Tuesday, February 8, 2022

આમિષ

 



અમેરિકાના આધુનિક સમાજની વચ્ચે પોતાનું કલ્ચર જાળવી રાખીને ગર્વ અને ખુમારીપૂર્વક જીવતો એક સમાજ
આમિષ

વિશ્વમાં મળતી દરેક પ્રકારની સુવિધાઓ મેળવી શકીએ એવી આપણી સ્થિતિ હોય, તેમ છતાં આપણે એ સુવિધાઓ સ્વૈચ્છિક રીતે નકારીએ એવું બને ખરું ? આવો પ્રશ્ન થાય ત્યારે કોઈ સન્યાસી કે વ્યક્તિવિશેષ તે કરી શકે એવો ઉત્તર સ્વાભાવિક રીતે જ આપણા મનમાં સ્ફૂરે. પણ એક આખો સમાજ એવું કરી શકે ખરો?

હા, અફઘાનિસ્તાન જેવા પહાડી પ્રદેશમાં, તાલિબાનોના આદેશ તળે એવું બની શકે, કે કોઈ અંતરિયાળ જંગલમાં એ સંભવી શકે. પણ ના. અમેરિકા જેવા આધુનિક દેશમાં, ત્યાંના પણ વધુ વિકસીત એવા પેન્સીલવેનિયા રાજ્યમાં, વસતા આવા એક આખા સમાજની વાત અહીં કરવી છે.

આ સમાજ ‘આમિષ’ નામે ઓળખાય છે. લેન્કેસ્ટરની આસપાસ છૂટી છવાઈ તેમની વસ્તી છે અને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, ‘ઈન્ટરકોર્સ’ જેવું બોલવામાં ક્ષોભ અનુભવીએ તેવું નામ ધરાવતો નાનકડો કસબો. સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી ભરપૂર એવા પડોશીઓની વચ્ચે ખુમારીપૂર્વક વસતી આ પ્રજા આજે પણ ઈલેકટ્રીસીટી, મોટરકાર, ફ્રીજ, ટી.વી જેવા સાધનોને સંપૂર્ણપણે નકારીને જીવે છે.

અમેરિકા શોધાયા પછી યુરોપમાંથી જે પ્રજાઓ અહીં આવી તેમાં આશરે ૩૦૦ વર્ષ પહેલા સ્વિટ્ઝર્લેન્ડથી આવેલી આ જાતિ હજુ પણ પોતાના જૂના રીતરિવાજો અને  રહેણીકરણી જાળવવામાં ગૌરવ અનુભવે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં આ પ્રકારની જીવન શૈલી જાળવતા લોકોને જોવા માટે અમેરિકાના પ્રવાસી લોકો ખાસ આવતા હોય છે! ‘ઈન્ટરકોર્સ'ના બજા૨માં આમિષ પ્રજાએ તૈયાર કરેલી હાથબનાવટની વસ્તુઓ, અથાણા, મીઠાઈઓ વગેરેનું વેચાણ પણ થાય છે અને ત્યાં બેસીને કેટલીક વાનગીઓ આરોગી પણ શકાય છે. આમિષ વિસ્તારને જોવા માટે ત્યાંના સ્ટાર્સબર્ગ સ્ટેશનથી પ્રવાસીઓ માટે ખાસ ટ્રેન પણ ચાલે છે.

આમિષ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. સાથે પશુ પાલન પણ કરે છે.ખેતીમાં સફરજન જેવા ફળો તથા મકાઈ મુખ્ય છે. ખેતીમાં ટ્રેકટરને બદલે ઘોડાનો ઉપયોગ થાય છે; ઘોડા જોડીને હળ પણ ચલાવે છે. સફરજન અને મકાઈ ઉપરાંત પશુઓ (ગાયો તથા ઘોડાઓ)ને ખાવા માટે કામ આવે એવા પાકો પણ વાવે  છે. એક સાથે બે કે ચાર ઘોડા જોડીને ખેતરોમાં હળ ફેરવતા કે બે ઘોડાની ઘોડાગાડીમાં મુસાફરી કરતા આમિષ લોકોને જોવા આવતા પ્રવાસીઓ કાંઈ અચરજ જોતાં હોય તેમ જોઈ રહે છે. એમની ઘોડાગાડી માટે કોઈ અલગ રસ્તા હોય એવું પણ નથી. રસ્તાની એક બાજુએ કોઈ આમિષ પુરુષ કે સ્ત્રી ઘોડાગાડી ચલાવીને જતા હોય અને તેમને ઓવરટેક કરીને આધુનિક કાર પસાર થાય ત્યારે કારમાં બેઠેલાં તેની ઘોડાગાડી તરફ નજર કર્યા વિના રહેતા નથી. આમિષ પ્રજાનો પહેરવેશ યુનિફોર્મની માફક એક જ પ્રકારનો હોય છે. સ્ત્રીઓ મોટે ભાગે ડાર્ક બ્યૂ કલરના ગળાથી પાની સુધીના કપડા પહેરીને માથાને મોટા સ્કાર્ફથી ઢાંકે છે. પુરુષો ખભે પટ્ટાવાળા પેન્ટમાં શર્ટ તથા માથે યુરોપીયન હેટ પહેરતા હોય છે. આવા ડ્રેસ કોડનુ પાલન બાળકોથી માંડીને વૃદ્ધો બધાં કરતાં હોય છે અને એવા જ ડ્રેસમાં આધુનિક વિસ્તારોમાં કે શોપીંગ મોલમાં વિનાસંકોચે ફરતા હોય છે. એક વાર સાંજના સમયે રસ્તે પસાર થતા એક સ્થળે જોયું કે મેદાનમાં મોટી સંખ્યામાં આમિષ યુવકો અને યુવતીઓ ભેગા મળીને જુદી જુદી ‘નેટ’ બાંધીને વોલીબોલ રમતાં હતા અને તેમની સંખ્યાબંધ ઘોડાગાડીઓ મેદાનની ધારે ‘પાર્ક’ કરેલી હતી!

ઘરમાં બળતણ તથા દીવાબત્તી માટે આપણે જેને ગોબરગેસ તરીકે ઓળખીએ છીએ તેવી બાયોગેસની વ્યવસ્થા હોય છે. ગાયોને દોહવા માટે વેક્યુમ સકરનો ઉપયોગ કરે છે, પણ એ માટે ઓઈલ એન્જિનનો ઉપયોગ કરે છે. ખેતીના થ્રેસર જેવા આધુનિક સાધનો ઘોડા અથવા તો ઓઈલ એન્જિનથી ચાલે છે.

આ પ્રજા સામાન્ય રીતે અન્ય સાથે બહુ ભળતી નથી, છતાં ક્યારેક દૂધના વેચાણ કે સુથારી પ્રકારના કામ માટે જરૂર પડે તો મદદ કરી શકે છે. ‘સામ’ નામના, ૪૨ જેટલી હોસ્ટીન ગાયો, ૮ ઘોડા અને ૨૦૦ એકર જેટલી ખેતીની જમીન ધરાવતા આવા એક આમિષની અમે મુલાકાત લીધી ત્યારે આ વિચક્ષણ પ્રજાની રહેણીકરણીનો ચિતાર પ્રત્યક્ષ જોવા મળ્યો. ગાય દીઠ રોજ આશરે ૧૫ ગેલન (૬૭-૬૮ લીટર) દૂધનું ઉત્પાદન કરતા આ કુંટુબના પાંચ સભ્યો પતિ-પત્નિ અને ત્રણ પુત્રીઓ મળીને આટલો મોટો વહીવટ ચલાવે છે તે જોયું ત્યારે સ્વાભાવિક રીતે જ આપણા કોઈ મોટા ખેડૂત અને તેના નોકર ચાકરો સાથે મનમાં સરખામણી થઈ ગઈ. આપણે ત્યાં એક આખા ગામનું દૂધ ભેગું કરે તો ય દૂધ ઓછું પડે તેવડો મોટો ચીલીંગ પ્લાન્ટ (ઓઈલ એન્જનથી ચાલતો) આ એક જ ખેડૂતનો હતો.

સામના ઘરમાં જે કાંઈ ફર્નિચર જોયું તે બધું તેમણે જાતે બનાવેલું હતું. ઘરમાં ઘડિયાળ હતું તે પણ ‘બેટરી’ને બદલે લોલકથી ચાલતું હતું.

આ પ્રજા પોતાના કપડા પણ જાતે સીવે છે અને ઘરમાં જરૂરી બધું ફર્નિચર જાતે બનાવે છે. સુથારી કામમાં તેમની હથોટી અદ્ભુત છે! બાળકો સામાન્ય સ્કુલોમાં જાય છે અને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ભણે છે, છતાં તેમના આધુનિક પહેરવેશ કે કાર-કલ્ચરનો રંગ તેમને લાગતો નથી! આમિષ લોકો અલગ વિસ્તારમાં રહેતા હોય એવું પણ નથી. આમિષની બાજુમાં જ આધુનિક કુંટુબ રહેતું હોય તેવા પણ ઘણા ઘરો છે.

અમેરિકા અને તેની આધુનિકતા વિષે આપણે ઘણું વાંચીએ તથા સાંભળી છીએ. પણ એવી દોમ દોમ આધુનિકતાની વચ્ચે પોતાની પુરાતન રહેણીકરણી તથા રીત રિવાજો જાળવી રાખીને ખુમારીથી રહેતી, તથા તે જાળવી રાખવામાં ગૌરવ અનુભવતી આ પ્રજા વિષે જાણવું આપણા જેવા વૈવિધ્યપૂર્ણ રીતરિવાજો ધરાવતા દેશના લોકો માટે વધુ જરૂરી છે. આધુનિકતાની વચ્ચે આ રીતે જીવવા માટે જેવી પ્રબળ માનસિક શકિત જોઈએ તેવી શકિત આપણે કેળવી શકીએ તો આપણા કેટલા બધા પ્રશ્નો હલ કરી શકીએ !


શશિકાન્ત નાયક


❤️❤️❤️❤️


No comments:

Post a Comment