Sunday, December 25, 2022

દેશ-પરદેશ

 

દેશ-પરદેશ



પણ મારે અમેરિકા જવું નથી, પછી મળવા જવાની જરૂર શું છે?”

મારે ખાતર. મેં દિનેશકાકાને કહ્યું છે એટલે . તું ના પાડે તો પણ મને દુઃખ નહિ થાય. અને તું અમેરિકા જવાને બદલે અહીં રહેવાનું નક્કી કરે તો તેમાં અમને તો ફાયદો છે. છતાં તારે જે કોઈ નિર્ણય લેવો હોય તેને યોગ્ય ઠેરવવા માટે પણ તારે એક વાર અમેરિકાથી આવેલા છોકરાની વાત પણ સાંભળવી તો પડે.”

ભલે પપ્પા, ફક્ત તમારું માન રાખવા હું આવીશ. જોઈએ તો ખરા કે અમેરિકાની વાત કેવી લોભાવે છે!”

મને ગમ્યું, બેટા, તેં હા પાડી તે. એક વિનંતી.”

પપ્પા, તમારે વળી વિનંતી કરવાની હોય. કહો, બીજું શું કરવાનું છે મારે.”

તારે જે નિર્ણય લેવો હોય તે લેજે. પણ સામેવાળાને ખોટું લાગે તેવી રીતે વાત કરજે. દીકરો ભલે અમેરિકા રહેતો હોય, દિનેશકાકા તો અહીં છે. સંબંધમાં કડવાશ આવે એવું કશું ના કહેતી કે કરતી. બસ એટલું . '

એવી કોઈ શંકા રાખશો નહિ. આપણે પાછા આવવા નીકળીએ ત્યારે લોકો દરવાજા સુધી આવજો કહેવા આવે તો મને કહેજો. શું નામ છે દિનેશકાકાના દીકરાનું?'

મયંક, એને સ્કૂલ યુનિફોર્મમાં જોયો હતો. પછી જોયો નથી.'

વિભાકર અને દિનેશ લગભગ સરખી ઉંમરના, એક ગામના, એક નાતના. હાઈસ્કૂલ સુધી તો બંને સાથે ભણ્યા હતા. પછી છૂટા પડ્યા. દિનેશ એન્જીનીયરીંગ કરવા અમદાવાદ ગયો અને વિભાકરે ગામમાં રહીને બાજુના શહેરની કોલેજમાંથી સાયન્સની ડીગ્રી લીધી, પછી બી.એડ્. કર્યું અને જિલ્લાની એક માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવી. દિનેશ એન્જીનીયર થઈ અમદાવાદની એક મોટી કંપનીમાં જોડાયો અને ત્યાં સ્થાયી થયો. ભણતા હતા ત્યાં સુધી તો વર્ષમાં બે-ત્રણ વાર મુલાકાત થતી. સમયાંતરે બન્નેના લગ્ન પણ થઈ ગયા અને બાળકો પણ થયા. મુલાકાતો ઓછી થતી ગઈ. બે-ત્રણ વર્ષે એકાદ વાર, એક ગામના અને ન્યાતના હોવાથી કોઈ પ્રસંગે મળવાનું થતું. વિભાકરને એક પુત્રી મનીષા અને દિનેશને એક પુત્ર મયંક અને પુત્રી રીટા. મયંક મોટો. મયંક એન્જીનીયર થયો અને વધુ ભણવા માટે અમેરિકા ગયો અને પછી ત્યાં નોકરીમાં જોડાયો. રીટાને ભણવામાં બહુ રસ નહોતો, છતાં કોમર્સ ગ્રેજ્યુએટ થઈ ગઈ અને એક સી..ને ત્યાં નોકરીએ વળગી. જ્યારે મનીષા પણ સાયન્સ ગ્રેજ્યુએટ થઈ અને એક એન.જી..માં જોડાઈ. વિભાકર જે શાળામાં કાળક્રમે આચાર્ય બન્યા તે શાળા જે સંસ્થા ચલાવતી હતી તે જ સંસ્થા સાથે જોડાઈને સંસ્થા દ્વારા ચલાવાતા સામાજિક કાર્યોમાં ભાગ લેવા લાગી. એમાં એની આવક કાંઈ ખાસ નહોતી, પણ એને કામ કરવાનો આનંદ આવતો હતો.

પાંચ વર્ષ બાદ મયંક અમેરિકાથી લગ્ન કરવા આવવાનો હતો ત્યારે દિનેશભાઈને મનીષાનો ખ્યાલ આવ્યો . ફોન પર વાતો થતી હતી એટલે એમને મનીષાના અભ્યાસ અને પ્રવૃત્તિ વિશે ખબર હતી. એમને હતું કે આવી સેવાભાવના ધરાવતી છોકરી મળે તો તેમના કુટુંબને વધુ અનુકૂળ આવે. તેમણે મયંકને પણ વિશે વાત કરી હતી અને મયંક પણ એને મળવા સંમત થયો હતો. આથી તેમણે સામે ચાલીને વિભાકરને ફોન કર્યો હતો અને તેમણે મળવાના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

બે દિવસ પછી મનીષા એના પપ્પા અને મમ્મી સાથે મયંકને મળવા નીકળી ત્યારે તેણે કોઈ ખાસ મેક-અપ નહોતો કર્યો કે કોઈ ખાસ કપડાં પણ નહોતા પહેર્યા, કે એણે શું વાત કરીશું અને કેવી રીતે કરીશું તેના વિશે કોઈ વિચાર કર્યો. એણે તો પપ્પાનું માન રાખવું હતું એટલું ખ્યાલમાં રાખ્યું હતું. અગાઉથી જણાવ્યું હતું એટલે એમની રાહ જોવાતી હતી. બહારગામથી આવ્યા હતા એટલે દિનેશભાઈનો જમવાનો આગ્રહ હતો તેને લોકો નકારી શક્યા નહિ. એટલે ખાસા બે-ત્રણ કલાક એમને ત્યાં પસાર કરવાના હતા. દિનેશભાઈએ એમને ઘરમાં આવકાર્યા અને રીટા પાણી આપી ગઈ. એમના સ્વાગતની જવાબદારી રીટાએ સ્વેચ્છાએ ઉપાડી લીધી હતી, એટલે બંને પક્ષના વડીલોને જૂના સ્મરણો તાજા કરવા માટે પૂરતો સમય હતો અને તેનો સદઉપયોગ તેમણે શરૂ પણ કરી દીધો. રીટા ચા-નાતો લઈને આવી અને સૌએ તેને ન્યાય આપ્યો પછી મનીષા પોતે ઊભી થઈને ખાલી વાસણો એકઠા કરી રસોડામાં લઈ જવા લાગી ત્યારે રીટા દોડતી આવી, પણ મનીષા રસોડા તરફ જવા લાગી હતી. રીટા પણ એની સાથે થઈ અને વડીલોને વાતોમાં રાખી બંને રસોડામાં વાતે વળગી. રીટા જાણી જોઈને મયંક અંગે કાંઈ ને કાંઈ કહેતી રહી, પણ મનીષાના ચહેરા પર તે અંગેની કોઈ ઉત્સુકતા જોઈ તેને આશ્ચર્ય થયું. છતાં રીટાએ જ્યારે ઉલ્લેખ કર્યો કે મયંકને તો અમેરિકામાં ગમતું નથી અને વહેલી તકે દેશમાં પરત આવી કાંઈક ધંધો કરવાની ઈચ્છા છે, ત્યારે મનીષાની આંખોમાં આવેલો ચમકારો તેની ચકોર આંખોએ નોંધ્યો. આમતેમ ફરતી મનીષાની નજરોએ નોંધ્યું કે મયંક ઘરમાં નહી હોય. હોત તો એનો પરિચય વહેલી તકે કરાવવાની ઉતાવળ યજમાનોએ કરી હોત. રસોઈ ઘણીખરી તો તૈયાર કરી દીધી હતી, છતાં જે કાંઈ રીટા કરી રહી હતી તેમાં મદદ કરવાની મનીષાએ તૈયારી બતાવી ત્યારે રીટાએથોડુંક બાકી છે, હું પતાવી દઉં છુંકહીને એને રોકી.

પછી બંને પણ બહાર આવીને વડીલો સાથે બેઠા. “મયંક દેખાયો નહિ, ક્યાંક બહાર ગયો છે કે શું?” એવી પૃચ્છા ઘણા વખત પછી વિભાકરે કરી ત્યારે દિનેશભાઈએ કહ્યું, “હમણાં આવી જશે. એના મિત્રો એને ક્રિકેટ રમવા ખેંચી ગયા છે.” કહી તેમણે ઉમેર્યું, “સ્કૂલ અને કોલેજમાં ક્રિકેટનો રસિયો હતો અને એની પ્રિય રમતને અમેરિકામાં બહુ મિસ કરે છે એટલે અહીં આવ્યો ત્યારથી રોજ મિત્રોને ભેગા કરીને રમવા ઉપડી જાય છે.” કહેતા દિનેશકાકાએ એક નજર મનીષા તરફ પણ નાંખી.

થોડી વારમાં મયંક આવ્યો. શોર્ટ પહેરીને સીધો ડ્રોઈંગરૂમમાં આવી ગયો અને વિભાકરભાઈ તથા મનીષાની મમ્મીના ચરણસ્પર્શ કર્યા, તો મનીષા તરફ જોઈહલ્લોકહ્યું . ત્યાં રીટાએ બાની હાજરીમાં એને ટપાર્યો, “ભાઈ, લોકો તને જોવા આવ્યા છે અને તું આવા વેશમાં અહીં આવી પહોંચ્યો? જા, જલદી નહાઈ લે અને સરખા કપડા પહેરી આવી જા. બધા જમવા માટે તારી રાહ જુએ છે.”

જેવો હુકમ, મારી દાદીમા.” કહી મયંક હસતો હસતો પાછળના રૂમમાં જતો રહ્યો. મનીષાને એનો પ્રથમ પરિચય ગમ્યો. એણે એની ક્રિકેટપ્રિયતાને એના દેશમાં પાછા આવવાની રીટાની વાત સાથે જોડી અને એને લાગ્યું કે એનો નિર્ણય ડગવાની તૈયારી કરી રહ્યો છે. મનને મક્કમ રાખવા એણે મથવું પડશે એમ એને લાગ્યું.

બધાં સાથે જમવા બેઠા ત્યારે પણ મનીષાને મયંકને વધુ ઓળખવાની તક મળી. “સાવ કાઢી નાંખવા જેવી વાત નથી. વિચારવું પડશે.” તેણે મન સાથે બાંધછોડ કરવાનો પ્રયત્ન કર્યો. જમીને બધાં બેઠા. મહેમાનો પાસે હવે એકાદ કલાક બચ્યો હતો, કારણ કે તેમને પરત ફરવાની બસ પકડવાની હતી. એટલે મુદ્દાની વાત પર આવવા દિનેશભાઈએ પહેલ કરી.

આપણે આડી અવળી વાતો બહુ કરી. પણ શા માટે ભેગા થયા છીએ તે આપણને બધાંને ખબર છે. એટલે હવે મારું સૂચન છે કે મનીષા અને મયંક એકલા મળીને વાત કરે.”

મયંકે મનીષા તરફ જોયું અને ઊઠવાની તૈયારી કરી. મનીષા પણ ઊભી થઈ અને બંને પાછળના રૂમમાં ગયા. રૂમમાં પહોંચી મયંકે એક ખુરશી તરફ ઈશારો કરી મનીષાને બેસવા કહ્યું. બેઠી એટલે મનીષ પણ સામેની ખુરશી પર બેસી ગયો. મનીષા સાથે અભ્યાસ, શોખ જેવી ટાઈમ પસાર કરવા જેવી વાતો કર્યા પછી સીધો મૂળ વાત પર આવ્યો. “આપણને અહીં શા માટે ભેગા કર્યા છે તે તમને અને મને ખબર છે. તમે કાંઈ વિચારો તે પહેલા મારે કેટલીક સ્પષ્ટતા કરવી છે. પ્રથમ તો હું અમેરિકા ફક્ત ભણવા માટે ગયો હતો અને ત્યાં કાયમ રહેવાનો સહેજ પણ ઈરાદો નથી. બીજું.. આગળ વધતા પહેલા શું કહેવું તે માટે શબ્દો ગોઠવવા માટે તેને મહેનત પડતી હોય એવું મનીષાને લાગ્યું. વિરામની તક ઝડપી મનીષાએ પણ બોલી નાંખ્યું, “હું પણ પરદેશ જવા માટે સહેજ પણ રાજી નથી.'

“સરસ. તમારો વિચાર સારો છે. પણ મારી બીજી વાત થોડીક અલગ છે. મારે તમને એક વાત કરવી છે અને તે કે હું તમારી સાથે લગ્ન કરી શકું તેમ નથી. પણ મારાથી પપ્પાને કહી શકાય એમ નથી, એટલે તમે મારા વિશે ના પાડી દો તો?” મયંક એક શ્વાસે બોલી ગયો. અને પછી અટકી ગયો. મનીષા માટે પ્રસ્તાવ આશ્ચર્યજનક હતો. તે વિચારમાં ગરકાવ થઈ ગઈ. જેની તૈયારી કરીને આવી હતી તે વાત મયંકે સામેથી કરી હતી. છતાં તેને લાગ્યું કે તો પોતાનાના કહેવાના અધિકાર’નું અપમાન છે. શું કરવું? વાતને અહીં પૂરી કરી બહાર જઈને પોતાની ઈચ્છા નથી એવું કહી દેવામાં એને એના અહમનું અપમાન લાગતું હતું. બીજી તરફ મયંક સાથે વધુ વાત કરવાથી તે કદાચ ખુલાસો કરે કે તેણે કોઈને વચન આપ્યું છે કે બીજું કાંઈ, પણ તેની સાથે એને કોઈ નિસ્બત નહોતી.

તે ઊભી થઈ અને બહાર બધા વચ્ચે આવીને ચુપચાપ બેસી ગઈ. બધાની આતુર આંખો અને કાન તેના બોલવા તરફ હતા. મયંક રૂમમાં બેસી રહ્યો. કોઈને ખરાબ લાગે તે માટે શું શબ્દો બોલવા તે ગોઠવતા તેને મથામણ કરવી પડી. અંતે તેણે કહ્યું, “દિનેશકાકા, મયંકનું કહેવું એવું છે કે એને અમેરિકામાં રહેવું નથી.” બધાની આતુરતા વધી ગઈ. “અમે અહીં આવ્યા ત્યારે એવી આશા લઈને આવ્યા હતા કે મને અમેરિકા જવાની તક મળશે, પણ તે હવે નથી એટલે અમને વિચારવા માટે થોડો સમય આપો તો સારું.” સૌથી વધુ આશ્ચર્ય વિભાકરભાઈ અને મનીષાની મમ્મીને થયું. અગાઉ વાત થયા કરતાં સાવ ઉલટી વાત કરી રહી હતી મનીષા. ‘કાંઈક તો રહસ્ય હશે . પણ જે હશે તે આપણે ના કહેવા આવ્યા હતા એટલે હવે રજા લેવાનો સમય આવી ગયો.’ વિભાકરે દિનેશભાઈ સામે જોયું. તે સમજી ગયા. તેમણે કહ્યું, “વાત તો તારી સાચી છે દીકરી. તારે જ્યારે જે વિચારવું હોય તે વિચારજે. તારી જગ્યાએ મારી રીટા હોય તો તે પણ એવું કરે કદાચ.” તેમણે રીટા સામે જોયું. તેને પણ સમજાતું નહોતું કે મનીષાના વલણમાં એકદમ ફેરફાર કેમ થઈ ગયો.

ઊભા થવાનો સંકેત હતો. સમય પણ થયો હતો. એટલે બધાં ઊભા થયા. ત્યાં સુધીમાં મયંક પણ બહાર આવી ગયો હતો. તેણે ઊભી થયેલી મનીષા તરફ જોયું. તેની આંખોમાં આભારની લાગણી હોય એવું મનીષાને લાગ્યું. તે વધુ મૂંઝાઈ. બધાં બહાર નીકળ્યા. છૂટા પડ્યા પછી તરત વિભાકરે મનીષાને પૂછ્યું. “તેં ના કહી તેનો તો વાંધો નથી, પણ અમેરિકા જવાને બદલે જવાની વાત તેં કેમ કરી તે સમજાયું નહી.”

પપ્પા, મયંકની એવી ઈચ્છા હતી કે ના હું કહું. તેની હિંમત નહોતી ના કહેવાની. કેમ એની ઈચ્છા નહોતી મેં એને પૂછ્યું પણ નહીં, કારણ કે મને અપમાનજનક લાગ્યું, એટલે વાતનો ત્યાં અંત આણી હું બહાર આવી. દિનેશકાકાને ખરાબ લાગે એટલે મારે રીતે વાત કરવી પડી.”

દશ દિવસ પછી મનીષાને સંસ્થા દ્વારા ચલાવાતા અનાથાશ્રમમાં જવાનું થયું. વારંવાર ત્યાં જતી હતી એટલે બધું પરિચિત હતું. તે સીધી ઓફીસમાં ગઈ. તેના આશ્ચર્ય વચ્ચે તેણે મયંકને ત્યાં બેઠેલો જોયો. મયંકે પણ તેને જોઈ અને ઓળખી, નમસ્તે કર્યા. “તમે? અહીં?” મનીષાના મોંમાંથી શબ્દો અનાયાસ નીકળી ગયા.

એક કામથી આવ્યો છું. પણ તમે અહીં કેમ?”

જે સંસ્થા અનાથાશ્રમ ચલાવે છે તેમાં હું કામ કરું છું. એના કામ માટે આવી છું.” કોણ જાણે કેમ મનીષાને એની સાથે વાત કરવાનું ગમતું હતું !

મનીષાબેનના કારણે અમને અમારા કામમાં ઘણી સગવડ રહે છે, કારણ કે અમારી વાતો સારી રીતે સમજી શકે છે અને સંસ્થાના સંચાલકોને સમજાવી શકે છે.” મેનેજરે વાતમાં ઝુકાવ્યું.

તમારે અહીં શું કામ પડ્યું?' મનીષાને હજૂ સમજાતું નહોતું કે એને શું કામ હોઈ શકે.

દાન.. પણ વાત પછી. સૌથી પહેલા તો મારે તમારી માફી માગવાની છે. તમારા ઈગોને ઠેસ પહોંચાડવાનો મારો જરા પણ આશય નહોતો. કદાચ હું મારી વાત વધુ સારી રીતે કહી શક્યો હોત. કદાચ તમને કારણ પહેલા જણાવીને પણ વિનંતી કરી શક્યો હોત.’’ વડીલ સમાન મેનેજરની હાજરીમાં મયંકે કહ્યું.

ઓહ.. ભૂલી જાઓ હવે વાત.”

આભાર. પણ વાત ભૂલી શકાય એમ નથી. કારણ તમે ભલે જાણવા માગો પણ મારે જણાવવું જોઈએ. હું કોલેજમાં હતો ત્યારે એક યુવતી સાથે મારે પરિચય હતો. તે બંને પગે અપંગ હતી, એટલે સહાનુભૂતિ પણ હતી. હું તેની સાથે વાત કરતો, તેને વ્હીલ ચેરમાં બેસવામાં મદદ કરતો. સામાન્ય ઘરની છોકરી હતી, સ્વભાવ પણ સરસ હતો. અમારો પરિચય વધતા મને તેના પ્રત્યે લાગણી પણ થઈ, અને હું તેને વચન આપી બેઠો કે લગ્ન કરીશ તો તારી સાથે કરીશ.”

વાહ, સરસ. અભિનંદન.” મનીષાથી બોલાઈ ગયું.

આપણે મળ્યા ત્યારે મારા મગજમાં વાત હતી. મેં એના ફોન પર મારા આવવા અંગે સંદેશ મૂક્યો હતો, પણ એનો કોઈ ઉત્તર નહોતો. અહીં આવ્યા પછી એને અંગે કોઈ માહિતી મેળવવાનો મને સમય નહોતો મળ્યો. આપણે છૂટા પડ્યા પછી મેં એને વિશે તપાસ કરી. શહેર છોડીને જતી રહી હતી અને પડોશીએ જણાવ્યું કે એણે એના જેવા કોઈ દિવ્યાંગ છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. મને લાગે છે કે એની સ્થિતિને કારણે મારી ઉપર બોજ બનવા માગતી નહોતી.” મયંક અટક્યો.

થોડી વાર શાંતિ છવાઈ ગઈ. પછી મયંકે કહ્યું, “તમે સ્ત્રીઓ કેટલી ઉદાર હો છો તે તમારા બંને સાથેના પરિચયથી સમજાયું. તમે મારી સાથે લગ્ન કરશો?’ અચાનક આવેલી વાતથી મનીષા અવાક બની ગઈ.

લગ્ન બાદ દેશમાં રહેવું કે અમેરિકા જવું તે તમારી મરજી ઉપર નિર્ભર રહેશે. જો તમે હા કહેશો તો મને આનંદ થશે, ના કહો તો પણ મને દુઃખ નહીં થાય. તમારી અનુકૂળતાએ ઉત્તર આપશો.”

મનીષા ચૂપ રહી. લગ્ન થઈ ગયા. હજુ પણ મનીષા નક્કી કરી શકી નથી કે તેણે સંમતિ શા માટે આપી અને દેશમાં રહેવું કે અમેરિકા જવું.

No comments:

Post a Comment