Saturday, November 19, 2022

 

પલ્લવી

 



 

પ્રિય મિત્ર અશોક,

તારો પત્ર વાંચી આનંદ અને આશ્રર્ય બંને થયા. આનંદ તેં ઘણા સમય પછી મને યાદ કર્યો તેથી અને આશ્રર્ય તેં મને સોંપેલું કામ જાણી. કોલેજકાળમાં હું અને પલ્લવી એક જ વર્ગમાં હોવાનું તારું અનુમાન સાચું છે. તારા પત્ર ઉપરથી લાગે છે કે તું પલ્લવી વિષે ખાસ જાણતો નથી. હું અને પલ્લવી જુનિયર અને સિનિયર બી..ના વર્ગમાં સાથે હતા. અમારા વર્ગની રૂપાળી અને ચબરાક છોકરીઓમાં પલ્લવી પ્રથમ આવતી. મારે એની સાથે અંગત પરિચય ખાસ નહોતો, પણ એની સાથે વાતો કરવાના કેટલાક પ્રસંગો આવ્યા હતા, તે ઉપરથી મને પલ્લવી વાચાળ લાગી હતી. એની સાથે વાત કરનારને ભાગે બોલવાનું બહુ ઓછું આવતું. અભ્યાસમાં પણ પાછળ નહોતી. કોલેજની બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ ખૂબ હોંશથી ભાગ લેતી. હું ભૂલતો હોઉ તો સુંદર અભિનય માટે એને એક વાર ઈનામ પણ મળ્યું હતું. આમ બધી દષ્ટિએ પલ્લવીને માટે વાંધો લેવા જેવું કશું કહેવાય બલ્કે તને નસીબદાર ગણાવી શકાય.

પરંતુ એની બીજી બાજુ યે છે. પલ્લવીની નામના જેમ જેમ વધવા લાગી. તેમ તેમ તેની પાછળ ફરતા યુવાનોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. પલ્લવીને આનું ભાન થતું ગયું તેમ તેમ તેનામાં રૂપ-હોશિયારીનું અભિમાન આવતું ગયું. કોલેજના નામાંકિત વિદ્યાર્થીઓની મૈત્રી શોધી તેમની સાથે ફરવામાં એનો ગર્વ પોષાતો. આમ કરીને પોતાનું ચડિયાતાપણું બતાવવાનો એનો આશય હશે. યુવાન મિત્રો સાથે હરવા ફરવામાં એનો રસ ધીરે ધીરે વધતો ગયો. એક પછી બીજા સાથે, પછી ત્રીજા સાથે આમ તે ગવાવા મંડી અને તેની પાછળ ઈર્ષાના વાદળો પણ ઊભા થવા લાગ્યા.

સીનીઅર બી. .ની બીજી ટર્મ શરુ થઇ ત્યાં સુધીમાં કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન મધુકર, ટીમનો બીજો એક ખેલાડી જયેશ, કોલેજ મેગેઝીનનો સંપાદક સુધાકર, પ્રથમ વર્ગમાં પસાર થતો કિશોર વગેરે યુવકો સાથેની એની દોસ્તી ચર્ચાનો વિષય બની. કોલેજમાં કોઈ છોકરી એની બહેનપણી હોય એવું લાગતું નહોતું - ફક્ત એક પારસી છોકરી સિવાય. બંને કોલેજના ફાજલ સમયમાં પેલા બધા મિત્રોમાંથી કોઈની સાથે જોવા મળતા. તું જાણે છે  કે મને આવી બાબતમાં પાડવાનો સમય નહોતો એટલે પલ્લવીની બધી પ્રવૃત્તિઓ અંગે હું ઊંડો ઉતર્યો નહોતો. એની બધી દોસ્તી વિષે અનેક વાતો કોલેજના વર્તુળોમાં થતી, મેં આમાંની એકેને સાચી કે ખોટી માની નહોતી. પલ્લવીની બધા સાથેની દોસ્તી નિર્દોષ છે કે કેમ તે વિચારવાનો પ્રયત્ન મેં નહોતો કર્યો, મારે જરૂર પણ નહોતી. હવે તું પૂછે છે તો જલાવું કે પલ્લવી આવી હતી.  નિર્દોષ પણ હોય, કારણ કે મેં સાંભળેલી વાતો વિદ્યાર્થીઓના વર્તુળમાંથી આવતી હતી. દોષિત હોય તો પણ તું એને માફ કરી શકે. તારો નિર્ણય જાણવાની મને આતુરતા રહેશે.

તારો સ્નેહાળ મિત્ર દિલીપ

 

પ્રિય કુમુદ,

સાસરે આવ્યા પછી હું તમને બધાને ભૂલી નથી ગઈ. લગ્નમાં આવવા માટે મેં તને આગ્રહભર્યું આમંત્રણ મોકલ્યું હતું, પણ તું આવી તેથી મને ખોટું નથી લાગ્યું. તેં લખેલો પત્ર મળ્યો હતો પણ ઉત્તર આપી શકી. ત્યાર પછી તારો બીજો પત્ર હમણાં મળ્યો. તું મને આટલા પ્રેમથી હજુ યાદ કરે છે તેં જાણીને કેટલો બધો આનંદ થયો! હું અહીં ખૂબ આનંદમાં છું. કારણ જણાવવા માટે મારે તને થોડું વિસ્તારથી લખવું પડશે.

તું તો જાણે છે કે કોલેજકાળ દરમિયાન - ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં હું કોલેજમાં ઠીક ઠીક વગોવાઈ ગઈ હતી. વગોવણી તદ્દન બિનપાયાદાર નહોતી તે પણ તું જાણે છે. મને જીવનમાં આનંદ આવતો હતો. ભવિષ્યનો વિચાર કરવાની મને સમયે જરૂર નહોતી લાગી. ધનાઢ્ય કુટુંબના અને કોલેજની પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતા છોકરાઓ મારી પાછળ ફરે તેથી હું ગૌરવ અનુભવતી. તેમને મારી પાછળ ફેરવવામાં અને તેમના ખર્ચે મઝા કરવામાં મને મોજ આવતી - મારુ અભિમાન પોષાતું. મને બરાબર યાદ છે કે તેં જયારે મને અંગે ટોકી ત્યારે મેં તારું અપમાન કર્યું હતું. ઉન્માદભરી દશામાં મને ભવિષ્યની કશી પડી નહોતી,. મને હતું કે બધામાંથી જેની આગળ હું લગ્ન માટે દરખાસ્ત મુકીશ તેં આનંદથી નાચી ઊઠશે. કોલેજના છોકરાઓ મને જે રીતે ચીઢવતા તે જોઈને મને આનંદ આવતો. તેમની ઇર્ષાની દયા આવતી. અમારી પાછળ બોલાતા વ્યંગ વાક્યો મને ખાટી દ્રાક્ષવાળા શિયાળની ફિલસુફી જેવા લાગતા.

પપ્પા મને લગ્ન માટે પૂછતાં ત્યારે હું તેમને પણ બેપરવાહીથી ઉત્તર આપતી. પછી તો હું ગ્રેજ્યુએટ થઇ ગઈ અને કોલેજ છોડી દેવી પડી. મારી સાથે ફરનારા બધા ગ્રેજ્યુએટ થઇ ગયા હતા. પરિણામના દિવસે બધા કોલેજમાં ભેગા થયા ત્યારે એમાના કોઈક સમક્ષ લગ્નની દરખાસ્ત મુકવાનો મેં વિચાર કર્યો. લગ્નને ત્યારે પણ હું બીજી બધી રમતો જેવી એક રમત ગણતી હતી. મારી પ્રથમ પસંદગી મધુકર પર ઉતરી હતી. મને હતું કે મારી વાત સાંભળી ખૂબ આનંદમાં આવી જશે, પણ મારી ધારણા ખોટી નીકળી. તે ચોખ્ખી ના પાડી શક્યો, પણ એણે એવા બહાના બતાવ્યા કે તેમાંથી એની ના ડોકાઈ રહી હતી. હું એની સાથે ઝઘડો કરીને છૂટી પાડી. ત્યાર પછી મેં વારાફરતી બીજા દોસ્તો સાથે પણ અંગે વાત કરી જોઈ. પણ બધાએ કાંઈ ને કાંઈ બહાના બતાવ્યા. મને બધા પર ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સાના અતિરેકમાં મેં બધાની સામે વેર લેવાનો વિચાર કર્યો પણ માટે હું શક્તિમાન નહોતી. હવે મને મારી લાચારીનું ભાન થયું. બધા લગ્નની વાત આવતા કેમ છટકી ગયા હશે તેના ઉપર વિચાર કર્યા પછી મને સમજાયું કે બધાની સાથે દોસ્તી રાખવામાં હું કોઈનો વિશ્વાસ સંપાદન ના કરી શકી. દરેકે મને ચરિત્રહીન માની હશે અને તેથી મને ના પાડી હશે તેનું મને ભાન થયું. ત્યારે મને મારી જાત પ્રત્યે ખૂબ ઘૃણા થઇ. મારો બધા પ્રત્યેનો ગુસ્સો ઓગળી ગયો. એ બધા તો ઠીક પણ જેને હું વર્ગમાં સાવ સામાન્ય છોકરો સમજતી હતી, જેને માટે મેં અપમાનજનક શબ્દો પણ વાપર્યા હતા તેણે (તે અમારી ન્યાતનો હતો) પણ મારા પપ્પાએ મુકેલી મારી દરખાસ્ત ઠોકરાવી ત્યારે હું ભાંગી પડી. તે આખી રાત મેં રડીને વિતાવી.

તે પછીનું તો ઘણું ખરું તું જાણે છે. મારા લગ્ન માટેના મારા પપ્પાના પ્રયત્નો નિષ્ફળ જતા. ક્યાંક જરાક વાત આગળ વધતી ત્યારે મારા પરાક્રમોની કથા પહોંચાડી દેવાતી અને વાત પતી જતી. મારા પપ્પાને મારા પ્રત્યે ખૂબ લાગણી હોવાથી ગુસ્સો કરતા પણ તેમને દુઃખ થતું તે જોઈને મને પણ ખૂબ દુઃખ થતું. મારે પરણવું નથી એમ મેં તેમને જણાવ્યું તેનાથી તો તેઓ વધારે દુઃખી થયા. મારી નાની બહેન પણ હવે પરણવા જેવી થઇ ગઈ હતી, પણ મારે લીધે એનું પણ અટકી ગયું હતું. ક્યારેક આપઘાત કરવાનો વિચાર ઝબકી જતો, પણ પપ્પાની બદનામીના ડરે વિચાર ટકતો નહિ. 

આવી સ્થિતિમાં અશોક અંગેની વાત મેં સાંભળી ત્યારે મને જરા પણ આશા નહોતી કે લગ્ન માટે તૈયાર થઇ શકે. એના કરતા તદ્દન સામાન્ય છોકરાઓ પણ મને સ્વીકારવા તૈયાર નહોતા, તો અશોક જેવો સુંદર અને એન્જિનિયર થઇ સારી કમાણી કરતો છોકરો તૈયાર થાય વાત મને અસંભવ લાગી હતી. તેને મારામાં રસ છે તે જાણ્યું ત્યારે તે બીજવર હોવાની શંકા પણ ગઈ હતી. એવું હોત તો પણ વિરોધ કરવાની માનસિક કક્ષાએ હું ત્યારે પહોંચી ગઈ હતી. આમ અશોક સાથેના લગ્ન મને સ્વપ્ન જેવા લગતા હતા. સ્વપ્ન સાકાર થયું ત્યારે મને ખબર પડી કે અશોક મારી કલ્પનાના કોઈ પણ યુવક કરતા સારો હતો અને છે. પછી તો મને ના પાડવા બદલ મેં મધુકર વગેરેનો મનોમન આભાર પણ માન્યો. તને કદાચ એમ લાગે કે મારામાં જે નિરાશા હતી તેના કારણે હું તેના વખાણ કરતી હોઈશ. પણ એમ નથી. એના નિકટનાં પરિચયમાં આવેલી કોઈ પણ છોકરીએ અશોકને મેળવીને પોતાને ભાગ્યશાળી માની હોત. આથી મારા જેવી અજાણ છોકરી સાથે જીવન જોડવા કેમ તૈયાર થયો તે મારે માટે એક રહસ્ય બની રહ્યું.

કેટલીક વાર એકલી પડતી ત્યારે મારો અંતરાત્મા મને ડંખવા લાગતો. મારા કોલેજજીવનના પરાક્રમોની વાત ભલે કોઈ અશોકના ધ્યાન પર લાવ્યું હોય, પણ મારી તો એને જણાવવાની ફરજ છે એમ મને થતું. મારો ભૂતકાળ એને ખબર હોત તો મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો હોત કે કેમ અને કદાચ હવે ખબર પડે તો એનો પ્રેમ અને વ્યવહાર બદલાય કે કેમ તે પ્રશ્ન મને ઘણી વાર મુંઝવતો. અશોકને વાત કરી બધું કહી દેવા મારુ મન ઘણી વાર બેચેન બની જતું. મારી પ્રામાણિકતા મને એમ કરવા દબાણ કરતી, પણ સ્વાર્થ અટકાવતો. હું ખાતરીપૂર્વક માનતી હતી કે મારા પરાક્રમોની અશોકને ખબર નહિ હોય. હોત તો મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો હોત.

પણ મારો ભ્રમ એક દિવસ અકસ્માત ભાંગી ગયો. હું પુસ્તકો ઉપર જામેલી ધૂળ સાફ કરી ગોઠવતી હતી ત્યારે એકમાંથી સરી પડેલા કાગળે મને ચોંકાવી દીધી. મારા લગ્ન પહેલા અશોકના એક મિત્ર અને મારા સહાધ્યાયી દિલીપે અશોકને લખેલો કાગળ વાંચીને હું ચમકી ગઈ. દિલીપે અશોકને મારા કોલેજના પરાક્રમોની હકીકત જણાવી હતી. તેણે જે રીતે લખ્યું હતું તે ટીકાત્મક નહોતી છતાં હું કેવી હતી તેનું વર્ણન તો હતું. દિલીપ પ્રત્યે મને ગુસ્સો આવવો જોઈએ પણ તેમ ન થયું, કારણ કે તેણે અશોકને આ વિષય પર શાંતિથી વિચાર કરવા પ્રેર્યો હશે.

આ પછી તો મારુ કુતુહલ એકદમ વધી ગયું. અશોક સાથેના મારા વર્તનમાં પણ આથી ફેર પડી ગયો. અત્યાર સુધી હું મારી જાતને ગુનેગાર માનતી હતી ખરી, પણ અશોકને એની ખબર નહિ હોય એમ માની અશોક સાથેના વર્તનમાં મને સંકોચ નહોતો થતો. પણ જયારે મને ખબર પડી કે અશોકને મારા કોલેજકાળના પરાક્રમોની ખબર છે ત્યારે તેની સાથેનું મારુ વર્તન થોડુંક અસ્વાભાવિક બન્યું. અશોક મને એ વાત યાદ કરાવી કદી મહેણું મારી લેશે એ વિચારે હું ખૂબ ક્ષોભ અનુભવ લાગી. આ વાત જાણવા છતાં અશોક કેમ તૈયાર થયો હશે તે પણ એક કોયડો હતો જ. મારા બદલાયેલા વર્તનનો ખ્યાલ અશોકને ન આવે એવું તો બને જ નહિ. મારા મનમાં જે કાંઈ ચાલી રહ્યું હતું તેની અસર મારા વર્તન પર ન થાય તે માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ હું નિષ્ફળ ગઈ. અશોકે મને તે અંગે કાંઈ પણ પૂછ્યું નહિ પણ તે સમજી ગયો હશે. મને પૂછી મૂંઝવણમાં ન નાખવાનો જ તેનો આશય હશે એમ મેં માન્યું.  ઘણા દિવસો પછી મારા વર્તનમાં ધીરે ધીરે સ્વાભાવિકતા આવતી ગઈ. અશોકનું આ અંગેનું મૌન મારે માટે રહસ્ય તો રહ્યું જ. મેં એ વાત કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કાઢી ન શકી.

ફરી એક અકસ્માત બન્યો. અશોક એક જરૂરી કાગળ ઘરે ભૂલી ગયો હતો તે લેવા એણે ઓફિસમાંથી માણસને મોકલ્યો હતો. તે કાગળ શોધતા મારા હાથમાં એક બીજો કાગળ આવ્યો. શીલા નામની એક છોકરી, વધુ સ્પષ્ટ રીતે લખું તો એની એક સમયની પ્રેમિકાનો આ છેલ્લો પત્ર હતો. તને થશે કે એ પત્ર વાંચીને હું બગડી હોઈશ અથવા મને સંતોષ થયો હશે કે જે માર્ગે હું ભટકી આવી છું તે માર્ગે અશોક પણ ફરી આવ્યો છે. મને એવો વહેમ પણ ગયો કે અશોકે આ પત્ર મારા હાથમાં આવે તે માટે જાણીને તો આ બહાનું નહોતું કાઢ્યું? હું અશોકને આજ સુધી માનતી હતી તેથી પણ વધુ સારો તે છે તેની પ્રતીતિ તો મને આ પત્રથી થઇ. જીવનને વિશાળ દૃષ્ટિકોણથી જોવાની ટેવવાળા માણસો આગળ આપણે કેટલા વામણાં છીએ તેનો અનુભવ તો તું એ પત્ર પોતે વાંચે તો જ કરી શકે. એ પત્રની નકલ આ સાથે બીડું છું, એવી આશાથી કે એમાંથી તું પણ કાંઈક પ્રેરણા મેળવી શકે.

તારો પત્ર વાંચીને આનંદ એટલા માટે ખૂબ થયો હતો કે જેની સાથે મારુ હૃદય ખોલીને વાત કરી શકું એવી મિત્ર તારા સિવાય કોઈ નથી, એટલે આ બધી વાતો કરવા માટે હું આતુર હતી. તારા પ્રત્યુત્તરની રાહ જોઇશ.

                                                      તારી જ પલ્લવી

 

પ્રિય અશોક,

તારો પત્ર મળ્યો. પૂજ્ય પપ્પાજીને તેં મોકલેલ ચેક પણ મળી ગયો છે. શી જરૂર હતી એટલી ઉતાવળ કરવાની? હજુ તો તેં શરૂઆત કરી છે. અત્યારે તો તારે વધુ પૈસાની જરૂર હશે. પપ્પાજીએ લખાવ્યું છે કે જરૂર પડે ત્યારે સહેજ પણ સંકોચ વિના મંગાવી લેજે. તને ખૂબ ખૂબ સફળતા મળે એવી અમારા બંનેની અંતરથી પ્રાર્થના છે. સફળતાનો પપ્પાજીએ બતાવેલો અર્થ તો યાદ છે ને તને?

પલ્લવી નામની કોઈ છોકરી સાથે તારા વિવાહની વાત ચાલે છે. તેને વિશેની તેં લખેલ વિગત વાંચી. તેં જે રીતે વિચાર્યું છે તેં યોગ્ય જ છે. કોલેજકાળની એની એ વાતોને ગંભીર ન ગણી શકાય. એ કદાચ કોઈ ભૂલ કરી બેઠી હોય તો પણ તે ક્ષમ્ય છે એવું તારું મંતવ્ય બરાબર છે. આમ છતાં આ બાબતને ગંભીર ન ગણવાનું નક્કી કરવા માટે તારે ઘણી બધી દલીલો કરવી પડે એનો અર્થ એ કે તું એને ખરેખર ગંભીર ગણે છે. જો તારે એ બધી વાતોને ગંભીરતાથી ન જ લેવી હોય તો એ માટે લાંબી દલીલો શા માટે કરવી? તું દલીલો કરે તેનો અર્થ એ નહિ કે તું તારા મનને સમજાવી રહ્યો છે? આમ છતાં તેં નિર્ણય લઇ લીધો તે સારું કર્યું. પણ તારા પત્રમાંની એક બે વાતો મને ન ગમી. પ્રથમ, તેં લખ્યું છે કે 'માનો કે પલ્લવી કોઈ ભૂલ કરી બેઠી હોય તો પણ તેણે સ્વીકારવામાં મારા પ્રેમપાત્રને મેં જે અન્યાય કર્યો છે તેની સજા મને મળી જશે' અને બીજું, 'વળી આટલી હદે ગવાયેલી પલ્લવી માટે વર શોધવામાં એના પિતાને ખૂબ તકલીફ પડી હશે અને મારા હા કહેવાથી તેમના મનને શાંતિ મળશે અને એ રીતે એક જીવને આનંદ આપવાનું પુણ્ય મળશે.' મને તેં અન્યાય કર્યો છે એમ તું માને છે, હું નહિ. એટલે એને માટે સજા મેળવવાની તારે જરૂર નથી. મેં તને ચાહવામાં કે તેં મને ચાહવામાં કોઈ સ્વાર્થી ઈચ્છા રાખી નહોતી. આપણો પ્રેમ લગ્નમાં પરિણામે એવી આપણે આશા રાખી હતી, આગ્રહ નહિ. એવો આગ્રહ રાખ્યો હોત તો આપણો પ્રેમ એટલો સ્વાર્થી બનત. તેં કે મેં કોઈ જાતનું અઘટિત વર્તન કર્યું નથી. પછી અન્યાય શાનો અને સજા શાની? આમ છતાં માનીએ કે તેં મને અન્યાય કર્યો છે અને તેની સજા તારે ભોગવવી જોઈએ તો તે માટે પલ્લવીનો ભોગ લેવાનો? પલ્લવીનો ભૂતકાળ કલંકિત હોય તો પણ તે સ્વતંત્ર છે. તે તને વિનંતી કરવા નથી આવી કે મારા ઉપર ઉપકાર કરો. તેણે જે કાંઈ કર્યું હોય તેને તે અયોગ્ય ન પણ માનતી હોય. અને જો તે તેને અયોગ્ય માનતી ન હોય તો તેને તું તારાથી ઉતરતી કેવી રીતે ગણી શકે? તને સજા કરવા માટે થઈને તું પલ્લવીને સ્વીકારવા તૈયાર થાય એનો અર્થ એ તો ખરો ને કે તું તેને તારી સમાન ગણવા તૈયાર નથી?

બીજી તરફ પલ્લવી માટે વર શોધવામાં તેના પિતાને પડતી મુશ્કેલી દૂર કરવા અને (તે જણાવ્યું નથી પણ તારા ભાવ હું સમજી શકું છું) પલ્લવીને સ્વીકારવા કોઈ તૈયાર નથી માટે આશરો આપવા તૈયાર થઈને તું તારી જાતને કેટલે ઊંચે કલ્પી રહ્યો છે તેનો તને ખ્યાલ છે? કોઈને એ રીતે માપવાની આપણામાં લાયકાત છે ખરી? આ રીતે તો તું અજાણ્યે પલ્લ્વીનું અને તેના પિતાનું અપમાન કરી રહ્યો છે. એવું શું છે તારામાં જેના જોરે તું આટલી મોટાઈ તારામાં માને છે? એન્જિનિયર થયો તેમાં? એ કાંઈ એવી મોટી લાયકાત નથી. જો તારા મનમાં આ વિચારે જ પ્રાધાન્ય પામીને તારી પાસે નિર્ણય લેવડાવ્યો હોય તો હજુ નિર્ણય બદલજે. પલ્લવીથી એટલા ઊંચે રહીને તું ન એને સુખી કરી શકે ન તું સુખી થઇ શકે.

અત્યાર સુધી ઘણા પ્રશ્નોમાં તેં મારી સલાહ લીધી છે એટલે આ છેલ્લી તક પણ લઈ લઉં. જો સુખી થવું હોય તો પલ્લવી અંગેની બધી વાતો મનમાંથી કાઢી નાંખજે. તેને કદી પલ્લવી આગળ ઉખેળીશ નહિ. તારી જાતને કદી તેનાથી ઊંચે પણ ન કલ્પિશ. તારા જેટલા જ સમાન અને સ્વતંત્ર એવા તેના વ્યક્તિત્વનો ખ્યાલ રાખીને જ તારું વર્તન ઘડજે. અને સૌથી વધુ મહત્વની સલાહ તો એ કે હવે કદી મને પત્ર લખીશ નહિ કે મારા પત્રની આશા રાખીશ નહિ. એકાદ નાનકડી ગેરસમજ આખા જીવનને વિષાદમય બનાવી શકે છે. જયારે અમારે ત્યાં આવે ત્યારે પલ્લવીને લઈને જ આવજે. 

તું મને પૂછે છે કે યોગ્ય વ્યક્તિ મળે તો હું લગ્ન માટે તૈયાર છું કે કેમ? હું મારા મનને હજુ સુધી એ માટે કેળવી શકી નથી જ્યાં સુધી મન એ માટે આતુર ન થાય ત્યાં સુધી એવી જરૂર પણ શી છે? વળી તું તો જાણે છે કે પપ્પાને અત્યારે સાથની જરૂર છે. જો હું છોડીને ચાલી જાઉં તો તેમનું શું થાય? તારી લાગણી દુભવ્યા પછી બીજા કોઈને ઘરજમાઈ થવાનું કહેવાની હિંમત રહી નથી. તારી સમક્ષ કરેલી એ ભૂલ મને હજુ સંતાપે છે. મેં તને પપ્પાજી પાસે મદદ અપાવી તેની પાછળ તું એકલો છે અને જો તું મારી સાથે લગ્ન કરી અમારી સાથે રહેવા આવી શકે એવી સ્વાર્થી ગણતરીએ તો મેં તારી સાથે પ્રેમ નહિ કર્યો હોય?

પપ્પાજીને બીજે રહી જવા સમજાવવાનું ખૂબ મુશ્કેલ છે. જમાઈને ત્યાં રહેવાનું તો તેઓ ક્યારેય પસંદ ન કરે.આવા સંજોગોમાં કોઈ નવો રસ્તો ન મળે ત્યાં સુધી મારા લગ્નનો પ્રશ્ન ઉકલે એમ નથી. શાળામાં બાળકોની અને ઘરમાં પિતાની સેવા કરવાથી એકલવાયું નથી લાગતું. મને સંતોષ છે કે ભગવાને જે જીવન આપ્યું છે તેનો કૈક સારો કહેવાય એવો ઉપયોગ કરી રહી છું. મારે માટેની લાગણીને લઈને જ તું દરેક પત્રમાં સૂચનો કરે છે. તારા મિત્ર દિલીપ અંગે પણ હું સંમત થઇ શકું એમ નથી. અત્યારે તો એ વાત મેં પડતી જ મૂકી છે.

વધુ લખતી નથી. તક મળે તો પલ્લવીને મારી ઓળખાણ આપજે. તમારું બંનેનું જીવન સાચા અર્થમાં સુખમય નીવડે એવી શુભેચ્છા.

તારી હંમેશની શુભ ચિંતક શીલા

 

પ્રિયા સખી પલ્લવી,

તારો પત્ર મળ્યો હતો. હું અમારા કુટુંબ સાથે બે મહિના માટે બહાર ગઈ હતી તેથી ઉત્તર ન આપી શકાયો. ગઈ કાલે આવી અને આજે જ તને પત્ર લખવા બેઠી છું.

મારે આજે તને એક આશ્ચર્યજનક વાત કરવી છે. ચારે જણ - હું, મનોજ અને મારા સાસુ સસરા કારમાં ભારતના પ્રવાસે નીકળ્યા હતા. દક્ષિણનો પ્રવાસ પૂરો કરતા પહેલા ત્યાંના પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ જવા નીકળ્યા હતા. ટેકરી પર જવા માટે બસ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. બસ સ્ટેન્ડ પાસેની દુકાને મનોજ સિગારેટ લેવા ગયો ત્યારે તેણે એક ખૂબ વૃદ્ધને તેની દીકરી સાથે ગુજરાતીમાં વાતો કરતા જોયા. મનોજને આમ તો કોઈને લિફ્ટ આપવાનું બહુ ફાવતું નથી, પરંતુ કોણ જાણે કેમ તેણે તે બંનેને તિરૂપતિ મંદિર સુધી લિફ્ટ આપવાની તૈયારી બતાવી. અને આમ અમારી ટુકડીમાં બે વધુ માણસો ઉમેરાયા. થોડીક વાતચીતમાં જ મારા સસરાએ પેલા વૃદ્ધ સાથે અને મેં પેલી યુવતી સાથે મૈત્રી કરી લીધી. એનું નામ હતું શીલા. ચમકીને? વધુ પરિચય પછી જયારે બધી વિગત જાણી ત્યારે મને ખાતરી થઇ કે આ તે જ શીલા છે કે જેણે તારા અશોકને ઘડ્યો છે. મારુ તેના પ્રત્યેનું આકર્ષણ ખૂબ વધી ગયું. તે તેના પિતાને તિરૂપતિ દર્શન કરવા માટે લઇ આવી હતી. વધુ પરિચય થતા મેં તેને તૅ આપેલા પરોક્ષ પરિચયની વાત કરી. આ સાંભળીને તે મારા ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી જ પડી, ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે સહનશીલતા અને ત્યાગનો નમૂનો કહેવાય એવી આ નારી અંદરખાનેથી કેટલી અસહાય હતી. તારા પત્રની વાત મેં મનોજને પણ કરેલી હતી. જયારે તેણે જાણ્યું કે આ તે જ શીલા છે ત્યારે તેમને એમને લિફ્ટ આપવામાં પ્રભુનો કોઈ સંકેત છે એમ જ માન્યું. પછી તો નાની ગાડીમાં છ જણને અગવડ પડે એવું હોવા છતાં અમે તેમને ભારતનો બાકીનો પ્રવાસ અમારી સાથે પૂરો કરવા આગ્રહ કર્યો અને આના-કાની પછી તેઓ સંમત થયા. દરમિયાન શીલા મારી ખૂબ જ નજીક આવી. થોડા વખતના સંપર્કે મને અને મનોજને નવી દૃષ્ટિ આપી. સામાન્યપણે જીવ્યે જતા માણસોથી આગવી રીતે વિચારી જીવન પ્રત્યે નવો જ દૃષ્ટિકોણ કેળવી થોડા જ સમયમાં જ અમારામાં ચમત્કારિક ફેરફાર લાવનારી શીલાએ તારા અશોકને કેવો ઘડ્યો હશે તેની કલ્પના કરી અમે તને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ.

ફક્ત હું ને મનોજ જ નહિ, મારા સાસુ સસરા પણ તેનાથી ખૂબ પ્રભાવિત થયા અને પ્રવાસની પૂર્ણાહુતિ અમે શ્રીનાથજીમાં ઉજવી રહ્યા હતા ત્યારે મારી સાસુએ શીલા મારા દિયર કૌશિક માટે સૌથી યોગ્ય હોવાનું જાહેર કર્યું. અમે તેને ખૂબ હર્ષથી ટેકો આપ્યો. કૌશિક અત્યારે અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે. એને ત્યાં ત્રણેક વર્ષ હજુ કાઢવા પડે એમ છે. અમે વિચાર્યું છે કે કૌશિકને હમણાં એક મહિનાનું વેકેશન પડવાનું છે ત્યારે એ અહીં આવે, શીલાને જુએ - મળે અને બંનેની સંમતિ હોય તો લગ્ન પતાવીને પાછો જાય. પછી શીલા એના પિતા સાથે રહે, એ શરતે કે એણે અમારી નજીકમાં જ ઘર લઇ લેવું. દરમિયાન શીલાએ પણ મેડિકલને લગતી કોઈ તાલીમ લઇ લેવી. કૌશિક આવે પછી અનુકૂળ જગ્યાએ એ લોકો પોતાની હોસ્પિટલ શરુ કરે અને શીલાના પિતાજી પણ ત્યાં સાથે રહે અને હોસ્પિટલના કામમાં મદદ કરે. અમને સૌને શ્રદ્ધા છે કે કૌશિક અને શીલા એકબીજાને પસંદ કરશે જ. મેં આજે જ શીલાની વકીલાત કરતો લાંબો પત્ર, જેમાં તારી વાત પણ છે, લખી દીધો છે.

મને ખાતરી છે કે આ સમાચાર જાણી અશોકને, અને તને પણ, ખૂબ આનંદ થશે.

લિ. તારી જ કુમુદ