Thursday, December 29, 2022

 

વાર્તાનો અંત



( વાર્તા મેં ૬૦ વર્ષ પહેલા લખી હતી અને તે સમયના પ્રસિદ્ધ માસિકનવચેતન'ના સુપ્રસિદ્ધ તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદેશીએ ૧૯૬૨માં પ્રસિદ્ધ કરી હતી. રાજ્યવ્યાપી સામયિકમાં મારું પ્રથમ ચરણ હતું. એટલે આજે જૂનવાણી લાગે શક્ય છે. કેટલાંક શબ્દો સ્વ. ચાંપશીભાઈએ સુધાર્યા હતા એટલે એમ રાખ્યા છે.)

 

પ્રિયે,

પત્ર લખી રહ્યો છું, પણ તને મળશે ખરો? મારો પત્ર મળતા તને નવાઈ લાગી હશે. એમાં પ્રશ્ન વધારો કરશે પણ એનો ઉત્તર તને પત્રમાંથી મળી રહેશે.

આપણે બેઉ આટલાં નજીક છીએ, છતાં તને પત્ર લખતાં મને સંકોચ કેમ થતો હશે? પત્ર લખી હૃદયની વાતો કહેવા કેટલાય વખતથી વિચારી રહ્યો હતો. બેએક યત્નો યે કર્યા, પણ સફળ થયો નહોતો. મારા હૃદયમાં એવી તે શી વાતો હશે એમ તને થશે. બાળપણથી આપણે સાથે રમતાં આવ્યાં હતા, પણ જ્યારથી આપણે સમજણા થઈને દુનિયાદારીની રીતે વિચારતાં થયાં ત્યારથી સ્વૈરવિહાર ઉપર જાણે આપમેળે અંકુશ મૂકાઈ ગયો. આપણે આટલાં બધાં પાસે હોવા છતાં અજાણ્યે એકબીજાથી દૂર થઈ ગયાં. દૂર થયાં પછીની ફક્ત મારી વાત હું કરીશ, કેમ કે તું શું વિચારે છે તે જાણવાનું મુજ કને કોઈ સાધન નથી.

કદાચ તારા કરતાં વયે હું બેએક વર્ષ મોટો હોઈશ, પણ તફાવત મહત્વનો નથી. ભણતરમાં હું તારા કરતાં થોડો આગળ છું, પણ ફેર કાંઈ વધારે નથી. ખોટું લગાડતી, પણ તારા કરતાં હું હોશિયાર હોઈશ એમ હું માનું છું. છતાં તફાવત મારી નજરે અગત્યનો નથી. તારા કરતાં હું રૂપાળો છું એને હું મહત્વ આપતો નથી. અને સર્વ છતાં જે કહેવા માટે તને પત્ર લખવાનું સાહસ મેં ખેડ્યું છે તે હવે પત્રમાં લખ્યે છૂટકોહું તને ચાહું છું, હું મને ચાહતી હોય તો યે.

દુનિયાદારીની રીતે હું વિચારતો થયો ત્યારથી વાત હું તને કહેવા માગતો હોવા છતાં કહી શક્યો નહોતો. કારણ ઘણાં છે. મારામાં કોણ જાણે ક્યાંથી એવી ગ્રંથી પેદા થઈ છે કે બીજાઓ કરતાં હું કાંઈકસારોછું. લોકો મને સારો છોકરો ગણે મને ગમે છે. અને અભિપ્રાય જાળવી રાખવા મારું મન પ્રવૃત્તિ કર્યા કરે છે. એથી મને કેટલાક ફાયદા થયા છે, હકીકત છે. પણ મારી એવી વૃત્તિને કારણે હું કોઈ છોકરીનો પ્રેમ મેળવી શક્યો નથી, કેટલી યે છોકરીઓના પરિચયમાં હું આવ્યો છું. તેમાંની થોડીકે મારો પ્રેમ મેળવવા પણ પ્રયત્ન કરેલો. મારી માન્યતા સાચી યે હોય. વાતચીત કે થોડીક છૂટછાટ કોઈ રીતે વાંધાજનક નથી એમ હું માનતો હોવા છતાંલોકો મારી વાતો કરશે અને મારે વિશે ખરાબ અભિપ્રાય બાંધશે બીકે છોકરીઓથી હું સદાય અળગો રહ્યો છું.

પરિણામ આવ્યું કે જ્યાં લોકનિંદાનો ભય હોય ત્યાં પણ હું મારા વર્તનને વધારે ચીવટાઈથી અવલોકવા લાગ્યો. અને તું માનીશ? તારી બાબતમાં યે એવું બન્યું છે. તારા મનમાં મારે માટે ઊંચું સ્થાન હોય તે નીચું આવી જાય એવો ભય મને તારાથી દૂર રાખી રહ્યો હતો ને હજી યે રાખી રહ્યો છે. તને પત્ર લખવાનો સંકોચ પણ ભયમાંથી જનમ્યો છે.

હવે હિંમતપૂર્વક અને સંકોચ ત્યાગીને પત્રમાં લખું છું કે મને તુજ પ્રત્યે અગાધ પ્રેમ છે. પ્રેમ પાંગરેજો કે મારા હૃદયમાં તો પાંગરેલો છેતો મને અનહદ આનંદ થાય. સામાજિક રીતે આપણે એક થઈએ એમ હું ઘણા સમયથી મુજ અંતરે ઝંખતો આવ્યો છું. મારી લાયકાત અને પરિસ્થિતિ તો તું જાણે છે. આપણા મિલનમાં વડીલો વાંધો લ્યે એવું લાગતું નથી, છતાં લ્યે તો વાંધાને યુક્તિપૂર્વક કે સીધી રીતે અવગણી શકાય. પણ બાબતમાં તારા વિચારો શા છે જાણ્યા વિના એવા વિચારો કરવાનો મને શો અધિકાર છે?

અત્યારે તો વધુ લખતો નથી. તું પત્રનો ઉત્તર તો આપશે એમ મારું મન સાક્ષી પૂરે છે, પણ તારો જવાબ નહિ આવે તો પણ તારા પ્રત્યેનો મારો પ્રેમ તો છે એવો રહેશે. ભલે એકતરફી અને ફળહીન બની રહે.

તારો થવા ઈચ્છનો મહેન્દ્ર

 

પ્રિય મહેન્દ્ર,

તમારો પત્ર વાંચી આશ્ચર્ય થયું. આનંદ તો ખૂબ થયો. તમારો પ્રેમ જો મને મળે તો હું કૃતકૃત્ય થઈ જાઉંઅને મળ્યો પણ છે. મને યે તમારા પ્રત્યે પ્રેમ છે - તમારા શબ્દોમાં કહું તોદુનિયાદારીની રીતે આપણે વિચારતાં થયાં ત્યારથી.' પણ તમને મેળવવા અશક્ય વાત છે એમ હું માનતી હતી. તમને કેટલી યે વાર કહેવાનું મન થયું હતુંઅરે! શબ્દો હોઠ પર આવી ગયા હતા કે તમે મને અપનાવો ખરા?' પણ કંઈક અંશે સ્ત્રીસહજ લજ્જાને કારણે અને કંઈક અંશે મારી આશા વધુ પડતી છે એવી ભાવનાથી હું કહી શકતી નહોતી.

તમે આપણી વચ્ચે બીજાં જે તફાવતો ગણાવ્યા છે એને આધારે હું માની બેઠી હતી કે હું તમારે યોગ્ય નથી. તમે મારા કરતાં વધારે ભણેલા છે એટલે મારા જેવી એસ.એસ.સી. સુધી ભણેલી છોકરી તમારી નજરમાં સમાય સ્વાભાવિક છે. તમે રૂપાળા છો, જયારે હું કંઈક શ્યામ અને ઠીંગણી છું કબૂલતાં મને રજમાત્ર સંકોચ થતો નથી. તમારી બુદ્ધિની સર્વતોમુખી તેજસ્વીતા ઉપર તો હું મુગ્ધ છું. સર્વ વિષયમાં તો તમારી આગળ હું વામણી લાગુ. એટલે મેં મારું મન વાળી લીધું હતું. છતાં આજ સુધી જ્યારે જ્યારે તમને જોતી, જયારે જયારે તમારી જોડે વાત કરવાની મને તક મળતી, ત્યારે ત્યારે મને એમ તો થતું કે તમારો પ્રેમ પામી શકું તો હું કેટલી ભાગ્યશાળી બનું.

આપણા મિલનમાં વડીલો કદાચ વાંધો યે લે, કેમકે તેમના વિચારો જુદા છે. મારા પિતાની સ્વાભાવિક ઈચ્છા મારા માટે કોઈક સમૃદ્ધ ઘર શોધવાની છે. કુદરતે તમને બધું આપ્યું છે, પણ સમૃદ્ધિ નથી આપી. છતાં તમારી હિંમત ઉપર મને વિશ્વાસ છે.

અત્યારે તો બીજું વધારે લખવું સૂઝતું નથી, કેમ કે તમે મને ચાહો છો એવા ભાવાર્થનો તમારો પત્ર મેં કેમ જાણે સ્વપ્નમાં વાંચ્યો હોય એવું મને લાગે છે! સ્વપ્નમાં યે કેટલીક વાર આપણા મનના વિચારો વાસ્તવિક રૂપ લેતા હોય છે ને?

સદાને માટે તમારી થવા ઈચ્છતી નિર્મળા

 

પ્રિયે,

કુદરત પણ કેટલીક વાર ગજબ કરે છે! અનેક કલ્પનાઓ દોડાવ્યા છતાં મને સમજાતું નથી કે મેં લખેલો પત્ર તારા હાથમાં આવ્યો શી રીતે? અને ઉપર તારું નામ લખ્યું હોવા છતાં એ પત્ર તારો છે એમ તેં માન્યુ શી રીતે? જોજે, ગભરાઈ જતી. મેં  પત્ર બીજી કોઈ છોકરીને લખ્યો છે એમ માની લેતી. ખરેખર તો મેં પત્ર એક વાર્તાની શરૂઆત કરતાં લખ્યો હતો. મેં લખવા ધારેલી વાર્તાનું પ્રથમ સોપાન હતું. આમ છતાં પત્ર તને મળ્યો વધારે સારું થયું. કેમ કે એનું પ્રેરણાસ્થાન તો તું હતી. પત્રમાં જણાવેલા ભયને લીધે મારા ભાવ વ્યક્ત કરતાં હું ડરતો હતો. જો પત્ર તને મળ્યો હોત તો તારા પ્રત્યેનો પ્રેમ હું પત્ર દ્વારા પણ વ્યક્ત કરી શક્યો હોત કે કેમ એક સવાલ છે.

તને કલ્પનામાં કહેવા ધારેલી વાતો ખરેખર કહેવાઈ ગઈ. એનો અનુકૂળ પડઘો તેં પાડ્યો પરથી પ્રભુ આપણો મદદગાર હોવાનું જણાઈ આવે છે. સ્વાદિષ્ટ ખીચડી ખાવાની ઈચ્છા હોવા છતાં એમાં જે ઘી નાંખતા હું અચકાતો હતો ઘીને અનાયાસે ખીચડીમાં ઢળી ગયેલું જોઈને મને થયેલ આનંદના અતિરેકમાં અત્યારે તો વધુ લખી શકતો નથી.

સદાય તારો રહેવા ઈચ્છતો મહેન્દ્ર

 

 

પ્રિય મહેન્દ્ર,

                કંજૂસનું કાંકરા બરાબર' કહેવતથી તમે અજાણ હશો જાણીને મને આશ્ચર્ય થયું. પ્રેમની અભિવ્યક્તિ વિના એનો અનુભવ શી રીતે શક્ય બનત? કલ્પનામાં - વાર્તામાં પ્રેમનો એકરાર કરીને તમને કયો ફાયદો થયો હોત મને સમજાતું નથી. કંજૂસના ઘરમાંથી કોઈ થોડા પૈસા ચોરી જાય અને તાપથી આકુળ-વ્યાકુળ થતા કંજૂસને પૈસાથી એક સરસ ફેન ખરીદીને પૈસા ચોર પેલી વ્યક્તિને આપી જાય તો આવી ચોરી નૈતિક રીતે ઈષ્ટ લેખાય.

ઘી ખીચડીમાં અનાયાસે ઢોળાઈ ગયું સારું થયું. હવે ખીચડી સારી બનશે. પ્રેમપત્રોની શરૂઆત રીતે થઈ કદાચ અભૂતપૂર્વ બનાવ હશે. જો અકસ્માત થયો હોત તો શરૂઆત થાત ખરી? ખીચડી ખવાઈ જાત અને ઘી એમને એમ પડી રહેત.

એક પ્રશ્ન પૂછું? ધારો કે પત્ર મને મળ્યો હોત તો તમે વાર્તાનો અંત કેવો લાવ્યા હોત? હવે તો એનો અંત સુખદ આવશે. હવે તો વાર્તા લખવાનું માંડી વાળો અને આપણા લગ્ન પછી આપણા પ્રેમપત્રોને સંગ્રહ તમે કોઈક તંત્રીને મોકલી દેજો એટલે વાર્તા બની જશે. ભૂલમાં મેં તો આપણા લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. તમે એમાં સંમત તો છો . પણ આપણી આશા ક્યારે ફળશે? ફળશે ખરી?

સદાય તમારી રહેવા ઈચ્છતી નિર્મળા

 

પ્રિયે,

તારો છેલ્લો પત્ર વાંચી ખૂબ વિમાસણમાં પડી ગયો છું. આજ સુધી જે વિશ્વાસે તને દોરતો આવ્યો છું તે ઓછો થતો જાય છે એવું લાગે છે. તારા પ્રત્યેનો પ્રેમ ઘટ્યો છે એટલા માટે નહિ, મારી સમક્ષ જે પરિસ્થિતિ આવી ઊભી છે એથી. આપણા લગ્નમાં વડીલો વાંધો લે તો શો માર્ગ લેવો તેની યોજના મેં ઘડી રાખી હતી. પણ હવે એમાં થોડાં વિઘ્નો આવશે એમ લાગે છે. યોજના અત્યારે તને જણાવતો નથી. જરૂર પડ્યે આપણે એને અમલમાં મૂકીશું . પણ પહેલા મારે પરિસ્થિતિ અનુકૂળ બનાવવી પડશે. મારી યોજનામાં અંતરાયરૂપ બનનારા બે બનાવો ગઈ કાલે બન્યા. એક તો મેં બદલી માગી હતી તે નામંજૂર થઈ અને બીજું કે મારા મિત્ર શૈલેષની બદલી કલકત્તા થઈ ગઈ. છતાં તું નિરાશ થતી. આપણે માટે સંજોગો અનુકૂળ બને માટે બનતા બધાં પ્રયત્નો કરી રહ્યો છું.

અત્યારે તો આપણે પ્રેમપત્રોની અને સ્વપ્નોની દુનિયા માણીએ છીએ શું ઓછું છે? લગ્ન પછી બધાં સ્વપ્નો સાકાર થાય કે યે થાય. એટલે અત્યારે તો સ્વપ્નસૃષ્ટિ સર્વાંશે માણી લઈએ. તને મારી જીવનસંગિની બનાવવાના મારા કોડ કેટલા ઉત્કટ છે એની તો અત્યારે તને કલ્પના નહિ હોય. પણ સંજોગોને સાનુકૂળ બનાવ્યા વિના અંધારામાં ભૂસકો કેમ મરાય? અત્યારે તો આટલું .

તારી પેઠે સ્વપ્નોમાં રાચતો મહેન્દ્ર

 

પ્રિય મહેન્દ્ર.

હજી યેપ્રિયનું સંબોધન કરું છું, કેમ કે ગમે તે સ્થિતિમાં પણ તમને તો હુંપ્રિય માનું છું. પત્ર વાંચી તમે દુઃખ પામશો, ગુસ્સે થશો અને મારા પ્રેમને પોકળ પણ માનશો. પણ તમારા સંજોગો સાનુકૂળ થાય ત્યાં સુધીપારકી થાપણને સંઘરવાની અને સારું ઘર તથા સારો વર મળે તો એવી તક જતી કરવાની મારા બાપુજીમાં હિંમત નહોતી. તમને થશે કે મેં વિરોધ કેમ કર્યો? હું તમને પરણવાનું એક પ્રકારનું વચન આપી ચૂકી છું તે તેમને સ્પષ્ટ કેમ કહી દીધું? આવું વિચારવાનો તમને અધિકાર પણ છે. તમારી પેઠે મારા સંજોગો સાનુકૂળ નહોતા. મેં બાપુજીને આપણા પ્રેમ વિષે જણાવી તેમણે ધારેલા લગ્ન મુલતવી રાખવાની કાકલૂદી પણ કરી હતી. એમને ખાતરી કરાવવા તમારા પત્રો મેં એમને વંચાવ્યા હતા. પણ એકના બે થયા! સામેથી મને જણાવ્યું કે જો હું એમની આજ્ઞા નહિ માનું તો તેઓ તમને કદી ગામમાં નહિ આવવા દે. હવે હું કયા બળે લડું? તમે પાસે હોત તો એમની ધમકીને અવગણીને પણ હું તમારી સાથે ચાલી નીકળી હોત. અરે, તમે બે-એક દિવસમાં આવવાના હોત તો પણ ઘર છોડી દઈ બીજે ક્યાંક મેં બે દિવસ માટે આશરો લીધો હોત. પણ તમારું કશું નિશ્ચિત નહોતું એટલે હું લાચાર થઈ ગઈ! કોઈની હૂંફ વિના બાપુજીના સામે થવાનું મારું ગજું નહોતું. હું જાણું છું કે વાંક મારો છે અને માફી માગવાથી કશું વળે એમ નથી. છતાં હૃદયને શાંતિ મળે માટે પણ માફી માગું છું. આપશો ને? મારા દેહના સ્વામી બનેલા મારા પતિદેવને હવે હું મારું મન આપું તો મારી ફરજ ચૂકી ગણાઉં. એટલે મારું મન એમને આપતાં દુઃખ થતું હોવા છતાં આપવાનો પ્રયત્ન કરી રહી છું. તમને ઓળખતા હોય એમ લાગે છે. તમારી રજા વિના મેં એમને આપણી વચ્ચેના પ્રેમની વાત જણાવી છે. પ્રામાણિક પત્નીનો ધર્મ હતો એમ હું માનું છું. તમારી પેઠે એમના વિચારો પણ ઉચ્ચ છે. એટલે મારી વાત સાંભળી લગ્ન પહેલા તેમને જણાવવા બદલ મને ઠપકો આપ્યો. એટલું નહી તમને અહીં આવવાનું આમંત્રણ આપવાનું પણ મને કહ્યું! પણ તમને હવે શી રીતે મોં બતાવું? આથી તમને હું આમંત્રણ આપી શકતી નથી. ઊલટું, તમને અહીં આવવા વિનંતી કરું છું. તમને ચરણે પડીને પુનઃ માફી માગું છું.

એક વખતની તમારી નિર્મળા

 

પ્રિય નીરુ,

હજીપ્રિય લખું છું બદલ ક્ષમા કરજે. તેં એક વાર મને પત્રમાં લખેલું તે યાદ છે, કે પત્ર મને મળ્યો હોત તો તમે વાર્તાનો અંત કેવો લાવ્યા હોત?’ પ્રશ્નનો જવાબ મેં ત્યારે નહોતો લખ્યો. પણ હવે એનો જવાબ આવી ગયો છે. વાર્તાનો આ અંત હું લાવ્યો છું. તું તો વાર્તાને સુખાંત બનાવવા બધા પ્રયત્નો કરી છૂટી. મારે વિચાર કરવો જોઈતો હતો. માફી તો ઉલટી મારે માગવાની રહે છે. અને તું કદાચ ઉદાર ભાવે મને માફી આપે તો પણ જે બની ગયું છે એમાં તો હવે કશો ફેર નથી પડવાનો. મને મોં બતાવતા તું શા સારું ડરે? ખરી રીતે ડરવાનું તો મારે છે. હવે વધારે લખી શકું એમ લાગતું નથી. ઘી ખીચડીમાં ઢોળાયું તો ખરું, પણ ખીચડી જમી શક્યો વિચાર મને દુઃખી કરે છે. મારા હૃદયમાં હજી યે તારું સ્થાન છે . મને ગામ જતાં હજી એકાદ મહિનો લાગશે તે તારી જાણ ખાતર લખું છું. પ્રભુ તને સુખી રાખે.

એક વેળાનો અને આજે પણ તારો મહેન્દ્ર

 

પ્રિયતમ મહેન્દ્ર,

આવી સરસ વાર્તાનો આટલો કરુણ અંત આણી શકાય ખરો? તમારાથી વાર્તાકાર નહિ થવાય. આટલા દિવસો તમે ખૂબ દુ:ખી થયા હશો. જેમ તમારો પહેલો પત્ર વાર્તાનું પ્રથમ સોપાન નહિ પણ ખરેખર પત્ર હતો, પણ પાછળથી તમારી હિંમત (!) છુપાવવા માટે વાર્તાની શરૂઆત છે એણ જણાવીને તમે મને પટાવી હતી, રીતે મારો છેલ્લો પત્રે વાર્તાનો કરુણ અંત નહોતો અને નથી. મેં પત્ર મારા માસીને ત્યાંથી લખ્યો હતો અને તમારો પત્ર પણ ત્યાં આવ્યો હતો તમને જણાવી દઉં, જેથી હું તમારી જોડે ફરી વાર લગન નથી કરી રહી એવો ભ્રમ તમને થાય.

બાપુજીને મેં વાત કરી હતીઅચાનક થઈ ગઈ હતી. એમણે આપણા લગ્નને મંજૂરી આપી દીધી છે. તમે જલદી પધારો તો લગ્નની તિથિ પણ નક્કી થઈ જાય. પણ તમારા સંજોગો સાનુકૂળ થશે ત્યારે ને?

હવે તો સદાની તમારી થનારી નિર્મળા