Thursday, October 14, 2021

મોસાળું


        સવારના પહોરમાં પોતાના ભાઈ પ્રકાશને  બારણે આવેલો જોઈને વિભા આશ્ચ્રર્યમાં પડી ગઈ. પહેલા કોઈ અમંગળ સમાચારની શંકા જાગી, પણ ભાઈનું હસતું મોં જોઈને રાહત થઇ. ઘરમાં હજુ હમણાં બધાએ ઊઠીને ચા-નાસ્તો કર્યા હતા અને પોતપોતાની પ્રવૃત્તિમાં જોતરાવાની તૈયારી કરતા હતા. આમ તો ઘરમાં પતિ  અતિત, પુત્રો ગૂંજન અને ભાવન એમ ચાર જણા હતા. ગૂંજન કોલેજમાં જતો હતો અને ભાવન હાઈસ્કૂલમાં. પતિની એક ખાનગી કંપનીમાં નોકરી હતી. એને સવારે નવ વાગે પહોંચવું પડતું, એટલે એને માટે ટિફિન બનાવવાની તૈયારી વિભા કરતી હતી.

કોઈ વાત તો જરૂર હતી, પણ તે પછી થશે, વિચારી પહેલા ભાઈને પાણી આપી ચા બનાવવા જતા પહેલા પૂછ્યું, "બધા સારા તો છે ને?"

"બધા સારા છે. હું હરખ કરવા આવ્યો છું. કાલે સાંજે ખબર પડી કે અતિતકુમારની ભાણેજ ભૂમિકાનું વકકી થયું છે, એટલે મારાથી રહેવાયું નહિ. મને ખબર છે કે તમને એના મમ્મી-પપ્પા કરતા પણ વધારે વહાલી છે. એટલે થયું કે પહેલા તારે ત્યાં હરખ કરું અને મોસાળાનું આમંત્રણ તું મને આપવા આવે તેના કરતા હું લેતો જાઉં."

'મોસાળું' શબ્દ સાંભળતા વિભાનું દિલ જાણે ધબકારો ચુકી ગયું. એમને પણ આગલે દિવસે સવારે ભાભીએ ફોન કરીને સમાચાર આપ્યા હતા. એક સારી જગ્યા મળી ગઈ એટલે બધું ઝડપથી ગોઠવી દેવાયું. એટલે એમને અગાઉથી જણાવી શકાયું તે બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને લગ્ન પણ પંદરેક દિવસમાં લેવા પડશે એમ જણાવી રજા વગેરેનું ગોઠવી રાખવા આગ્રહ કર્યો હતો. આગલી રાત્રે ઘરમાં અતિત સાથે અંગે ચર્ચા થઇ હતી.

ભૂમિકા જેટલી એના માતાપિતાની હતી તેટલીજ એમની પણ નજીક હતી. ભણતી હતી ત્યારે વેકેશન શરુ થાય કે પહેલા જ દિવસે મામાના ઘરની ટ્રેન પકડી લેવાની અને વેકેશન પૂરું થવાના છેલ્લા દિવસ સુધી પાછા જવાનું નામ લેવાનું. ભવન અને ગુંજન એના કરતા નાના એટલે એની સાથે જાત-જાતની રમતો રમતા દિવસો ક્યાં પતી જતા તે ખબર પડતી નહોતી. રોજ સવાર થાય એટલે મામીને પોતે શું ખાશે તેનું  મેનુ પણ જણાવી દેવાનું અને મામાને સાંજના ફરવા જવાનો કાર્યક્રમ પણ સંભળાવી દેવાનો. ભૂમિકા આવે એટલે મામા-મામી પણ બધી કરકસર બાજુએ મૂકીને ભાણેજ ની ઈચ્છા પૂરી કરતા. ગુંજન અને ભાવન માટે દીદી પરી બનીને આવતી, કારણ કે એમની ઈચ્છા પણ ભૂમિકાના મુખે મમ્મી-પપ્પા સુધી પહોંચી જતી. ગ્રેજ્યુએટ થયા પછી ભૂમિકાને બેન્કમાં નોકરી મળી ગઈ હતી અને તે ખૂબ આનંદમાં હતી. નોકરીના બે વર્ષ થયા ત્યાં એક સારા કુટુંબના છોકરાની વાત એના કાકા લાવ્યા હતા અને બધી રીતે અનૂકુળ હોવાથી અને ભૂમિકાને પણ પસંદ હોવાથી તાત્કાલિક નક્કી કરી દેવાયું હતું. છોકરાના ૮૫ વર્ષના દાદીને કેન્સર હતું અને તેમની ઈચ્છા પોતરાંના લગ્ન જોઈને જવાની હોવાથી, એમનો આગ્રહ હતો કે લગ્ન બને એટલા ઝડપથી પતાવી દેવા. વળી પંદરેક દિવસ પછી બે મહિના સુધી કોઈ સારું મૂહુર્ત હોવાથી નજીકના દિવસમાં લગ્ન લેવાનો નિર્ણય લેવો પડે તેવું હતું.

આજ વાત વિભા અને અતિત માટે ચિંતાજનક હતી. ભૂમિકાના લગ્નમાં એમને મોસાળું કરવાનું હતું અને કરકસર કરે તો પણ સોનાના ઘરેણાં સાથે એનો ખર્ચ લાખેક રૂપિયાથી ઓછો ના થાય. પોતાના માટે નવા કપડાનો તો વિચાર ના થઇ શકે. ઉપરાંત છેક મુંબઈ સુધી  જવા આવવાનો ખર્ચ અને રજાઓની મુશ્કેલી તો હતી . એટલી રકમ આટલા ઓછા દિવસોમાં ક્યાંથી ભેગી કરવી તેની ચિંતામાં બંને જણાએ આગલી રાત્રે અનેક રસ્તા વિચારી જોયા, પણ કોઈ રસ્તો સૂઝતો હતો  ઘર માટે લીધેલી લોનના હપ્તા, ગૂંજનના એન્જિનિરીંગના એડમિશન વખતે શેઠ પાસેથી લીધેલી લોન વગેરેમાં પગારનો અડધો ભાગ વપરાઈ જતો હતો. મહિનાના અંતે ઘણી વાર શાક લેવાના પૈસા પણ બચતાં નહોતા. હવે ખર્ચ ક્યાંથી કાઢવો? ખૂબ ગડમથલના અંતે એક નિર્ણય પર આવ્યા હતા કે વિભાના જે કાંઈ દાગીના હતા તે ગીરવી મૂકીને તાત્કાલિક તો પ્રસંગ નિપટાવી લેવો અને પછી જો બીજી કોઈ વ્યવસ્થા થાય તો ઘરેણાં છોડાવી લાવવા. આખી રાત બંનેએ પડખા બદલીને પસાર કરી હતી અને તેનો ભાર સવારે પણ આંખોમાં અને મગજ પર દેખાતો હતો.

ભાઈને માટે ચા સાથે મીઠાઈ અને નાસ્તો લાવેલી વિભાના મગજમાંથી હજૂ વાત નીકળતી નહોતી, એટલે ભાઇ બોલતો રહ્યો અને સાંભળતી રહી. પોતે ક્યારેક ટૂંકા ઉત્તરો આપતી. અતિત પણ લગભગ ચૂપ હતો. થોડી વાર પછી વિભાએ પૂછ્યું, "જમીને જશે ને?"

"હા, કંસાર બનાવજે." ભાઈએ ઉત્સાહથી કહ્યું.

વિભા રસોડામાં ગઈ એટલે પ્રકાશ અતિત તરફ ફર્યો. થોડી વાર આડી અવળી વાત કર્યા પછી તેણે ગજવામાંથી એક કવર કાઢીને અતિતને આપતા કહ્યું, "જેમ તમારી બહેન તમારી નજીક છે તેમ મારી બહેન પણ મારી એટલી નજીક છે. મને એણે કાંઈ વાત કરી નથી, પણ હું જાણું છે કે મોસાળા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે તમારે કેટલીય જગ્યાએ હાથ લંબાવવો પડશે. આમાં પચાસ હજારનો ચેક છે અને એક જવેલરી શોપનું પચાસ હજારનું ગિફ્ટ વાઉચર છે. એને ગમે એવું પાનેતર અને દાગીનો તથા બીજી જે કાંઈ જરૂર હોય તેમાં એનો ઉપયોગ કરજો. મારી બહેનનો હક્ક છે એમ સમજજો. છતાં તમને  પાડ લાગે તો ગૂંજન નોકરીએ વળગે ત્યાં સુધીની લાંબી મુદતની લોન સમજીને પણ સ્વીકારો." કવર હાથમાં લેતા અતિતની આંખમાં પાણી આવી ગયા.

પ્રકાશ જમીને વિદાય થયા પછી અતિતે વિભાને વાત કરી તો તે પણ આંસુ ખાળી શકી. લગ્ન પ્રસંગ સુખરૂપ પતી ગયો. બધાને ખૂબ મઝા આવી. ચાર-પાંચ દિવસ મુંબઈમાં ગાળીને બધા પાછા અમદાવાદ આવી ગયા અને પોતપોતાના કામમાં જોતરાઈ ગયા. ભૂમિકા તેના પતિ સાથે હનીમૂન પર ગઈ હતી, તે પણ પંદરેક દિવસ પછી પાછી આવી ગઈ. અતિત-વિભાએ તેને સજોડે અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું હતું તે યાદ રાખીને, તેની રજા પૂરી થવાને બે દિવસની વાર હતી એટલે તે બંને અમદાવાદ આવ્યા.

ભૂમિકાએ એના પતિને ઘર બતાવ્યું અને પોતે મામાને ત્યાં વિતાવેલી રજાઓની યાદોનું લાબું વર્ણન કરી દીધું. બપોરે જમી લીધા પછી બધાં આરામ કરતા હતા ત્યારે ભૂમિકાએ વિભા પાસે એના ભાઈ પ્રકાશનો ફોન નંબર માંગ્યો. વિભાને જરાક આશ્ચ્રર્ય તો થયું, પણ 'હશે' એમ વિચારીને આપ્યો. ભૂમિકાએ પ્રકાશનો નંબર લગાવ્યો ત્યાં સુધીમાં તેણે 'પાણી પીવું છે' કહી વિભાને રસોડામાં મોકલી દીધી. ભૂમિકા પોતે પાણી પીવા જઈ શકી હોત પણ વિભાને કહ્યું એટલે એને ખાતરી થઇ કે પ્રકાશ સાથે કોઈ ખાનગી વાત કરવી હશે. એટલે એણે થોડી વાર કરી.

"મામા, તમે મને તમારો બેંક એકાઉન્ટ નંબર તો મોકલ્યો નહિ. હું કાલે બહારગામથી આવી.." આ રીતે શરૂ થયેલી વાત લાંબી ચાલી. ક્યારેક ભૂમિકાનો અવાજ ઉત્તેજનાસભર થવાથી મોટો પણ થયો. ત્યાં સુધીમાં વિભા પણ પાણી લઈને આવી ગઈ હતી. પંદરેક મિનિટની ચર્ચા પછી વાત પતી ત્યારે વિભાએ પૂછ્યું, "શું તકલીફ છે? પ્રકાશે શું કર્યું?"

"પ્રકાશમામાએ શું કર્યું તેની ફરિયાદ હવે તો મારે તમને કરવી પડશે. મને હતું કે વાત અમારા બંને વચ્ચે દટાયેલી રહેશે, પણ હવે તમને કહ્યા વિના છૂટકો નથી."

વિભાના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈ ભૂમિકાએ સ્પષ્ટતા કરવા સાથે પૂરી વાત કરી દીધી. "મામી, હું ભલે તમારી ભાણેજ છું, પણ તમે મને મારા પપ્પા-મમ્મી કરતા પણ વધુ લાડ કર્યા છે. એટલું જ નહિ, તમારા સંજોગો, તમારી મુશ્કેલીઓ વગેરે બધું મેં નજીકથી  જોયું છે. જેવું અમે મારા લગ્નનું નક્કી કર્યું તેવો પહેલો વિચાર મને તમારો આવ્યો. મામા-મામી તરીકેની ફરજ, મારા માટેનો પ્રેમ બધું જોતા તમે મારું મોસાળું ઉલટભેર કરવા ઈચ્છો પણ તમારી આર્થિક મર્યાદાઓ મેં નજીકથી જોઈ છે અને છતાં તમે મારા લાડ-કોડ સાચવવામાં જે ભોગ આપ્યો છે, તે મેં અનુભવ્યું છે. હવે હું પગભર થઇ છું. બચત પણ સારી છે. અને તમે ભલે ગમે તે માનો પણ એના ઉપર મારા મમ્મી-પપ્પા જેટલો હક્ક તમારો છે. એવામાં તમે મારું મોસાળું કરવા માટે દેવું કરો તો મને મારી જાત પર ગુસ્સો આવે.

"મેં વિચાર્યું કે હું તમને સીધી વાત કરું, પણ મને ખાતરી હતી કે તમારું સ્વમાન પચાવી નહિ શકે. એટલે મેં ખૂબ વિચાર કરીને, પપ્પાની ડાયરીમાંથી નંબર લઇ પ્રકાશમામાને વાત કરી. મુંબઈના એક જ્વેલર્સને પૈસા ચૂકવી ગિફ્ટ વાઉચર કઢાવી લીધું અને પ્રકાશમામાને મોકલ્યું. ઉપરાંત અન્ય ખર્ચ માટે રોકડા રૂપિયા પણ તમને તેઓ આપી જાય, જે હું એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકું.

"વાત થયા પ્રમાણે પ્રકાશમામા તમને વાઉચર અને પૈસા તો આપી ગયા, પણ મને એમનો એકાઉન્ટ નંબર મોકલ્યો નહિ. મને હતું કે રહી ગયું હશે. અમે બહાર ગયા એટલે વાત લટકી ગઈ. તેથી મેં  હમણાં ફોન કર્યો. હવે મને કહે છે કે ગિફ્ટ વાઉચરના પૈસા પણ તેઓ મને પાછા મોકલી આપશે અને જે પૈસા બહેનને આપ્યા છે તે પણ બહેનને તેના હક્ક તરીકે આપેલા ગણાશે. આમ કહી તેમણે યાદ કર્યું કે જયારે તેઓએ બાપીકું ઘર તેમના નામે ટ્રાન્સફર કરવા માટેતમારી સહી માંગી ત્યારે તમે હરખથી કરી દીધું હતું. આજે બધી બહેનો બાપીકી મિલ્કતમાં ભાગ માંગે છે, ત્યારે તમે બતાવેલી ઉદારતા એમને હવે, મારા પગલાંને કારણે સમજાઈ..! હવે એવું છે તો તમારા ભાઈ-બહેનના સંબંધમાં મારે કોઈ આગ્રહ કરવો નથી."

આટલી વાત કરીને ભૂમિકાએ વિભા તરફ જોયું તો એની આંખમાં આંસુ હતા. તે ઊંઠીને મામીને વળગી પડી અને કહ્યું, "હું પણ તમારી દીકરી છું. તમારા જમાઈ સાથે શરત થઇ છે કે મારી આવકમાં અડધો ભાગ મારા પિયર તરફના સગા માટે હું અલગ રાખીશ. તમારા જમાઈ પણ બાબતે સહમત છે એટલે ગૂંજન અને ભાવનના અભ્યાસ માટે પણ તમે કોઈ બિનજરૂરી તકલીફ વેઠશો નહિ."

સાંજે ભૂમિકા મુંબઈ જવા વિદાય થઇ ત્યારે વિભા એને વળગીને ખૂબ રડી.

 

                                                                        


No comments:

Post a Comment