Saturday, March 19, 2022

 

હાસ્ય અને સ્મિત

 



        

        આપણે જયારે કોઈને ખડખડાટ હસતા જોઈએ છીએ ત્યારે આપણા ચહેરા પર પણ આછું સ્મિત આપોઆપ ફરકી જાય છે. સ્મિત ક્યારેક દેખાય નહિ, પણ આપણો આત્મા તો કોઈને હસતા જોઈને પ્રસન્ન થઇ જાય છે. ખડખડાટ હાસ્યને બધાંજ દર્દોની દવા (લાફિંગ થેરાપી) ગણે છે. 'હસતા નાર સદા સુખી' એવી એક કહેવત પણ પ્રચલિત છે. હાસ્ય અનેક કારણોથી પ્રગટે છે. જેમ કે, ટૂચકો, વાર્તા, કાવ્ય, લેખ, કાર્ટૂન, ચિત્ર, ફિલ્મ, સંવાદ વગેરે. ઉપરાંત આપણા જીવનમાં એવા પણ અનેક નાના મોટા પ્રસંગો બનતા હોય છે, જે આપણને ખડખડાટ હસવા પ્રેરે છે. બાળકોની કાલી કાલી વાતો, મૂરખ બન્યાનો કે બનાવ્યાનો પ્રસંગ, ભૂલકણા સ્વભાવના કારણે કે ગેરસમજના કારણે પેદા થતા હાસ્યાસ્પદ સંજોગો જેવા અનેક કારણો હાસ્ય પેદા કરે છે. ક્યારેક આપણને અન્યની તકલીફો જોઈને પણ હસવું આવે છે, જેમ કે લપસી પડવાના કે અથડાવાના પ્રસંગો. જીવનની નાની બાબતોને હાસ્યરસિક દૃષ્ટિથી રજુ કરતા આપણા હાસ્યકલાકારો પણ આપણને હસાવે છે. મોજીલા સ્વભાવના લોકો જ્યાં હોય છે ત્યાં સદા હાસ્યનો વાસ હોય છે. હસવું, હસાવવું તેમનો સ્વભાવ છે.

હાસ્ય ખાળી શકે તેવા લોકો ખૂબ ઓછા હશે. તેવા લોકો મૉટે ભાગે સ્વકેન્દ્રી, અહંભાવી અને પોતાની જાતને અન્ય લોકોથી ઉપર માનનારા હશે. 

હાસ્ય ચેપી છે અને એકના હાસ્યનો ચેપ બીજાને લાગે છે. કેટલીક વાર તો એવું બને કે કોઈ હાસ્ય પેદા કરનાર પ્રસંગ આપણે એકલા એકલા યાદ કરીએ ત્યારે પણ આપણા ચહેરા પર હાસ્ય ફરકી જાય છે કે આપણે એકલા એકલા પણ ખડખડાટ હસી પડીએ છીએ.

સ્મિત એનાથી અલગ છે. હાસ્ય પેદા થવા માટે કોઈને કોઈ કારણ હોય છે, પણ સ્મિત સ્વભાવગત હોય છે તેથી તેને માટે કોઈ કારણની જરૂર નથી. સ્મિત વ્યક્તિના સારા સ્વભાવનું પ્રતિબિંબ છે અને તેનો ચેપ જેની સામે સ્મિત કરવામાં આવ્યું હોય તેને પણ લાગે છે. જેવો આનંદ આપણને સુંદર ખીલેલા ફૂલને જોઈને થાય છે તેવો આનંદ સ્મિત જોઈને થાય છે. હાસ્યથી સ્મિત રીતે પણ જુદું પડે છે કે આપણે એકલા એકલા (દા . કોઈ વાર્તા વાંચતા કે સિનેમા જોતા) હસી શકીએ છીએ. એકલા હોઈએ ત્યારે ચહેરા પર પ્રગટતું સ્મિત કદાચ હાસ્યનું અર્ધ-પ્રાગટ્ય હોઈ શકે. સ્મિતને ઘણાએ નિર્મળ હૃદયની આરસી સાથે પણ સરખાવ્યું  છે. આત્માને થતો આનંદ પણ ચહેરા પર  સ્મિત લાવે છે.

સ્મિતાળ વર્તન અનેક કાર્યો આસાન બનાવી શકે છે. કોઈ કાર્ય માટે સ્મિતસહ કરેલ વિનંતીનો પ્રતિભાવ સારો મળે છે. એટલે કોઈપણ સફળ વક્તિના જીવનમાં તેના ચહેરા પર રહેલા સ્મિતનો ફાળો ઘણો મોટો હોય છે. પ્રયત્ન કરી જોજો. કોઈ પાસે કામ માટે જવાનું થાય ત્યારે હળવા સ્મિત સાથે તમારી વાત રજુ કરી જોજો. પ્રતિભાવ રુક્ષ તો નહિ હોય. ફરિયાદ કરવાની થાય તો તે પણ હળવાશથી રજુ કરવાથી સામે પ્રતિભાવ પણ હળવાશથી મળશે. સામેની વ્યક્તિનો તમારી સાથેનો વર્તાવ ચોક્કસ સારો હશે. કામ થાય કે નહિ તે તો બીજા પણ અનેક કારણો પર નિર્ભર હોય. અન્ય વ્યક્તિ સાથે કામ પડતા લોકો, જેવા કે સેલ્સ અને માર્કેટિંગ, જાહેર સેવાઓ, રાજકારણ વગેરે માટે ચહેરા પર સ્મિત હોવું જરૂરી ગણાય છે.

એવું હંમેશા નથી બનતું કે સ્મિત હોઠો દ્વારા પ્રગટ થતું હોય. અપ્રગટ  સ્મિત વ્યક્તિના ચહેરા પર ભાવસ્વરૂપે લીપાયેલુ પણ જોઈ શકાય છે અને સામી વ્યક્તિ એનો અનુભવ કરી શકે છે.

આમ છતાં કહેવું પડશે કે આપણે  લોકો સ્મિત વ્યક્ત કરવામાં અને તેનો પ્રતિભાવ આપવામાં કંજૂસ છીએ. સ્મિતની અભિવ્યક્તિ આપણા લોકોમાં મર્યાદિત જોવા મળે છે. જયારે અન્ય કેટલીક પ્રજામાં એવી અભિવ્યક્તિ નિખાલસ  રીતે થતી હોય છે. તદ્દન અજાણ્યા લોકોને પણ નાનકડા સ્મિત સાથે આવકારવાની ટેવ પશ્ચિમના લોકોએ ખૂબ સારી રીતે કેળવેલી છે. રસ્તે જતા કોઈ અજાણ્યા સાથે આંખ મળે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, કે તરત તેના ચહેરા ઉપર સ્મિત પ્રગટતું હોય છે અને તેનો પ્રતિભાવ પણ તેવો હોય છે. સ્થળ અને સંજોગો અનુસાર ક્યારેક સ્મિતની સાથે 'હાય' કે 'હેલો' શબ્દ પણ પ્રગટ થતા હોય છે. આપણે તેમની પાસેથી ઘણું શીખ્યા છીએ પણ વર્તનની સુંદરતા શીખવાની હજુ બાકી છે.

No comments:

Post a Comment