Thursday, September 16, 2021

 મોંઘવારી



રોજ સમાચારો વાંચું કે સાંભળું કે મોંઘવારી વધી રહી છે, એટલે કાંઈક કરવાની ઈચ્છાપ્રબળ બને. પણ છાપું મૂકી દીધા પછી ઈચ્છા ખોવાઈ જાય. ખરીદી કરવા જાઉં અને પૈસા ખૂટી જાય ત્યાં પાછી ઈચ્છા સળવળી ઊઠે, પણ પછી વિસરાઈ જાય. પણ હમણાં પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે તો મારી ઈચ્છાને મેં ખોવાવા ના દીધી. જુદા જુદા સ્તરના, જુદા જુદા વ્યવસાયના માણસોને મળી મોંઘવારીના કારણે પડતી તકલીફોનો એક સર્વે કરી ઉત્તેજનાપૂર્ણ લેખ તૈયાર કરવાની ગણતરીથી હું નીકળી પડ્યો.

ઘર બહાર નીકળ્યો ત્યાં પાડોશવાળા ચુનીલાલ મળી ગયા. ચુનીલાલ એક ફેક્ટરીમાં પર્ચેઝમાં હતા. બેત્રણ મિનિટ મૂંગા સાથે ચાલ્યા પછી મેં ઇન્ટરવ્યુંના શ્રીગણેશ કરવાના ઇરાદે ચુનીલાલને કહ્યું, "મોંઘવારી બહુ વધતી જાય છે. પેટ્રોલના ભાવ વધ્યા, રીક્ષાના ભાડા વધ્યા, આપણા જેવા મધ્યમ વર્ગ માટે તો મુશ્કેલી મુશ્કેલી."

મારી વાત સાંભળી ચુનીલાલ ચૂપ રહ્યા. થોડી મિનિટો પછી મને કહે, "એક વાત કહું? રીક્ષાના ભાડા વધ્યા તેથી મને તો ફાયદો થયો છે." હું તેમના તરફ તાકી રહ્યો.

"આશ્રર્ય" મારાથી બોલી જવાયું.

"એમાં આશ્રર્યની વાત નથી. કંપનીના કામે બહાર જાઉં ત્યારે મને જવા-આવવાનું રીક્ષાભાડું મળે છે. થાય છે એવું કે રીક્ષા વહેલી મળતી નથી અને બસ મળી જાય છે. કોઈ વાર સાઇકલ પણ ઢસડી નાખું. બિલ તો રીક્ષાભાડાંનું મૂકવું પડે. કંપનીની ઈજ્જતનો સવાલ છે. હવે તમે કહો, મને ફાયદો કે નુકસાન?"

કાંઈ પણ બોલ્યા વિના કાનની બૂટ પકડીને હું એમનાથી છૂટો પડ્યો. હવે બીજા કોને પકડવા તેનો વિચાર કરતો હતો, ત્યાં બાજુમાં ખાલી રીક્ષા આવીને ઊભી રહી. "ક્યાં જવું છે સાહેબ?" રીક્ષાવાળાનો ઈન્ટરવ્યું લેવાની ઈચ્છાથી હું રીક્ષામાં બેસી ગયો.

"પેટ્રોલના ભાવ વધવાથી તમને મુશ્કેલી પડતી હશે." મેં વાત માંડી.

"એવું કહેવું પડે, સાહેબ."

"મતલબ?"

"મતલબ કે 'મરી ગયા, તૂટી ગયા' એવી બૂમો પાડીએ એટલે સરકાર ભાડાના દર વધારી આપે. જા બિલ્લી મોભામોભ. ભાવ વધે દસ ટકા અને અમે વધારીએ પંદર ટકા. નફાની વાત છે ને સાહેબ?"

મેં રીક્ષા ઊભી રાખવી અને નવા દરથી ભાડું ચૂકવ્યું ત્યારે મને રીક્ષાવાળાની અદેખાઈ આવી.

મોંઘવારી વિરુદ્ધ લેખ લખવાની મારી ઈચ્છા હવે મોળી પડતી જતી હતી. રીક્ષામાંથી ઉતારતો હતો ત્યાં વિપુલ મળ્યો. વિપુલ એક દવાની કંપનીમાં સેલ્સ ઓફિસર હતો.

'કેમ વિપુલ, મઝામાં?" મેં પૂછ્યું.

"ખૂબ મઝામાં." તેને કહ્યું.

"મોંઘવારી..." એટલા શબ્દો બોલીને હું અટકી ગયો. વિપુલને શાના વિષે પૂછવું?

"તારે તો ખૂબ મુસાફરી કરવી પડે છે. ગાડીભાડા વધવાથી તારે મુશ્કેલી." મેઇ બીતા બીતા કહ્યું.

"સહેજે નહિ ને." વિપુલે કહ્યું અને હું તેની સામે તાકી રહ્યો તે જોઈને તેણે ઉમેર્યું, "પહેલી વાત તો કે મુસાફરીનો ખર્ચ કંપની આપે. મારા હોદ્દા પ્રમાણે મારે ફર્સ્ટ ક્લાસમા મુસાફરી કરવી પડે. પણ ફર્સ્ટ ક્લાસમાં  મારા જેવા ઘણા હોય એટલે રિઝર્વેશન ભાગ્યે મળે. એટલે મારે સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરવી પડે. પણ ટી. . બિલ તો ફર્સ્ટ ક્લાસનું જોઈએ. હવે તું કહે. હું ફાયદામાં કે નુકસાનમાં?"

એની વાત સાંભળીને હું માથું ખંજવાળી રહ્યો. હવે ઈન્ટરવ્યું લેવાનો મારો ઉત્સાહ ઓગળી ગયો હતો. થોડેક આગળ ગયો એટલે ગિરધારીલાલ મળ્યા. ગિરધારીલાલની કાપડની દુકાન હતી. "મોંઘવારીની અસર તમને ખરી કે?" મેં તેમને પૂછ્યું.

"ખરીને." તેમણે હસતા હસતા કહ્યું. મને થયું કે સમદુખિયા મળ્યા. "તમને તો ખબર છે કે ડોક્ટરે મને કસરતની સલાહ આપી છે. એટલે હમણાં હું ઘરેથી દુકાને ચાલીને જાઉં છું. ઘરથી દુકાનનો રીક્ષાભાડાનો ખર્ચ હું પેઢીમાં નાંખું છું. નાંખવો પડે કારણ કે ઈન્ક્મટેક્સમાં બાદ મળે છે.પહેલા હું પચીસ રૂપિયા ગણતો હતો, હવે પાંત્રીસ થયા. પૈસા પેટીમાંથી લઈને ખીસામાં મુકવાના. કહો હવે મને અસર થઇ કે નહિ?" કહીને ગિરધારીલાલ બધા દાંત દેખાય એમ હસી પડ્યા.

ગિરધારીલાલથી છૂટો પડી હું એક મિત્રના ઘરે ગયો. મિત્ર મારા જેવી સામાન્ય સ્થિતિનો હતો. મને જોઈને ખુશ થઇ ગયો. તેના ચહેરા પર ખુશીના ચિહ્નો હતા. "કેમ આજે કાંઈ આનંદમાં?"

"ચાંદીના ભાવ જોયા? ખૂબ વધે છે."

"તેમાં તારે ખુશ થવાનું? લેવી પડશે ત્યારે?"

"લેવાની તો આવશે ત્યારે, પણ અત્યારે તો ઘરમાં ત્રણ કિલો ચાંદી પડી છે, તેની કિંમતનો તો વિચાર કર. મારી મૂડી બે દિવસમાં દોઢી થઇ ગઈ."

નિરાશ થઈને ત્યાંથી પણ નીકળ્યો. થોડુંક ચાલ્યો હોઈશ ત્યાં બીજો એક મિત્ર મળ્યો. કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો. ઔપચારિકતા વિના મેં સીધું પૂછી નાખ્યું., "મોંઘવારીની તને કેટલી અસર થઇ?"

"આવકમાં વધારો થયો." કહી તેણે સ્મિત રેલાવ્યું. હું મોં પહોળું કરીને જોઈ રહ્યો. મારો ચહેરો જોઈ એણે ખુલાસો કર્યો. "જો, મોંઘવારી વધે એટલે જીવનધોરણનો આંક વધે. આંક વધે એટલે મોંઘવારી ભથ્થું વધે. હવે આંકમાં ગણાતી બધી વસ્તુઓ તો આપણે લેવા જતા નથી. અનાજ તો - વર્ષ ચાલે એટલું ભર્યું છે. કપડાં પણ ઘણા છે. હવે તું કહે, મોંઘવારીથી ફાયદો કે નુકસાન?"

"ફાયદો." મારે કબૂલ કરવું પડ્યું, અને નિરાશ વદને ચાલતી પકડી. એક સોસાયટીમાં મેં રાખેલા મકાનનું બાંધકામ ચાલતું હતું. આમતેમથી લોન લાવીને મકાનના પૈસા ભર્યા તો ખરા, તોયે ખૂટતા રહેતા. હું ત્યાં ગયો એટલે નાકા ઉપર કોન્ટ્રાક્ટર મળ્યો.

"સિમેન્ટ, ઇંટના ભાવો વધ્યા છે. ભાવ વધારો કરી આપવો પડશે." તેણે કહ્યું. મેં કપાળે હાથ દીધો.

મારી ઉદાસી જોઈ તેણે કહ્યું, "તમારું મકાન તો લગભગ તૈયાર થવા આવ્યું છે. ભાવ વધારો તમને કેટલો નડવાનો? એની સામે વિચાર કરો કે નવું મકાન શરુ કરનારને કેટલું મોંઘુ પડશે? અને તમે મકાન વેચવા કાઢો તો....?" કહી એની સમજાવટની મારા પર કાંઈ અસર થઇ છે કે કેમ તે જોવા અટક્યા.

"મકાન વેચવા કાઢું તો?" પ્રશ્ન મારા મનમાં ઘૂમરી ખાઈ રહ્યો. મારી બધી તકલીફોનો ઈલાજ કદાચ એમાં હતો!   

ઘરે પહોંચ્યો તો શ્રીમતીજીને પણ ખુશખુશાલ દીઠા. ઘરમાં પગ મૂકતા તેમણે શુભ સમાચાર આપ્યા, "બધી પસ્તી આપી દીધી. " ચાલો, શૂળીનું વઘન કાંટે ગયું, મને થયું.

"સારું કર્યું." મેં કહ્યું.

"જાણો છો? વખતે પસ્તીનો ભાવ ઘણો સારો આવ્યો." તેણે હસતા હસતા કહ્યું, અને મને કોઠામાં થોડીક ટાઢક થઇ. "હાશ! મોંઘવારીનો ફાયદો મને પણ થયો ખરો!"

ત્યાર પછી મને મોંઘવારીનું અર્થશાસ્ત્ર બરાબર સમજાઈ ગયું છે અને જયારે જયારે મોંઘવારી વધવાના સમાચાર વાંચું ત્યારે મારા ઘરમાં રહેલા પત્નીના દાગીના, દેવું કરીને ઊભું કરેલું નાનકડું મકાન, અરે, મારા હાથમાં રહેલું છાપું, એવી મારી મૂડી કહેવાય તેવી ચીજોમાં થઇ રહેલો વધારો જોઈને ખુશ થઇ જાઉં છું. 'માર્કેટ કેપિટલ'નું રહસ્ય મને બરાબર સમજાઈ ગયું છે.

... પણ, હવે હું ફરી બેચેન બની ગયો છું. અમેરિકાથી શરૂ થયેલું મંદીનું વાવાઝોડું મારી ખુશીને છીનવી લેવા મારા તરફ ધસી રહ્યું છે. 'નીકળી જાઓ', 'નીકળી જાઓ' ના પોકારો ચોમેર સંભળાય છે, પણ ઘરમાંથી કેવી રીતે નીકળું? ક્યાં જાઉં?"..

Tuesday, September 7, 2021

 

'ના'

 


ગુજરાતી ભાષામાં એક કહેવત છે, 'એક નન્નો સો દુઃખોને હણે'. મતલબ કે એક 'ના' કહી દો એટલે ઘણી બધી ચિંતામાંથી મુક્ત થઇ જવાય. આમ તો કહેવત સહજતાથી - કદાચ કટાક્ષમાં કહી દેવાયું એક અર્ધ સત્ય છે.  'ના' કહેવાથી સો દુઃખો કદાચ દૂર થાય પણ ખરા અને હજાર દુઃખો પેદા પણ થાય.

આમ છતાં જયારે 'ના' કહેવાની હોય ત્યારે પણ 'ના' કહી શકનાર ચોક્કસપણે પોતાને માટે દુઃખો પેદા કરે છે એવો અનુભવ મને, તમને અને બધાને વારંવાર થતો હોય છે. અંદરખાનેથી આપણી શક્તિ અને મર્યાદાઓનો વિચાર કરતા પણ આપણને 'ના' સિવાય બીજું પરવડી શકતું ના હોય છતાં આપણે 'ના' કહી શકતા નથી, ત્યારે આપણી જાત ઉપર આપણે ગુસ્સો કરીએ છીએ. 'ના' કહેવાની જરૂર માણસને બધે પડતી હોય છે. વ્યક્તિગત સંબંધોમાં, કૌટુંબિક સંબંધોમાં, સામાજિક સંબંધોમાં કે વ્યાપારી સંબંધોમાં, રોજે રોજ એવા પ્રસંગો બનતા હોય છે, જયારે માણસને 'ના' કહેવાની જરૂર પડતી હોય છે. ક્યારેક તે સીધી 'ના' કહી દે છે, ક્યારેક બહાનું બતાવીને પરોક્ષ રીતે 'ના' કહે છે, પણ ઘણી વાર તે 'ના' કહેવાની હિંમત કરી શકતો નથી.

 કોઈ મિત્ર કે સંબંધી ઉછીના પૈસા માંગે, વાહન કે અન્ય સાધન વાપરવા માંગે એવા પ્રસંગોમાં મોટે ભાગે આપણને  'ના' કહેવાની ઈચ્છા હોય છે. પણ ખરેખર આપણે શું કરીએ છીએ? ખૂબ ઓછા માણસો સીધેસીધી 'ના' કહી શકે છે. મોટા ભાગના માણસો પરોક્ષ રીતે 'ના' કહે છે, જેમ કે 'મારી પાસે અત્યારે પૈસા નથી'. 'મારે બહાર જવાનું છે' વગેરે. પણ કેટલાક વધુ શરમાળ માણસો 'ના' કહેવાની હિંમત ના હોવાને કારણે 'હા' કહી દે છે કે વાયદો કરે છે. દાખલો તો વ્યક્તિગત સંબંધો બાબતમાં. પણ કૌટિમ્બિક સંબંધોમાં પતિ-પત્ની, પુત્ર-પુત્રી, માતા-પિતા, ભાઈ-બહેન કે અન્યને કોઈ કામ માટે, ઓફિસમાં સહકાર્યકરો કે બોસને કોઈ કામ માટે, આડો-પાડોશીને કે પોતે જ્યાં સ્વૈચ્છીક સેવા કરતા હોઈ એવી સંસ્થામાં 'ના' કહી શકવાને કારણે બિનજરૂરી શારીરિક અને આર્થિક વિટમ્બણાઓ વેઠતા હજારો લોકો જોવા મળે છે.

એક મિત્રની વાત કરું, એક સંસ્થાની વાર્ષિક મિટિંગ કેન્ટીનમાં હતી અને હોદ્દેદારોની ચૂંટણીનો એજન્ડા હતો. 'તમે..' 'ના.. તમે' 'ના, તમે લાયક છો..' એવા આગ્રહો-દુરાગ્રહો સામાન્ય મંત્રીની જવાબદારીવાળી જગ્યા માટે ચાલતા હતા. ત્યાં મિત્ર કેન્ટીનમાં પાણી પીવા આવી ગયા. તે પણ સંસ્થાના સભ્ય તો હતા . એમને જોઈને કોઈએ મમરો મૂક્યો, 'લો, પટેલભાઈ આવી ગયા. એમને સેક્રેટરી બનાવીએ..' સહુને જાણે બકરો મળી ગયો હોય એમ સૌએ એક સાથે 'પટેલભાઈ'ને આગ્રહ-દુરાગ્રહ સાથે 'સેક્રેટરી' બનાવી દીધા. 'પટેલભાઈ' આમ તો સાલસ અને સેવાભાવી માણસ હતા, પણ સ્પષ્ટવક્તા નહિ એટલે 'ના' કહી શક્યા અને પછી તો 'સેક્રેટરી' નો ગાળિયો એમના ગળે પૂરા દસ વર્ષ સુધી રહ્યો! જયારે કંટાળે, થાકે, ઉશ્કેરાય ત્યારે બળાપો કાઢે, 'પાણી પીવા આવ્યો ને સેક્રેટરી બનાવી દીધો’, રાજીનામુ આપવાની હિંમત નહિ એટલે કામ કર્યે જાય. દર વર્ષે છૂટવાનો પ્રયત્ન કરે, પણ 'તમારા વિના ના ચાલે' 'તમે યોગ્ય છો..' જેવા દુરાગ્રહો આગળ 'ના' કહી શકે.

આવા તો અનેક પટેલભાઈઓ આપણને સમાજમાં દેખાશે. ઘરમાં, કુટુંબમાં, સમાજમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં ફક્ત 'ના' કહેવાની હિંમતના અભાવે વેંઢાર્યા કરતા, ખોટી પ્રસંશાઓથી થોડું આશ્વાસન મેળવવા પ્રયત્ન કરતા જોવા મળે છે.

'ના'  કહેવા માટે શૌર્યની જરૂર હોતી નથી, પણ પોતીકા અથવા જેને માટે આપણને આદર હોય, પ્રેમ હોય, લાગણી હોય તેમને ખરાબ ના લાગે તે જોવાનો પ્રયત્ન સારા માણસને 'ના' કહેતા અટકાવે છે. આવી બાબતોમાં 'ના' કહી શકવું કોઈ દુર્ગુણ નથી, બલ્કે વ્યક્તિના સદ્દગુણનો વ્યાપ છે. ઘણી વાર પ્રલોભનો, પ્રસંશાને કારણે મનમાં પેદા થતી મોટાઈ વગેરે પણ માણસને 'ના' કહેતા અટકાવે છે. 'ના' કહી શકવાની નબળાઈ ક્યારેક માણસને ચારિત્ર્યસ્ખલન તરફ પણ દોરી જાય છે. સારા માણસોમાં નશો, જુગાર, ઉચાપત, લાંચરુશ્વત જેવા દુર્ગુણોની શરૂઆત મોટે ભાગે 'ના' કહી શકવાને કારણે થઇ જતી હોય છે અને પછી તો જેમ 'પટેલભાઈ' દસ વર્ષ સુધી સેક્રેટરી રહ્યા તેમ એની આદત પડી જતી હોય છે.

અહીં 'ના' જે અર્થમાં વપરાયો છે, તે અર્થમાં સંદર્ભફેરે 'હા' પણ હોઈ શકે. પહેલી વાર 'ના' કહેવું ખૂબ સહેલું છે, બીજી વાર થોડુંક અઘરું પડે. શરૂઆતમાં આપ્યો તે દાખલો લઈએ તો કોઈ પૈસા કે સાધન માંગે ત્યારે પહેલી વખત ના પાડી દઈએ - કોઈ બહાનું બતાવ્યા વિના - તો બીજી વખત માગશે નહિ. એને આપણા 'સ્વભાવ'નો દોષ ગણે. પણ એક વખત આપીએ તો બીજી વખત 'ના' પાડવામાં સંકોચ થાય અને એને વધારે ખરાબ લાગે કારણ કે તે એને આપણા 'હેતુ'ને દોષ ગણે.