Monday, July 26, 2021

 

ગઈ કાલ અને આવતી કાલ

 


ઝોબર્ટ બર્ડેટ નામના એક વિચારકે લખ્યું છે કે 'બે દિવસ એવા છે કે જેના વિષે કોઈએ કદી વિચાર ના કરવો જોઈએ - ગઈ કાલ અને આવતી કાલ.' આવા અનેક વિચારકો, ધર્મગુરુઓ, અનુભવીઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માનવીના દુઃખોના મૂળ આજને ભૂલીને ગઈ કાલ અને આવતી કાલની ચિંતા કરવામાંથી જન્મ્યા છે.

આવતી કાલની વાત લઈએ. ઘણા માણસો આવતી કાળના સુખની અપેક્ષાએ આજે મળેલા સુખનો ઇન્કાર કરીને વિટમ્બણાઓ - દુઃખો વેઠે છે. આવતો જન્મ સારો મળે કે મૃત્યુ પછી સ્વર્ગ મળે તે માટે આજે એના મન કે શરીરને અનુકૂળ ના હોય એવી મુસીબતો ઊઠાવે છે. આપણા દાર્શનિક ચાર્વાક મુનિ (જેને નિરીશ્વરવાદી તરીકે ઓળખાવ્યા છે) કહેલી વાત વિચારવા જેવી છે. 'યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત (મતલબ કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, દેવું કરીને પણ ઘી ખાઓ) એક વાસ્તવવાદી સલાહ છે. એક અન્ય વિચારકે કહેલી વાત પણ વિચારવા જેવી છે. 'માનવીની ઘણીખરી જિંદગી જીવન જીવવા માટેની તૈયારી કરવામાં વેડફાઈ જાય છે.'  આપણી એક કહેવત પણ વિષે સારી નુક્તેચીની કરે છે, 'પથારી કરવામાં સવાર થઇ ગઈ.' આપણામાંના મોટા ભાગના લોકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીશું તો તેઓ મોટા ભાગે પથારી કરતા હોય છે. કાલ સારી આવે તે માટે આજનો ભોગ આપવામાં આપણે એક પ્રકારનું ગૌરવ પણ લેતા હોઈએ છીએ. પણ કાલ કોણે દીઠી છે?

આવતી કાલને સુખી બનાવવા માટે માણસ જે પ્રવૃત્તિ કરે છે તેમાં આર્થિક પ્રવૃત્તિ મુખ્ય છે. ગજા બહારનું કામ કરીને કે શરીરને - કુટુંબને ભારે તકલીફ આપીને ધન એકઠું કરવા પાછળ પાડનારા માણસોનો તોટો નથી. એઓ રોજિંદી જિંદગીમાં આવતી સુખની અનેક ઘડીઓ વેડફી મારે છે. પછી એવું બને છે કે એની પાસે ભોગવવા માટે ધન ભેગું થાય છે ત્યારે એનું મન, શરીર કે સંબંધો માટે  યોગ્ય રહેતા નથી. પાછળની જિંદગી આરામથી જાય તે માટે જુવાનીમાં જાતને ઘસી નાંખ્યા પછી આરામ અનુભવવાની ઈચ્છા થાય ત્યારે તેનું શરીર આરામથી બેચેન બની જાય છે. નિવૃત્તિ સુધી ઢસરડો કરતા અનેક માણસો નિવૃત્તિ પચાવવા યોગ્ય રહેતા નથી અને અકાળે જીવનનો અંત કે અસાધ્ય રોગો નોતરી બેસે છે, આવતા ભવમાં કે મૃત્યુ બાદ સુખની અપેક્ષામાં ભગવાને ભોગવવા માટે આપેલી મહામોલી જિંદગી એળે જવા દે છે.

'ગઈ કાલ'ની વાત કરીએ. ઘણા માણસો ભૂતકાળને વાગોળતા રહે છે. ભૂતકાળમાં તેમણે વેઠેલી તકલીફો બદલ ગૌરવ અનુભવે છે, પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરાઓને વળગી રહેવામાં ગૌરવ મને છે - ફક્ત એટલે માટે કે તે પૂરાણી છે, પછી ભલે તે આજની સાથે સુસંગત ના હોય. પેઢીઓ જૂના વેર કે કવેણને  યાદ રાખીને બિનજરૂરી ઝઘડાઓ વહોરી લે છે. ગૌરવભર્યા ભૂતકાળમાં રાચીને પ્રગતિમાં રૂકાવટ ઊભી કરેછે. ગઈ કાલે ખરાબ પણ આજે સારા એવા અનેક માણસો, ગઈ કાલે ખરાબ પણ આજે સારી એવી ચીજોને ભૂતકાળ યાદ કરીને - કરાવીને ભાંડે છે. ધર્મનું ઝનૂન, જડબેસલાક જ્ઞાતિપ્રથા ગઈ કાલને લટકી રહેવાનું પરિણામ છે અને એમાં હઝારો લોકોની આજ હરામ બની જાય છે.

ગઈ કાલની યાદ એટલા માટે જરૂરી છે કે એના અનુભવોમાંથી આજ સુધરે. ઇતિહાસના અનુભવો એમાંથી આજે બોધપાઠ લેવા માટે છે. જ્ઞાતિપ્રથા જેવી કોઈ પ્રકારની વ્યવસ્થા જરૂરી લાગે તો તે પણ તેના મર્યાદિત હેતુ પૂરતી છે. રીતે આવતી કાલ માટે વધુ પડતી ઉત્સુક્તાને બદલે એનું ગઈ કાલ અને આજના સંદર્ભમાં યોગ્ય આયોજન જરૂરી છે. લાખે એક એવી શક્યતાને અકસ્માત ગણાય. તેવી શક્યતા વિચારીને આપણી આજ બગાડાય - હા, ચેતતા જરૂર રહીએ.આવતી કાલ માટેનું આયોજન આજની  જરૂરિયાત છે. એવી રીતે કરવું જોઈએ કે જેથી આજના અને આવતી કાલના સુખો-દુઃખો વચ્ચે યોગ્ય પ્રમાણ જળવાઈ રહે. આવતી કાલની મુઠ્ઠીભર તકલીફના નિવારણ માટે આજે ટોપલો ભરીને દુઃખ ના વેઠાય. કાલે ભૂખે મરવું પડે એટલી  મોજ પણ આજે ના કરાય.

છેલ્લા કેટલાક વર્ષોથી ઉપભોક્તાવાદનું પ્રમાણ વધી રહ્યું છે. ઉપર કહ્યા પ્રમાણેની આચાર્ય ચાર્વાકની નીતિને અનુસરનારા લોકો વધી રહ્યા છે. શૂન્ય ટકાની લોન કે એવા અનેક પ્રલોભનોએ આજને ઉજવવાનું ખૂબ સરળ બનાવવા માંડ્યું છે. છોકરાના છોકરા સુખી થાય તે માટે તન તોડનારાની સંખ્યા ઘટી રહી છે ત્યારે ઉપરની વાત થોડી અવાસ્તવિક પણ લાગે. એટલે આવતી કાલની સાથે ગઈ કાલની વાત પણ કરી છે.

આવતી કાલનું આયોજન અને ગઈ કાલના બોધપાઠનું યોગ્ય સંયોજન કરીને આજને જીવવાનો પ્રયાસ કરીએ. સંયોજનો પાયાના માનવીય ગુણો - જેવા કે દયાભાવ, સહાનુભૂતિ, ઉદારતા, પ્રામાણિકતા વગેરેનું આવરણ ચડાવીને એવું બનાવીએ કે આપણે આપણી પોતાની કે પોતાનાની નહિ,પણ સમાજની આજને પણ જીવવા યોગ્ય બનાવીએ. માનવી સામાજિક પ્રાણી છે એટલે જો સમાજ સુખી ના હોય તો  માનવી સુખી રહી શકે નહિ વાસ્તવિકતાનો ખ્યાલ રાખવો રહ્યો. 




Saturday, July 24, 2021

 

મને જ લઇ જા ને



     હું એક વેબસાઇટ પર કવિતાવાળા કેટલાક ‘બ્લોગ’ વાંચતો હતો. મને એક કવિતા ખૂબ ગમી. તે ખૂબ સરસ શબ્દોમાં, પ્રભાવશાળી કવિતા હતી. મેં ટિપ્પણીઓમાં મારી પ્રશંસા લખી. થોડા દિવસો પછી મને મારા મેઇલબોક્સમાં એક મેઇલ મળ્યો કોઈએ મારી ટિપ્પણી સામે ટિપ્પણી લખી છે. મને તે વ્યક્તિ વિશે વધુ જાણવાની રુચિ થઇ, તેથી મેં પ્રોફાઇલ ચકાસી.

પરિચયની માત્ર થોડીક લાઇનો હતી. નામ: નફીસા, ઉંમર 22, નિવાસ લાહોર, પાકિસ્તાન, સરકારી કચેરીમાં નોકરી. નફીસાએ તેના જવાબમાં લખ્યું હતું કે તેણે કવિતા લખી નથી. તેણે કોઈની કવિતા મૂકી હતી, કારણ કે તેને પણ તે ખૂબ ગમી હતી. તે કવિનું નામ પણ જાણતી ન હતી. તેણે લખ્યું હતું, ‘જો કોઈ કવિતાના શબ્દો આપણા હૃદયને સ્પર્શે તો શું ફરક પડે કોણ કવિ છે ..’ એવું લાગે છે કે તેણે મારી ટિપ્પણીઓ વાંચતી વખતે મારી પ્રોફાઇલ જોઈ હતી. તેણે આગળ લખ્યું હતું, ‘સર, એવું લાગે છે કે તમે પણ મારી જેમ કવિતાના પ્રેમી છો. શું હું તમને ક્યારેક મેલ લખી શકું છું?

  આ સાથે, અમારી વાતચીત (ચેટ) શરૂ થઇ. તેને ગમતી કાવ્યપંક્તિઓ તે મને લખે, હું જે કઈ લખું તેના પર તેના વિચારો જણાવે, અને એમ આ ગોષ્ઠિની સાથે પરિચયનું વર્તુળ પણ મોટું થતું જાય. નફીસા એના પત્રોમાં જે કોઈ કવિતાઓ, સુવાક્યો, કે એવું જે કઈ લખી મોકલે તેમાં વિષાદ ડોકાતો હોય. તે જીવનને નિરાશાથી જોતી હોય એવું લાગે. 22 વર્ષની ઉગતી જુવાનીમાં જે ઉત્સાહ, ઉમંગ અને સ્વપ્નો હોવા જોઈએ તેને બદલે નિરાશા જ દેખાય.

એકવાર મેં તેને લખ્યું, "તારું શહેર તો જિન્દાદિલાને લાહોર તરીકે પ્રસિદ્ધ છે. એટલે ત્યાંના લોકો તો જિંદાદિલ જ હોય.તારી વાતોમાં તો હંમેશા નિરાશા જ કેમ દેખાય છે?"

"એવું કાંઈ નથી, તમારો વહેમ છે." એવું લખીને તેણે એનો ઉત્તર ટાળી દીધો હતો.

છતાં ટૂકડે ટૂકડે તેણે પોતાની, પોતાના કુટુંબની વગેરે માહિતી આપી દીધી હતી. વારંવાર તે લખતી, "તમારા પત્રો વાંચીને મનને ગજબનું શુકુન મળે છે." મને લાગતું હતું કે તેની ઈચ્છા તો દિલ ખોલીને વાત કહેવાની છે, પણ તે કહેવાની હિંમત ચાલતી ન હોવાથી આડકતરી રીતે વાતો દ્વારા તેની મૂંઝવણનો અણસાર આપી આપી રહી હતી. એક વાર મેં પૂછ્યું હતું, "લાગે છે કે તારા મન ઉપર કોઈ આઘાત કે નિરાશાની ઊંડી અસર છે. શું કોઈના પ્રેમમાં પડી છે?"

તેણે પછીના પત્રમાં તો એ પ્રશ્નની અવગણના કરી હતી, પણ પછીના બેત્રણ પત્રોમાં તેણે ધીરે ધીરે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી દીધી. તેણે એ પણ લખ્યું કે મારી મૂંઝવણ મારી ખાસ સહેલીઓને પણ નથી જણાવી.

તેની વાત કાંઈક આવી હતી.

તે જયારે કોલેજમાં એમ.એ. ના છેલ્લા વરસમાં હતી ત્યારે તેના વર્ગનો એક યુવાન તેને ગમવા લાગ્યો હતો. તે પણ તેના તરફ આકર્ષાયો હતો. યુવાને તો તેની લાગણી વ્યક્ત પણ કરી હતી, પણ તેણે એ લાગણીનો પ્રતિભાવ આપ્યો ન હતો. પેલા યુવાને તો તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધી હતો, જે તેણે નકારી કાઢ્યો હતો. થોડા જ સમયમાં અભ્યાસ પૂરો થયો. બંને છૂટા પડી ગયા, ત્યારે તેને એહસાસ થયો કે તે ખરેખર પેલા યુવાનને ચાહતી હતી. પણ તે તો કોલેજ છોડી દૂર ચાલી ગયો હતો અને થોડા જ સમયમાં તેનું વેવિશાળ પણ થઇ ગયું હતું. પોતાના આ સંકોચશીલ વર્તન માટે તે સંપૂર્ણ રીતે પોતાની જાતને જવાબદાર માનતી હતી.

મેં તેને પૂછ્યું હતું કે જો તને તે ખરેખર ગમતો હતો તો તેને નકારવાનું કારણ તેના કુટુંબીજનોનો ડર હતો કે કેમ? નફીસા થોડો સમય તો નિરુત્તર રહી હતી. ત્યાર બાદ તેણે ખુલાસો કર્યો હતો, જે જાણીને મને પણ થોડો આઘાત લાગ્યો હતો.

તેના વિવાહ તે સત્તર વર્ષની હતી ત્યારે જ તેની ફોઈના દીકરા સલીમ સાથે થઇ ગયા હતા. તે છોકરો નહોતો દેખાવડો કે નહોતો ભણેલો. દશમાં ધોરણ સુધી ભણીને તેણે વાયરમૅનનો કે એવો કોઈ કોર્સ કર્યો હતો, પણ કોઈ કામ ધંધો કરતો નહોતો. આ ઉપરાંત તે નફીસાથી ઉંમરમાં બે વરસ નાનો હતો. તે લોકો લાહોરથી દૂર ગામડામાં રહેતા હતા, જ્યાં તેમનો ધંધો અને ખેતી હતા.

નફીસા ઘરમાં ત્રણ બહેનોમાં સૌથી મોટી હતી. નફીસાના પપ્પા તેની ફોઈ (જેના છોકરા સાથે તેના વિવાહ થયા હતા) કરતા નાના હતા, ઓછા પૈસાવાળા હતા એટલે ફોઈથી થોડા દબાયેલા પણ ખરા! 'આવા સંજોગોમાં હું શું કરું?' તેણે લખ્યું હતું. તેના પપ્પાની ઈચ્છા પણ નફીસા સાથે આટલી અસમાનતા ધરાવતા  સલીમ સાથે, તે સગી બહેનનો એકનો એક દીકરો હોવા છતાં, પરણાવવાની નહોતી. નફીસાની મમ્મી દિલથી તો નફીસાની ફિકર કરતી હતી પણ કૌટુંબિક ક્લેશના ડરથી ચૂપ જ રહેતી હતી.

એક દિવસ ઘરમાં આ અંગે વાત થઇ ત્યારે તેના પપ્પાએ સલીમ સાથેના વિવાહ ફોક કરવાની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો, ત્યાં તો મોટો ઝઘડો થયો હતો. નફીસાની દાદીએ તો ઘરમાં તેના પપ્પા-મમ્મીની સાથે વાત કરવાનું પણ બંધ કરીદીધું હતું. દાદીને તેની દીકરી અને તેનું કુટુંબ તો વહાલું હતું જ, પણ સાથે તેની દીકરીના કુટુંબની સંપત્તિની માલિકણ કોઈ બહારની છોકરી આવીને બને તેના કરતા ખુદ તેમની પૌત્રી બને તેમાં વધારે રસ હતો.

નફીસાની આ બધી વાત જાણીને મને ખરેખર આઘાત લાગ્યો હતો. તેના આ સંજોગો જાણ્યા બાદ તેણે તેના મનના માણિગરને આપેલા જાકારાને હું સમજી શક્યો હતો. સંજોગોએ તેને ઘણી વહેલી પુખ્ત (mature) બનાવી દીધી હતી. સ્વપ્નો જોવાની અને તેમાં મહાલવાની ઉંમરે જીવનને ઉદાસીનતાથી જોવાની તેને ફરજ પડી હતી. તે લખતી હતી, "મેં મારા ભવિષ્ય વિષે વિચારવાનું છોડી દીધું છે. અલ્લાહ જે પરિસ્થિતિનું મારે માટે સર્જન કરશે તેને અપનાવવાનું મેં મનોમન નક્કી કરી લીધું છે. હવે દિલને બહેલાવે તેવી કોઈ વાતથી પણ ખુશ થવાને બદલે મારામાં ઉદાસીનતા ફેલાઈ રહે છે. "

તેની શાદી ક્યારે છે, શાદી પછી નોકરી ચાલુ રાખવા માટે સલીમ સાથે લાહોરમાં ઘર રાખીને રહી શકાય કે કેમ એવું મેં તેને પૂછ્યું  હતું. તેણે લખ્યું હતું, "શાદીને તો હજુ બે વરસ લાગી શકે એવું મારા ઘરના કહે છે, જયારે મારા ફોઈ તો હજુ પાંચ વર્ષ રાહ જોવાનું કહે છે. એક રીતે તો મારે માટે સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લેવા માટે એટલો લાંબો સમય છે એમ કહી શકાય,પણ ભાવિની અનિશ્ચિતતા જેટલી વધુ લંબાય છે તેમ, મને લાગે છે કે હું તૂટતી જાઉં છું."

"એ દરમિયાન કોઈ સારો - તારે લાયક અને તને ગમે એવો છોકરો તારા પરિચયમાં આવે તો તારા વિવાહ ફોક કરી તેવા છોકરા સાથે શાદી કરવાનો વિચાર કરી શકે ખરી?" એવું મેં લખ્યું ત્યારે ઉત્તરમાં તેણે જણાવ્યું હતું કે "uncle હું મનથી એટલી બધી તૂટી ગઈ છું કે હવે કોઈ યુવાન તરફ આશાભરી નજરે જોઈ શકતી નથી. એવો કોઈ યુવાન મારી નજીક આવવાનો પ્રયત્ન કરે, કે મારા પપ્પા મારી સમક્ષ દૂરના પરિચિતોમાંથી કોઈ છોકરાનો ઉલ્લેખ કરે ત્યારે, મારી નજર સમક્ષ તેની સાથે જ સલીમનો ચહેરો ઉપસી આવે છે અને હું નિરાશ થઇ જાઉં છું, પાછી પડી જાઉં છું."

હું તેને સલાહ, સાંત્વન આપવા અને તેની ચિંતામાં ભાગીદાર થવા સિવાય કોઈ ભૂમિકા ભજવી શકતો નહોતો. ધીરે ધીરે અમારો પત્ર-વ્યવહાર ફરી એ વાતો છોડી કાવ્યો અને અન્ય વાતો તરફ વળ્યો હતો, મારો પ્રયત્ન તેની ઉદાસી, ભલે થોડાક સમય માટે, દૂર કરવાનો હતો. ક્યારેક એના લગ્નની વાતો નીકળી જાય તો પણ તેમાં કાંઈ નવું ન હોવાથી તે વધુ લંબાતી નહોતી. અમારા પત્રો વચ્ચેનો સમયગાળો પણ વધતો જતો હતો, કોઈ નવી વાત ન હોવાથી પત્રો પણ નાના થતા જતા હતા.

પછી તો તેના પત્રો આવતા જ બંધ થઇ ગયા. મેં બે-ત્રણ પત્રો લખ્યા, પણ તેના ઉત્તર ન મળ્યા એટલે મેં માની લીધું કે તેના લગ્ન સલીમ સાથે થઇ ગયા હશે. કારણ કે લગ્ન પછી તેને નોકરી છોડવાની હતી અને ઇન્ટરનેટ માટે તે તેની ઓફિસના કમ્પ્યુટરનો કરતી હતી, જે ગામડામાં સલીમના ઘરે નહોતું. મને તેને માટે ખૂબ દુઃખ થયું. મને ખાતરી હતી કે તેવી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવા જેટલી માનસિક પરિપકવતા તેણે અગાઉથી જ કેળવી લીધી હતી. એક વાર તેણે લખ્યું હતું, "શાદી કરીને ગામડે રહેવા ગયા પછી મારે ઘરના લોકો માટે રસોઈ બનાવવી, પતિની તનથી સેવા કરવી (મન તો ક્યાંથી લાવું? અને ધન પણ ક્યાં મારું છે?) , છોકરા પેદા કરીને મોટા કરવા અને સામાજિક પ્રસંગોએ સારા સારા કપડાં અને ઘરેણાં પહેરી, બનાવટી હાસ્ય મોં પર લાવીને, મ્હાલવા જેવા એટલા બધા કામો રહેશે કે મને બીજું કાંઈ યાદ કરીને આનંદ કે અફસોસ કરવાનો સમય જ નહિ મળે. મારુ વિશ્વ મારા ઘરસંસારમાં જ સમેટાઈ જશે. એકવીસમી સદીમાંથી હું સીધી ઓગણીસમી સદીમાં પહોંચી જઈશ - એચ.જી.વેલ્સના ટાઈમ મશીન વિના..!

પછી તો નફીસા મારી સ્મૃતિમાંથી પણ ઝાંખી થવા લાગી. જો કે ક્યારેક સારું વાંચતી વખતે તેની યાદ આવી જતી ખરી. એવામાં એક દિવસ મારા મેલબોક્સમાં તેનો મેલ આવ્યો. તેનું ઇમેઇલ આઈડી મને બરાબર યાદ હતું એટલે હું ઝડપથી ઉત્સુકતાપૂર્વક તે ખોલીને વાંચવા મંડ્યો.

'uncle , ઘણા સમયે આપને લખું છું તે બદલ ખૂબ દિલગીર છું. માનુ છું કે તમે મારી શાદી સલીમ સાથે થઇ ગયાની કલ્પના કરીને મારા ઉત્તરની આશા છોડી દીધી હશે. તમારી દુઆ અને અલ્લાહની મહેરબાનીથી મારા જીવનનો રાહ એકાએક જ બદલાઈ ગયો. આપણે વિમાનમાં બેસીને ધરતીથી ઉપર જઈએ, પછી નીચે નજર કરીએ ત્યારે આપણને લાગે છે કે જેને નીચે મૂકીને આવ્યા છીએ તે દુનિયા તો કેટલી નાની છે? મેં પણ વિમાનની પાંખે બેસીને, જેને હું વિશ્વ માનતી હતી તે ગામડાની અને લાહોરની દુનિયાને નાની બનતી જોઈ લીધી છે. હા, હું ઊડીને અમેરિકા આવી ગઈ છું. બધું એટલું અચાનક બની ગયું અને હું એવી વ્યસ્ત બની ગઈ કે મેલ જોવાનો કે મોકલવાનો સમય જ ન રહ્યો. તમને તો હું સુખદ આશ્રર્ય પણ આપવા માંગતી હતી. ખુશ છો ને તમે? મેં સદા તમને, તમારી શાણી અને વ્યહવારું વાતોને યાદ કરી છે, યાદ રાખી છે. મારા પિતા બાદ તમે મારા વડીલ તરીકે સલાહકારની મહત્વની ભૂમિકા ભજવી છે. તમે મારી નિરાશાના દિવસોમાં મારું મનોબળ જાળવી રાખ્યું છે અને મારામાં આશાની જ્યોત સદા જલતી રાખી છે.

"મારા સ્વભાવથી વિરુદ્ધ, ઘર અને સમાજની સામે થઈને, એક વખતના મારા શાળાજીવનના સહાધ્યાયી અને મિત્ર એવા જુનેદ સાથે શાદી કરીને હું અમેરિકા આવી ગઈ છું. એ રજાઓમાં લાહોર આવ્યો હતો, શાદી કરવા માટે જ આવ્યો હતો. એક શોપિંગ મોલમાં મુલાકાત થઇ. જૂના સ્મરણો તાજા થયા, જૂની-નવી વાતો થઇ. અને.. uncle, તમારી પ્રેરેલી હિંમતના પ્રતાપે મેં જાણે મજાકમાં કહેતી હોઉં એવા ટોનમાં કહી જ નાખ્યું, "શાદી કરવા આવ્યો છે તો મને જ લઇ જા ને....!"

અને, uncle , પછી તો, હવે તો, મારા બધા વિષાદ ઓગળી ગયા...!" 

(અર્ધ સત્ય, અર્ધ કલ્પના)






 

 

 

Thursday, July 22, 2021

 

નરો વા

            યુદ્ધનો આજે ચૌદમો દિવસ પૂરો થયો. સૂર્યાસ્ત થતા બંને પક્ષે યુદ્ધ પૂરું થયું. રાત્રે સેનાપતિઓ અને સૈનિકો પોતપોતાના તંબુઓમાં વિરામ માટે ગયા. ધર્મ (યુધિષ્ઠિર) ના પક્ષે મૂઠીભર સેનાનીઓ અને ઓછા સૈનિકો હોવા છતાં તે ચૌદ દિવસથી અધર્મીઓ સામે ટક્કર ઝીલી રહ્યા હતા. પ્રતિષ્ઠિત સેનાનીઓ ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય વગેરે સામા પક્ષે હોવા છતાં તેમની એકે એક વ્યૂહ રચનાને ધર્મના ચાર ભાઈઓ ધર્મના નેતૃત્વ હેઠળ અને કૃષ્ણની સલાહ અનુસાર છિન્નભિન્ન કરતા રહ્યા હતા. જેની ગણના વિશ્વના શ્રેષ્ઠ સેનાપતિ અને બાણાવાળીઓમાં થતી હતી તથા જે કદી પરાજયને પામ્યા નહોતા તે ભીષ્મ અધર્મ (દુર્યોધન) પક્ષે રહીને દશ દિવસના નિષ્ઠાપૂર્વકના ભારે યુદ્ધ છતાં ધર્મને નમાવી શક્યા નહોતા. એટલે અધર્મી દુર્યોધનને ચિંતા પેઠી હતી. પણ આજના દ્રોણના યુદ્ધથી નિશ્ચિત જીતની તેની આશા ફરી મહોરી ઊઠી હતી. તો સામે પક્ષે ધર્મના પક્ષમાં દ્રોણનું આજનું યુદ્ધ ચિંતા જગાવી ગયું હતું. દ્રોણના સેનાપતિપદનો હવે એક જ દિવસ બાકી હતો પણ એ એક દિવસ જો તેઓ આજના જેવી જ શક્તિથી લડે તો ધર્મની હાર નિશ્ચિત હતી.

ધર્મ પક્ષના ધુરંધરો અર્જુન, ભીમ, દ્રુપદ વગેરે ધર્મના તંબુમાં ભેગા થયા હતા. સૌના ચહેરા ઉપર ચિંતા પથરાયેલી હતી. વાતાવરણ ભારે હતું. આશાવાદની વાત કાઢવી વ્યર્થ હતી અને નિરાશાનો સૂર કાઢવાની કોઈની તૈયારી નહોતી. એટલે સૌ શાંત હતા. બધાની દૃષ્ટિ એક જ વ્યક્તિ ઉપર મંડાયેલી હતી અને તે કૃષ્ણ. સીધા યુદ્ધમાં દ્રોણને હરાવવાનું શક્યા નહોતું એટલે દ્રોણની કોઈ નબળી કડી વિષે કોઈ જ્ઞાતા હોય તો તે કૃષ્ણ. જ હતા. "દ્રોણ આજે જે રીતે લડ્યા છે તે રીતે લડે તો આવતી કાલે આપણે કોઈ જીવતા નહીં હોઈએ." શ્રી કૃષ્ણે શાંતિથી કહ્યું. બધા શાંત રહ્યા.
"એનો શો ઉપાય?" ધીરે રહીને અર્જુને પૂછ્યું. કૃષ્ણ થોડી વાર શાંત રહ્યા.
"મને એક ઉપાય દેખાય છે. પણ તે ધર્મરાજને સ્વીકાર્ય નહિ બને." કૃષ્ણે શાંતિથી કહ્યું.
"કેમ એવું?" અર્જુને વાત ચાલુ રાખી અને બધાના ચહેરા ઉપર આશાની એક સુરખી ફરકી ગઈ.
"દ્રોણ હતોત્સાહ બને એવી કોઈ વાત યુદ્ધ દરમિયાન જાહેર કરવામાં આવે તો દ્રોણની એકાગ્રતામાં - શક્તિમાં ઓટ આવે." કૃષ્ણે કહ્યું.
"દ્રોણને કઈ વાત હતોત્સાહ કરી શકે?" અત્યાર સુધી ચૂપ બેઠેલા ભીમે પૂછ્યું.
"જેમ કે અશ્વત્થામાનું મૃત્યુ." કૃષ્ણે શાંતિથી કહ્યું.
"અશ્વત્થામા કંઈ મૂગું પ્રાણી નથી કે એને સહેલાઈથી હણી શકાય. દ્રોણ જેટલા નહિ તો ય અનેક સેનાનીઓ કરતા વધુ તાકાતથી એ લડે છે. એક કરતા ઓછા દિવસમાં એને હણવા અશક્ય છે." અર્જુને કહ્યું.
"તો પછી આપણી જીત પણ અશક્ય માનો." કૃષ્ણે શાંતિથી કહ્યું.
"પણ એમાં અધર્મની વાત ક્યાં આવી? અશ્વત્થામા યોદ્ધો છે, એટલે એને યુદ્ધમાં હણવો એ ન્યાયી છે." ધર્મરાજા અત્યાર સુધી ચૂપ હતા, તેમણે પૂછ્યું ત્યારે સૌને ખ્યાલ આવ્યો કે અશ્વત્થામાને હણવાની વાત કરવામાં કૃષ્ણનો હેતુ કંઈ જુદો હતો.
"અશ્વત્થામાને રાત્રી દરમિયાન હણવો જોઈએ એવું તમે સૂચવો છો?" ભીમે ફરીથી પૂછ્યું અને ગદા પર હાથ મૂક્યો.
"ના. તો તો દ્રોણ વધુ ગુસ્સે થશે અને આપણા બધાનો ઘાણ બપોર સુધીમાં જ નીકળી જશે." શ્રીકૃષ્ણે શાંતિથી કહ્યું.
"ખોટી જાહેરાત કરવી?" દ્રુપદે પૂછ્યું.
"દ્રોણ અનુભવી યોદ્ધા જ નહિ, યુદ્ધનીતિના આચાર્ય પણ છે. ખોટી જાહેરાતની કૂટનીતિ એમને સહેજે અજાણી નથી." કૃષ્ણે રહસ્યને વધુ ઘેરું બનાવતા કહ્યું. સભામાં શાંતિ પથરાઈ ગઈ.
"એનો અર્થ એવો થાય કે આપના મનમાં કોઈ એવી વાત છે જેને મારે અનુમોદન આપવું - અધર્મ હોય તો પણ." ધર્મરાજે કહ્યું. શ્રીકૃષ્ણે હકારમાં ડોકું ધૂણાવ્યું, પણ બોલ્યા નહિ.
"માનવીનો ધર્મ શો?" શ્રીકૃષ્ણે કાંઈક અસંગત લાગતો પ્રશ્ન થોડીવાર પછી ધર્મરાજને ઉદેશીને કર્યો.
ધર્મરાજ વિચારમાં પડ્યા. સર્વજ્ઞાની શ્રીકૃષ્ણ એમની પરીક્ષા કરતા હતા કે કોઈ કબૂલાત કરાવવા માંગતા હતા? વળી પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં જ આપવાનો હતો કારણ કે આ સમય કે સ્થળ અધ્યાત્મની ચર્ચાના નહોતા.
"માનવી બનવાનો - ધર્માચરણ કરવાનો." ધર્મરાજે કૈક વારે ઉત્તર આપ્યો.
"માનવીની ની વિશિષ્ટતા શી?" શ્રીકૃષ્ણે પૂછ્યું.
"માનવી પૂર્ણતાને પામવાનો પ્રયત્ન જ ના કરે તો એ દાનવ બને, પૂર્ણતાને પામે તો દેવ બને પણ પૂર્ણત્વ પામવા જીવનભર કાર્ય કરે છતાં પૂર્ણત્વને પામે નહિ તો માનવ બને."
"ધર્મનો ઉદ્દેશ શો?" શ્રીકૃષ્ણે પૂછ્યું.
"માનવીને પૂર્ણતા તરફ દોરવાનો."
"ધર્મના અસ્તિત્વનો આધાર?"
"માનવીની અપૂર્ણતા." ધર્મરાજે કહ્યું.
રસથી સાંભળી રહેલા સેનાનીઓને હવે આ વાર્તાલાપ સંદર્ભ વિનાનો લાગવા માંડ્યો હોવા છતાં શ્રી કૃષ્ણમાં રહેલો એમનો વિશ્વાસ એમને ખાતરી આપતો હતો કે શ્રી કૃષ્ણ ધર્મ પાસે જે કાંઈ કરાવવા માંગે છે તે ધર્મને માનસિક રીતે પૂરેપૂરા તૈયાર કરીને. ભાઈઓને ખાતર, અધર્મીઓના નાશને ખાતર, ધર્મરાજ તેમની જીવનભરની તપસ્યા જરૂર પડ્યે હોડમાં મૂકી શકે તેની સૌને ખાતરી હતી - હક પણ હતો, કારણ કે હસ્તિનાપુરની રાજસભામાં થોડાક વર્ષો પહેલા ધર્મ (યુધિષ્ઠિર)ને માટે જ બધાએ પોતાની જિંદગી હોડમાં મૂકી હતી. છતાં જે કોઈ અધર્મ આચરવાનો હોય તે આચરતા પહેલા ધર્મરાજને દુઃખ ના થાય, તેમણે કરેલા કાર્યનો શોક તેમને સંતાપે નહિ એટલા માટે તેમને હા પડાવવાની શ્રી કૃષ્ણની ગણતરી હતી તે સૌ સમજી ગયા.
"હવે એક બીજો પ્રશ્ન. કોઈ પણ કાર્ય ધર્મ છે કે અધર્મ તેનો માપદંડ શું?" શ્રી કૃષ્ણે પૂછ્યું.
"કાર્ય પાછળનો હેતુ." ધર્મરાજે સહેજ વિચાર કરીને ઉત્તર આપ્યો.
"મતલબ કે શુદ્ધ હેતુથી અથવા સમષ્ટિના કલ્યાણ અર્થે સામાન્ય રીતે જે અધર્મ કહેવાય એવું કાર્ય કરવું પડે તો તે પણ તે ધર્મ કહેવાય. ખરું?"
"ખરું."
"આ યુદ્ધ આપણે અધર્મીઓના પરાજય માટે લડીએ છીએ. તો તે હેતુથી આપણે થોડુંક અધર્મ કહેવાય તેવું કાર્ય કરવું પડે તો તેને ધર્મ માનશો?" શ્રી કૃષ્ણે કહ્યું અને ધર્મરાજ ચૂપ રહ્યા.
"અને હવે છેલ્લો અંગત પ્રશ્ન,. આપને શ્રેષ્ઠ માનવી થવું ગમે કે દેવત્વ પામવું?" શ્રી કૃષ્ણે પૂછ્યું. ધર્મરાજ વિચારમાં પડ્યા.
"આપનું આજ સુધીનું તાપ આપને દેવત્વને આરે લાવ્યું છે. એ જ ધર્મને જાળવીને આપ દેવત્વ પ્રાપ્ત કરી શકો. બીજી તરફ ધર્મથી સહેજ વિમુખ થવાથી આપને દેવત્વની અપેક્ષા કરવાની નહિ રહે. ધર્મના રક્ષણ અર્થે ધર્મ ધર્મ-વિમુખ થશે તો તેઓ માનવ જ રહેશે. આપને આ નિર્ણય કરવાનો છે. આપના નિર્ણય ઉપર આ ધર્મયુદ્ધની જીતનો આધાર છે એ ના ભૂલશો." શ્રી કૃષ્ણ ઊભા થયા. સભા બરખાસ્ત થવાનો એ સંકેત સૌ સમજ્યા અને ઊભા થયા. શ્રી કૃષ્ણના વક્તવ્યએ પ્રેરેલી આશાથી સૌના ચહેરા ઉપર તાજગી આવી હતી. તંબુની બહાર નીકળીને શ્રી કૃષ્ણે ભીમને બાજુએ બોલાવી થોડી ગુફતેગો કરી અને સૌ પોતપોતાના તંબૂમાં ગયા.
ધર્મરાજ ઊભા થઈને તંબૂમાં આંટા મારતા વિચારવા લાગ્યા. તેમને શું કરવાનું છે તે શ્રી કૃષ્ણે જણાવ્યું નહોતું. સમય આવ્યે પોતાના નિર્ણય અનુસાર વર્તવાનું ધર્મ ઉપર છોડી શ્રી કૃષ્ણે તેમને માથે હાર-જીતની જવાબદારી નાંખી હતી.
"સદીઓ પછી જયારે ધર્મનું નામ લેવાશે ત્યારે તેમણે આચરેલા અધર્મને પણ લોકો યાદ કરશે. સામાન્ય લોકોના અધર્મ કરતા ધર્મનો અધર્મ વધારે ચર્ચા જગાવશે. ધર્માચરણ કરનારના મનમાં દ્વિધા પેદા કરશે. શ્રી કૃષ્ણ વિશ્વના ધારક વિષ્ણુ પોતે હોવા છતાં પોતાને આવો આદેશ કેમ આપ્યો? શું સૃષ્ટિના સંચાલન માટે અધર્મનું આચરણ જરૂરી હશે? શ્રી કૃષ્ણે ધર્મના અસ્તિત્તવ માટે અધર્મનું આચરણ જરૂરી છે એવું સૂચવ્યું છે. ધર્મના રક્ષણ અર્થે અધર્મ આચરવાનો હોય તો ધર્મની સ્થાપના કઈ રીતે થાય?"
"ધર્મ જ ન રહે તો માનવીનું અસ્તિત્વ કેમ ટકે? શું શ્રી કૃષ્ણને લાગ્યું હશે કે મારામાં ધર્માચરણનો અહંકાર આવ્યો છે? અને એ અહંકાર મને પાડે તેના બદલે અધર્માચરણથી હું પોતે જ પડું એમ તેઓ ઇચ્છતા હશે? કે પછી સત્કાર્ય માટે કરેલું કોઈ પણ કાર્ય ધર્મ જ કહેવાય એવું સૂચન તેઓ મારા અધર્મ દ્વારા કરવા માંગતા હશે?" આમ વિચારતા ધર્મના મનમાં એક નિર્ણય આકાર લેતો ગયો.
બીજે દિવસે યુદ્ધ શરુ થયું ત્યારથી જ દ્રોણનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું. તેમના સેનાપતિપદનો આજે છેલ્લો દિવસ હતો. ભીષ્મને સફળતા ના મળી ત્યારે દુર્યોધને ભીષ્મ ઉપર પાંડવો પ્રત્યે પક્ષપાતનો મુકેલો આક્ષેપ તેમના કાનમાં ગૂંજી રહ્યો હતો.
પાંડવોની સેનાએ પાછળ હટતી જતી હતી. દ્રોણ એક તરફ અર્જુનને બાણયુદ્ધમાં સપડાવી રહ્યા હતા, તો બીજી તરફ અર્જુન તેનો પ્રતિકાર કરે ત્યાં સુધીમાં બીજા એકાદ-બે સેનાનીઓને મૂંઝવતા જતા હતા. એક તરફ દ્રુપદ અશ્વત્થામા સાથે લડી રહ્યા હતા અને કૃષ્ણે એમને કાંઈ કીધું નહોતું છતાં અશ્વત્થામાને સપડાવી, બને તો હરાવી, યુદ્ધની નિર્ણાયકતામાં સહાયરૂપ થવાના હેતુથી તેઓ અશ્વત્થામાને મુખ્ય સેનાથી દૂર ખેંચી રહ્યા હતા. અશ્વત્થામા તેમને નમતું આપતા નહોતા. એમ ને એમ બપોર થઇ. કંઈક બનવાની જન્મેલી આશામાં ધર્મરાજના સેનાનીઓમાં આવેલું ઉત્સાહનું પૂર ઓસરી રહ્યું હતું અને એમનો સામનો નબળો પડતો હતો.
લડતા લડતા ભીમ ક્યારે બહાર નીકળી ગયો તે કોઈના ધ્યાનમાં ના આવ્યું, પણ શ્રી કૃષ્ણે તેની નોંધ લીધી. તેમના ચહેરા પાર સહેજ સ્મિત ફરકી ગયું. અને પછી તરત તેમનો ચહેરો ગંભીર બની ગયો. પાંડવોના સૈનિકો ચપોચપ પડતા જતા હતા. દ્રોણના ધનુષ્યમાંથી એક સાથે અનેક બાણોની વર્ષા થતી હતી. અને જેને લાગે તેનો કાળ લાવતી હતી. અર્જુન તેનો સામનો કરતો હતો એટલે કેટલાય બાણો ટકરાઈને આકાશમાં છવાઈ વાદળોનો આભાસ ઊભો કરતા હતા.
ત્યાં ભીમ દૂરથી દોડતો આવ્યો અને તેના ભારે અવાજે "અશ્વત્થામા મરાયો... અશ્વત્થામા મરાયો.." ના અવાજે મેદાન ભરી દીધું. સાંભળીને શ્રી કૃષ્ણ તરત રથમાંથી ઉતર્યા અને ધર્મના કાનમાં બે શબ્દો કહી તરત જ પાછા ઘોડાની લગામ પકડી રથમાં બેસી ગયા. દ્રોણના હાથ થર થર ધ્રુજવા લાગ્યા અને શ્રીકૃષ્ણના ઇશારાથી અર્જુને બાણવર્ષા બંધ કરી. યુદ્ધ અટકી ગયું. દ્રોણ એમના રથમાં ઊભા થઈને મેદાનમાં દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી નજર નાખી અશ્વત્થામાને શોધી રહ્યા. પણ અશ્વત્થામા દેખાયા નહિ. ભીમની બૂમો ચાલુ જ હતી.
દ્રોણે શસ્ત્રો મૂક્યા હતા એટલે સેનાએ પણ શસ્ત્રો મૂકી દીધા અને મેદાનમાં શાંતિ છવાઈ ગઈ.
"સાચેસાચ અશ્વત્થામા મરાયો છે?" દ્રોણે ભીમને પૂછ્યું. તેમની આંખમાં રહેલો વિષાદ જોઈ ભીમ જેવો પથ્થર હૃદયનો માણસ પણ તેમની સાથે આંખ ન મેળવી શક્યો.
"હા જી, મારા હાથે જ એનો ઘાત થયો." ભીમે નીચે જોઈને કહ્યું.
"તારું કેમ મનાય. તું તો ઘણી યે વાર જૂઠું બોલ્યો છે." દ્રોણે કહ્યું.
"તો પૂછો ધર્મરાજને.." ભીમે સ્વાભાવિક રીતે કહેતો હોય એવા અવાજથી કહ્યું, પણ આ શબ્દો કહેતા એના હૃદય ઉપર મોટા ભાઈ ઉપર તલવાર ચલાવી હોય એવો ઘા પડ્યો.
"ધર્મ, શું ભીમ સાચું કહે છે?" દ્રોણે પૂછ્યું. આચાર્યના નાતે પાંડવોને "તું"થી બોલાવવાનો તેમને હક્ક હતો. ધર્મ સમજ્યા કે તેમનો સમય આવી પહોંચ્યો. શ્રી કૃષ્ણની સામે જોવાનો વિચાર કર્યો પણ તેમના ઉપર ઠરેલી દ્રોણની દૃષ્ટિએ તેમને વાર્યા.
"હા, ગુરુજી, અશ્વત્થામા ગયો,," ધર્મે કહ્યું અને ધીમેથી ઉમેર્યું, "નરો વા કુંજરો વા" (કાં તો નાર હોય કાં તો કુંજર - હાથી), તેમનાથી વધુ ન બોલી શકાયું.
'મારાથી હવે યુદ્ધ નહિ થાય, દુર્યોધન". કહી દ્રોણે યુદ્ધ બંધ કર્યું. ધનુષ્ય મૂકીને આશ્ચર્યથી શ્રી કૃષ્ણને નિહાળી રહેલા અર્જુનને શ્રી કૃષ્ણ સમજાવી રહ્યા હતા કે અશ્વત્થામા મરાયો હતો પણ તે દ્રોણપુત્ર નહિ, ભીમનો હાથી અશ્વત્થામા .