Thursday, September 15, 2022

શ્વેત ક્રાન્તિના જનક

 

શ્વેત ક્રાન્તિના જનક

ડૉ. વર્ગીઝ કુરિયન

 


            આજથી ૫૦-૬૦ વર્ષો પહેલા ‘માખણ’ને માટે એક શબ્દ વપરાતો - ‘પોલસન’. આજે એ શબ્દનું સ્થાન લીધું છે ‘અમૂલ’ શબ્દએ. ‘પોલસન' બ્રાન્ડ હેઠળનું માખણ જ્યાં બનતું હતું તે ડેરી ગુજરાતના દૂધ-સમૃદ્ધ જિલ્લા આણંદના, આણંદ શહેરમાં આવેલી હતી અને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળની માખણ સહિતની દૂધની પેદાશો જ્યાં બને છે તે ડેરી પણ આણંદમાં જ આવેલી છે. ‘અમૂલ’ શબ્દ ‘આણંદ મિલ્ક યુનિયન લિ.' નામની સહકારી સંસ્થાના અંગ્રેજી અક્ષરો છે. જ્યારે આપણે ડૉ. વર્ગીઝ કુરિયનની સેવાને મૂલવવાનો પ્રયત્ન કરતાં હોઈએ ત્યારે ‘અમૂલ’ વિષે તો જાણવું જ પડે.

 

કોલકત્તાથી આગળ જઈ બાંગલા દેશના ઢાકા સુધી પહોંચતા વિશાળ સાગર જેવી બની જતી હુગલી - ગંગાની ઉપમા અમૂલ ડેરીના વિકાસને જરૂર આપી શકાય. બદ્રીનાથ પાસેથી નીકળતી ‘અલકનંદા' અને ગંગોત્રી પાસેથી નીકળતી ‘ભાગીરથી’ દેવપ્રયાગ પાસે મળે છે ત્યારે તે બાળગંગા સ્વરૂપ ‘ગંગા'માં પરિવર્તન પામે છે અને પછી તેમાં અનેક ધારાઓ ઉમેરાતા હરિદ્વાર પાસે પહોંચતા યુવા ‘ગંગા’ બને છે. અને હુગલી પછી અનેક રૂપ ધારણ કરી અનેક નદીઓમાં પરિવર્તિત થાય છે. આ ઉપમા અમૂલ ડેરીના વિકાસની બે ધારાઓ ભાગીરથી સમા શ્રી ત્રિભુવનભાઈ પટેલ અને મંદાકિની-અલકનંદા સમા ડૉ. વર્ગીઝ કુરિયનના મિલનના પરિણામે સર્જાયેલી ખેડૂત પાવની ગંગા સમી અમૂલ ડેરીના વિકાસ-પ્રવાહને સરળતાથી સમજાવી શકશે.

 

ખેડા (જે હવે ખેડા અને આણંદ એમ બે જીલ્લાઓમાં વિભક્ત થયો છે) જિલ્લો ગુજરાતમાં ખેતીવાડીની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે અને ભારતની પરંપરા અનુસાર ખેતી સાથે પશુધન પણ સંકળાયેલ છે, તેથી દૂધના ઉત્પાદનમાં પણ પહેલેથી જ અગ્રેસર હતો. તેથી જ્યારે મુંબઈમાં અને આસપાસમાં વસતા બ્રિટીશ બાબુઓને મુંબઈનું દૂધ અને માખણ

બિનઆરોગ્યપ્રદ લાગ્યું ત્યારે તેમણે ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદનનો ઉપયોગ કરવાનું વિચાર્યું. શરૂઆતમાં આ દૂધ મુંબઈ સુધી (આશરે ૩૫૦ મિ.) બરફમાં ગોઠવેલા કેનમાં રવાના થતું. આ દૂધ ભેગું કરી તેના ઉપર યોગ્ય પ્રક્રિયા કરી મુંબઈ રવાના કરવાનું કામ ‘પોલસન’ ડેરી કરતી. સરકારે તેમને આર્થિક અને અન્ય સવલતો ઉપરાંત દૂધ એકત્ર કરવાનો ઈજારો પણ આપ્યો હતો. વધારાના દૂધનો ઉપયોગ માખણના ઉત્પાદનમાં થતો. ખેડૂતો પાસેથી ભેગા કરવામાં આવતા દૂધના ભાવ અંગે ઉત્પાદકોને હંમેશા અસંતોષ રહેતો. દૂધ બગડી જાય એવી ચીજ હોવાથી ખેડૂતોને જે ભાવ મળે તે ભાવે આપી દેવું પડતું. ઘણી વાર દૂધનો ભરાવો વધુ થાય તો દૂધની ખરીદી બંધ પણ રહેતી.

 

આ પરિસ્થિતિમાં ખેડૂતોના હિતાર્થે ખેડા જિલ્લાના ગામેગામ દૂધ સહકારી મંડળીની સ્થાપના કરવાનું સૂચન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું અને શ્રી મોરારજી દેસાઈની આગેવાની હેઠળ ગામેગામ દૂધ સહકારી મંડળીઓની સ્થાપના થઈ. દૂધ વેચવા માટે તો પોલસન પાસે જ જવું પડતું, અને તેઓ તેમની શરતે દૂધ ખરીદતા. આ દૂધ મંડળીઓનું એક યુનિયન ખેડા જિલ્લા સહકારી મંડળી તરીકે બન્યું અને તેના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી ત્રિભુવનભાઈ પટેલને શ્રી મોરારજી દેસાઈએ નીમ્યા. જ્યારે આ થઈ રહ્યું હતું ત્યારના દિવસોમાં જ ભારતને આઝાદી મળવામાં પણ ઘડીઓ ગણાઈ રહી હતી. પોલસન ડેરીના વિકલ્પરૂપે યુનિયન પોતાની ડેરીની સ્થાપના કરે એવો વિચાર એ અરસામાં જ વહેતો થયો. ગામેગામ દૂધનું ઉત્પાદન તો થતું જ હતું. ધીરે ધીરે જિલ્લાના દરેક ગામોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની રચના થઈ, જેથી ઉત્પાદિત દૂધનું વેચાણ યોગ્ય ભાવે થઈ શકે અને ખેડૂતોનું શોષણ અટકે. શ્રી ત્રિભોવનભાઈના આ દિશાના પ્રયત્નોને કારણે સ્વતંત્રતા બાદ સરકારી પીઠબળ પણ પ્રાપ્ત થયું. શરૂઆતનું કામ મુશ્કેલ હતું. ઘણાં અવરોધો હતા. એ સમયે આણંદમાં એક સરકારી ડેરી પણ કાર્યરત હતી અને તેનું સંચાલન તે વખતની મુંબઈ સરકાર કરતી હતી.

 

આ એક ધારા ધીરે ધીરે વિકસી રહી હતી. બીજી ધારા કુદરતે શ્રી વર્ગીઝ કુરિયનના સ્વરૂપે રચી. ગાય કે ભેંસ કેવી હોય તેનું પણ એક સમયે જેને જ્ઞાન નહોતું એવા ઈ.સ.૧૯૨૧માં જન્મેલા ડૉ.કુરિયનને કુદરત જ આણંદ ખેંચી લાવી. એક સમયના ખૂબ મોટા અર્થશાસ્ત્રી અને ટાટા સ્ટીલમાં મહત્ત્વનો હોદો ધરાવતા જ્હોન મથાઈ (જેઓ સ્વતંત્રતા બાદ ભારત સરકારના પ્રથમ નાણાપ્રધાન બન્યા) ડૉ. કુરિયનના મામા હતા. ડૉ. કુરિયન ધાતુશાસ્ત્રના એન્જીનીયર થયા બાદ જ્હોન મથાઈએ તેમને ટાટા સ્ટીલમાં જોડી દીધા. મોટી કંપની, સારો પગાર અને તેમના જેવા પ્રતિભાવાન એન્જીનીયર માટે અનુકૂળ એવું સ્થળ હોવા છતાં ડૉ. કુરિયન અહીં સુખી નહોતા. કંપનીના એક ઉચ્ચ કક્ષાના અધિકારીના સગા હોવાના ફાયદા કરતા ગેરફાયદા વધુ હતા. કોઈ સહકાર્યકર તેમની સાથે મૈત્રી કેળવવા તૈયાર નહોતા. થોડા જ વખતમાં તેમણે ટાટા કંપની છોડી દેવાનું નક્કી કર્યું. પણ જવું ક્યાં?

 

        તે સમયે ભારત સરકાર પરદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા યુવાનોને આર્થિક મદદ કરતી હતી. બદલામાં તેમણે અભ્યાસ પૂરો કર્યા પછી ભારત પરત આવી ઓછામાં ઓછા પાંચ વર્ષ સરકાર કહે ત્યાં કામ કરવાનું રહેતું. ડૉ. કુરિયને આ લોન સ્કોલરશીપ માટે અરજી કરી અને તેમની પસંદગી પણ થઈ..! એક ધાતુશાસ્ત્રના ઈજનેરને શિકાગો ખાતે ‘ડેરી ટેકનોલોજી’ના વધુ અભ્યાસ માટે પસંદ કરવામાં આવ્યા..! ડૉ. કુરિયનને તો ટાટામાંથી છૂટકારો જોઈતો હતો એટલે તેમણે તે સ્વીકારી લીધું. અભ્યાસ પૂરો કરી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી ડૉ. કુરિયન ભારત પરત આવ્યા ત્યારે તેમની અપેક્ષા હતી કે સરકાર તેમને કોઈ મોટા શહેરમાં સારી જગ્યાએ નીમશે, પણ સરકારે તેમને આણંદમાં આવેલી સરકારી ડેરીમાં નિમણૂંક આપી દીધી. કરાર કર્યા હતા એટલે એ નોકરી સ્વીકારવા સિવાય છૂટકો નહોતો. ડૉ. વર્ગીઝ કુરિયન આણંદ આવી ગયા. સરકારી ડેરીમાં કાંઈ કામ નહોતું. દૂધને પ્રોસેસ કરવાની જે થોડી મશીનરી હતી તેમાં તેમનો કોઈ ખાસ ઉપયોગ નહોતો અને એક મશીન જે એક માણસ ચલાવી શકે તેને ચલાવવા માટે દશ માણસો હતાં. થોડા જ વખતમાં તેઓ આરામ ફરમાવીને થાકી ગયા. નોકરી ઉપરાંત રહેવા માટે પણ સારી જગ્યા તેમને મળી શકી નહોતી, કારણ કે ભાડે મકાન મેળવવા માટે તેમની લાયકાત કરતા ગેરલાયકાતો વધારે હતી, જેવી કે કેરાળાના ખ્રિસ્તી, માંસાહારી, કુંવારા વગેરે. જેમતેમ કરીને તેમને બંધ પડેલા મોટર રીપેરીંગ ગેરેજની જગ્યા મળી, જેને તેમણે જેમતેમ કરીને રહી શકાય તેવી બનાવી. ડૉ. કુરિયનને વહેલી તકે આણંદ છોડવું હતું. તે સમયે ધૂળિયા ગામ આણંદની વસ્તી માત્ર દશેક હજારની હતી. ખૂબ અગવડો હતી અને રસ પડે એવું કોઈ કામ નહોતું. થોડા થોડા વખતે તેઓ સરકારમાં રજૂઆત કરતા રહ્યા કે ત્યાં તેમનો કે તેમની આવડતનો કોઈ ઉપયોગ નથી અને સરકારનો પગાર નકામો જાય છે, માટે તેમને છૂટા કરવા.

 

            ફુરસદનો સમય પસાર કરવા તેઓ ઘણીવાર બાજુમાં જ આવેલા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં જતા એટલે તેમને ધીરે ધીરે ત્રિભુવનભાઈ પટેલ સાથે પરિચય કેળવાયો. ક્યારેક ડૉ. કુરિયન તેમને મદદ પણ કરતા. મંડળી જે મશીનરી લાવી હતી તે ખૂબ જૂની અને ચાલી શકે તેવી ન હતી. ડૉ. કુરિયને આ મશીનરીને ઠીક કરવા પ્રયત્નો કર્યા પણ તે વધુ ચાલી ન શકી, તેથી તેમણે ત્રિભુવનભાઈને સૂચવ્યું કે આના બદલે નવી મશીનરી લાવવી જોઈએ. તે સમયે નવી મશીનરી માટે જરૂરી ચાલીસ હજારની રકમ ખૂબ મોટી હતી, છતાં શ્રી ત્રિભુવનભાઈએ તેની વ્યવસ્થા કરી અને તે રકમ આપી ડૉ. કુરિયનને મુંબઈ મોકલ્યા અને નવી મશીનરીનો ઓર્ડર લાર્સન એન્ડ ટોબ્રોને આપી દેવાયો.

 

        બે ધારાનો સંગમ થવાની આ શરૂઆત હતી. એ અરસામાં ડૉ. કુરિયને લખ્યું હતું, ‘આણંદ પ્રત્યે મને તિરસ્કાર થયો. મારે ત્યાંથી ભાગી છૂટવું હતું, પણ તેમ કરી શકતો નહોતો, કારણકે ભારત સરકાર સાથે કરાર હતો કે તેઓ મને જ્યાં મોકલે ત્યાં પાંચ વર્ષ માટે નોકરી કરવી. આ કરારમાંથી છૂટવા માટે આપવા પડે તેટલા પૈસા મારાથી અપાય તેમ નહોતા..'

 

        રજૂઆતને કારણે સરકારે તેમનું રાજીનામું મંજૂર કર્યું અને તેમને છૂટા કર્યા. ડૉ. કુરિયને વહેલી તકે મુંબઈ પહોંચવા માટે બિસ્તરા બાંધી દીધા અને નીકળવાની તૈયારી કરતા હતા, ત્યાં જ શ્રી ત્રિભુવનભાઈ તેમના બારણે આવી પહોંચ્યા. તેમણે એટલું જ કહ્યું કે તમે ઓર્ડર કરેલી મશીનરી ટૂંક સમયમાં આવી જશે. માટે તમે બે મહિના રોકાઈ જાઓ અને મશીનરી ગોઠવાઈને ચાલુ થાય પછી જવાનું રાખો. ડૉ. કુરિયનને શ્રી ત્રિભુવનભાઈ સાથે એવા સંબંધો બંધાઈ ગયા હતા કે તે ના ન પાડી શક્યા. તેમની બે મહિનાની એ નિમણુંક આજીવન બની જઈ વિશાળ હુગલી નદીની માફક અનેક ધારાઓમાં વહેંચાઈ જવાની હતી.

 

        શ્રી ત્રિભુવનભાઈ પટેલ એક લોકપ્રિય નેતા, સામાજિક કાર્યકર્તા અને વગદાર રાજકારણી અને ડૉ. કુરિયન એક નિષ્ણાત ડેરી ટેકનોલોજીસ્ટ. એક નિષ્ઠાવાન કાર્યકર્તા અને એક નિષ્ઠાવાન અધિકારી બે ભેગા મળે તો કેવું સુંદર કાર્ય થાય તેનો ઉત્તમ નમૂનો એટલે અમૂલ ડેરી. બંનેએ મળીને એક ક્રાન્તિ કે જે પછીથી ‘શ્વેત કાન્તિ’ તરીકે જાણીતી થવાની હતી, તેની શરૂઆત કરી. પોલસનનો દૂધની ખરીદીનો એકાધિકાર સમાપ્ત થયો. આણંદમાં નાના પાયે દૂધના ચીલીંગ અને પ્રોસેસીંગનું કાર્ય શરૂ થયું. મુંબઈ સાથેનો દૂધનો વેપાર ચાલુ રહ્યો અને તેનો ફાયદો ખેડૂતોને મળવા લાગ્યો. સહકારી વ્યવસ્થા હોવાને કારણે સારા ભાવનો લાભ ખેડૂતો સુધી પહોંચતો થયો. જેમ જેમ ખેડૂતોને તેમના દૂધના સારા ભાવ સાથે સંપૂર્ણ ઉત્પાદનની ખરીદીની નિરાંત થવા લાગી તેમ તેમ દૂધની આવકો પણ વધવા લાગી. કેટલાય નાના ખેડૂતો દૂધ ઉત્પાદનને એક પૂરક સાધનને બદલે મુખ્ય સાધન માનતા થયા. જેમની પાસે જમીન નહોતી એવા કેટલાક ખેડૂતો પણ ગાય-ભેંસો રાખીને દુધનું ઉત્પાદન કરતા થયા. ડેરી દ્વારા ઉત્પાદકોને સારા ભાવ ઉપરાંત સારો પશુ-આહાર, ગાય-ભેંસ ખરીદવા માટે એડવાન્સ, પશુચિકિત્સકની સેવા વગેરે સગવડો પણ ધીરે ધીરે મળવા લાગી. મંડળીના નાના પ્લાન્ટની હવે મર્યાદા આવી ગઈ હતી. રોજની દૂધની આવક ૧૯૪૮માં ૨૦૦ લિટરથી વધીને ૧૯૫૨માં ૨૦,૦૦૦ લિટરની ઉપર પહોંચી ગઈ હતી.

 

એ અરસામાં ડૉ. કુરિયને લખ્યું હતું, ‘સહકારી મંડળીની સાથેસાથ હું ઊછર્યો અને નવા નવા પાઠો શીખ્યો. મારા શરૂઆતના જ પાઠોમાં મેં સમજી લીધું કે દરેક પડકારની અંદર જ એક તક સમાયેલી હોય છે.’ નાના પ્લાન્ટમાંથી મોટી ડેરીની જરૂરિયાત હવે તાકીદની બની હતી. તે માટે રેલ્વે સાઈડીંગ સહિત મશીનરી સ્થાપન માટે વિશાળ જમીનની જરૂરિયાત હતી. ડૉ. કુરિયન શ્રી ત્રિભોવનભાઈને એ વાત સમજાવી શક્યા અને તે જમાનામાં ખૂબ મોટી કહેવાય એવી ૪૦ લાખની મૂડીની વ્યવસ્થા પણ તેમણે ગોઠવી કાઢી. ડૉ. કુરિયન ડેરી વ્યવસ્થાપનની સાથે સાથે વારંવાર ગામડાઓની મુલાકાત લેતા, ત્યાં એકત્ર થતા દૂધની પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા અને જરૂરી સલાહસૂચનો પણ આપતા.

 

એક રસપ્રદ કિસ્સો તેમણે જ ટાંક્યો છે. “એક વાર એમના જ એક મિત્ર અને અમેરિકામાં એમના સહાધ્યાયી એવા શ્રી મેડોરાએ એમનું ધ્યાન દોર્યું કે ‘કો-ઓપરેટીવના દૂધમાં અમને ફોર્માલીન મળ્યું છે.' હું ઘા ખાઈ ગયો. ફોર્માલીન તો એક ઝેર છે. કોઈ વાર તે ગેરકાનૂની રીતે દૂધની જાળવણી માટે પ્રીઝર્વેટીવ તરીકે વપરાય છે. કારણ કે તે માંકડો અને જિવાતને મારે છે. આ બાબતની તપાસ તો કરવી જ રહી અને ઝેરનું મૂળ શોધવું જ રહ્યું. અમે એક ટ્રક શોધી કાઢી જે એ ઝેરનું વહન કરતી હતી. જે છ ગામોમાંથી એ ટ્રક દ્વારા દૂધ એકઠું કરાતું હતું ત્યાં અમે પહોંચ્યા. ત્યારે અમને ખબર પડી કે એ દૂધ પાનસોરા ગામમાંથી આવતું હતું. ત્યાંની દૂધ મંડળીના પ્રમુખને બોલાવ્યા અને દૂધ જમા કરવાના કેન્દ્રની તલાશી લીધી. ખરેખર ત્યાં એક ફોર્માલીનની બાટલી પણ મળી. પ્રમુખે પ્રસન્નતાથી કહ્યું કે “અમે તો દરેક કેનમાં આટલું જ (દર્શાવતા) નાખી દઈએ છીએ જેથી દૂધ નકારાતું નથી.” પ્રમુખ એક નિરક્ષર ખેડૂત હતા. તેમને એ ઝેર છે અને ગેરકાયદેસર છે એવી ખબર પણ નહોતી, એટલે તેણે ખુશ થઈને એ વાત કરી. અમે તો ખૂબ ડરી ગયા. તેને કોણે આ વાત શીખવાડી હતી તે પૂછતાં તેણે સરકારી ડેરીમાંથી બે કેમીસ્ટો (તે ડેરીના મેડોરા પણ મારી સાથે હતા) આવ્યા હતા તેમણે આ સલાહ આપી હતી એવું જણાવ્યું. આણંદ પહોંચીને શ્રી મેડારાએ પહેલું કામ પેલા બે કેમીસ્ટો વિરૂદ્ધ પગલાં લેવાનું કર્યું.''

 

ડેરીની સાથે સાથે ડૉ. કુરિયનની કારકીર્દિ અને પ્રતિષ્ઠાનો પણ વિકાસ થતો ગયો. તેમણે ન્યુઝીલેન્ડમાં પાંચ માસ રહી ત્યાંની ડેરી વ્યવસ્થાનો અભ્યાસ કર્યો. ડેરીની બાબતમાં ન્યુઝીલેન્ડ વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે. આ ઉપરાંત દૂધના ઉત્પાદનાં અગ્રણી એવા ડેન્માર્ક, હોલેન્ડ જેવા અન્ય દેશોની પદ્ધતિનો પણ તેમણે અભ્યાસ કર્યો અને અમૂલ ડેરીને ધીરે ધીરે વિશ્વસ્તરની ડેરી બનાવવામાં પ્રયત્નશીલ રહ્યા. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ગામેગામ સહકારી ડેરીઓ હતી અને નવી થઈ રહી હતી. દરેક જિલ્લાવાર જિલ્લા સહકારી ડેરી પણ બનતી ગઈ. એમાં તે સમયે મોખરે હતી મહેસાણા (દૂધસાગર) ડેરી. ત્યાં પણ આધુનિક પ્લાન્ટ સ્થપાઈને દૂધની બનાવટો ‘સાગર’ બ્રાન્ડથી વેચવા માંડી હતી. ચતુર ડૉ. કુરિયનની દીર્ઘદષ્ટિ જોઈ શકી કે આ તો ડેરીઓ વચ્ચે હરિફાઈની શરૂઆત છે. તેથી તેમણે સાગર ડેરીના વડેરાઓ સાથે વાટાઘાટો કરી અને એવું નક્કી થયું કે સાગર દ્વારા ઉત્પાદિત બનાવટો પણ ‘અમૂલ’ બ્રાન્ડથી જ બને અને અમૂલની વિતરણ વ્યવસ્થાનો લાભ સાગર ડેરીને પણ મળે. ડૉ. કુરિયને એ પણ વિચાયું કે અમૂલ બ્રાન્ડનું વેચાણ વોલ્ટાસ અને સ્પેન્સર કંપનીઓ કરતી હતી તેના બદલે પોતાનું તંત્ર ઊભું કરવાનો સમય આવી ગયો છે. સાગર ડેરી સાથેના કરાર પછી તેમણે અન્ય જિલ્લાની ડેરીઓ સાથે પણ એવી જ વ્યવસ્થા થઈ શકે તે હેતુથી “ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન” નામની અલગ વેચાણ સંસ્થાની સ્થાપના કરી, જેથી તેમાં સંલગ્ન બધી જિલ્લા ડેરીઓનું માર્કેટીંગ વેચાણ એક ગ્રીડ હેઠળ થઈ શકે. જેમ જેમ દૂધની આવક વધતી ગઈ તેમ તેમ અન્ય બનાવટો જેવી કે ચીઝ, પનીર, ચોકલૅટ વગેરે નવા પ્લાન્ટ પણ ઉમેરાતા ગયા.

 

૧૯૬૦-૭૦ના દશકામાં અમૂલનું નામ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું. ભારત સરકાર દ્વારા સંચાલિત સરકારી ડેરીઓ નુકસાન કરી રહી હતી. એક સમયના વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીને પણ અમૂલમાં રસ પડ્યો. તેમણે આણંદની મુલાકાત ગોઠવી અને ચૂપચાપ જિલ્લાના એક ગામ અજરપુરા પહોંચી ગયા. અજરપુરાની તેમની મુલાકાતની અગાઉથી ખબર કોઈને નહોતી. તેઓ જેમના મહેમાન બનવાના હતા તે યજમાનને પણ નહીં! શાસ્ત્રીજી ત્યાં એક પૂરા દિવસ-રાત રોકાયા, ગામના ખેડૂતો - જેમાં હિન્દુ, મુસલમાન, હરિજન, ગરીબ, અમીર બધા પ્રકારના ખેડૂતો હતા - વાતચીત કરી અને બીજે દિવસે આણંદ પહોંચ્યા. તેમને એક વાતનું આશ્ચર્ય હતું કે ખેડા જિલ્લાની ખેતી અંગેની પરિસ્થિતિ દેશના અન્ય ભાગો કરતા કોઈ રીતે ભિન્ન નહોતી છતાં અહીં આટલી સફળતા કેમ? આ અંગે તેમણે ડૉ. કુરિયનને પ્રશ્ન કર્યો ત્યારે ડૉ. કુરિયને તેમને ‘સરકારી’ અને ‘સહકારી’ વ્યવસ્થા વચ્ચેનો ભેદ સમજાવ્યો. અહીં તેમના શાસ્ત્રીજી સાથેના વાર્તાલાપનો એક અંશ રસપ્રદ હોવાથી ૨જુ કરવા જેવો છે. આ સંવાદ ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ'ની રચનાની પૂર્વભૂમિકા સમાન છે.

 

શાસ્ત્રીજી એ કહ્યું, “કુરિયન, આનો અર્થ એ થયો કે આપણે ઘણાં ‘આણંદ’ ઊભા કરી શકીએ. એમ હોવાનું કોઈ કારણ નથી કે માત્ર ગુજરાતમાં જ ‘આણંદ' હોય. ખરું ને?”

ડૉ. કુરિયનને સંમતિ દર્શાવી. શાસ્ત્રીજીએ આગળ કહ્યું, “અચ્છા, તો કુરિયન, કાલથી તમે હવે માત્ર આણંદ માટે, ગુજરાત માટે જ કામ નહિ કરો. બલકે સમગ્ર ભારત માટે કરશો. ભારત સરકાર તમને કોરો ચેક આપશે... એ શરતે કે તમે તેના વડા બનવા તૈયાર હશો...''

ડૉ. કુરિયને કહ્યું, “તમારી વાતે મંજૂર થાઉં તે પહેલા મારી કેટલીક શરતો છે. પ્રથમ, હું ખેડૂતોનો સેવક છું અને રહીશ. સરકાર પાસેથી હું એક પૈસો નહિ લઉં... તેનું મુખ્ય મથક દિલ્હી નહી હોય, કારણ કે દિલ્હીના લોકો ઘણી બધી બાબતો ઉપર વિચાર કરે છે, પણ ખેડૂતો વિશે ઓછો. જ્યારે અહીં અમે ફક્ત ખેડૂતોનો જ વિચાર કરીએ છીએ. મતલબ કે જે કોઈ વિભાગ રચાય તેને આણંદમાં રાખશો.”

 

આમ એન.ડી.ડી.બી. જેવી રાષ્ટ્રિય સંસ્થાનું મુખ્ય મથક આણંદ બન્યું.

 

‘ઓપરેશન ફ્લડ’ નામનો એક અન્ય પ્રોજેક્ટ પણ તેમણે શરૂ કર્યો અને તેની હેઠળ દેશના અન્ય વિસ્તારોમાં આણંદ પ્રકારની ત્રિસ્તરીય સહકારી વ્યવસ્થા શરૂ થઈ. પહેલું સ્તર ગ્રામ્ય સહકારી મંડળીઓનું, બીજું સ્તર ડેરીઓના યુનિયનોનું અને ત્રીજું સ્તર તેમના ફેડરેશનનું. આ મોટા પ્રોજેક્ટના કારણે દેશના આશરે એક કરોડ ખેડૂતો દેશમાં દૂધની ક્રાન્તિ ‘શ્વેત ક્રાન્તિ’ સાથે સંકળાયા.

 

ડૉ. કુરિયનની ખ્યાતિ અને અમૂલની સફળતાની વાતો દેશના સીમાડા બહાર ફેલાઈ રહી હતી અને વિકસી રહેલા દેશોને આ બાબતમાં રસ પડ્યો હતો. પડોશી દેશ પાકિસ્તાનને પણ પડ્યો. જયારે વિશ્વબેન્કના એક પ્રતિનિધિમંડળના વડા તરીકે (પાકિસ્તાને વિશ્વબેન્કને આગ્રહ કર્યો હતો કે પ્રતિનિધિમંડળમાં ડૉ. કુરિયન તો હોવા જ જોઈએ) પાંચ અઠવાડિયા માટે પાકિસ્તાનની ૧૯૮૨માં મુલાકાત લીધી ત્યારે ત્યાંના પ્રધાનોએ ડૉ. કુરિયનને અમૂલ જેવી સંસ્થા ત્યાં પણ શરૂ કરવા આગ્રહ કર્યો. પણ તે શક્ય બન્યું નહી.

 

જેમ જેમ અમૂલ પ્રયોગ વિસ્તરતો ગયો તેમ તેમ અનેક નવી નવી જરૂરિયાતો ઊભી થતી ગઈ. ગ્રામીણ અર્થતંત્ર અને વ્યવસ્થાપન તેમાં મુખ્ય હતી. દૂધની જેમ ખેડૂતોના અન્ય ઉત્પાદનોના વેચાણ, સુધારણા વગેરે પણ સાથે સાથે થાય તો સમગ્ર રીતે ખેડૂતોનો વિકાસ થાય. ડૉ. કુરિયનની કુશાગ્ર બુદ્ધિએ એનો માર્ગ પણ કાઢ્યો અને આણંદમાં જ ‘ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ’ (જે ‘ઈરમા' તરીકે પ્રસિદ્ધ છે)ની સ્થાપના થઈ, જે આજે એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે કામ કરી રહી છે.

 

ડૉ. કુરિયનને તેમની પચાસ વર્ષની કામગીરીની કદરરૂપે અનેક રાષ્ટ્રિય અને વૈશ્વિક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. ૧૯૬૫માં પદ્મશ્રી, ૧૯૬૬માં પદ્મભૂષણ અને ૧૯૯૯માં પદ્મવિભૂષણ દ્વારા તેમને દેશના ટોચના સન્માન મળ્યા. ૧૯૬૩માં રામન મેગ્સેસ્થે એવોર્ડ, ૧૯૮૬માં વાટોલર પીસ પ્રાઈઝ, ૧૯૮૯માં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ જેવા વૈશ્વિક પારિતોષિકો મળ્યા.

 

ડૉ. કુરિયન અને શ્રી ત્રિભોવનભાઈ પટેલ તથા તેમના સહકાર્યકરોએ સહકારી ક્ષેત્રે કરેલી પ્રવૃત્તિને લોકભાગીદારીનો ઉત્તમ વિકલ્પ ગણી શકાય. વિશ્વના બે આર્થિક પ્રવાહો - મૂડીવાદ અને સમાજવાદની વચ્ચેનો આ સહકારી માર્ગ કેટલો સફળ થઈ શકે તેનો ઉત્તમ નમૂનો ‘અમૂલ’ છે.

 

ડૉ. કુરિયનની સમગ્ર કારકીર્દિની આ તો આછી રૂપરેખા છે. તેમનું સમગ્ર જીવન, તે દરમ્યાન તેમને થયેલા અનુભવો અને પ્રસંગો ખૂબ રસપ્રદ છે અને કોઈપણ નવલકથા કરતા પણ વધુ રોમાંચક છે.

દાદા

 

 



સંસ્થાએ આપેલું આમંત્રણ સ્વીકારી તો લીધું, પણ વિષય કેટલો જટીલ છે એનો ખ્યાલ આવ્યો ત્યારે એ વ્યાખ્યાન માટે ના પાડવાની ઈચ્છા થઇ આવી. પરંતુ એ શક્ય નહોતું. જે સંસ્થાએ વ્યાખ્યાનમાળા ગોઠવી હતી, તેણે નિમંત્રણો પણ પાઠવી દીધા હતા અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષયમાં વક્તા તરીકે મારૂં નામ જાહેર પણ થઇ ગયું હતું.

મારી નાની સરખી લાઇબ્રેરીમાં એ અંગે જેટલાં પુસ્તકો હતાં તે બધાં જોઇ ગયો, પણ તેમાંથી ખાસ કાંઇ મળ્યું નહિ. શહેરની બધી મોટી લાઇબ્રેરીઓનાં કબાટો પણ ફંફોળી વળ્યો, પણ સંતોષજનક તૈયારી થઇ શકે તેવું કશું મળ્યું નહિ, વ્યાખ્યાનને ફક્ત બે જ દિવસ બાકી રહ્યાં ત્યારે મારી ચિંતા વધી ગઇ. અભ્યાસીઓ અને વિવેચકો સમક્ષ ભાષણ આપવાનું હતું, એટલે પૂરતી તૈયારી વિના ત્યાં જવાથી મારી અત્યાર સુધીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવવા જેવું હતું. હું ખૂબ મુંઝાઇ ગયો. ટેબલ પર પડેલા પુસ્તકોના ઢગલા ઉપર ફરી એક વાર નિરાશાપૂર્ણ નજર નાંખી. એમાંથી એક પુસ્તક લઇને હાથમાં આમતેમ રમાડતો વિચારોમાં ડૂબી રહ્યો. આ હાથમાંથી પેલા હાથમાં ઝોલા ખાઇ રહેલા એ પુસ્તકમાંથી એક નાનકડી ચબરખી ઊડીને નીચે પડી, અને સહેજ કુતૂહલથી મેં તેને ઉપાડી લીધી. તેમાં એક સરનામુ હતું. થોડીક મિનિટોના વિચાર પછી મારી સમક્ષ વિસેક વર્ષ પહેલાંનો સમય તરવરી રહ્યો.

તે સમયે હું એમ.એ. ની તૈયારી કરી રહ્યો હતો. બધાં પુસ્તકો ખરીદવાની શક્તિ નહોતી અને લાઈબ્રેરીમાંથી મળતાં પુસ્તકો વધારે સમય રાખી શકાતાં નહોતાં. એટલે હું અવારનવાર જૂના પુસ્તકોની શોધમાં નીકળી પડતો . ઘણું કરીને રવિવારે ગુજરીમાંથી બે ત્રણ પુસ્તકો તો મળી રહેતાં. જ્યાં જ્યાં જૂનાં પુસ્તકો મળતાં ત્યાં જવાનું વ્યસન જેવું મને થઈ ગયું હતું. આ દરમિયાન જ મારે આ વૃધ્ધ કે જેમનું નામ કેશવભાઈ હતું, તેમની સાથે પરિચય થયો. તેઓ પણ મારી માફક જ જૂના પુસ્તકોની શોધમાં આવતા અને દરેક વખતે આઠ-દસ પુસ્તકોનો થેલો ભરીને લઈ જતા. એક પુસ્તક માટે જ્યારે અમારે બંનેને હરિફાઈ જેવું થયું ત્યારે અમારો પરિચય થયો. મને અભ્યાસ માટે એ જોઈતું હતું, તે જાણ્યા પછી તેમણે પ્રેમથી એ પુસ્તક મને આપી દીધું. એટલું જ નહિ પણ તેમનું સરનામું મને આપી એમના પુસ્તક ભંડારનો ઉપયોગ કરવાનું પણ મને આમંત્રણ આપ્યું. ત્યાર પછીની મુલાકાતોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ ઉપર અમારે ચર્ચાઓ થતી રહી. મારું જ્ઞાન અભ્યાસક્રમ પૂરતું મર્યાદિત હતું, જ્યારે તેમનું જ્ઞાન વર્ષોના વાચનથી ઘડાયેલા તેમના વિચારોથી સમૃધ્ધ હતું. એટલે મને તેમની પાસેથી ઘણુ શીખવાનું મળતું.

આમ તો કેશવલાલ નિવૃત્ત સરકારી અધિકારી હતા. તેમની નોકરી દરમિયાન પણ તેમનો એક માત્ર શોખ વાચનનો હતો. તેમનું વાંચન સર્વાંગી હતું અને લગભગ દરેક વિષય ઉપરનું તેમનું જ્ઞાન તલસ્પર્શી હતું. પરંતુ તેમને ખાસ રસ હતો ભારતીય સંસ્કૃતિના વિષયમાં. તેમણે સારાં એવાં પુસ્તકો વસાવ્યાં હતાં. નિવૃત્ત થયા પછી તેમણે એ રસ વધુ વિકસાવ્યો હતો. તેમના છોકરાઓ ધંધે વળગ્યા હોવાથી તેમને કોઈ જવાબદારી નહોતી. તેમને મળતું પેન્શન તેઓ આવા કાર્યમાં ખર્ચે તેમાં છોકરાઓને વાંધો નહોતો. કેશવલાલની આ પ્રવૃતિ છોકરાઓને માટે એક રીતે તો આશીર્વાદરૂપ હતી. નવરાશની ક્ષણોમાં કેશવલાલના કુંટુંબની આ અંતરંગ વાત પણ તેમણે જ મને કરી હતી.

મારો અભ્યાસ પૂરો થતાં હું નોકરીએ વળગ્યો. અને પછી જુના પુસ્તકોની શોધમાં જવાની જરૂર ન રહેતા એ રસ ઓછો થઇ ગયો. કેશવલાલના ઘરે જવાની તક મેં એકે વાર લીધી નહિ, અને પછી તો હું તેમને ભૂલી પણ ગયો.

પુસ્તકોમાંથી સરી પડેલી ચબરખીએ મને આશાનું આછું કિરણ દેખાયું. કેશવલાલની મુલાકાત થઇ શકે તો મારા વ્યાખ્યાન માટે જરૂરી સામગ્રી મળી શકે તેવી મને આશા બંધાઇ. સરનામું જૂનું હતું. ત્યારપછી તો ઘણો સમય વીતી ગયો હતો. કેશવલાલની હયાતી હશે કે કેમ, હોય તો તેઓ આપેલા સરનામે રહેતા હશે કે કેમ, લાઇબ્રેરી જાળવી રાખી હશે કેમ, એવી અનેક આશંકાઓ છતાં લખેલ સરનામાથી શરૂ કરી તપાસ કરતા કરતા ઘર શોધી કાઢ્યું.

બારણું ઉઘાડીને એક આધેડ ઉંમરના બહેન મારા જેવા અજાણ્યા સામે પ્રશ્નાર્થસૂચક દષ્ટિથી તાકી રહ્યા ત્યારે ક્ષણભર તો હું મૂંઝાઈ ગયો. “મારે કેશવકાકાને મળવું હતું.” મેં ધીરેથી કહ્યું.

”કોને?!” આશ્ચર્યથી પેલા બહેને પૂછ્યું.

'આજથી વિસેક વર્ષ પહેલાં કેશવલાલ નામના એક વૃધ્ધ સગૃહસ્થ માથે ઓળખાણ હતી... પોળમાં તપાસ કરતાં આ સરનામુ મળ્યું એટલે અહીં આવ્યો છું.”

“મતલબ કે તમે દાદાને મળવા આવ્યા છો. માફ કરજો, દાદાનું નામ કેશવલાલ છે તેનો ખ્યાલ અમને ઘરનાને પણ રહેતો નથી. અહીં આવ્યા પછી તમે કદાચ પહેલી જ વ્યક્તિ હશો જેમણે એમની ઓળખાણ નામથી આપી હોય. આવો.”

હું તે બહેનને અનુસર્યો, મને ડ્રોઇંગ રૂમમાં બેસાડીને બહેન અંદર ગયાં અને થોડીવારમાં એક આધેડ વયની વ્યક્તિ બહાર આવી. ‘કેશવલાલનો દીકરો હશે! મેં અનુમાન કર્યું .

“ક્યાંથી આવો છો આપ?” અવાજમાં બને તેટલો વિનય લાવી તેમણે પૂછ્યું.

“હું કોલેજમાં પ્રોફેસર છું.” કહી મેં મારો સંપૂર્ણ પરિચય આપ્યો.

“દાદાને ક્યાંથી ઓળખો આપ?” ફરી તેમણે પૂછ્યું. જે કાર્ય માટે હું આવ્યો હતો તે લંબાતું જતું હતું. મેં વિસ્તારથી ઓળખાણ આપી અને સાથે સાથે આટલા વર્ષે કેશવલાલને શોધતાં આવવાનું પ્રયોજન જણાવ્યું. તેમના ચહેરા ઉપર આવા વિદ્વાનના પુત્ર હોવાનો ગર્વ છવાઇ ગયો.

“મુશ્કેલી એ છે કે દાદાને થોડા દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો અને ડોક્ટરે તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી છે. તેઓ બહુ વાતોડીયા છે. વળી છેલ્લા બે વર્ષથી તેમનું મગજ પણ કાંઇક અસ્થિર થવા લાગ્યું હોય તેવી ડૉક્ટરને શંકા છે. આંખે ઝાંખ તો વળે જ છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી અમે કોઇને તેમને મળવા દેતા નથી.” તેમણે સંકોચાતા ખુલાસો કર્યો. મારાથી તેમને મળવાનો આગ્રહ થઇ ન શકે એવી નાજુક સ્થિતિ હતી. હું વિમાસણમાં પડ્યો.

“એવું હોય તો મારાથી એમને મળવાનો આગ્રહ ન થઇ શકે, પરંતુ જો તેમના પુસ્તકાલયમાં મને જવા દેશો તો આભારી થઇશ.” મેં રસ્તો કાઢવાના આશયથી કહ્યું.

“દાદાને પુસ્તકો પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમની સમગ્ર લાઇબ્રેરી તેમણે પોતાના રૂમમાં જ ખડકી છે. અને તે છે પણ અવ્યવસ્થિત. નથી તેઓ કોઇને તેને વ્યવસ્થિત કરવા દેતા કે નથી પોતે કશું વ્યવસ્થિત રાખતા. કોઇ ટકોર કરે તો તરત જ કહે છે કે મારા મરી ગયા પછી તમે એને સળગાવી મૂકો તો પણ વાંધો નથી. એમનો પુસ્તકપ્રેમ ગાંડપણની હદમાં પ્રવેશી ગયો છે એમ કહીએ તો ચાલે. અને એમની લાયબ્રેરી એમની પથારી સાથે જ છે. એટલે એમને મળ્યા વિના તો લાઇબ્રેરીને અડકાય પણ નહિ.” એમના વક્તવ્યમાંથી એમની લાચારી ડોકાઇ રહી હતી.

“કશો વાધો નહિ. હું પાછો જઇશ. એમને મળી શક્યો હોત તો આનંદ થાત.” કહી મેં ઊઠવાની તૈયારી કરી. પરંતુ તે પહેલાં જ પેલાં બેન નાસ્તો લઇને આવ્યાં એટલે મારે રોકાવું પડ્યું.

એ દરમ્યાન “મમ્મી કોણ આવ્યું છે?” કહેતી એક છોકરી દાખલ થઇ અને મને જોતાં જ ઓળખાણ હોય તેમ મારા તરફ તાકી રહી.

‘‘આ અમારી નાની. આપની જ કોલેજમાં પહેલા વર્ષમાં ભણે છે.” તેમણે ઓળખાણ કરાવી. નાનીએ મને નમસ્તે કર્યાં. તેની આંખોમાંથી કુતુહલ છલકી રહ્યું હતું.

“ક્યાં ડીવીઝનમાં છે?”થી શરૂઆત કરી મે કેટલાક ઔપચારિક પ્રશ્નો પૂછ્યા અને તેના તેણે સલુકાઈથી જવાબ આપ્યા.

“સાયન્સમાં જવાને બદલે આટર્સ કેમ કર્યું ?”

“દાદાનો આગ્રહ, અને મને પણ આટર્સમાં રસ વધારે છે એટલે.”

“નીનાને હોશિયાર બનાવવાનો યશ દાદાને ફાળે જાય છે. હજુ પણ દાદા નીનાનું કહેવું ટાળી શક્તા નથી. એવો પ્રેમ છે બંને વચ્ચે.” નીનાના પપ્પાએ કહ્યું .

“તો તો કદાચ એ મને મદદ કરી શકે. માફ કરજો. સ્વાર્થી લાગીશ, પણ નીના મને જોઇતાં પુસ્તકો દાદાની લાઇબ્રેરીમાંથી લાવી આપી શકે તો મારું કામ થઈ જાય.” મેં સંકોચ સહિત સ્વાર્થ આગળ કર્યો.

“એ એક રસ્તો છે.” એના પપ્પા પણ સંમત થયા અને મેં નીનાને વિષય સમજાવી એને લગતાં બધાં પુસ્તકો જુદા કાઢી રાખવા જણાવ્યું. બીજે દિવસે જવાનું નક્કી કરી હું ઘરે આવ્યો. મારા કાર્યમાં થોડીક સફળતા મળી હતી, પણ હું જાણતો હતો કે નીનાની શક્તિ મર્યાદિત હતી, એટલે મારે કામની સામગ્રી મળી શકશે કે કેમ તે અંગે હજુ શંકા હતી.

બીજે દિવસે કોલેજ જઇને પહેલું કામ મેં નીનાને બોલાવવાનું કર્યું, પરંતુ તે આવી નહોતી. મને ફરી શંકા થઈ,પરંતુ બપોરે નીના મને મળવા આવી. તેણે કાઢી રાખેલા પુસ્તકોની યાદી બનાવીને તે લેતી આવી હતી. યાદી જોઈને મને આનંદ થયો. કારણ કે મારે જરૂરી એવી ઘણીખરી સામગ્રી તેમાંથી મળશે એવી મને આશા બંધાઇ. નીના જેવી નાની છોકરી આટલા ઓછા સમયમાં આટલાં પુસ્તકો જુદા તારવી શકી તેથી મને તેની શક્તિ માટે માન પેદા થયું.

“આટલાં પુસ્તકો તું મુશ્કેલીથી જુદાં કાઢી શકી હોઇશ.” મેં તેને કહ્યું.

“ના, સહેજ પણ નહી. તમે સમજાવેલો વિષય મેં દાદાને કહ્યો એટલે તેમણે મને સૂતાં સૂતાં જ આંગળી ચીંધીને પુસ્તકો બતાવ્યાં તે મેં કાઢી લીધાં. આજે આપ આવો ત્યારે દાદાને જરૂર મળશો. તેમને ખૂબ આનંદ થશે. પપ્પાને હું સમજાવી લઇશ.” નીનાએ કહ્યું.

“દાદા તો મને ઓળખતા નહિ હોય?”

“આમ તો યાદ નહોતું. પણ પપ્પાએ ઓળખાણ આપી કે તરત ઓળખી ગયા. એટલું જ નહિ પણ જે પુસ્તકને માટે આપની અને દાદાની વચ્ચે હરીફાઇ થઇ હતી તેનું નામ પણ તેમણે કહ્યું. આપ સાંજે જરૂર આવશો ને?'

“હાસ્તો, મારે માટે તો એ જરૂરી છે.” મેં કહ્યું.

“પપ્પાએ કહ્યું છે કે જો આપ કોલેજથી સીધા આવો તો જમવાનું અમારી સાથે રાખશો.” અજાણ્યાને આટલા પ્રેમથી આવકારવાના સંસ્કાર રેડનાર દાદા માટે ત્યારે ખરેખરું માન પેદા થયું.

મેં અગાઉ અનેક વ્યાખ્યાનમાળાઓમાં ભાગ લીધો હતો અને મારા વ્યાખ્યાનોની પ્રશંસા પણ સાંભળી હતી. આ વ્યાખ્યાન પણ એવા જ પ્રકારનું હતું, છતાં મારે માટે તે અનોખું હતું. એટલા માટે કે એના પાયામાં હતી એક અભ્યાસી નિવૃત્ત સરકારી અધિકારીની મૌલિક નિપુણતા. વ્યાખ્યાનના અંતે એ વૃધ્ધ કેશવલાલનો નિર્દેશ કરી મારું આ વ્યાખ્યાન તેમને આભારી હતું એમ મેં સ્વીકાર્યું, પણ વિવેચકોએ મારા નિર્દેશનો ઉપયોગ કર્યો મારા નિસ્પૃહી અમે નિષ્કપટ વ્યક્તિત્વના વખાણ કરવામાં.

તે રાત્રે મને ઊંઘ ન આવી. મારા વખાણ કરતા વિવેચકો અને એના માટે કારણભૂત એવા દાદાનાં ચિત્રો વારંવાર મારા માનસપટ સમક્ષ ઉપસતાં રહ્યાં. પ્રશંસાને લાયક હું નહોતો અને મેં એ કબૂલ્યું હતું છતાં તે કબુલાતે પણ મારી જ પ્રશંસામાં વધારો કર્યો હતો. મારો ઉપરછલ્લો અભ્યાસ મને વિદ્વાનમાં ખપાવી રહ્યો હતો, જ્યારે જેમણે જીવનભર તપસ્યા કરી વિદ્વતા પ્રાપ્ત કરી હતી તેમને જાણવાની કોઇને પડી નહોતી.

બીજે દિવસે સવારે જ ફરી દાદાને મળવા ગયો તે પહેલાં વર્તમાનપત્રોમાં મારી પ્રશંસા આવી ગઇ હતી. દાદાના ઘરમાં સૌ તે જાણી ચૂક્યાં હતાં એટલે તેમની સમક્ષ જતાં મને ક્ષોભ પણ થયો. કારણકે પ્રશંસાનો અધિકારી હું નહોતો તે તેઓ તો જાણતાં જ હતાં. બધાની હાજરીમાં જ મારી મૂંઝવણ મેં દાદા સમક્ષ મૂકી.

તેમણે કહ્યું, “'જો દીકરા, તમે લોકો આપણી સંસ્કૃતિને બરાબર પચાવી શક્યા નથી એટલે તમને આવા વિચારો આવે છે. વેદો અને ઉપનિષદોના રચયિતાઓને કોણ ઓળખે છે આજે? છતાં આપણે એ જ સંસ્કૃતિને મહાન ગણીએ છીએ. આપણો આશય હતો નક્કી કરેલા વિષય ઉપરનું આપણું સંશોધન લોકો સમક્ષ રજુ કરવાનો. રજુઆત હું કરું કે તું કરે બધું સરખું જ છે. છતાં વ્યક્તિને મહત્વ મળે છેર તેનું કારણ આપણે એટલા કાચા છીએ. અને મારી પ્રશંસા થઇ હોત તો પણ શું? કદાચ વધારે લોકો મારી મુલાકાતનો પ્રયત્ન કરી તબીયત વધારે બગાડી મૂક્ત. જ્યારે તારી પ્રશંસા બીજું કાંઇ નહી તો તારો માર્ગ તો થોડો સરળ બનાવશે. મને અન્યાય પણ કશો નથી થયો, ઉલટું, દાટી રાખેલું મારું ધન તેં સત્કાર્યમા વાપર્યું છે. “

ઘરે પાછા જતાં હું મનોમન દાદાની સરખામણી કરી રહ્યા હતો - વેદો અને ઉપનિષદોના અનામી રચયિતાઓ સાથે..!


Friday, September 2, 2022

 

કવિનું મૃત્યુ

 



એ કવિ હતો અને કવિ હોવાનું ગૌરવ અનુભવતો હતો. જયારે જયારે કવિ સંમેલનો અને મુશાયરાઓમાં એનું નામ બોલાતું ત્યારે એની છાતી બેત્રણ ઈંચ ફૂલી જતી.માઈક પાસે ઊભો રહીને તે અદાપૂર્વક શ્રોતાજનો અને મંચ પર બેઠેલા કવિઓ તરફ નજર નાંખી ગળું ખોંખરતો. ગળું ખોખરવાનું કારણ એ ન હતું કે ગળામાં કંઈક બાજ્યું હોય, પણ ગળું ખોંખારવાની વિધિ એ કવિતા રજુ કરતા કવિ માટે, ગાયક માટે આલાપ જેવી એક ગૌરવપૂર્ણ વિધિ હતી એમ એ માનતો. કવિતા રચવા કરતાં કવિતા ગાવાનું કામ કાંઈક હલકા પ્રકારનું છે એવી ગ્રંથિ એના મગજમાં ઘૂસી ગઈ હતી.આમ છતાં કવિતા વાંચવાની અદા અને અભિનય દ્વારા, એ સારું ગઈ શકે તેની પ્રતીતિ કરાવવાનો પ્રયત્ન કરતો.

 

કવિ સંમેલનો અને મુશાયરાઓના આમંત્રણો એને ગૌરવપ્રદ પ્રમાણપત્રો જેવા લાગતા. એ માટે એણે એક મોંધા ભાવનું આલ્બમ ખરીદી તેમાં એ ગોઠવી દીધાં હતાં. કવિસંમેલનોમાં હાજર રહેવા માટે તેણે ખાસ પોષાક તૈયાર કરાવ્યો હતો. રેશમી ઝભ્ભો અને લેંઘો, કવિસંમેલનોમાં તે મોટા ભાગે અછાંદસ રચનાઓ રજુ કરતો. તેની તો ઈચ્છા હતી કે મુશાયરાઓમાં ભાગ લેવા માટે જોધપુરી શૂટ બનાવરાવે પણ તેવી સગવડના અભાવે તે ઝભ્ભા ઉપર બંડી અને લેંઘાને બદલે સુરવાલ પહેરતો. મુશાયરાઓમાં તે ગઝલ રજૂ કરવા પ્રયત્ન કરતો. પણ ગઝલની ફાવટ ઓછી એટલે કયારેક અછાંદસથી પણ ચલાવી લેતો.

 

કવિતાની રજૂઆત વખતે શ્રોતાઓ અને કવિમિત્રો ‘વાહ’ ‘ઈર્શાદ' ‘કયા કહી' જેવા પ્રસંશા વચનો વ્યકત કરતા ત્યારે તે અટકીને અદાપૂર્વક આભાર વ્યક્ત કરીને પછી જ આગળ વધતો. જો કોઈ સંમેલન કે મુશાયરામાં ફોટોગ્રાફરની વ્યવસ્થા હોય તો એની છટા ઘણી વધી જતી. મધ્યાંતરમાં કે પાછળથી ફોટોગ્રાફરને મળી એને માટે ફોટાની નકલ મેળવી લેવાની વ્યવસ્થા કરવાનું એને ફાવી ગયું હતું. એવા ફોટોગ્રાફ માટે પણ એણે એક મોંઘી કિંમતનું આલ્બમ ખરીદ્યું હતું. ટેલીવીઝન પર રજૂ થવાના હોય તેવા કોઈ સંમેલનમાં એને હજુ તક નહોતી મળી એને એ દેશનું દુર્ભાગ્ય સમજતો.

ગુજરાતી ભાષાના નાના-મોટાં અખબારોમાં, સામાયિકોમાં તેની રચનાઓ કદી કદી પ્રસિદ્ધ થતી. એની પ્રકાશિત રચનાઓનાં કટીંગનું પણ એણે એક આલ્બમ બનાવ્યું હતું, મોંઘી કિંમતનું. એના કાવ્યોના બે સંગ્રહો એણે પોતાના ખર્ચે પ્રસિદ્ધ કર્યા હતા, જેમાંના એક માટે સ્વખર્ચે ગાંધીનગરના પાંચ ધક્કા ખાધા પછી સરકારી મદદ મળી હતી. ગુજરાતીઓ કવિતાના પુસ્તકો ખરીદતા નથી તેનું એને અનહદ દુઃખ હતું. પણ એણે સંબંધીઓ, મિત્રો, કવિઓ, વિવેચકો, તંત્રીઓને એ સંગ્રહોની નકલો પોતાના ખર્ચે ક્યાંક સપ્રેમ' ક્યાંક ‘અવલોકનનાથે” તો ક્યાંક ‘શુભેચ્છા સહ’ મોક્લીને એની કવિતાનો વ્યાપ વિસ્તાર્યો હતો. એના ધ્યાનમાં આવતી દરેક કાવ્ય સ્પર્ધાઓમાં એ ભાગ લેતો અને પોતાના કાવ્યને પ્રથમ ઈનામ મળશે જ એવી અપેક્ષા રાખતો. ક્યારેક પ્રથમ, ક્યારેક દ્વિતિય ઈનામ મળતું પણ ખરું. એવા ઈનામની રકમ કે ચીજ ગમે તે હોય, પણ એનો સ્વીકાર કરવા એ જયાં જવું પડે ત્યાં જતો અને એ પ્રસંગના વી.આઈ.પી બનવાનું ગૌરવ અનુભવતો. આવા પારિતોષિકોનાં પ્રમાણપત્રો માટે પણ તેણે ખાસ આલ્બમ ખરીદ્યું હતું.

 

કવિનો નિયમ હતો કે રોજ રાત્રે બાર વાગે કવિતાઓની રચના કરવા બેસવું અને ઓછામાં ઓછી એક રચના કરીને પછી જ સૂવું. આ નિયમનું પાલન એ અચૂકપણે કરે છે એવું એ જયાં બોલવાની તક મળે ત્યાં બધે જ કહેતો. જો કે એના પ્રતિઃસ્પર્ધીઓ કહેતા કે એ શાળામાં બાળકોને ભણવવાને બદલે કવિતા કરતો રહેતો હતો. કવિના ઘરે જનાર મહેમાનને નાસ્તામાં ચાર ચાર આલ્બમોનું અવલોકન અને ચાની સાથે તાજી લખાયેલી રચનાઓ સાંભળવાનો લહાવો મળતો. ચવાણા- ચાના નાસ્તા-પાણી કરતા આવા અલૌકિક નાસ્તા પાણી મહેમાનને ખૂબ જ ઊંચા પ્રકારનો સાત્વિક આનંદ આપે છે એમ એ માનતો અને કહેતો. જો મહેમાન રસિક હોય તો પોતાનો અને પોતાના પ્રતિસ્પર્ધીઓનાં કાવ્યોનો તુલનાત્મક આસ્વાદ પણ કરાવતો. એની સાથે થોડીવાર વાત કરનારને પ્રતીતિ થઈ જતી કે કવિને ગુજરાતના બધા જ નામી કવિઓ સાથે મૈત્રી હતી અને બધા એને મિત્ર ગણતા હતા!

 

કવિના ભરણપોષણ ની જવાબદારી સમાજ અને રાજ્યે સ્વીકારી લેવી જોઈએ એવી એની દઢ માન્યતા હતી. રોટલાની ચિંતામાં કવિની સંવેદના ધારહીન થઈ જાય છે એવું એ માનતો અને પ્રચાર કરતો. છતાં નિર્વાહની જવાબદારી સમાજ સ્વીકારે ત્યાં સુધીની વ્યવસ્થા તરીકે કવિ એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો. કવિ સંમેલનો અને મુશાયરાઓમાં હાજર રહેવા માટે એને ખાસ રજા મળવી જોઈએ એવી રજુઆત એ દર વર્ષે અધિકારીઓ સમક્ષ કરતો, પણ એનું પરિણામ ન આવતાં હક્ક રજાઓ પૂરી કરતો અને ક્યારેક કપાત પગારે પણ રજા લેતો. જેમ માન્ય પત્રકારોને સરકાર મફત મુસાફરીની સગવડ આપે છે તેમ કવિ-લેખકોને પણ સાહિત્યિક કાર્યક્રમોમાં હાજર રહેવા માટે મફત મુસાફરીની સગવડ મળવી જોઈએ એવું એણે લાગતા વળગતા પ્રધાનોને કેટલીય વાર લખ્યું હતું. કવિસંમેલન કે મુશાયરામાં ભાગ લેવા આવનારા કવિઓ પોતાના ખર્ચે આવે અને તેનો હેવાલ લેવા આવનારા પત્રકારો મફતમાં આવે તેવી વિચિત્ર વ્યવસ્થા બદલ તે સખત અફસોસ વ્યકત કરતો.

પગારમાંથી બચત ન હોય ત્યારે તે મિત્રો પાડોશીઓ પાસેથી ઊછીના લઈને કે, ઘરભાડાના, કરિયાણાના કે દૂધના પૈસા બાકી રાખીને આવા કાર્યક્રમો માટે વાપરતો. કવિ પાસે કોઈ પૈસાની ઉધરાણી કરે ત્યારે તેના સ્વમાનને સખત ઠેસ પહોંચતી અને તે ઉઘરાણી કરનાર સમક્ષ વ્યક્ત કરતો પણ ખરો.

 

છેક કોલેજમાં હતો ત્યારથી કવિની ઈચ્છા હતી કે તે સ્વ-પસંદગીની તેની કવિત્વ શક્તિની કદરદાન એવી કોઈ ચંદ્રમુખીને જીવન સહધર્મચારિણી બનાવે. પણ જે બે-ત્રણને એ એવા પ્રકારની માની દરખાસ્ત મુકવાનું વિચારતો હતો તે વારાફરતી તેમના પિતાએ પસંદ કરેલા, કાવ્યના ‘કા' ને બદલે કાગડાના 'કા' ભણનારા મૂરતિયાઓ સાથે પરણી ગઈ. બહુ રાહ જોવા જતાં રહી જવાશે એવી બીક લાગવાથી ‘વ્યવહારુ' બનીને તેને પિતાએ શોધેલી કન્યા સાથે લગ્નના ફેરા ફરી ગૃહસંસાર માંડવો પડયો હતો અને પત્ની પ્રત્યેની વ્યવહારિક ફરજને અનુલક્ષીને ત્રણ છોકરીઓ અને એક છોકરાના પિતા પણ બનવું પડયું હતું. પોતાના આ વ્યવહારું વર્તનને તે ચંદ્રમાં રહેલા ડાઘ સમાન ગણાવતો.

 

મુશાયરા કે સંમેલનોમાં દસ-પંદર કવિઓ વચ્ચે બે ત્રણ કવિયિત્રીઓ ઉપસ્થિત હોય ત્યારે એની કવિત્વશકિત તો સોળે કળાએ ખીલતી જ, એનું સ્ત્રીદાક્ષિણ્ય પણ ઉત્તમ કક્ષાએ પહોંચતું. એમાંથી કોઈક એની રચનાનાં વખાણ કરે ત્યારે એને એનું જીવન સફળ થયાનો અહેસાસ થતો અને આભારરૂપે એકાદ શેર કે આખી ગઝલ વ્યકત કરી દેતો. પાંચ સાત વાર સાથે મુશાયરામાં ભાગ લેવાથી નજીક આવેલી એક કોકિલકંઠી કવિયિત્રી સાથે તેને સારું બનતું. તેના પ્રત્યે‘રાધા’ ભાવ અનુભવતો હોવાનું તેણે તે કવિયિત્રી સમક્ષ એક વાર ઉત્સાહના ઉન્માદમાં કબૂલી લીધું ત્યારે થોડીવાર તો બંને મૌન થઈ ગયેલાં. પછીથી કવિયિત્રીએ કબૂલ્યું હતું કે રાધાને જે ભાવથી કૃષ્ણની ‘બંસી'ની અદેખાઈ આવતી હતી, તેવો જ ભાવ તેને પણ કવિની પત્ની પ્રત્યે પણ પેદા થયો હતો. કવિયિત્રી યુવાન હતી, અપરિણિત હતી અને કવિની દષ્ટિએ સુંદર પણ હતી.

 

કવિને હવે સમાજના રૂઢ બંધનો પ્રત્યે પણ ફરિયાદનું કારણ ઊભું થયું. જીવનપથમાં ભલે સહયાત્રી ન બની શકાય પણ કાવ્યપથમાં હંમેશા સાથે રહેવાનો બંને નિર્ધાર કર્યો હતો. એ લક્ષ્યને નજર સમક્ષ રાખીને બંનેએ સંમેલનો અને મુશાયરાઓ સિવાય પણ મળતા અને કાવ્યપઠન, આસ્વાદ, વિવેચન વગેરે કરતાં. એમની ચર્ચામાં પ્રાચીન કવિઓ કાલિદાસ કે ભાસની રચનાઓ પણ આવતી. 'શાકુંતલ' કે 'વિક્રમોર્વશીયમ્'ની ચર્ચા દરમ્યાન કયારેક બંને ભાવુક પણ બની જતાં અને જો કયાંક ખુલ્લામાં બેઠા હોય તો જોનારાઓને અનેરું દશ્ય જોવા મળતું. બે ત્રણ વખત એવું બન્યા પછી બંનેએ ખુલ્લામાં બેસવાનું ટાળ્યું હતું.

 

કવિના ‘રાધા' ભાવનો અણસાર એની પત્નીને આવવા માંડયો હતો અને સદા સૌમ્ય અને ગૃહસ્થધર્મનું પાલન કરનારી ગૃહિણી હવે ક્યારેક ચંડીસ્વરૂપ પણ ધારણ કરવા માંડી હતી.. મોટા થયેલા બાળકોનો ખ્યાલ કરીને એ ઝડપથી શાંત થઈ જતી ત્યારે કવિને લાગતું કે તેમની ધાક હવે પત્ની પર જામવા માંડી છે.

 

ગુજરાતમાં વ્યાપેલા દુકાળની અસર કવિના ગામમાં પણ થઈ હતી. સૌથી વધુ મુશ્કેલી પાણીની હતી. આંતરે દિવસે એક ટેન્કર એક કિલોમીટર દૂર આવેલા ગામમાં આવતી અને પત્ની ત્યાં પીવાનું પાણી લેવા જતી. એક રજાના દિવસે પણ પુત્રનું ધ્યાન રાખવાનું કવિને કહીને તે પાણી લેવા ગઈ હતી. કવિ ત્યારે ખુશ હતા કારણ કે સરકાર તરફથી તેમને સરકારી સામયિક માટે કાવ્યરચના મોકલવાનું આમંત્રણ મળ્યું હતું. પત્નીને પાણી ભરવા જતી જોઈ કવિને પ્રેરણા મળી. કવિએ દુકાળમાં પાણીની વ્યવસ્થા કરતી સરકારની પ્રસંશા કરતું કાવ્ય રચવાનું વિચારી કાઢ્યું. પત્નીના ગયા પછી તે ડાયરી ને પેન લઈ કાવ્યની રચના કરવા બેઠો. વિચારતાં વિચારતાં એને લાગ્યું કે ફક્ત એક જ કિલોમીટર દૂર આંતરે દહાડે પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરીને સરકારે છપ્પનીઆના કાળની કે ઇથિયોપીઆ જેવા દેશની સરકારો કરતાં ઉત્તમ વહીવટી કાર્ય કર્યું છે. એ જ વાતને મધ્યમાં રાખીને તેણે સરકારના ગુણગાન ગાવાનું નક્કી કર્યું. આવા ગુણગાન એની કવિ તરીકેની કારકીર્દીને ઉચ્ચ સ્તરે પહોંચાડશે તેની એને ખાત્રી હતી, અને વિચાર આવ્યો કે આવા મહત્વના કાર્યમાં ‘રાધા’ નો સાથ મળે તો તરી જવાય!

 

કવિના અંતરાત્માની ઈચ્છા અવાજ બનીને કવિયિત્રી સુધી પહોંચી હોય તેમ થોડી જ વારમાં તેના પગલાં કવિના દ્વારે થયાં. કવિનો પુત્ર જ તેને ઘર સુધી દોરી લાવ્યો. પુત્રને બહાર રમવા મોકલી કવિ પુત્ર સાથે કાવ્યચર્ચાએ વળગ્યા. તેણે વિચારેલા વિષય ઉપર બંનેએ એક અછાંદસની રચના કરી દીધી. ત્યાર બાદ બંને ચર્ચાએ વળગ્યા અને ધીરે એમના પ્રિય કવિઓ કાલિદાસ અને ભાસની રચનાઓનો રસાસ્વાદ કરતાં ભાવુક બનીને વાણીને બદલે શરીરના પ્રયોગમાં સરી પડયા. સમય ક્યાં વ્યતિત થયો તેનો પણ તેમને ખ્યાલ ન રહ્યો.

 

ધોમધખતા તાપમાં એક કિલોમીટર દૂરથી માથે ભરેલું બેડું લઈને ગૃહિણીએ ઘરમાં પગ મુક્યો ત્યારે મહેમાનને જોઈને એને ગુસ્સો તો ખૂબ આવ્યો, પણ પરાણે કાબૂ રાખ્યો. પાણીનું બેડું ઠેકાણે મૂકી રસોડા તરફ વળી ત્યાં કવિએ ચા બનાવવાની ફરમાઈશ કરી દીધી. ચૂલો સળગાવ્યો ત્યાં નાનો પુત્ર બહારથી દોડતો આવી માને વળગીને ખાવાનું માગતાં બોલ્યો, ‘પપ્પાને ઘણી વાર કીધું પણ એ તો આ માસી સાથે...’ કહેતા પપ્પા તરફ નજર પડતાં અટકી ગયો..

 

ઘણાં સમયથી પરાણે દબાવી રાખેલો ગુસ્સો ફરી ઊભરી આવ્યો અને ગૃહિણીએ ચા મૂકવા માટે પેટાવેલા ચૂલામાં કવિના હાથમાંની ડાયરી, ઘોડા પરના આલ્બમો, ડાયરીઓ વગેરે કવિની મહામૂલી મૂડી સળગીને રાખ થવા માંડી. કવિએ અને રોકવાનો પ્રયત્ન કર્યો પણ વીફરેલી વાઘણ જેવી ‘બંસી'નો એક ધક્કો ખાધા પછી બીજી વાર હિંમત ન કરી શક્યો.

 

આ સમગ્ર ઘટનાનું વર્ણન પેલી કવિયિત્રીએ પછીથી એક અછાંદસ રચનામાં કરી તેને મથાળું આપ્યું, ‘કવિનું મૃત્યુ'. આ રચનાને સાહિત્ય સંસદની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો, પણ કવિને તેની ખબર જ ન પડી!

 

 

(આ એક સંપૂર્ણપણે કાલ્પનિક કથા છે. કોઈ કવિશ્રીની લાગણીને ઠેસ પહોંચી હોય તો દિલથી માફી માંગુ છું.)