Sunday, October 4, 2020

 

દ્રૌપદીની વ્યથા

મહાભરાતનાં યુદ્ધ પછી

             ફક્ત ૧૮ દિવસના યુદ્ધ પછી દ્રૌપદી એકદમ ૮૦ વર્ષની હોય એવી થઇ ગઈ હતી - શારીરિક રીતે અને માનસિક રીતે પણ. જાણે કોઈ મોટી બીમારીમાંથી બેઠી થઇ હોય ! આંખો ઊંડી ઉતરી ગઈ હતી, આંખોની બંને તરફ નીચે કાળા ડાઘ દેખાવા લાગ્યા હતા.

યુદ્ધ પહેલા તે જે વેરની આગમાં પ્રજવલી હતી તે આગ એને પણ દઝાડી ગઈ હોય એવો વિષાદ તેને ઘેરી વાળ્યો હતો. તે હવે પસ્તાવાની આગમાં બળી રહી હતી. તેની વિચારવાની કે સમજવાની શક્તિ જાણે કુંઠિત થઇ ગઈ હતી. કુરુક્ષેત્રમાં જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા હતા. તેમનો અગ્નિસંસ્કાર કરનારા પણ કોઈ નહોતા. તેના મહેલની બારી બહાર જુઓ તો કોઈ એકલ-દોકલ માણસ પસાર થતો દેખાતો, અનાથ બની ગયેલા બાળકો અહીંથી ત્યાં ભટકતા હતા, અને તેઓ હસ્તિનાપુરની રાણી દ્રૌપદીના મહેલ તરફ આશાભરી નજરે જોઈ રહેતા.

તેની મન:સ્થિતિ આવી હતી ત્યારે શ્રીકૃષ્ણ તેના ઓરડામાં આવ્યા.

દ્રૌપદી એમને વળગી પડી અને હીબકા ભરીને રડવા લાગી. કૃષ્ણે તેને ધીરેથી અલગ કરી અને કાળજીપૂર્વક પથારીમાં સુવાડી. થોડી વારે તેનું રડવાનું શાંત થયું. તેણે  ઊંચી નજર કરી કૃષ્ણ તરફ જોયું અને ધીરે રહીને બોલી, " શું થઇ ગયું, સખા? મને તો આવી કલ્પના નહોતી."

"પાંચાલી, નિયતિ બહુ ક્રૂર હોય છે. તે આપણા વિચારો પ્રમાણે નથી વર્તતી. તારે બદલો લેવો હતો અને તેમાં તું જીતી, દ્રૌપદી. તારો બદલો પૂરો થયો, ફક્ત દુર્યોધન અને દુઃશાસન નહિ, બધા કૌરવો પતિ ગયા. તારે તો ખુશ થવું જોઈએ..!"

"સખા, તમે મારા ઘા પાર મીઠું ભભરાવવા આવ્યા છો?"

"ના, દ્રૌપદી. હું તને વાસ્તવિકતાથી પરિચિત કરાવવા આવ્યો છું. આપણે આપણા કાર્યોના પરિણામો અંગે લાંબુ વિચારતા નથી અને તે જયારે આપણી સામે આવે છે ત્યારે આપણે કાંઈ કરી પણ શકતા નથી."

"તો શું માત્ર હું યુદ્ધ અને વિનાશ માટે જવાબદાર છું?"

"ના, દ્રૌપદી, તું તારી જાતને એટલું મહત્વ ના આપ.. પણ જો તારી પાસે તારા કાર્યો અંગે થોડી દીર્ઘદૃષ્ટિ હોટ તો તું દુઃખી ના થઇ હોત."

"હું શું કરી શકી હોત, સખા?"

"તું શું કરી શકી હોત...! તેં તારા સ્વયંવર વખતે કર્ણનું અપમાન કરવાને બદલે તેને હરીફાઈમાં  ભાગ લેવા દીધો હોત, પરિણામ ગમે તે આવ્યું હોત તેની ચિંતા કર્યા વિના. ત્યાર બાદ, કુંતીએ તને પાંચ પતિની પત્ની બનવાનું કહ્યું ત્યારે તું ના કહી શકી હોત. તો પણ પરિણામ કંઈક અલગ હોત. ત્યાર પછી પણ દુર્યોધન તારા મહેલમાં આવ્યો ત્યારે તેં એનું અપમાન ના કર્યું હોત તો પણ સંજોગો અને પરિણામ કંઈક અલગ હોત.  

"આપણા 'શબ્દો' પણ આપણા કર્મો છે, દ્રૌપદી. આપનો એક એક શબ્દ આપણને  તોડી નાખવા માટે પૂરતો છે. વિશ્વમાં માણસ એક એવું પ્રાણી છે, જેનું ઝેર તેના દાંતમાં નહિ, પણ તેની વાણીમાં છે..!

એટલે એક એક શબ્દ ઉચ્ચારતા પહેલા વિચાર કરવો જોઈએ કે જેનાથી કોઈની લાગણી ના દુભાય.

 (એક બંગાળી લેખનો ભાવાનુવાદ)





No comments:

Post a Comment