Tuesday, September 7, 2021

 

'ના'

 


ગુજરાતી ભાષામાં એક કહેવત છે, 'એક નન્નો સો દુઃખોને હણે'. મતલબ કે એક 'ના' કહી દો એટલે ઘણી બધી ચિંતામાંથી મુક્ત થઇ જવાય. આમ તો કહેવત સહજતાથી - કદાચ કટાક્ષમાં કહી દેવાયું એક અર્ધ સત્ય છે.  'ના' કહેવાથી સો દુઃખો કદાચ દૂર થાય પણ ખરા અને હજાર દુઃખો પેદા પણ થાય.

આમ છતાં જયારે 'ના' કહેવાની હોય ત્યારે પણ 'ના' કહી શકનાર ચોક્કસપણે પોતાને માટે દુઃખો પેદા કરે છે એવો અનુભવ મને, તમને અને બધાને વારંવાર થતો હોય છે. અંદરખાનેથી આપણી શક્તિ અને મર્યાદાઓનો વિચાર કરતા પણ આપણને 'ના' સિવાય બીજું પરવડી શકતું ના હોય છતાં આપણે 'ના' કહી શકતા નથી, ત્યારે આપણી જાત ઉપર આપણે ગુસ્સો કરીએ છીએ. 'ના' કહેવાની જરૂર માણસને બધે પડતી હોય છે. વ્યક્તિગત સંબંધોમાં, કૌટુંબિક સંબંધોમાં, સામાજિક સંબંધોમાં કે વ્યાપારી સંબંધોમાં, રોજે રોજ એવા પ્રસંગો બનતા હોય છે, જયારે માણસને 'ના' કહેવાની જરૂર પડતી હોય છે. ક્યારેક તે સીધી 'ના' કહી દે છે, ક્યારેક બહાનું બતાવીને પરોક્ષ રીતે 'ના' કહે છે, પણ ઘણી વાર તે 'ના' કહેવાની હિંમત કરી શકતો નથી.

 કોઈ મિત્ર કે સંબંધી ઉછીના પૈસા માંગે, વાહન કે અન્ય સાધન વાપરવા માંગે એવા પ્રસંગોમાં મોટે ભાગે આપણને  'ના' કહેવાની ઈચ્છા હોય છે. પણ ખરેખર આપણે શું કરીએ છીએ? ખૂબ ઓછા માણસો સીધેસીધી 'ના' કહી શકે છે. મોટા ભાગના માણસો પરોક્ષ રીતે 'ના' કહે છે, જેમ કે 'મારી પાસે અત્યારે પૈસા નથી'. 'મારે બહાર જવાનું છે' વગેરે. પણ કેટલાક વધુ શરમાળ માણસો 'ના' કહેવાની હિંમત ના હોવાને કારણે 'હા' કહી દે છે કે વાયદો કરે છે. દાખલો તો વ્યક્તિગત સંબંધો બાબતમાં. પણ કૌટિમ્બિક સંબંધોમાં પતિ-પત્ની, પુત્ર-પુત્રી, માતા-પિતા, ભાઈ-બહેન કે અન્યને કોઈ કામ માટે, ઓફિસમાં સહકાર્યકરો કે બોસને કોઈ કામ માટે, આડો-પાડોશીને કે પોતે જ્યાં સ્વૈચ્છીક સેવા કરતા હોઈ એવી સંસ્થામાં 'ના' કહી શકવાને કારણે બિનજરૂરી શારીરિક અને આર્થિક વિટમ્બણાઓ વેઠતા હજારો લોકો જોવા મળે છે.

એક મિત્રની વાત કરું, એક સંસ્થાની વાર્ષિક મિટિંગ કેન્ટીનમાં હતી અને હોદ્દેદારોની ચૂંટણીનો એજન્ડા હતો. 'તમે..' 'ના.. તમે' 'ના, તમે લાયક છો..' એવા આગ્રહો-દુરાગ્રહો સામાન્ય મંત્રીની જવાબદારીવાળી જગ્યા માટે ચાલતા હતા. ત્યાં મિત્ર કેન્ટીનમાં પાણી પીવા આવી ગયા. તે પણ સંસ્થાના સભ્ય તો હતા . એમને જોઈને કોઈએ મમરો મૂક્યો, 'લો, પટેલભાઈ આવી ગયા. એમને સેક્રેટરી બનાવીએ..' સહુને જાણે બકરો મળી ગયો હોય એમ સૌએ એક સાથે 'પટેલભાઈ'ને આગ્રહ-દુરાગ્રહ સાથે 'સેક્રેટરી' બનાવી દીધા. 'પટેલભાઈ' આમ તો સાલસ અને સેવાભાવી માણસ હતા, પણ સ્પષ્ટવક્તા નહિ એટલે 'ના' કહી શક્યા અને પછી તો 'સેક્રેટરી' નો ગાળિયો એમના ગળે પૂરા દસ વર્ષ સુધી રહ્યો! જયારે કંટાળે, થાકે, ઉશ્કેરાય ત્યારે બળાપો કાઢે, 'પાણી પીવા આવ્યો ને સેક્રેટરી બનાવી દીધો’, રાજીનામુ આપવાની હિંમત નહિ એટલે કામ કર્યે જાય. દર વર્ષે છૂટવાનો પ્રયત્ન કરે, પણ 'તમારા વિના ના ચાલે' 'તમે યોગ્ય છો..' જેવા દુરાગ્રહો આગળ 'ના' કહી શકે.

આવા તો અનેક પટેલભાઈઓ આપણને સમાજમાં દેખાશે. ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં ફક્ત 'ના' કહેવાની હિંમતના અભાવે વેંઢાર્યા કરતા, ખોટી પ્રસંશાઓથી થોડું આશ્વાસન મેળવવા પ્રયત્ન કરતા જોવા મળે છે.

'ના'  કહેવા માટે શૌર્યની જરૂર હોતી નથી, પણ પોતીકા અથવા જેને માટે આપણને આદર હોય, પ્રેમ હોય, લાગણી હોય તેમને ખરાબ ના લાગે તે જોવાનો પ્રયત્ન સારા માણસને 'ના' કહેતા અટકાવે છે. આવી બાબતોમાં 'ના' કહી શકવું કોઈ દુર્ગુણ નથી, બલ્કે વ્યક્તિના સદ્દગુણનો વ્યાપ છે. ઘણી વાર પ્રલોભનો, પ્રસંશાને કારણે મનમાં પેદા થતી મોટાઈ વગેરે પણ માણસને 'ના' કહેતા અટકાવે છે. 'ના' કહી શકવાની નબળાઈ ક્યારેક માણસને ચારિત્ર્યસ્ખલન તરફ પણ દોરી જાય છે. સારા માણસોમાં નશો, જુગાર, ઉચાપત, લાંચરુશ્વત જેવા દુર્ગુણોની શરૂઆત મોટે ભાગે 'ના' કહી શકવાને કારણે થઇ જતી હોય છે અને પછી તો જેમ 'પટેલભાઈ' દસ વર્ષ સુધી સેક્રેટરી રહ્યા તેમ એની આદત પડી જતી હોય છે.

અહીં 'ના' જે અર્થમાં વપરાયો છે, તે અર્થમાં સંદર્ભફેરે 'હા' પણ હોઈ શકે. પહેલી વાર 'ના' કહેવું ખૂબ સહેલું છે, બીજી વાર થોડુંક અઘરું પડે. શરૂઆતમાં આપ્યો તે દાખલો લઈએ તો કોઈ પૈસા કે સાધન માંગે ત્યારે પહેલી વખત ના પાડી દઈએ - કોઈ બહાનું બતાવ્યા વિના - તો બીજી વખત માગશે નહિ. એને આપણા 'સ્વભાવ'નો દોષ ગણે. પણ એક વખત આપીએ તો બીજી વખત 'ના' પાડવામાં સંકોચ થાય અને એને વધારે ખરાબ લાગે કારણ કે તે એને આપણા 'હેતુ'ને દોષ ગણે.

No comments:

Post a Comment