતાં એટલે તેમની સમક્ષ જતાં મને ક્ષોભ પણ થયો. કારણકે પ્રશંસાનો અધિકારી હું નહોતો તે તેઓ તો જાણતાં જ હતાં. બધાની હાજરીમાં જ મારી મૂંઝવણ મેં દાદા સમક્ષ મૂકી.

તેમણે કહ્યું, “'જો દીકરા, તમે લોકો આપણી સંસ્કૃતિને બરાબર પચાવી શક્યા નથી એટલે તમને આવા વિચારો આવે છે. વેદો અને ઉપનિષદોના રચયિતાઓને કોણ ઓળખે છે આજે? છતાં આપણે એ જ સંસ્કૃતિને મહાન ગણીએ છીએ. આપણો આશય હતો નક્કી કરેલા વિષય ઉપરનું આપણું સંશોધન લોકો સમક્ષ રજુ કરવાનો. રજુઆત હું કરું કે તું કરે બધું સરખું જ છે. છતાં વ્યક્તિને મહત્વ મળે છેર તેનું કારણ આપણે એટલા કાચા છીએ. અને મારી પ્રશંસા થઇ હોત તો પણ શું? કદાચ વધારે લોકો મારી મુલાકાતનો પ્રયત્ન કરી તબીયત વધારે બગાડી મૂક્ત. જ્યારે તારી પ્રશંસા બીજું કાંઇ નહી તો તારો માર્ગ તો થોડો સરળ બનાવશે. મને અન્યાય પણ કશો નથી થયો, ઉલટું, દાટી રાખેલું મારું ધન તેં સત્કાર્યમા વાપર્યું છે. “

ઘરે પાછા જતાં હું મનોમન દાદાની સરખામણી કરી રહ્યા હતો - વેદો અને ઉપનિષદોના અનામી રચયિતાઓ સાથે..!


No comments:

Post a Comment