Wednesday, December 7, 2022

 

માણસ




નાના બાળકને જયારે એવી ઈચ્છા થાય કે એને માણસ બનવું છે ત્યારે એની ઈચ્છા પૂર્ણ કરવામાં મદદરૂપ  થઇ શકે તેવો કોઈ અભ્યાસક્રમ છે ખરો? બાળકોને ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, લેખક, શિક્ષક, ડ્રાઈવર, પાયલોટ, ક્રિકેટર, ક્લાર્ક, કલેક્ટર વગેરે જે બનવું હોય તે બનવા માટેનું વાતાવરણ આપણી પાસે તૈયાર છે. એને હિંદુ, મુસલમાન, શીખ કે ખ્રિસ્તી બનવા માટેની સગવડો આપણે વિકસાવી રાખેલ છે. પણ બાળકોને માણસ બનવા માટે નથી કોઈ અભ્યાસક્રમ, નથી કોઈ તાલીમ શાળા, કે નથી કોઈ વાતાવરણ. બાળક જ્યાં જન્મે છે અને જેના સંસ્કાર વડે એનું ભાવિ દિવસે દિવસે ઘડાતું જાય છે એવા એના ઘરમાં પણ એને માણસ બનવા માટેની કોઈ સગવડ ઉપલબ્ધ હોતી નથી. એટલે બાળક જયારે પુખ્ત વયની વ્યક્તિ બને છે, ત્યારે બીજું બધું ઘણું હોય છે, માણસ કદાચ .

અહીં પ્રશ્ન ઉદભવે કે માણસ કોને કહેવાય? એક પ્રાણી તરીકે જીવવા માટેના બધા અંગો ઉપરાંત બોલવાની અને વિચારવાની શક્તિ માણસને એક વિશિષ્ટ પ્રાણી તરીકે પ્રસ્થાપિત કરે છે. એવા વિશિષ્ટ પ્રાણી તરીકે માણસ બની જાય છે - સમાજના માપદંડ અનુસાર મોટો કે નાનો પણ 'માણસ' ગણાવા માટેની યોગ્યતા કઈ હોઈ શકે? માણસના માણસ બનવા વિષે ઘણા વિચારકો, કવિઓ, લેખકો, ચિત્રકારો વગેરેએ ઘણું બધું લખ્યું છે અને લખતા રહે છે. કવિ ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિઓ "હું માનવી માનવ થાઉં તો ઘણું" જાણીતી છે. પણ માણસ બનવા માટેની લાયકાત કઈ, વિષે બહુ ઓછું લખાયું, બોલાયું છે. એવા કોઈ માર્ગદર્શનના અભાવે માણસને માણસ બનાવવાની વાત વાક્ચાતુર્ય બનીને અટકી જાય છે. એટલે કોઈ નાનું બાળક નિર્દોષ ભાવે પ્રમાણિકપણે એમ પૂછે કે માણસ બનવું કઈ રીતે તો તેનો ઉત્તર આપવા આપણે ગેં ગેં ફેં ફેં  કરવું પડે છે. બાળકના પ્રશ્નના ઉત્તરમાં માણસ કોને કહેવાય તેની વ્યાખ્યા શોધી કાઢીને તેને પટાવવાનો પ્રયત્ન કરી શકીએ, જેમ કે, બીજાના દુઃખે દુઃખી થાય તેને માણસ કહેવાય, અથવા જેના મન, વચન અને વર્તનમાં એકરાગ હોય તેને માણસ કહેવાય, અથવા... એવી એવી ઘણી બધી વ્યાખ્યાઓ ગણાવી દઈને ઉત્તર આપવાનો પ્રયત્ન થાય, પણ બાળક જે જિજ્ઞાસા અને અમલ કરવાની તત્પરતાથી પ્રશ્ન પૂછે તેને સંતોષ થાય અને અમલ કરી શકે એવો જવાબ એમાંથી મળે છે ખરો?

જો બાળકને ખરેખર માણસ બનાવવો હોય તો માણસની આપણે નક્કી કરેલી વ્યાખ્યા એને શા માટે ભણાવવી? બાળક જન્મે ત્યારથી એને ઘરના, મહોલ્લાના કે હાલના વાતાવરમાંથી જે જાણવા મળે તે તે ગ્રહણ કરી લે છે, અને બધું સાચું માનીને ચાલે છે. પણ બધું અન્ય રીતે પણ હોઈ શકે એટલું વિચારબીજ એના મનમાં રોપી શકીએ તો એને માણસ બનવાના માર્ગે દોરી શકાય.

ન્યાત-જાતના, ધર્મના, ભાષા કે પ્રાન્તવાદના, ગોરા-કાળાના, ધનિક-ગરીબના, ઊચ્ચ-નીચના ભેદભાવ મટાડી દુનિયાની વિષમતાઓ દૂર કરવાનો ઈલાજ બાળકને 'માણસ' બનાવવાનો છે.

No comments:

Post a Comment