Thursday, October 14, 2021

મોસાળું


        સવારના પહોરમાં પોતાના ભાઈ પ્રકાશને  બારણે આવેલો જોઈને વિભા આશ્ચ્રર્યમાં પડી ગઈ. પહેલા કોઈ અમંગળ સમાચારની શંકા જાગી, પણ ભાઈનું હસતું મોં જોઈને રાહત થઇ. ઘરમાં હજુ હમણાં જ બધાએ ઊઠીને ચા-નાસ્તો કર્યા હતા અને પોતપોતાની પ્રવૃત્તિમાં જોતરાવાની તૈયારી કરતા હતા. આમ તો ઘરમાં પતિ  અતિત, પુત્રો ગૂંજન અને ભાવન એમ ચાર જણા જ હતા. ગૂંજન કોલેજમાં જતો હતો અને ભાવન હાઈસ્કૂલમાં. પતિની એક ખાનગી કંપનીમાં નોકરી હતી. એને સવારે નવ વાગે પહોંચવું પડતું, એટલે એને માટે ટિફિન બનાવવાની તૈયારી વિભા કરતી હતી.

કોઈ વાત તો જરૂર હતી, પણ તે પછી થશે, વિચારી પહેલા ભાઈને પાણી આપી ચા બનાવવા જતા પહેલા પૂછ્યું, "બધા સારા તો છે ને?"

"બધા સારા છે. હું હરખ કરવા આવ્યો છું. કાલે સાંજે ખબર પડી કે અતિતકુમારની ભાણેજ ભૂમિકાનું વકકી થયું છે, એટલે મારાથી રહેવાયું નહિ. મને ખબર છે કે એ તમને એના મમ્મી-પપ્પા કરતા પણ વધારે વહાલી છે. એટલે થયું કે પહેલા તારે ત્યાં હરખ કરું અને મોસાળાનું આમંત્રણ તું મને આપવા આવે તેના કરતા હું જ લેતો જાઉં."

'મોસાળું' શબ્દ સાંભળતા જ વિભાનું દિલ જાણે ધબકારો ચુકી ગયું. એમને પણ આગલે દિવસે સવારે જ ભાભીએ ફોન કરીને સમાચાર આપ્યા હતા. એક સારી જગ્યા મળી ગઈ એટલે બધું ઝડપથી ગોઠવી દેવાયું. એટલે એમને અગાઉથી જણાવી ન શકાયું તે બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને લગ્ન પણ પંદરેક દિવસમાં લેવા પડશે એમ જણાવી રજા વગેરેનું ગોઠવી રાખવા આગ્રહ કર્યો હતો. આગલી રાત્રે જ ઘરમાં અતિત સાથે એ અંગે ચર્ચા થઇ હતી.

ભૂમિકા જેટલી એના માતાપિતાની હતી તેટલીજ એમની પણ નજીક હતી. ભણતી હતી ત્યારે વેકેશન શરુ થાય કે પહેલા જ દિવસે મામાના ઘરની ટ્રેન પકડી લેવાની અને વેકેશન પૂરું થવાના છેલ્લા દિવસ સુધી પાછા જવાનું નામ ન લેવાનું. ભવન અને ગુંજન એના કરતા નાના એટલે એની સાથે જાત-જાતની રમતો રમતા દિવસો ક્યાં પતી જતા તે ખબર જ પડતી નહોતી. રોજ સવાર થાય એટલે મામીને પોતે શું ખાશે તેનું  મેનુ પણ જણાવી દેવાનું અને મામાને સાંજના ફરવા જવાનો કાર્યક્રમ પણ સંભળાવી દેવાનો. ભૂમિકા આવે એટલે મામા-મામી પણ બધી કરકસર બાજુએ મૂકીને ભાણેજ ની ઈચ્છા પૂરી કરતા. ગુંજન અને ભાવન માટે દીદી પરી બનીને આવતી, કારણ કે એમની ઈચ્છા પણ ભૂમિકાના મુખે મમ્મી-પપ્પા સુધી પહોંચી જતી. ગ્રેજ્યુએટ થયા પછી ભૂમિકાને બેન્કમાં નોકરી મળી ગઈ હતી અને તે ખૂબ આનંદમાં હતી. નોકરીના બે વર્ષ થયા ત્યાં જ એક સારા કુટુંબના છોકરાની વાત એના કાકા લાવ્યા હતા અને બધી રીતે અનૂકુળ હોવાથી અને ભૂમિકાને પણ પસંદ હોવાથી તાત્કાલિક નક્કી કરી દેવાયું હતું. છોકરાના ૮૫ વર્ષના દાદીને કેન્સર હતું અને તેમની ઈચ્છા પોતરાંના લગ્ન જોઈને જવાની હોવાથી, એમનો આગ્રહ હતો કે લગ્ન બને એટલા ઝડપથી પતાવી દેવા. વળી પંદરેક દિવસ પછી બે મહિના સુધી કોઈ સારું મૂહુર્ત ન હોવાથી નજીકના દિવસમાં જ લગ્ન લેવાનો નિર્ણય લેવો પડે તેવું હતું.

આજ વાત વિભા અને અતિત માટે ચિંતાજનક હતી. ભૂમિકાના લગ્નમાં એમને મોસાળું કરવાનું હતું અને કરકસર કરે તો પણ સોનાના ઘરેણાં સાથે એનો ખર્ચ લાખેક રૂપિયાથી ઓછો ના થાય. પોતાના માટે નવા કપડાનો તો વિચાર જ ના થઇ શકે. આ ઉપરાંત છેક મુંબઈ સુધી  જવા આવવાનો ખર્ચ અને રજાઓની મુશ્કેલી તો હતી જ. એટલી રકમ આટલા ઓછા દિવસોમાં ક્યાંથી ભેગી કરવી તેની ચિંતામાં બંને જણાએ આગલી રાત્રે અનેક રસ્તા વિચારી જોયા, પણ કોઈ રસ્તો સૂઝતો ન હતો  ઘર માટે લીધેલી લોનના હપ્તા, ગૂંજનના એન્જિનિરીંગના એડમિશન વખતે શેઠ પાસેથી લીધેલી લોન વગેરેમાં પગારનો અડધો ભાગ વપરાઈ જતો હતો. મહિનાના અંતે ઘણી વાર શાક લેવાના પૈસા પણ બચતાં નહોતા. હવે આ ખર્ચ ક્યાંથી કાઢવો? ખૂબ ગડમથલના અંતે એક જ નિર્ણય પર આવ્યા હતા કે વિભાના જે કાંઈ દાગીના હતા તે ગીરવી મૂકીને તાત્કાલિક તો પ્રસંગ નિપટાવી લેવો અને પછી જો બીજી કોઈ વ્યવસ્થા થાય તો ઘરેણાં છોડાવી લાવવા. આખી રાત બંનેએ પડખા બદલીને પસાર કરી હતી અને તેનો ભાર સવારે પણ આંખોમાં અને મગજ પર દેખાતો હતો.

ભાઈને માટે ચા સાથે મીઠાઈ અને નાસ્તો લાવેલી વિભાના મગજમાંથી હજૂ એ વાત નીકળતી નહોતી, એટલે ભાઇ બોલતો રહ્યો અને એ સાંભળતી રહી. પોતે ક્યારેક ટૂંકા ઉત્તરો આપતી. અતિત પણ લગભગ ચૂપ જ હતો. થોડી વાર પછી વિભાએ પૂછ્યું, "જમીને જશે ને?"

"હા, કંસાર જ બનાવજે." ભાઈએ ઉત્સાહથી કહ્યું.

વિભા રસોડામાં ગઈ એટલે પ્રકાશ અતિત તરફ ફર્યો. થોડી વાર આડી અવળી વાત કર્યા પછી તેણે ગજવામાંથી એક કવર કાઢીને અતિતને આપતા કહ્યું, "જેમ તમારી બહેન તમારી નજીક છે તેમ મારી બહેન પણ મારી એટલી જ નજીક છે. મને એણે કાંઈ વાત કરી નથી, પણ હું જાણું છે કે મોસાળા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે તમારે કેટલીય જગ્યાએ હાથ લંબાવવો પડશે. આમાં પચાસ હજારનો ચેક છે અને એક જવેલરી શોપનું પચાસ હજારનું ગિફ્ટ વાઉચર છે. એને ગમે એવું પાનેતર અને દાગીનો તથા બીજી જે કાંઈ જરૂર હોય તેમાં એનો ઉપયોગ કરજો. આ મારી બહેનનો હક્ક છે એમ સમજજો. છતાં તમને  પાડ લાગે તો ગૂંજન નોકરીએ વળગે ત્યાં સુધીની લાંબી મુદતની લોન સમજીને પણ એ સ્વીકારો." કવર હાથમાં લેતા અતિતની આંખમાં પાણી આવી ગયા.

પ્રકાશ જમીને વિદાય થયા પછી અતિતે વિભાને વાત કરી તો તે પણ આંસુ ખાળી ન શકી. લગ્ન પ્રસંગ સુખરૂપ પતી ગયો. બધાને ખૂબ મઝા આવી. ચાર-પાંચ દિવસ મુંબઈમાં ગાળીને બધા પાછા અમદાવાદ આવી ગયા અને પોતપોતાના કામમાં જોતરાઈ ગયા. ભૂમિકા તેના પતિ સાથે હનીમૂન પર ગઈ હતી, તે પણ પંદરેક દિવસ પછી પાછી આવી ગઈ. અતિત-વિભાએ તેને સજોડે અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું હતું તે યાદ રાખીને, તેની રજા પૂરી થવાને બે દિવસની વાર હતી એટલે તે બંને અમદાવાદ આવ્યા.

ભૂમિકાએ એના પતિને ઘર બતાવ્યું અને પોતે મામાને ત્યાં વિતાવેલી રજાઓની યાદોનું લાબું વર્ણન કરી દીધું. બપોરે જમી લીધા પછી બધાં આરામ કરતા હતા ત્યારે ભૂમિકાએ વિભા પાસે એના ભાઈ પ્રકાશનો ફોન નંબર માંગ્યો. વિભાને જરાક આશ્ચ્રર્ય તો થયું, પણ 'હશે' એમ વિચારીને આપ્યો. ભૂમિકાએ પ્રકાશનો નંબર લગાવ્યો ત્યાં સુધીમાં તેણે 'પાણી પીવું છે' કહી વિભાને રસોડામાં મોકલી દીધી. ભૂમિકા પોતે પાણી પીવા જઈ શકી હોત પણ વિભાને કહ્યું એટલે એને ખાતરી થઇ કે પ્રકાશ સાથે કોઈ ખાનગી વાત કરવી હશે. એટલે એણે થોડી વાર કરી.

"મામા, તમે મને તમારો બેંક એકાઉન્ટ નંબર તો મોકલ્યો જ નહિ. હું કાલે જ બહારગામથી આવી.." આ રીતે શરૂ થયેલી વાત લાંબી ચાલી. ક્યારેક ભૂમિકાનો અવાજ ઉત્તેજનાસભર થવાથી મોટો પણ થયો. ત્યાં સુધીમાં વિભા પણ પાણી લઈને આવી ગઈ હતી. પંદરેક મિનિટની આ ચર્ચા પછી વાત પતી ત્યારે વિભાએ પૂછ્યું, "શું તકલીફ છે? પ્રકાશે શું કર્યું?"

"પ્રકાશમામાએ શું કર્યું તેની ફરિયાદ હવે તો મારે તમને કરવી જ પડશે. મને હતું કે વાત અમારા બંને વચ્ચે જ દટાયેલી રહેશે, પણ હવે તમને કહ્યા વિના છૂટકો નથી."

વિભાના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈ ભૂમિકાએ સ્પષ્ટતા કરવા સાથે પૂરી વાત કરી દીધી. "મામી, હું ભલે તમારી ભાણેજ છું, પણ તમે મને મારા પપ્પા-મમ્મી કરતા પણ વધુ લાડ કર્યા છે. એટલું જ નહિ, તમારા સંજોગો, તમારી મુશ્કેલીઓ વગેરે બધું મેં નજીકથી  જોયું છે. જેવું અમે મારા લગ્નનું નક્કી કર્યું તેવો જ પહેલો વિચાર મને તમારો આવ્યો. મામા-મામી તરીકેની ફરજ, મારા માટેનો પ્રેમ આ બધું જોતા તમે મારું મોસાળું ઉલટભેર કરવા ઈચ્છો પણ તમારી આર્થિક મર્યાદાઓ મેં નજીકથી જોઈ છે અને એ છતાં તમે મારા લાડ-કોડ સાચવવામાં જે ભોગ આપ્યો છે, તે મેં અનુભવ્યું છે. હવે હું પગભર થઇ છું. બચત પણ સારી છે. અને તમે ભલે ગમે તે માનો પણ એના ઉપર મારા મમ્મી-પપ્પા જેટલો જ હક્ક તમારો છે. એવામાં તમે મારું મોસાળું કરવા માટે દેવું કરો તો મને મારી જાત પર ગુસ્સો આવે.

"મેં વિચાર્યું કે હું તમને સીધી વાત કરું, પણ મને ખાતરી હતી કે તમારું સ્વમાન એ પચાવી નહિ શકે. એટલે મેં ખૂબ વિચાર કરીને, પપ્પાની ડાયરીમાંથી નંબર લઇ પ્રકાશમામાને વાત કરી. મુંબઈના જ એક જ્વેલર્સને પૈસા ચૂકવી ગિફ્ટ વાઉચર કઢાવી લીધું અને પ્રકાશમામાને મોકલ્યું. આ ઉપરાંત અન્ય ખર્ચ માટે રોકડા રૂપિયા પણ તમને તેઓ જ આપી જાય, જે હું એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકું.

"વાત થયા પ્રમાણે પ્રકાશમામા તમને વાઉચર અને પૈસા તો આપી ગયા, પણ મને એમનો એકાઉન્ટ નંબર મોકલ્યો નહિ. મને હતું કે રહી ગયું હશે. અમે બહાર ગયા એટલે એ વાત લટકી ગઈ. તેથી મેં  હમણાં ફોન કર્યો. હવે એ મને કહે છે કે ગિફ્ટ વાઉચરના પૈસા પણ તેઓ મને પાછા મોકલી આપશે અને જે પૈસા બહેનને આપ્યા છે તે પણ બહેનને તેના હક્ક તરીકે જ આપેલા ગણાશે. આમ કહી તેમણે યાદ કર્યું કે જયારે તેઓએ બાપીકું ઘર તેમના નામે ટ્રાન્સફર કરવા માટેતમારી સહી માંગી ત્યારે તમે હરખથી એ કરી દીધું હતું. આજે બધી જ બહેનો બાપીકી મિલ્કતમાં ભાગ માંગે છે, ત્યારે તમે બતાવેલી આ ઉદારતા એમને હવે, મારા આ પગલાંને કારણે સમજાઈ..! હવે એવું જ છે તો તમારા ભાઈ-બહેનના સંબંધમાં મારે કોઈ આગ્રહ કરવો નથી."

આટલી વાત કરીને ભૂમિકાએ વિભા તરફ જોયું તો એની આંખમાં આંસુ હતા. તે ઊંઠીને મામીને વળગી પડી અને કહ્યું, "હું પણ તમારી દીકરી જ છું. તમારા જમાઈ સાથે શરત થઇ છે કે મારી આવકમાં અડધો ભાગ મારા પિયર તરફના સગા માટે હું અલગ જ રાખીશ. તમારા જમાઈ પણ એ બાબતે સહમત છે એટલે ગૂંજન અને ભાવનના અભ્યાસ માટે પણ તમે કોઈ બિનજરૂરી તકલીફ વેઠશો નહિ."

સાંજે ભૂમિકા મુંબઈ જવા વિદાય થઇ ત્યારે વિભા એને વળગીને ખૂબ રડી.

 

                                                                        


Thursday, September 16, 2021

 મોંઘવારી



રોજ સમાચારો વાંચું કે સાંભળું કે મોંઘવારી વધી રહી છે, એટલે કાંઈક કરવાની ઈચ્છાપ્રબળ બને. પણ છાપું મૂકી દીધા પછી એ ઈચ્છા ખોવાઈ જાય. ખરીદી કરવા જાઉં અને પૈસા ખૂટી જાય ત્યાં પાછી એ ઈચ્છા સળવળી ઊઠે, પણ પછી વિસરાઈ જાય. પણ હમણાં પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે તો મારી એ ઈચ્છાને મેં ખોવાવા ના દીધી. જુદા જુદા સ્તરના, જુદા જુદા વ્યવસાયના માણસોને મળી મોંઘવારીના કારણે પડતી તકલીફોનો એક સર્વે કરી ઉત્તેજનાપૂર્ણ લેખ તૈયાર કરવાની ગણતરીથી હું નીકળી પડ્યો.

ઘર બહાર નીકળ્યો ત્યાં જ પાડોશવાળા ચુનીલાલ મળી ગયા. ચુનીલાલ એક ફેક્ટરીમાં પર્ચેઝમાં હતા. બેત્રણ મિનિટ મૂંગા સાથે ચાલ્યા પછી મેં ઇન્ટરવ્યુંના શ્રીગણેશ કરવાના ઇરાદે ચુનીલાલને કહ્યું, "મોંઘવારી બહુ વધતી જાય છે. પેટ્રોલના ભાવ વધ્યા, રીક્ષાના ભાડા વધ્યા, આપણા જેવા મધ્યમ વર્ગ માટે તો મુશ્કેલી જ મુશ્કેલી."

મારી વાત સાંભળી ચુનીલાલ ચૂપ રહ્યા. થોડી મિનિટો પછી મને કહે, "એક વાત કહું? રીક્ષાના ભાડા વધ્યા તેથી મને તો ફાયદો થયો છે." હું તેમના તરફ તાકી રહ્યો.

"આશ્રર્ય" મારાથી બોલી જવાયું.

"એમાં આશ્રર્યની વાત નથી. કંપનીના કામે બહાર જાઉં ત્યારે મને જવા-આવવાનું રીક્ષાભાડું મળે છે. થાય છે એવું કે રીક્ષા વહેલી મળતી નથી અને બસ મળી જાય છે. કોઈ વાર સાઇકલ પણ ઢસડી નાખું. બિલ તો રીક્ષાભાડાંનું જ મૂકવું પડે. કંપનીની ઈજ્જતનો સવાલ છે. હવે તમે જ કહો, મને ફાયદો કે નુકસાન?"

કાંઈ પણ બોલ્યા વિના કાનની બૂટ પકડીને હું એમનાથી છૂટો પડ્યો. હવે બીજા કોને પકડવા તેનો વિચાર કરતો હતો, ત્યાં બાજુમાં ખાલી રીક્ષા આવીને ઊભી રહી. "ક્યાં જવું છે સાહેબ?" રીક્ષાવાળાનો ઈન્ટરવ્યું લેવાની ઈચ્છાથી હું રીક્ષામાં બેસી ગયો.

"પેટ્રોલના ભાવ વધવાથી તમને મુશ્કેલી પડતી હશે." મેં વાત માંડી.

"એવું કહેવું પડે, સાહેબ."

"મતલબ?"

"મતલબ કે 'મરી ગયા, તૂટી ગયા' એવી બૂમો પાડીએ એટલે સરકાર ભાડાના દર વધારી આપે. જા બિલ્લી મોભામોભ. ભાવ વધે દસ ટકા અને અમે વધારીએ પંદર ટકા. નફાની વાત છે ને સાહેબ?"

મેં રીક્ષા ઊભી રાખવી અને નવા દરથી ભાડું ચૂકવ્યું ત્યારે મને રીક્ષાવાળાની અદેખાઈ આવી.

મોંઘવારી વિરુદ્ધ લેખ લખવાની મારી ઈચ્છા હવે મોળી પડતી જતી હતી. રીક્ષામાંથી ઉતારતો હતો ત્યાં વિપુલ મળ્યો. વિપુલ એક દવાની કંપનીમાં સેલ્સ ઓફિસર હતો.

'કેમ વિપુલ, મઝામાં?" મેં પૂછ્યું.

"ખૂબ મઝામાં." તેને કહ્યું.

"મોંઘવારી..." એટલા શબ્દો બોલીને હું અટકી ગયો. વિપુલને શાના વિષે પૂછવું?

"તારે તો ખૂબ મુસાફરી કરવી પડે છે. ગાડીભાડા વધવાથી તારે મુશ્કેલી." મેઇ બીતા બીતા કહ્યું.

"સહેજે નહિ ને." વિપુલે કહ્યું અને હું તેની સામે તાકી રહ્યો તે જોઈને તેણે ઉમેર્યું, "પહેલી વાત તો એ કે મુસાફરીનો ખર્ચ કંપની આપે. મારા હોદ્દા પ્રમાણે મારે ફર્સ્ટ ક્લાસમા મુસાફરી કરવી પડે. પણ ફર્સ્ટ ક્લાસમાં  મારા જેવા ઘણા હોય એટલે રિઝર્વેશન ભાગ્યે જ મળે. એટલે મારે સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરવી પડે. પણ ટી. એ. બિલ તો ફર્સ્ટ ક્લાસનું જ જોઈએ. હવે તું જ કહે. હું ફાયદામાં કે નુકસાનમાં?"

એની વાત સાંભળીને હું માથું ખંજવાળી રહ્યો. હવે ઈન્ટરવ્યું લેવાનો મારો ઉત્સાહ ઓગળી ગયો હતો. થોડેક આગળ ગયો એટલે ગિરધારીલાલ મળ્યા. ગિરધારીલાલની કાપડની દુકાન હતી. "મોંઘવારીની અસર તમને ખરી કે?" મેં તેમને પૂછ્યું.

"ખરીને." તેમણે હસતા હસતા કહ્યું. મને થયું કે સમદુખિયા મળ્યા. "તમને તો ખબર છે કે ડોક્ટરે મને કસરતની સલાહ આપી છે. એટલે હમણાં હું ઘરેથી દુકાને ચાલીને જાઉં છું. ઘરથી દુકાનનો રીક્ષાભાડાનો ખર્ચ હું પેઢીમાં નાંખું છું. નાંખવો પડે કારણ કે ઈન્ક્મટેક્સમાં બાદ મળે છે.પહેલા હું પચીસ રૂપિયા ગણતો હતો, હવે પાંત્રીસ થયા. પૈસા પેટીમાંથી લઈને ખીસામાં મુકવાના. કહો હવે મને અસર થઇ કે નહિ?" કહીને ગિરધારીલાલ બધા દાંત દેખાય એમ હસી પડ્યા.

ગિરધારીલાલથી છૂટો પડી હું એક મિત્રના ઘરે ગયો. મિત્ર મારા જેવી જ સામાન્ય સ્થિતિનો હતો. મને જોઈને ખુશ થઇ ગયો. તેના ચહેરા પર ખુશીના ચિહ્નો હતા. "કેમ આજે કાંઈ આનંદમાં?"

"ચાંદીના ભાવ જોયા? ખૂબ વધે છે."

"તેમાં તારે ખુશ થવાનું? લેવી પડશે ત્યારે?"

"લેવાની તો આવશે ત્યારે, પણ અત્યારે તો ઘરમાં ત્રણ કિલો ચાંદી પડી છે, તેની કિંમતનો તો વિચાર કર. મારી મૂડી બે દિવસમાં જ દોઢી થઇ ગઈ."

નિરાશ થઈને ત્યાંથી પણ નીકળ્યો. થોડુંક ચાલ્યો હોઈશ ત્યાં બીજો એક મિત્ર મળ્યો. એ કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો. ઔપચારિકતા વિના મેં સીધું જ પૂછી નાખ્યું., "મોંઘવારીની તને કેટલી અસર થઇ?"

"આવકમાં વધારો થયો." કહી તેણે સ્મિત રેલાવ્યું. હું મોં પહોળું કરીને જોઈ રહ્યો. મારો ચહેરો જોઈ એણે ખુલાસો કર્યો. "જો, મોંઘવારી વધે એટલે જીવનધોરણનો આંક વધે. આંક વધે એટલે મોંઘવારી ભથ્થું વધે. હવે આંકમાં ગણાતી બધી વસ્તુઓ તો આપણે લેવા જતા નથી. અનાજ તો ૨-૩ વર્ષ ચાલે એટલું ભર્યું છે. કપડાં પણ ઘણા છે. હવે તું જ કહે, મોંઘવારીથી ફાયદો કે નુકસાન?"

"ફાયદો." મારે કબૂલ કરવું પડ્યું, અને નિરાશ વદને ચાલતી પકડી. એક સોસાયટીમાં મેં રાખેલા મકાનનું બાંધકામ ચાલતું હતું. આમતેમથી લોન લાવીને મકાનના પૈસા ભર્યા તો ખરા, તોયે ખૂટતા જ રહેતા. હું ત્યાં ગયો એટલે નાકા ઉપર જ કોન્ટ્રાક્ટર મળ્યો.

"સિમેન્ટ, ઇંટના ભાવો વધ્યા છે. ભાવ વધારો કરી આપવો પડશે." તેણે કહ્યું. મેં કપાળે હાથ દીધો.

મારી ઉદાસી જોઈ તેણે કહ્યું, "તમારું મકાન તો લગભગ તૈયાર થવા આવ્યું છે. ભાવ વધારો તમને કેટલો નડવાનો? એની સામે વિચાર કરો કે નવું મકાન શરુ કરનારને કેટલું મોંઘુ પડશે? અને તમે આ મકાન વેચવા કાઢો તો....?" કહી એની સમજાવટની મારા પર કાંઈ અસર થઇ છે કે કેમ તે જોવા અટક્યા.

"મકાન વેચવા કાઢું તો?" એ પ્રશ્ન મારા મનમાં ઘૂમરી ખાઈ રહ્યો. મારી બધી તકલીફોનો ઈલાજ કદાચ એમાં હતો!   

ઘરે પહોંચ્યો તો શ્રીમતીજીને પણ ખુશખુશાલ દીઠા. ઘરમાં પગ મૂકતા જ તેમણે શુભ સમાચાર આપ્યા, "બધી પસ્તી આપી દીધી. " ચાલો, શૂળીનું વઘન કાંટે ગયું, મને થયું.

"સારું કર્યું." મેં કહ્યું.

"જાણો છો? આ વખતે પસ્તીનો ભાવ ઘણો સારો આવ્યો." તેણે હસતા હસતા કહ્યું, અને મને કોઠામાં થોડીક ટાઢક થઇ. "હાશ! મોંઘવારીનો ફાયદો મને પણ થયો ખરો!"

ત્યાર પછી મને મોંઘવારીનું અર્થશાસ્ત્ર બરાબર સમજાઈ ગયું છે અને જયારે જયારે મોંઘવારી વધવાના સમાચાર વાંચું ત્યારે મારા ઘરમાં રહેલા પત્નીના દાગીના, દેવું કરીને ઊભું કરેલું નાનકડું મકાન, અરે, મારા હાથમાં રહેલું છાપું, એવી મારી મૂડી કહેવાય તેવી ચીજોમાં થઇ રહેલો વધારો જોઈને ખુશ થઇ જાઉં છું. 'માર્કેટ કેપિટલ'નું રહસ્ય મને બરાબર સમજાઈ ગયું છે.

... પણ, હવે હું ફરી બેચેન બની ગયો છું. અમેરિકાથી શરૂ થયેલું મંદીનું વાવાઝોડું મારી આ ખુશીને છીનવી લેવા મારા તરફ ધસી રહ્યું છે. 'નીકળી જાઓ', 'નીકળી જાઓ' ના પોકારો ચોમેર સંભળાય છે, પણ ઘરમાંથી કેવી રીતે નીકળું? ક્યાં જાઉં?"..