સલાહ
સ્ત્રીઓના સામાયિક ‘નારી'ના સ્ત્રીઓ માટેના પ્રશ્નોત્તરી વિભાગનું હું સંપાદન કરતી હતી. આ કારણે મને સ્ત્રીઓની અનેક પ્રકારની વાતો જાણવા મળતી. મારી ખ્યાતિ એક સમાજસેવિકા તરીકે વિસ્તરે એ મને ગમતું ન હોવાથી હું આ વિભાગો ઉપનામે સંભાળતી.
એક વાર વેકેશનમાં અમે આબુ જવાનો કાર્યક્મ બનાવ્યો. ટ્રેનમાં અમારી સાથે એક યુગલ પણ હતું. બે ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. ઉંમરનો તફાવત હોવા છતાં ટૂંકા સમયમાં જ અમારે મૈત્રી થઈ ગઈ. છોકરો - દેવાંગ - એમ. એસસી. થયેલો હતો. અને કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો. છોકરી – જયશ્રી ગ્રેજ્યુએટ હતી. દેવાંગનું બે મોટા ભાઈ – ભાભીઓ સહિત દશ જણનું સંયુક્ત કુટુંબ હતું. શહેરમાં પોતાનું ઘર હતું. અને કુટુંબ પ્રગતિશીલ વિચારનું હતું. એટલે મા-બાપની એકની એક એવી લાડમાં ઉછરેલી જયશ્રીને ફાવતું હતું. છતાં બંને સંપૂર્ણ એકાંત અને મોકળાશથી રહી શકે એવો પ્રસંગ લગ્ન પછી પહેલી જ વાર મળી રહ્યો હતો. વડીલો મારફત ટૂંકા ગાળામાં લગ્ન ગોઠવાયા હોવાથી લગ્ન પહેલા ગાર્ડન, હોટલ, સિનેમાં વગેરે સ્થળોએ સંવનનની તકો જ નહોતી મળી. જયશ્રી ખૂબ આનંદમાં હતી.
આબુ ઉતરતા અમે એકબીજાના ઉતારાના સરનામા લઈ લીધા હતા અને અનુકુળતાએ મળતા રહેવાનું પણ કબૂલ્યું હતું. ત્રણ ચાર દિવસ પછી એક રાત્રે અમારી રૂમમાં હું વાંચતી બેઠી હતી ત્યાં જયશ્રી આવી. ગભરાઈ ગયેલી લાગતી હતી.
“જયશ્રી? કેમ આટલી મોડી? એકલી?” મેં આતુરતાથી પૂછ્યું. જયશ્રી અંદર આવી. હું પલંગ ઉપર બેઠી બેઠી વાંચતી હતી. જયશ્રી મારી પાસે બેસી ગઈ. બે ત્રણ મિનિટ ચૂપ રહી પછી મારા ખોળામાં માથું નાંખી ધ્રૂસકે ચડી ગઈ. મેં એને થોડીવાર રડવા દીધી પછી પૂછ્યું. “ શું થયું છે, જયશ્રી? દેવાંગને કાંઈ થયું ?.. કે ઝઘડો થયો ?’'
જયશ્રી જવાબ આપવા જેટલી સ્વસ્થ થઈ હતી. “દેવાંગે આજે ખૂબ પીધો છે. બહેન, મને બીક લાગે છે.’’
“એકલો જ છે કે સાથે કોઈ ?'
“બે ત્રણ મિત્રોને લઈ આવ્યો છે, બધાએ ખૂબ પીધો છે અને જેમ તેમ લવારા કરે છે.”
“મિત્રો ક્યાંથી આવ્યા ?”
“કોણ જાણે. આજ સુધી તો કોઈ નહોતું. કોઈ દિવસ પીધો પણ નહોતો. ચોવીસે કલાક અમે સાથે રહેતા હતા. આજે સાંજ પછી મને રૂમમાં મૂકીને ગયો તે હમણાં આવ્યો અને આવી હાલતમાં ! બહેન, શું કહું ? બધા ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા. પછી બિભત્સ વાતો કરવા લાગ્યા. અને પછી મને લાગ્યું કે બે બેડના એ નાનકડા રૂમમાં મારી સલામતી જોખમમાં છે. એટલે હું અહીં ચાલી આવી.'
“ સારૂં કર્યું. હું અહીં જસૂઈ જા. અત્યારે કશું કરવાનો અર્થ નથી. સવારે વાત. ચિંતા કરીશ નહીં.”
“હું.....હું તમારે માથે તો નથી પડીને?’' સહેજ સંકોચાતા તેણે પૂછ્યું.
“ગાંડી, મારૂં એટલું નસીબ કે મને પોતાની ગણી તું અહીં આવી.”
દરમ્યાન સુરેશ બહાર ગયો હતો તે પણ આવી ગયો. અમે સાથે જમી લીધું. જયશ્રીને ખૂબ આઘાત લાગ્યો હતો.
મૂંઝવણો પત્ર દ્વારા દૂર કરનાર મારા માટે અહીં સંપૂર્ણ સંવેદના સાથે પ્રત્યક્ષ ઉકેલ કાઢવાનો હતો. પેલું કામ સહેલું હતું, પણ આ મુશ્કેલ હતું. કારણ કે અહીં જે કાંઈ પરિણામ આવે તેને માટે હું સીધી જવાબદાર બનવાની હતી. મને ડર લાગ્યો. સુરેશનો સાથ હતો એટલે રાહત હતી. જયશ્રી એ રાત્રે મારી સાથે જ સૂતી. મને એનામાં અને મારી નાની બેબીમાં કોઈ તફાવત ન દેખાયો. અમારી આટલી ઓળખાણ ન હોત તો આ ગભરૂ બાળાનું શું થયું હોત તે વિચારતા મને કમકમા આવ્યા. દેવાંગ પ્રત્યેનું બધું માન તો જયશ્રીની વાત સાંભળીને જ ઓસરી ગયું હતું.
સવારે સુરેશ દેવાંગને મળવા ગયો ત્યારે ખબર પડી કે દેવાંગ હોટલની રૂમ વહેલી સવારે ખાલી કરી ગયો હતો. જયશ્રી તો સવારે જ અમદાવાદ પાછી ચાલી જવા તૈયાર થઈ હતી પણ મેં એને અટકાવી. દેવાંગ આબુ છોડીને એકલો અમદાવાદ જઈ ન શકે. તે આબુમાં જ હોવો જોઈએ. અથવા જયશ્રીને શોધતો આવવો જોઈએ. રાત્રે કરેલા વર્તન બદલ તે ખરેખર પસ્તાતો હોય અને અમને તથા જયશ્રીને તાત્કાલિક મળવાનું ટાળવાના ઈરાદે કે મિત્રો ફરી ન આવી ચઢે તે માટે તેણે હોટલ બદલી હોય એવું પણ બને. જો અમારૂં અનુમાન સાચું હોય તો દેવાંગ અમને શોધતો આવશે જ એમ ધારી અમે બે ત્રણ દિવસ રાહ જોવાનું નક્કી કર્યું. જયશ્રી પણ ધીરે ધીરે આઘાતમાંથી બહાર આવી રહી હતી. દેવાંગનો જે થોડો પરિચય તે આટલા સમયમાં પામી હતી તે એને દેવાંગના ગઈ રાતના વર્તનને અસ્વાભાવિક માનવા પ્રેરતો હતો. જયશ્રીને અમારી સાથે રહેતા ઘણો સંકોચ થયો હતો – ખાસ કરીને મારા અને સુરેશના એકાંતમાં ભંગ પડાવવા બદલ. પણ જે કાર્ય હું કાગળ પર કરતી હતી તે પ્રત્યક્ષરૂપે કરી જોવામાં મને રસ પડયો હતો. એને મેં એક પડકાર તરીકે સ્વીકાર્યું હતું.
બે દિવસ રાહ જોયા પછી જયશ્રીનો ઉંચાટ વધી ગયો. અમને પણ મુંઝવણ થવા માંડી હતી. જયશ્રીના સાસરે અને પિયર ખબર આપતા પહેલા ફરી એક વાર તપાસ કરી લેવાનું નક્કી કર્યું. અમારી હોટલના મેનેજરનો સહકાર લઈ હોટલો, ધર્મશાળાઓ, ટેક્ષીવાળાઓ મારફત ખુબ તપાસના અંતે તે એક ધર્મશાળામાં મળી ગયો, ત્યારે જયશ્રીને અમારા રૂમ ઉપર રાખી અમે બંને દેવાંગ પાસે ગયા.
અમને જોઈને પહેલા તો તે ચમકી ગયો, પણ અમને આવકાર્યા. કોઈપણ જાતની ઔપચારિકતા વિના મેં સીધી જ વાત કરી, “એક નાદાન છોકરીને આવી રીતે રખડાવીને ચાલી જવામાં તમે મર્દાઈ બતાવી છે?”
દેવાંગ ચૂપ રહ્યો.
“સારૂં થયું કે અમે હતા તો એ છોકરીને સહારો મળ્યો. અમને હતું કે સવારે નશો ઉતરી જતા તમે આવશો. પણ તમે તો ગુમ થઈ ગયા. તમને જયશ્રીનો સહેજ પણ વિચાર ન આવ્યો? એણે આપઘાત કર્યો હોત તો?'
દેવાંગે ઊંચું જોયું અને પૂછ્યું, “જયશ્રી અત્યારે ક્યાં છે?'
“આટલું ખરાબ વર્તન કર્યા પછી અને બે દિવસ બેદરકાર રહ્યા પછી આજે હવે પૂછો છો કે જયશ્રી ક્યાં છે ?’' મેં તિરસ્કારથી કહ્યું.
દેવાંગ ગુસ્સામાં આવી ગયો. “જુઓ બહેન, મારે - તમારે એવો કોઈ સંબંધ નથી કે તમે મને આમ ધમકાવી શકો. વડીલ ગણીને તમને માન આપું છું એટલે તમે જે કહો તે સાંભળીશ, પણ મારી વાત તમે સાંભળવા માંગતા હો તો…”
મને લાગ્યું કે કૈક રહસ્ય છે આ બનાવમાં.
સુરેશ ગુસ્સે થઈ રહ્યો હતો. જેમ તેમ તેને તે કાબૂમાં રાખતો હતો. મેં તેને કહ્યું, “મને લાગે છે કે દેવાંગની વાત લાંબી ચાલશે. રૂમ ઉપર તમારા મિત્રો રાહ જોતા હશે. તમે જાઓ. હું થોડીવારમાં દેવાંગને લઈને આવું છું.’’
મારી વાત સુરેશે સ્વીકારી લીધી અને ને તરત જ નીકળી ગયો.
“કહો, હવે જે કહેવું હોય તે સંકોચ વિના.” મેં કહ્યું અને તેની લાંબી વાત સાંભળવાની તૈયારી હોય તે રીતે બેઠી.
દેવાંગ થોડીવાર ચૂપ રહ્યો. પછી શરૂઆત કરી, “અમે સંયુક્ત કુટુંબમા રહીએ છીએ. ત્રણ ભાઈઓમાં હું સૌથી નાનો, મારા મોટાભાઈ મારાથી સાતેક વર્ષ મોટા હશે. તેમના લગ્નને પંદરેક વર્ષ થયા. તેમને સંતાન નથી. મારા વચેટ ભાઈને ત્રણ સંતાનો છે. મોટાભાભીને તેમની સંતાનહીનતાનું ભારે દુઃખ. ઘરમાં બધા જ ભાભી પ્રત્યે સ્પષ્ટપણે ન દેખાય પણ સમજી શકાય તેવું અતડું વર્તન રાખે. મને એમના પ્રત્યે નાનપણથી લાગણી, કારણ કે તેઓ નવા પરણીને આવ્યા ત્યારે હું બાળક હતો અને તેમણે મને ખૂબ લાડ લડાવ્યા હતા. તેમના મનનું બધું દુઃખ તેઓ મારી સમક્ષ વ્યક્ત કરે. જેમ જેમ તેઓ કુટુંબથી વધુ વિમુખ થતા ગયા તેમ તેમ મારી વધુ નજીક આવતા ગયા અને કોઈક નબળી ક્ષણે મારી સાથે દેહસંબંધ બાંધી બેઠા. પછી તો અમારો એ સંબંધ ચાલુ રહ્યો. ભાભીનો હેતુ તેમની ઉણપ પૂરી કરવાનો હશે. ઘણા સમય સુધી કોઈ પરિણામ ન આવતા ભાભી વધુ ને વધુ આક્રમક બનતા જતા હતા. અમારો સંબંધ જાહેર થઈ જવાની બીક પણ તેમને રહી નહોતી એમ લાગતું હતું. મને પણ ઊંડે ઊંડે આ ગમતું હતું. ધીરે ધીરે ઘરના લોકોને અમારા સંબંધ અંગે વહેમ પડતો હોય એવું લાગ્યું. ભાભી તો એ જોવાની દૃષ્ટિ જ ગુમાવી બે હતા. વહેમ વ્યક્ત કરી સાચું - ખોટું કરી ઘરની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકવાને બદલે વડીલોએ મારા લગ્નનું વિચારી કાઢ્યું, જેથી અમારા ઉપર આપમેળે અંકુશ આવી જાય.
“મારી મુઝવણ વધી ગઈ. મેં તે નારીના સંપાદકને જણાવી તો તેણે પણ મને લગ્ન કરી લઈ એમાંથી બહાર નીકળી જવાની સલાહ આપી. અંતે લગ્નની વાત મેં સ્વીકારી લીધી.'' દેવાંગ સહેજ અટકયો. મારૂં હૃદય આગળની વાત સાંભળવા માટે ધડકી રહ્યું. મારી સલાહનું પરિણામ પ્રત્યક્ષ જોવાનો આ મારા માટે પ્રથમ પ્રસંગ હતો.
“પછી ?'' મેં પૂછ્યું.
“ભાભી સાથેનો સંબંધ તૂટયા પછી મને ખ્યાલ આવતો ગયો કે હું કેવું પાપ કરી બેઠો હતો. નૈતિક અને સામાજિક રીતે ખોટું કરવા ઉપરાંત ભાભીની ઈચ્છાઓને વધુ પ્રજવલિત કરીને મેં તેમને માનસિક રીતે પણ ભાંગી નાંખ્યા હતા. અજાણ્યે મારા પાપનું પ્રાયશ્ચિત હું જયશ્રી પ્રત્યેના ઉત્કટ પ્રેમ દ્વારા કરવા લાગ્યો. પણ પછી જયશ્રીને મેં દગો દીધો છે એવું ભાન થતા હું ખૂબ જ મૂંઝાતો રહ્યો. આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતો હોવાથી ચિંતા કરવાનો સમય ઓછો મળતો હતો એટલે હું માનસિક શાંતિ જાળવી શક્યો.અનુકૂળ વાતાવરણ ઊભું કરી જયશ્રી સાથે બધી વાત કરી લેવાના હેતુથી મેં અહીં આવવાનો કાર્યક્રમ બનાવ્યો. અહીં આવ્યા પછી મેં જયશ્રીને વાત કરવા પ્રયત્ન કર્યો, પણ જીભ ઉપડી નહીં. મને બીક પણ લાગી કે વાત સાંભળ્યા પછી જયશ્રી આઘાતને કેવી રીતે જીરવી લે ? આવી સ્થિતિમાં માનસિક શાંતિ મેળવવાનો ઈલાજ મેં દારૂમાં શોધ્યો. અમદાવાદમાં સાથે ભણતા બે મિત્રો પણ ત્યારે જ અચાનક મળી ગયા. તેમને હું જાણી જોઈને મારી સાથે રૂમ ઉપર લઈ આવ્યો. થોડા બેભાનમાં અને થોડા એવા ભાન સાથે કે આવી માનસિક તંગદીલીમાં જયશ્રી સાથે રહેવાનું ટળી શકે તો સારૂં, એમ માની મેં થોડું અઘટિત વર્તન પણ કર્યું. મને ખાત્રી હતી કે જયશ્રી તમારી પાસે જ જશે. છતાં ખાત્રી ફરવા હું તેની પાછળ તમારી હોટલ સુધી આવ્યો હતો. ત્યાર પછી મળવાનું ટાળવાના ઈરાદાથી હોટલ ખાલી કરી નાંખી. તમે જ કહો હવે મારે શું કરવું ?.’' કહી તે રડી પડયો. મેં તેને રડવા દીધો.
“સમય બધું જ ઠેકાણે પાડી દેશે. અત્યારે ચિંતા છોડી દો. ચાલો આપણે હોટલે જઈએ.’’ મેં તેને ઉઠાડતાં કહ્યું. રસ્તે મેં તેને જણાવ્યું કે ‘નારી'નો પ્રશ્નોત્તર વિભાગ હું જ સંભાળતી હતી. જયશ્રી સાથે આ અંગે હમણાં કશી વાત ન કરવા મેં તેને સલાહ આપી.
જયશ્રી અને દેવાંગ અમારી સાથે જ થોડા દિવસ રહ્યા અને તેમના વર્તનને સામાન્ય બનતું અમે જોયું. દેવાંગને અલગ રહેવા માટેની સલાહ મેં આપી. બંને દૂર સોસાયટીમાં રહેવા ચાલી ગયા. મને ખાત્રી હતી કે દૂર ગયા પછી સંબંધ સામાન્ય થવાનું સરળ થશે. વરસેક પછી બંને એક વાર મને મળવા આવ્યા ત્યારે ખૂબ ખુશ હતા. પોતે સગર્ભા હોવાના સમાચાર જયશ્રીએ શરમાતા શરમાતા આપ્યા. તેણે ફરિયાદ કરી કે બહુ ઉતાવળ કરી છે. મેં એને સમજાવી. મનમાં તો કહ્યું પણ ખરૂં, “તારે માટે આ માતૃત્વ કેટલું મોંઘુ છે. તેનો તને ખ્યાલ ક્યાંથી આવે?”
ત્યાર પછી દેવાંગ કે જયશ્રી ખૂબ લાંબા સમય સુધી મને મળ્યા નહિ. મેં કેટલીય વાર તેમને મળવા જવાનો વિચાર કર્યો પણ જઈ શકાયું નહિ. બેએક વર્ષ પછી દેવાંગ બજારમાં મળી ગયો. મને જોઈને તે સામાન્ય રીતે મલકી ઊઠતો, તેને બદલે મારી નજર બચાવી નીકળી જવાનો તેનો પ્રયત્ન પકડાઈ ગયો. મને ખૂબ આશ્ચર્ય થયું, છતાં મેં તેને બોલાવ્યો, “કેમ છો?”
“મઝામાં.’' ટૂંકો જવાબ મળ્યો. “પછી તમે પેંડા લઈને આવ્યા નહિ. શું સમાચાર હતા ?’’ મેં પૂછ્યું.
“બાબો તે અને જયશ્રી આનંદમાં છે.’ સ્હેજ થોભીને એણે ઉમેર્યું, “જે દિવસે બાબાને જન્મ થયો તે જ રાતે ભાભીએ આપઘાત કર્યો.”
પછી તે ચુપચાપ ચાલતો થયો.
હું ત્યાં રસ્તા ઉપર જ ઊભી રહી ગઈ, દસેક મિનિટ સુધી. બીજે જ દિવસે ‘નારી’ની ઓફિસમાં જઈને મેં મારો પ્રશ્નોત્તર વિભાગ સંભાળવાની ના કહી દીધી એટલું જ નહિ, પણ એ વિભાગ જ બંધ કરવાનો તંત્રીશ્રીને આગ્રહ કર્યો.
No comments:
Post a Comment