Wednesday, October 20, 2021

ભગલો

 

ભગલો

 



 

તમે કેટલાય ભગુભાઈઓને મળ્યા હશો, અને ભલું હશે તો કેટલાક ભગલાઓને પણ મળ્યા હશો. પણ અહીં જે ભગલાની વાત છે તેને તો નહિ મળ્યા હો. એટલે આપણે ભગલાને મળીએ.

"ભગાભાઇ, લોકો તમને ભગલા જેવા નામે બોલાવે તેમાં તમને અપમાન નથી લાગતું?"

" લોકો તો ભગવાનને પણ ભગલો કહે છે તો મને કહે તેમાં કાંઈ નવાઈ નહિ. પેલા સુમનભાઈ તો મોટા ઓફિસર છે. છતાં તે ગામમાં આવે ત્યારે કાશી ડોશી એને સોમલો કહીને બોલાવે છે. એક દહાડો તો ગમ્મત થઇ. સુમનભાઈએ મને દાઢી કરવા બોલાવેલો. પાછળના ચોકમાં ખુરશી મૂકીને સુમનભાઈ બેઠા અને બાજુમાં સ્ટૂલ પર મારા ઓજારો ગોઠવીને હું ઊભો ઊભો દાઢી કરતો જાઉં અને સુમનભાઈને ગામની નવાજૂની સંભાળવાતો જાઉં. એવામાં કાશી ડોશી ફૂલ લેવા આવ્યા. મને જોઈને કહે, "અલ્યા ભગલા, સોમલાની દાઢી કરી રહે એટલે મારા નિમાળા લેતો જજે."

"ભગાભાઇ, નિમાળા એટલે શું?"

"અમારા બાજુ વિધવા ડોશીના માથાના વાળ ઉતારે તેને 'નિમાળા લીધા' એવું કહેવાય. તમારી જેમ સુમનભાઈ પણ નિમાળા એટલે શું તે સમજેલા નહિ. દાઢી કરીને મારો સામાન આટોપતો હતો ત્યારે સુમનભાઈએ મને પૂછ્યું, "પેલા કાશીબા શું આપવાની વાત કરતા હતા?" મને સમજણ ના પડી કે સુમનભાઈ શું કહે છે એટલે મેં કહ્યું, "કાંઈ નહિ', ત્યારે સુમનભાઈએ ફોડ પડ્યો કે "કાંઈ લેતા જવાનું કહેતા હતા ને?'" નિમાળા એટલે શું તેની તેમને હજી સમજ નહોતી પડી. ભગલાએ કહ્યું, "તમે અમારી બાજુની ભાષા ઓછી જાણો એટલે તમારે તો પૂછવું પડે, પણ સુમનભાઈ તો ગામમાં મોટા થયેલાએમને એટલી ખબર ના હોય પછી ડોશી એમને સોમલો કહે તેમાં કાંઈ ખોટું ખરું?"

"સુમનભાઈને કાશી ડોશી સોમલો કેમ કહે છે તે તો તમે સમજાવ્યું, ભગાભાઇ, પણ તમને આખું ગામ ભગલો કેમ કહે છે તે તો કહો.."

"ગામની વસ્તી મોટી અને કામ કરનાર હું ને મારો ભાઈ બે જણા.. મારો ભાઈ તો બિચારો દેશી ઢબે વાળ કાપતા શીખેલો એટલે ઘરડાઓ સિવાય કોઈ એને બોલાવે નહિ. રહ્યો હું એકલો અને ગામ આખું."

"તે તમે તમારા બાપા પાસે નહોતા શીખ્યા?"

"શીખેલો તો બાપા પાસે . પણ મારા મોટા ભાઈ મને આફ્રિકા લઇ ગયેલા. ત્યાં તો ધોળિયા લોકોના પણ વાળ કાપવા પડે એટલે મોટા ભાઈએ મને મારી મારીને શીખવી દીધેલું."

"તો પછી પાછા કેમ આવતા રહ્યા?"

"કરમની કઠણાઈ, બીજું શું? જરાક ઠેકાણે પડ્યો ને ઘર કર્યું, એટલામાં બાપા અહીં માંદા પડ્યા મોટાભાઈએ મને અહીં મોકલ્યો. કીધું કે બાપાને સાચવજે અને નાનાને સોંપીને તારી વહુને લઈને પાછો આવજે. બાપા તો થોડા વખત જીવ્યા અને ગુજરી ગયા. કારજ કરીને વહુને લઈને જવાની તૈયારી કરી એટલામાં લડાઈ ફાટી નીકળી. લડાઈ પતે ને જાઉં જાઉં કરતા દિવસો વીતી ગયા. એવામાં વહુ ગુજરી ગઈ. આમ ને આમ વિસા  કેન્સલ થયા."

"એટલે તમે ગામમાં ઈંગ્લીશ કટ વાળ કાપી આપો છો એમ ને?"

"ઠીક મારા ભાઈ. એક જણના વાળ કાપતો હોઉં ત્યાં બીજો આવે, 'ચાલ ભગલા, હમણાં ને હમણાં દાઢી કરી દે. મારે ગાડી પકડવાની છે.' એની ગાડી પકડાવવા જાઉં ત્યાં કોઈ કહે મારે લગનમાં જવાનું છે. આમ ને આમ આખા ગામમાં છેડેથી પેલે છેડે દોડાદોડ કરતો રહું."

"આવક સારી થતી હશે.:"

"આવકમાં તો વર્ષે દહાડે પોણો મણ દાણાં. ઘરમાં બે જણ હોય કે ચાર જણ, પણ એમાં કોઈ ફરક નહિ. જો કે હવે રોકડા આપનાર નીકળે છે, પણ વાળ કાપવાના બે રૂપિયા અને દાઢીના આઠ આના. એમાં અહીંથી ત્યાં   દોડવાનું. સમય સાચવવાના, સમય સચવાય નહિ પછી ભગાભાઇ કોણ કહે? એટલે ભગલો ચાલે."

"તમે શહેરની દુકાનમાં નોકરીએ જતા રહો તો?"

"ના રે ભાઈ. નોકરી એટલે નોકરી. અહીં આવક ઓછી પણ બાદશાહી તો ખરી ને? ગામમાં કોઈ વર ભગલા વગર પરણી ના શકે."

"તે કેવી રીતે?"

"વરરાજાના ને જાનૈયાનાં વાળ કાપવાના ને દાઢી કરવાની. વરરાજાનું છત્ર જેવું ભગલા પાસે છે તેવું આજુબાજુના કોઈ ગામમાં નથી. ભગલાનું છત્ર અને ચામર હોય એટલે વરરાજા અસલ રાજા લાગે. જાન નીકળવાની હોય તે દહાડે સવારથી જાનૈયાઓની દાઢી કરવાનું શરુ કરું તે જાન નીકળવાનો વખત થાય ત્યાં સુધી ચાલુ રહે."

"આવકનો તડાકો પડે."

"હાસ્તો. છત્ર ચામરના સાત કે અગિયાર રૂપિયા વરનો કારભારી આપે, વરરાજાના પીઠીવાળા કપડાં મળે. બધું આવી ગયું. પણ ભગલો નહિ હોય તો જાન ઝાંખી લાગે."

"બધે તમે એકલા જાઓ કે તમારા ભાઈ પણ?"

"અમે ઘર વહેંચી લીધેલા. મારા ભાગના ઘરોમાં મારે જવાનું. એના ભાગના ઘરોમાં એણે. પણ દાઢી કરવા અને વાળ કપાવવા તો મને બોલાવે. બેસતા  વર્ષના દિવસે અરીસો બતાવવા બધાને ત્યાં જાઉં."

" વળી શું?"

"બેસતા વર્ષના દિવસે સવારમાં અરીસો લઈને નીકળું અને બધાને અરીસામાં મોં બતાવીને શુકન કરાવું. લોકો મને બોણીના શુકન કરાવે. કોઈ રૂપિયો, કોઈ બે રૂપિયા. એક વાર તો ગમ્મત થઇ. દિવાળીની રાતે મોડે સુધી દાઢીઓ કરીને હું તો સૂઈ ગયો. થોડી વાર પછી ત્રણ જુવાનિયાઓએ ઊઠાડ્યો. "ઊઠ ભગલા, સવાર થવાની..." હું આંખો ચોળતો ઊઠ્યો અને પૂછ્યું, "કેટલા વાગ્યા?" તો 'પાંચ' કહી એક જણે ઘડિયાળ બતાવ્યું. 'ચાલ જીવ, હવે ઊઠવાનું છે તો દાઢી કરી આપું.' ત્રણેની દાઢી કરી, સામાન સમેટયો, ત્યાં તો એક કહે, "ભગલા, સૂઈ હવે. હજુ તો દોઢ વાગ્યો છે." અને બધા હસી પડ્યા."

"તમને ગુસ્સો ના આવ્યો? એવું ના થયું કે અસ્ત્રાથી બધાને વાઢી નાખું.?"

"ના રે, રંગત આવી. જુવાનિયાઓને વિશ્વાસ હશે કે હું ગુસ્સો નહિ કરું એટલે મને પાછું સુઈ જવાનું કીધું ને?. નહિ તો રાતે બે વાગે મને ગામમાં ફરતો કરીને લોકો ઘરમાં ઊંઘી ગયા હોત તો? તે દિવસે તો મગનો નહિ અને મગનાની  માં પણ નહિ એટલે આપણે એકલા રામ."

"એટલે તમે બીજું લગ્ન કરેલું?"

"મગનની માં સાથે તો ત્રીજું. પહેલાવાળી મારી ગઈ. બીજી જોડે ફાવ્યું નહિ એટલે નાત મારફત ફારગતી (છૂટાછેડા) લીધી. મગનની માં તો ત્રીજી. વખતે મેળ એવો પડી ગયો કે પણ સુખી અને હું પણ. મગનો ભણી ગણીને નોકરીએ વળગે એટલે અમને બેઉ ને નિરાંત."

"તો મગના પાસે ધંધો નથી કરાવવો?"

"મગનાને નહિ ફાવે. ગામના લોકો મને ભગલો કહીને બોલાવે અને ફાવે તેમ બોલે તે જોઈને એનો જીવ  એટલો ઊંચો નીચો થઇ જાય કે જાણે હમણાં મારી બેસશે. એવો સ્વભાવ નહિ ચાલે ધંધામાં. લોકોના ચાર બોલ સાંભળીએ એટલે શું ઘસરકા પડી જવાના હતા શરીરને. પણ હવેના જુવાનિયાઓથી નહિ બને."

"તમને ભગલો કહીને કેમ બોલાવે છે તે તો તમે કીધું, પણ એવું કોઈ નથી કે જે તમને ભગુભાઈ કે ભગાભાઇ કહીને બોલાવતું હોય?"

"છે ને ઘણા. ભણેલા ગણેલા અને શહેરમાં રહેતા ગામના લોકો અહીં આવે ત્યારે ભગુભાઈ કહીને બોલાવે. કોઈને કામ કરાવવું હોય ત્યારે પણ ભગુભાઈ કે ભગાભાઇ કહીને બોલાવે. તમારે પણ મારી પાસે વાત કઢાવવી હતી એટલે ભગલાનું ભગાભાઇ કર્યું હશે ને. પણ સાહેબ, હું છોટુભાઈની દાઢી કરીને આવું. ત્યાં સુધી તમે બેસજો. પછી આપણે નિરાંતે વાત કરીશું." કહી ભગલો પેટી લઈને ચાલવા મંડ્યો.

"બેસજો હો. હમણાં દસ મિનિટમાં આવું છું." જતા જતા પણ એણે કહ્યું. અને હું બેસી રહ્યો. દસને બદલે સો મિનિટ થઇ એટલે હું કંટાળ્યો અને ઊઠીને ચાલતો થયો. રસ્તામાં વડ નીચે જોયું તો ભગલાએ એની હરતી ફરતી સલૂન ત્યાં જમાવી દીધેલી. મને જોઈને સહેજે સંકોચાયા વિના એણે કહી દીધું, "આટલી દાઢી પતાવીને આવતો હતો, સાહેબ."

-  તો તમે ઓળખી લીધો ને ભગલાને?

આવો ભગલો એક વાર ખૂબ માંદો પડ્યો. એને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એની વહુ અને દીકરો એની સેવામાં ચોવીસ કલાક હાજર. મને ખબર પડ્યા પછી બે ત્રણ દિવસે હું પણ આંટો મારી આવતો. કાંઈ જોઈતું હોય તો મંગાવી લેવાનું આશ્વાસન આપી આવતો. ભગલાની માંદગી એવી કે એનો અંત નહિ આવે. કોઈ વાર વાતમાં સહેજ હસીને ભગલો મને કહી પણ દે, "મારા વાયદાઓ જેવી નીકળી તો."

મુલાકાતના સમયે કોઈ વાર તો હું બે કલાક સુધી એની પાસે બેસતો, પણ એના ગામનું કોઈ ભાગ્યેજ દેખાતું. એક વાર તો એણે ગામના બે જણાને બાજુના વોર્ડમાં કોઈની ખબર કાઢવા આવેલા જોયા, પણ પછી તે ભગલા તરફ તો ફરક્યા નહિ.

"ભગાભાઇ, તમારા વિના લોકોના વાળ-દાઢી વધી ગયા હશે એટલે કોઈ તમારી ખબર કાઢવા નહિ આવતું હોય ગામમાંથી?" એક દિવસ મેં હસતા હસતા પૂછ્યું. ભગલાના ચહેરા પર વ્યથાનો અણસાર દેખાયો દેખાયો ને બોલ્યો, "એવું તો નહિ હોય. હવે તો બધા દાઢીનો સામાન ઘરે રાખે છે, અને શહેરમાંથી આવીને એક જુવાનિયાએ પાદરે દુકાન પણ કરી છે. હમણાં મારે કામ ઓછું રહેતું હતું. "

ભગલાની વહુ લાજ કાઢીને અમારી વાતો સાંભળતી રહેતી. પણ કશું બોલતી નહિ. એક વાર હું ભગલાને મળીને બહાર નીકળતો હતો હતો ત્યાં મારી પાછળ આવી અને વોર્ડની બહાર આવી પાલવના છેડેથી સોનાની બે બંગડીઓ છોડીને મને આપતા બોલી, "સાહેબ, વેચીને જે કાંઈ રકમ આવે તે લેતા આવશો?" હું ચમકી ગયો. મેં ચૂપચાપ બંગડીઓ લઇ લીધી અને બીજે દિવસે એના હાથમાં ત્રણસો રૂપિયા આપી આવ્યો. પછી તો ભગલો સારો થઇ ગયો અને કામ પણ શરૂ કરી દીધું.

હવે તો મગન પણ મોટો થયો છે અને ભગલો એની સલાહને - આગ્રહને અનુસરી કોઈનું ઊધાર કામ કરતો નથી, કે કોઈનું અપમાન પણ સાંભળતો નથીભગલો જયારે કામ ના હોય ત્યારે ખેતરે ઉપડી જાય છે. વર્ષે દહાડે ખાવા થાય એટલા દાણા ખેતરમાંથી પેદા કરી લાવે છે. વહુના બંગડી વિનાના હાથ   દરરોજ જુએ છે અને નિસાસો નાંખે છે. 'મગનને પણ હવે પરણાવવો પડશે અને એની વહુ માટે પણ કરાવવી પડશે. કોને માટે પહેલા કરાવવી? ક્યારે?' એવા વિચારોમાં એવો તો ખોવાય જાય છે કે, "ભગલા, દાઢી બનાવી આપને" કહેતા ઊભેલા ઘરાકને પણ "કાલે આવજો ને ભાઈ" કહી ચૂપ થઇ જાય છે. ઘરાકને ત્યાં ઊભેલો જોઈને ભગલો ઊંચે જુએ છે તો મને જોઈને હસી પડે છે.

- પણ જયારે ગજવામાંથી પડીકું કાઢી હું પેલી બંગડીઓ એની સામે મૂકી દઉં છું ત્યારે એવો તો રડી પડે છે.

Thursday, October 14, 2021

મોસાળું


        સવારના પહોરમાં પોતાના ભાઈ પ્રકાશને  બારણે આવેલો જોઈને વિભા આશ્ચ્રર્યમાં પડી ગઈ. પહેલા કોઈ અમંગળ સમાચારની શંકા જાગી, પણ ભાઈનું હસતું મોં જોઈને રાહત થઇ. ઘરમાં હજુ હમણાં બધાએ ઊઠીને ચા-નાસ્તો કર્યા હતા અને પોતપોતાની પ્રવૃત્તિમાં જોતરાવાની તૈયારી કરતા હતા. આમ તો ઘરમાં પતિ  અતિત, પુત્રો ગૂંજન અને ભાવન એમ ચાર જણા હતા. ગૂંજન કોલેજમાં જતો હતો અને ભાવન હાઈસ્કૂલમાં. પતિની એક ખાનગી કંપનીમાં નોકરી હતી. એને સવારે નવ વાગે પહોંચવું પડતું, એટલે એને માટે ટિફિન બનાવવાની તૈયારી વિભા કરતી હતી.

કોઈ વાત તો જરૂર હતી, પણ તે પછી થશે, વિચારી પહેલા ભાઈને પાણી આપી ચા બનાવવા જતા પહેલા પૂછ્યું, "બધા સારા તો છે ને?"

"બધા સારા છે. હું હરખ કરવા આવ્યો છું. કાલે સાંજે ખબર પડી કે અતિતકુમારની ભાણેજ ભૂમિકાનું વકકી થયું છે, એટલે મારાથી રહેવાયું નહિ. મને ખબર છે કે તમને એના મમ્મી-પપ્પા કરતા પણ વધારે વહાલી છે. એટલે થયું કે પહેલા તારે ત્યાં હરખ કરું અને મોસાળાનું આમંત્રણ તું મને આપવા આવે તેના કરતા હું લેતો જાઉં."

'મોસાળું' શબ્દ સાંભળતા વિભાનું દિલ જાણે ધબકારો ચુકી ગયું. એમને પણ આગલે દિવસે સવારે ભાભીએ ફોન કરીને સમાચાર આપ્યા હતા. એક સારી જગ્યા મળી ગઈ એટલે બધું ઝડપથી ગોઠવી દેવાયું. એટલે એમને અગાઉથી જણાવી શકાયું તે બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને લગ્ન પણ પંદરેક દિવસમાં લેવા પડશે એમ જણાવી રજા વગેરેનું ગોઠવી રાખવા આગ્રહ કર્યો હતો. આગલી રાત્રે ઘરમાં અતિત સાથે અંગે ચર્ચા થઇ હતી.

ભૂમિકા જેટલી એના માતાપિતાની હતી તેટલીજ એમની પણ નજીક હતી. ભણતી હતી ત્યારે વેકેશન શરુ થાય કે પહેલા જ દિવસે મામાના ઘરની ટ્રેન પકડી લેવાની અને વેકેશન પૂરું થવાના છેલ્લા દિવસ સુધી પાછા જવાનું નામ લેવાનું. ભવન અને ગુંજન એના કરતા નાના એટલે એની સાથે જાત-જાતની રમતો રમતા દિવસો ક્યાં પતી જતા તે ખબર પડતી નહોતી. રોજ સવાર થાય એટલે મામીને પોતે શું ખાશે તેનું  મેનુ પણ જણાવી દેવાનું અને મામાને સાંજના ફરવા જવાનો કાર્યક્રમ પણ સંભળાવી દેવાનો. ભૂમિકા આવે એટલે મામા-મામી પણ બધી કરકસર બાજુએ મૂકીને ભાણેજ ની ઈચ્છા પૂરી કરતા. ગુંજન અને ભાવન માટે દીદી પરી બનીને આવતી, કારણ કે એમની ઈચ્છા પણ ભૂમિકાના મુખે મમ્મી-પપ્પા સુધી પહોંચી જતી. ગ્રેજ્યુએટ થયા પછી ભૂમિકાને બેન્કમાં નોકરી મળી ગઈ હતી અને તે ખૂબ આનંદમાં હતી. નોકરીના બે વર્ષ થયા ત્યાં એક સારા કુટુંબના છોકરાની વાત એના કાકા લાવ્યા હતા અને બધી રીતે અનૂકુળ હોવાથી અને ભૂમિકાને પણ પસંદ હોવાથી તાત્કાલિક નક્કી કરી દેવાયું હતું. છોકરાના ૮૫ વર્ષના દાદીને કેન્સર હતું અને તેમની ઈચ્છા પોતરાંના લગ્ન જોઈને જવાની હોવાથી, એમનો આગ્રહ હતો કે લગ્ન બને એટલા ઝડપથી પતાવી દેવા. વળી પંદરેક દિવસ પછી બે મહિના સુધી કોઈ સારું મૂહુર્ત હોવાથી નજીકના દિવસમાં લગ્ન લેવાનો નિર્ણય લેવો પડે તેવું હતું.

આજ વાત વિભા અને અતિત માટે ચિંતાજનક હતી. ભૂમિકાના લગ્નમાં એમને મોસાળું કરવાનું હતું અને કરકસર કરે તો પણ સોનાના ઘરેણાં સાથે એનો ખર્ચ લાખેક રૂપિયાથી ઓછો ના થાય. પોતાના માટે નવા કપડાનો તો વિચાર ના થઇ શકે. ઉપરાંત છેક મુંબઈ સુધી  જવા આવવાનો ખર્ચ અને રજાઓની મુશ્કેલી તો હતી . એટલી રકમ આટલા ઓછા દિવસોમાં ક્યાંથી ભેગી કરવી તેની ચિંતામાં બંને જણાએ આગલી રાત્રે અનેક રસ્તા વિચારી જોયા, પણ કોઈ રસ્તો સૂઝતો હતો  ઘર માટે લીધેલી લોનના હપ્તા, ગૂંજનના એન્જિનિરીંગના એડમિશન વખતે શેઠ પાસેથી લીધેલી લોન વગેરેમાં પગારનો અડધો ભાગ વપરાઈ જતો હતો. મહિનાના અંતે ઘણી વાર શાક લેવાના પૈસા પણ બચતાં નહોતા. હવે ખર્ચ ક્યાંથી કાઢવો? ખૂબ ગડમથલના અંતે એક નિર્ણય પર આવ્યા હતા કે વિભાના જે કાંઈ દાગીના હતા તે ગીરવી મૂકીને તાત્કાલિક તો પ્રસંગ નિપટાવી લેવો અને પછી જો બીજી કોઈ વ્યવસ્થા થાય તો ઘરેણાં છોડાવી લાવવા. આખી રાત બંનેએ પડખા બદલીને પસાર કરી હતી અને તેનો ભાર સવારે પણ આંખોમાં અને મગજ પર દેખાતો હતો.

ભાઈને માટે ચા સાથે મીઠાઈ અને નાસ્તો લાવેલી વિભાના મગજમાંથી હજૂ વાત નીકળતી નહોતી, એટલે ભાઇ બોલતો રહ્યો અને સાંભળતી રહી. પોતે ક્યારેક ટૂંકા ઉત્તરો આપતી. અતિત પણ લગભગ ચૂપ હતો. થોડી વાર પછી વિભાએ પૂછ્યું, "જમીને જશે ને?"

"હા, કંસાર બનાવજે." ભાઈએ ઉત્સાહથી કહ્યું.

વિભા રસોડામાં ગઈ એટલે પ્રકાશ અતિત તરફ ફર્યો. થોડી વાર આડી અવળી વાત કર્યા પછી તેણે ગજવામાંથી એક કવર કાઢીને અતિતને આપતા કહ્યું, "જેમ તમારી બહેન તમારી નજીક છે તેમ મારી બહેન પણ મારી એટલી નજીક છે. મને એણે કાંઈ વાત કરી નથી, પણ હું જાણું છે કે મોસાળા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે તમારે કેટલીય જગ્યાએ હાથ લંબાવવો પડશે. આમાં પચાસ હજારનો ચેક છે અને એક જવેલરી શોપનું પચાસ હજારનું ગિફ્ટ વાઉચર છે. એને ગમે એવું પાનેતર અને દાગીનો તથા બીજી જે કાંઈ જરૂર હોય તેમાં એનો ઉપયોગ કરજો. મારી બહેનનો હક્ક છે એમ સમજજો. છતાં તમને  પાડ લાગે તો ગૂંજન નોકરીએ વળગે ત્યાં સુધીની લાંબી મુદતની લોન સમજીને પણ સ્વીકારો." કવર હાથમાં લેતા અતિતની આંખમાં પાણી આવી ગયા.

પ્રકાશ જમીને વિદાય થયા પછી અતિતે વિભાને વાત કરી તો તે પણ આંસુ ખાળી શકી. લગ્ન પ્રસંગ સુખરૂપ પતી ગયો. બધાને ખૂબ મઝા આવી. ચાર-પાંચ દિવસ મુંબઈમાં ગાળીને બધા પાછા અમદાવાદ આવી ગયા અને પોતપોતાના કામમાં જોતરાઈ ગયા. ભૂમિકા તેના પતિ સાથે હનીમૂન પર ગઈ હતી, તે પણ પંદરેક દિવસ પછી પાછી આવી ગઈ. અતિત-વિભાએ તેને સજોડે અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું હતું તે યાદ રાખીને, તેની રજા પૂરી થવાને બે દિવસની વાર હતી એટલે તે બંને અમદાવાદ આવ્યા.

ભૂમિકાએ એના પતિને ઘર બતાવ્યું અને પોતે મામાને ત્યાં વિતાવેલી રજાઓની યાદોનું લાબું વર્ણન કરી દીધું. બપોરે જમી લીધા પછી બધાં આરામ કરતા હતા ત્યારે ભૂમિકાએ વિભા પાસે એના ભાઈ પ્રકાશનો ફોન નંબર માંગ્યો. વિભાને જરાક આશ્ચ્રર્ય તો થયું, પણ 'હશે' એમ વિચારીને આપ્યો. ભૂમિકાએ પ્રકાશનો નંબર લગાવ્યો ત્યાં સુધીમાં તેણે 'પાણી પીવું છે' કહી વિભાને રસોડામાં મોકલી દીધી. ભૂમિકા પોતે પાણી પીવા જઈ શકી હોત પણ વિભાને કહ્યું એટલે એને ખાતરી થઇ કે પ્રકાશ સાથે કોઈ ખાનગી વાત કરવી હશે. એટલે એણે થોડી વાર કરી.

"મામા, તમે મને તમારો બેંક એકાઉન્ટ નંબર તો મોકલ્યો નહિ. હું કાલે બહારગામથી આવી.." આ રીતે શરૂ થયેલી વાત લાંબી ચાલી. ક્યારેક ભૂમિકાનો અવાજ ઉત્તેજનાસભર થવાથી મોટો પણ થયો. ત્યાં સુધીમાં વિભા પણ પાણી લઈને આવી ગઈ હતી. પંદરેક મિનિટની ચર્ચા પછી વાત પતી ત્યારે વિભાએ પૂછ્યું, "શું તકલીફ છે? પ્રકાશે શું કર્યું?"

"પ્રકાશમામાએ શું કર્યું તેની ફરિયાદ હવે તો મારે તમને કરવી પડશે. મને હતું કે વાત અમારા બંને વચ્ચે દટાયેલી રહેશે, પણ હવે તમને કહ્યા વિના છૂટકો નથી."

વિભાના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈ ભૂમિકાએ સ્પષ્ટતા કરવા સાથે પૂરી વાત કરી દીધી. "મામી, હું ભલે તમારી ભાણેજ છું, પણ તમે મને મારા પપ્પા-મમ્મી કરતા પણ વધુ લાડ કર્યા છે. એટલું જ નહિ, તમારા સંજોગો, તમારી મુશ્કેલીઓ વગેરે બધું મેં નજીકથી  જોયું છે. જેવું અમે મારા લગ્નનું નક્કી કર્યું તેવો પહેલો વિચાર મને તમારો આવ્યો. મામા-મામી તરીકેની ફરજ, મારા માટેનો પ્રેમ બધું જોતા તમે મારું મોસાળું ઉલટભેર કરવા ઈચ્છો પણ તમારી આર્થિક મર્યાદાઓ મેં નજીકથી જોઈ છે અને છતાં તમે મારા લાડ-કોડ સાચવવામાં જે ભોગ આપ્યો છે, તે મેં અનુભવ્યું છે. હવે હું પગભર થઇ છું. બચત પણ સારી છે. અને તમે ભલે ગમે તે માનો પણ એના ઉપર મારા મમ્મી-પપ્પા જેટલો હક્ક તમારો છે. એવામાં તમે મારું મોસાળું કરવા માટે દેવું કરો તો મને મારી જાત પર ગુસ્સો આવે.

"મેં વિચાર્યું કે હું તમને સીધી વાત કરું, પણ મને ખાતરી હતી કે તમારું સ્વમાન પચાવી નહિ શકે. એટલે મેં ખૂબ વિચાર કરીને, પપ્પાની ડાયરીમાંથી નંબર લઇ પ્રકાશમામાને વાત કરી. મુંબઈના એક જ્વેલર્સને પૈસા ચૂકવી ગિફ્ટ વાઉચર કઢાવી લીધું અને પ્રકાશમામાને મોકલ્યું. ઉપરાંત અન્ય ખર્ચ માટે રોકડા રૂપિયા પણ તમને તેઓ આપી જાય, જે હું એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકું.

"વાત થયા પ્રમાણે પ્રકાશમામા તમને વાઉચર અને પૈસા તો આપી ગયા, પણ મને એમનો એકાઉન્ટ નંબર મોકલ્યો નહિ. મને હતું કે રહી ગયું હશે. અમે બહાર ગયા એટલે વાત લટકી ગઈ. તેથી મેં  હમણાં ફોન કર્યો. હવે મને કહે છે કે ગિફ્ટ વાઉચરના પૈસા પણ તેઓ મને પાછા મોકલી આપશે અને જે પૈસા બહેનને આપ્યા છે તે પણ બહેનને તેના હક્ક તરીકે આપેલા ગણાશે. આમ કહી તેમણે યાદ કર્યું કે જયારે તેઓએ બાપીકું ઘર તેમના નામે ટ્રાન્સફર કરવા માટેતમારી સહી માંગી ત્યારે તમે હરખથી કરી દીધું હતું. આજે બધી બહેનો બાપીકી મિલ્કતમાં ભાગ માંગે છે, ત્યારે તમે બતાવેલી ઉદારતા એમને હવે, મારા પગલાંને કારણે સમજાઈ..! હવે એવું છે તો તમારા ભાઈ-બહેનના સંબંધમાં મારે કોઈ આગ્રહ કરવો નથી."

આટલી વાત કરીને ભૂમિકાએ વિભા તરફ જોયું તો એની આંખમાં આંસુ હતા. તે ઊંઠીને મામીને વળગી પડી અને કહ્યું, "હું પણ તમારી દીકરી છું. તમારા જમાઈ સાથે શરત થઇ છે કે મારી આવકમાં અડધો ભાગ મારા પિયર તરફના સગા માટે હું અલગ રાખીશ. તમારા જમાઈ પણ બાબતે સહમત છે એટલે ગૂંજન અને ભાવનના અભ્યાસ માટે પણ તમે કોઈ બિનજરૂરી તકલીફ વેઠશો નહિ."

સાંજે ભૂમિકા મુંબઈ જવા વિદાય થઇ ત્યારે વિભા એને વળગીને ખૂબ રડી.