Tuesday, June 14, 2022

 

પહેલો મત





સાંજે મહેશ બહારથી આવ્યો ત્યારે ટપાલના બોક્ષમાં ચાર કાર્ડ પડ્યા હતા. આવા કાર્ડ તેણે અગાઉ પણ જોયાં હતાં. ચૂંટણીના ઉમેદવારે મતદારોના નામ, નંબર વગેરે લખીને પ્રચાર માટે મોકલેલા આવાં કાર્ડ એણે લખ્યા હતા અને વહેંચ્યા પણ હતાં. નાનો હતો ત્યારે સરપંચના દીકરા સાથે આવા કાર્ડ વહેંચવા ગામમાં નીકળતો ત્યારે પોતે જાણે ચૂંટણીમાં ઊભો હોય તેવો ભાવ પણ તે ખાતો. એણે કાર્ડ લીધા. દાદાના નામનું, પપ્પાના નામનું અને મમ્મીના નામનું જોઈને મૂકી દેતો હતો ત્યાં ચોથું કાર્ડ પણ દેખાયું. કાર્ડમાં એનું નામ હતું. કાર્ડ પકડીને થોડી વાર તો ઊભો રહ્યો. એના જીવનનું એક સીમાચિહ્ન હતું.

ઘરે પહોંચીને કરવા વિચારેલા અનેક કામો વીસરી ગયો. વિચારી રહ્યો. ચાર દિવસ પછી થનારી ચૂંટણીમાં તે પહેલી વાર મત આપવાનો અધિકારી બન્યો હતો. મતની પવિત્રતા, મહત્ત્વ, અસર વગેરે અંગે શાળામાં ભણ્યો હતો, ભાષણોમાં સાંભળ્યું હતું. પણ તે વખતે એને મન એનું કોઈ મહત્ત્વ નહોતું. એનું નામ મતદાર યાદીમાં કેવી રીતે આવી ગયું તેની યે એને ખબર નહોતી. એને ફક્ત એટલી ખબર હતી કે ચૂંટણીને દિવસે ૨જા પડશે, બૂથની બહાર ઉત્સવ જેવું વાતાવરણ જામશે. ચાલીને, સ્કૂટર, સાયકલ રીક્ષા, મોટર, બળદગાડામાં સવાર થઈને, લોકો મત આપવા જશે, લાઈનમાં ઊભા રહેશે. કાર્યકરોઆને મત આપો અને તેને મત આપો' એવો પ્રચાર કરશે અને પોતે પણ કદાચ કોઈ મિત્ર સાથે એમાં જોડાઈને લોકોને મતદાન મથકેખેંચી લાવવાનાપવિત્ર (!) કાર્યમાં જોડાઈ જશે.

પોતે કાર્ડ લઈને બૂથમાં પ્રવેશશે, તેની આંગળી ઉપર ભૂંસાય નહીં તેવી શાહીનું ટપકું થશે, વિજાણુ મતપેટીમાં ચાંપ દબાવીને મત કેવી આપવો તેનો પહેલી વાર અનુભવ કરશે, ઉમેદવારોની યાદીમાંથી પોતાને પસંદ એવા ઉમેદવારનેચપદઈને ચાંપ દબાવી મત આપશે અને કેટલાંક દિવસો પછી મતગણતરી થશે ત્યારે પોતે જેને મત આપ્યો હોય તે ઉમેદવાર જીતે છે કે કેમ તેની આતુરતાપૂર્વક રાહ જોશે. ! ભલું હશે તો મિત્રો સાથે તે અંગે શરત પણ લગાવશે. આવા બધા વિચારોની હારમાળામાં તેનો સમય ક્યાં વીતી ગયો તેનો પણ ખ્યાલ રહ્યો. આખી રાત તેણે અજંપામાં વિતાવી. ગયા વર્ષે નાટકમાં પહેલી વાર ભાગ લીધો ત્યારે સ્ટેજ ઉપર જતા નહોતી અનુભવી તેવી મુંઝવણ તે અત્યારે અનુભવી રહ્યો.

સવારે જે જે મિત્રો મળ્યા તે બધાંને પૂછી લીધું કે કોનું નામ મતદાર યાદીમાં આવ્યું છે. કેટલાકના હતાં, કેટલાકના હતાં, પણ તેના જેટલી ઉત્તેજના કોઈ અનુભવતું નહોતું. ‘તું કોને મત આપવાનો?’ એવું પરેશે પૂછ્યું ત્યારે તો ખાનગી વાત છેએવું કહીને ઉત્તર ટાળ્યો તો ખરો પણ કોને મત આપવો તે નક્કી કરવાનું કામ સૌથી વધુ મુંઝવણભરેલું હતું.

કેટલા ઉમેદવારો ઊભા હતા તેની માહિતી મેળવવામાં એક દિવસ તો નીકળી ગયો. સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષ, બીજો વિરોધ પક્ષ, કેટલાંક અપક્ષો બધામાંથી કોને મત આપવો? હજુ મહિના પહેલાં કોલેજમાંથી આંદોલનમાં જોડાઈને બસ પર પથ્થરો ફેંકતી વખતે તેણે સત્તાધારી પક્ષનીહાય, હાય' બોલાવી હતી એટલે એને તો મત અપાય. કોઈ વિરોધ પક્ષને આપું અને તે જીતે તો એને પહેલી વાર મળેલો મત નકામો જાય! કોઈ અપક્ષને આપું, તે જીતે ને પાટલી બદલે તો તેના પાપમાં એય ભાગીદાર કહેવાય! આમ વિચારીને બાદબાકી કરતો ગયો તો મત આપી શકાય નહીં એવી સ્થિતિએ આવીને ઊભો રહ્યો. ‘મત આપું તો?’ એવો વિચાર તેને આવ્યો અને તરત હસી કાઢ્યો. ‘મત આપવો તે પવિત્ર અને અનિવાર્ય ફરજ છે' એવું મંતવ્ય તે અનેક વાર વ્યક્ત કરી ચૂક્યો હતો. એટલું નહિ, ‘મત આપનારનો મતાધિકાર લઇ લેવો જોઈએદલીલ પણ બે દિવસ પહેલા એણે કરી હતી.

ચૂંટણીના દિવસનું સવાર થયું ત્યાં સુધી તે નિર્ણય કરી શકયા નહિ કે કોને મત આપવો. ‘પપ્પાને પૂછીને આપું તો?’ એવો વિચાર આવ્યો, પણ તે સાથે ખ્યાલ આવ્યો કે એને મત આપવાનો અધિકાર મળ્યો છે તેનો અર્થ તે હવે પુષ્ટ થયો છે અને પોતાના નિર્ણયો પોતે લેવા જોઈએ એવો થાય. પપ્પાને પૂછીને પાછા બાળક બની જવાનું એને ગમ્યું.

મતદાનનો સમય પૂરો થવાને એક કલાક બાકી હતો ત્યાં સુધી તે અનિર્ણાયક રહ્યો. છતાં મત તો આપવો હતો. ‘મતદાન મથકે જઈને નક્કી કરીશ' એવો વાયદો નિર્ણયને કરીને તે બૂથ ઉપર ગયો અને લાઈનમાં ઊભો રહી ગયો. ખૂબ મોટી લાઈન હતી. ‘બધા છેક છેલ્લે સુધી બેસી કેમ રહેતાં હશે?' એવો વિચાર એને આવ્યો અને તે હસી પડ્યો! પોતે પણ શા માટે બેસી રહ્યો હતો? તેનો નંબર જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ તેમ તેનું હૃદય વધુ ઝડપથી ધબકતું જતું હતું. પેપરોમાં વાંચેલી અને સાંભળેલી મત આપવાની વિધિમાંથી હવે તેણે પસાર થવાનું અને પછીપોતાની પસંદગીના ઉમેદવારને' મત આપવો.

એનું મન ખાટું થઈ ગયું. એને પોતાની જાત પર ચીડ ચડી. કોને મત આપવો છે તે નક્કી કર્યા વિના મતદાન મથકે દોડી આવીને તે એકજવાબદાર નાગરિક' બનવા માગે છે? લાઈનમાં ઊભેલા લોકો ધીમે અવાજે વાતો કરતા હતા તે, તે સાંભળી શકતો હતો. તેણે જોયું કે કોને મત આપવો તે નક્કી કરીને તેઓ આવ્યા હતા. કોઈના કહેવાથી, કોઈની શરમે, કાંઈક લઈને કે પોતાની ઈચ્છાથી, પણ તેમણે નક્કી તો કર્યું હતું કે કોને મત આપવો. તેને પોતાના ઉપર શરમ આવી. વિચારોમાં તેનો નંબર આવી ગયો.

નામ?’ અધિકારીએ પૂછ્યું. તેણે તે કહ્યું. અધિકારીએ યાદી ઉથલાવવા માંડી, જોયું અને ફરી પાછું એને નામ પૂછ્યું. તેણે ફરી જરા મોટેથી કહ્યું. અધિકારીએ સરનામુ પણ પૂછ્યું. તેણે તે પણ કહ્યું. તેને ખૂબ નવાઈ લાગી. આગળના લોકોને તો આટલું બધું પૂછાતું નહોતું. પોતે પહેલી વાર આવ્યો છે એટલે હશે એમ તેને લાગ્યું. અધિકારીએ તેની પાસેના બીજા અધિકા૨ી તરફ જોયું. તેણે ફરી યાદી તરફ જોયું અને પછી બંનેએ એના તરફ જોયું. લાઈનમાં ઊભેલાં બધા ઊંચાનીચા થવા લાગ્યાં. મતદાનનો સમય હવે પૂરો થવાની તૈયારી હતી. પેલા અધિકારીએ એને એક બાજુ આવી જવાનું કહ્યું અને મતદાન આગળ ચાલ્યું. અધિકારીએ ઉમેદવારોના એજન્ટોને બોલાવ્યા અને કાંઈક વાત કરી. ત્યાં કાંઈક બોલાચાલી જેવું થતું હોય તેમ તેને લાગ્યું. તેની સમજ અને અપેક્ષા બહારની વાત હતી. તે ચૂપચાપ ઊભો રહ્યો. પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ. વાતચીત ચાલતી રહી. સમય પૂરો થયો હતો. લાઈનમાં ઊભેલા માણસો પણ હવે પૂરા થવા આવ્યા હતા. તેને લાગ્યું કે તેને ઊભો રાખ્યો છે તે સાહેબ ભૂલી ગયા લાગે છે. એટલે તે સાહેબ પાસે ગયો અને કહ્યું, ‘સાહેબ મારે મત આપવાનો બાકી છે.’ સાહેબે એના તરફ જોયું. સાહેબ એને બધાંથી થોડે દૂર દોરી ગયા અને કહ્યું, ‘જો, તારા નામે કોઈ મત આપી ગયું છે, એટલે હવે તારાથી મત આપી શકાય નહીં. વહેલો આવી ગયો હોત તો!'

પણ.. પણ..’ તેના દિમાગમાં ધસી આવેલા ક્રોધ અને નિરાશાએ તેના વિચારને રૂંધી નાંખ્યો. તે કાંઈ બોલી શક્યો નહિ. આવા પ્રસંગે શું કરવું તેનું તો શિક્ષણ કોઈએ તેને આપ્યું નહોતું!

તે દિવસે તે જમ્યા વિના સૂઈ ગયો. પુખ્ત નાગરિક તરીકેનો પહેલો પાઠ તે ભણી ચૂક્યો હતો!

Friday, June 3, 2022

વર્ષગાંઠ


 

શીતલની પ્રથમ વર્ષગાંઠ ખૂબ ઉમંગથી ઉજવાઈ. એના મમ્મી-પપ્પા સરકારી નોકરી કરતા હતા અને સગા-સંબંધીઓનું વર્તુળ પણ વિશાળ હતું. એટલે મોટો જલસો થયો. શીતલને ખૂબ વહાલ – ભેટો મળ્યા. શીતલને મઝા પડી. શીતલની પાંચમી વર્ષગાંઠે એ સ્કૂલમાં હતી. એના પપ્પા-મમ્મીએ આખી સ્કૂલમાં ચોકલેટ વહેંચી અને ઘરે એના જેવડા બાળકોને ભેગા કરી પાર્ટી રાખી. શીતલને ફૂગ્ગા ફોડવાની મઝા આવી. કેક તો એને ખૂબ ભાવી. ભેટમાં મળેલા રમકડાં એને ગમ્યા. થોડા દિવસમાં કેટલાંક તૂટી ગયા - કેટલાંક માળિયે ચડી ગયા. પછી તો દર વર્ષે એની વર્ષગાંઠ (હવે એને ‘વર્ષગાંઠ‘ બોલવાનું ફાવતું નહોતું, ‘બર્થ ડે‘ જ બોલાતું) આવતી. એનું મિત્રવર્તુળ એને ‘હેપી બર્થ ડે‘ ઈચ્છતું, ભેટો પણ મળતી. પણ એ બધું ધીરે ધીરે એને સામાન્ય લાગવા માંડ્યું. ‘બર્થ ડે‘ના દિવસ પૂરતો આનંદ રહેતો.


એની સત્તરમી વર્ષગાંઠે એની બારમા ધોરણની પરીક્ષા નજીકમાં હતી. ભણવામાં હોશિયાર એવી શીતલ સારા ટકા લાવી. એન્જીનીયરાંગ કે મેડીકલમાં પ્રવેશ મેળવે એવી મમ્મી પપ્પાની અદમ્ય ઈચ્છા. એટલે સત્તરમી ‘બર્થ ડે‘ એણે ઘરમાં મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે ઘરમાં સાદાઈથી ‘પતાવ્યો. ખૂબ મહેનત કરવા છતાં એ ફક્ત ૪-૫ માર્ક માટે મેડીકલ-એન્જીનીયરીંગની ગાડી ચૂકી ગઈ અને સાયન્સમાં જવું પડ્યું. એના અફસોસરૂપે એની અઢારમી વર્ષગાંઠ પ્રસંગે પપ્પા-મમ્મીનો ઉત્સાહ પણ ઠંડો હતો. નાનો ભાઈ પણ હવે બારમામાં હતો. પપ્પા-મમ્મીનું ધ્યાન હવે એના કરતા નાના ભાઈ તરફ વધારે હતું.


વીસમી વર્ષગાંઠે એ બી.એસસી.ના અંતિમ વર્ષમાં હતી અને પરીક્ષા નજીક હતી. એના મિત્રવર્તુળ સાથે એણે એની વીસમી વર્ષગાંઠ કોલેજની કેન્ટીનમાં ઉજવી. એકાદ મહિના પછી આવતી નાના ભાઈની વર્ષગાંઠ પ્રસંગે પપ્પા-મમ્મીએ સત્યનારાયણની કથા રાખી અને એ બહાને સૌ સંબંધીઓ ભેગા થયા. શીતલની મમ્મીએ નજીકના સગાઓને શીતલ માટે ‘સારો છોકરો‘‘જોતા રહેવા‘નું યાદ કરાવ્યું. જો કે પાછળ ઉમેર્યું હતું, ‘ઉતાવળ નથી. શીતલ તો હજૂ નાની છે, પણ કોઈ સારી જગ્યા હોય તો જતી શા માટે કરવી?‘


એક માધ્યમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ગોઠવાઈ ગયેલી શીતલને એની ચોવીસમી વર્ષગાંઠ તો છેક સાંજે યાદ આવી, અને તે પણ અચાનક. વીમા અંગે ઉમરના પૂરાવા માટે આપવા એણે સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ શોધ્યું અને તારીખ જોઈ ત્યારે યાદ આવ્યું કે આજે તે ચોવીસમાં વર્ષમાં પ્રવેશી છે. પપ્પા કામસર બહારગામ ગયા હતા અને મમ્મી મામાને ત્યાં ગઈ હતી. ભાઈ પણ મિત્રોમાં ક્યાંક ગયો હતો, એટલે એ એકલી જ મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લઈ આવી. રાત્રે મોડેથી મમ્મી ઘરે આવી ત્યારે એ મમ્મીને પગે લાગીને આશીર્વાદ લેવાનો વિચાર જ કરતી હતી. તે કાંઈ કહે તે પહેલા જ મમ્મીએ કહ્યું, "કાલે સ્કૂલમાં રજા લઈ લેજે. એક છોકરાવાળા આવવાના છે. "


એને માટે એ પણ હવે વર્ષગાંઠની જેમ જ ઉત્સાહ વિનાની એક પ્રક્રિયા બની ગઈ હતી. એ છોકરાઓને જોતી – છોકરાઓ એને જોતા, વડીલો એકબીજાને જોતા, કુંડળીઓ મેળવતા અને અંતે મીંડુ વળી જતું. રાત્રે સૂતા સૂતા એ જોયેલા છોકરાઓની ગણતરી કરવા લાગી ત્યારે ખ્યાલ આવ્યો કે આવનારો છોકરો કદાચ ચોવીસમો હશો. એને એ પણ યાદ આવ્યું કે પહેલો છોકરો એને જોવા આવવાનો હતો ત્યારે કેટલો રોમાંચ હતો એના દિલમાં ! આખી રાત એ ઊંઘી શકી નહોતી. એ શું કહેશે, હું શું કહીશ વગેરે સવાલ-જવાબોનું રીહર્સલ એણે કરી રાખ્યું હતું. એ આવ્યો અને એને જોયો ત્યારે પોતે કલ્પેલા હીરો કરતા એ અનેક રીતે જુદો લાગ્યો. છતાં એણે મમ્મી-પપ્પાને ‘જેવી તમારી મરજી‘ કહીને ‘નરો વા..‘ કરી દીધું હતું. થોડાક દિવસ પછી ખબર પડી કે એ છોકરાએ અમેરિકાથી આવેલી છોકરી પસંદ કરી લીધી હતી.


પછી બીજો ... ત્રીજો .. એમ જોવાનું ચાલું જ રહ્યું હતું. કારણ કે એને માટે કોઈ પણ રીતે યોગ્ય નહિ એવા છોકરાઓની વાત પણ આવતી, અને વાત લાવનાર સગા સાથે સંબંધ બગડે નહિ એ હેતુથી એ વિધિ કરવી પડતી. એને એ પણ યાદ આવ્યું કે એ બધામાંથી અડધા ઉપરાંત છોકરાઓ કે એના માબાપે કોઈ ને કોઈ બહાનું કાઢીને ના પાડી હતી, તો બીજા કેટલાંકમાં એના મમ્મી પપ્પાને વાંધો હતો - કોઈનું કુટુંબ બરાબર નહોતું તો કોઈની આવક ઓછી હતી કે અન્ય કારણો હતા. એની મરજી પૂછવાની તો ચિંતા જ નહોતી કરી એમણે.


સત્તાવીસમી વર્ષગાંઠ એને સવારે જ યાદ આવી, ત્યારે એને એ યાદ અપશુકન જેવા લાગી. નોકરી એને ફાવી ગઈ હતી. પપ્પા-મમ્મી હવે એને પરણાવી દેવા અધીરા બન્યા હતા. એના કારણે ભાઈનું લગ્ન-ભવિષ્ય પણ અટકી ગયું હતું. એન્જીનીયર થઈ ગયેલા નાના ભાઈ માટે અનેક સારી વાતો આવતી, પણ ‘મોટી બહેન‘ને મૂકીને નાના ભાઈનું કરતા મમ્મી-પપ્પા અચકાતા હતા. આ કારણે ક્યારેક ઘરમાં ચડભડ પણ થઈ જતી. એટલે સત્તાવીસમી વર્ષગાંઠે સાંજે એણે મમ્મીને કહેવાની હિંમત કરી દીધી કે ‘મારી ચિંતા કર્યા વિના ભાઈને પરણાવવો હોય તો પરણાવી દો‘ અને એની અઠ્ઠાવીસમી વર્ષગાંઠ આવે તે પહેલા ઘરમાં ભાભી પણ આવી ગઈ.


કાલે એની એકત્રીસમી વર્ષગાંઠ છે. એની એકલતા એણે સ્વીકારી લીધી છે. લગ્ન અંગે પ્રભુની કૃપા જ્યારે થશે ત્યારે જોયું જશે એવું મન એણે બનાવી લીધું છે. છતાં મમ્મી-પપ્પાની મુંઝવણ, ભાભીના કટાક્ષો વગેરે રોજના પ્રશ્નો સાથે એ સમાધાન કરી શકી નથી. એવા પ્રશ્નો ઊભા થવાના છે એની કલ્પના એણે ભાઈના લગ્ન થયા ત્યારથી જ કરી હતી, એટલે એણે એક ફ્લેટ નોંધાવી રાખ્યો હતો અને આજે જ એણે એનો કબજો પણ લઈ લીધો હતો. એટલું સારું હતું કે મમ્મી-પપ્પા એની આવક બાબતમાં વધુ ચંચુપાત કરતા નહોતા, સિવાય કે કોઈ વખત જરૂર પડે તો એની પાસે થોડી રકમ માગી લેતા. એટલે એણે એની આવકમાંથી સારી એવી રકમ બચાવી હતી. પપ્પા-મમ્મીની સંમતિ પણ એણે શરૂઆતથી જ લઈ લીધી હતી. એની ઈચ્છા વહેલી તકે પોતાના ફ્લેટમાં જતા રહેવાની હતી. પોતાનું ઘર પોતાની રીતે સજાવવાની એને હોંશ હતી. પોતાની વસ્તુ-મિલકતનો અહેસાસ માણવાની ઈચ્છા હતી.


રાત્રે પપ્પાને એણે એની ઈચ્છા જણાવી. ક્ષણભર તો પપ્પા ચૂપ થઈ ગયા. પછી ધીરે રહીને કહ્યું, "જો બેટા, તારા જેવી છોકરી એકલી રહે તો લોકો અનેક જાતની વાતો કરી. કોઈ સારી વાત હોય તો તે પણ અટકી જાય.." પછી થોડુંક અટકીને ઉમેર્યું, "તને ઘરમાં સંકડાશ લાગે છે, ભાભી સાથે બહુ ગોઠતું નથી, એ હું જાણું છું. અમને પણ બહુ મઝા નથી આવતી..." દરમ્યાન એની મમ્મી પણ આવીને વાતમાં જોડાઈ ગઈ. એણે વાત આગળ ચલાવી, "બે દિવસ પછી રાની (ભાઈની પુત્રી)ની પહેલી બર્થ ડે છે, એટલે મોટી પાર્ટી થશે. ત્યાર પછી ભાઈ-ભાભીને જ એ ફ્લેટમાં રહેવા મોકલી દઈએ. એમને પણ ગમશે, અમને પણ ગમશે - અને તને તો એ ગમશે જ."


આટલા વર્ષો સુધી પપ્પા-મમ્મીની કોઈ વાત ન ઉથાપી શકેલી શીતલ એકત્રીસમે વર્ષે પણ ચૂપ રહી....!

Wednesday, April 20, 2022

 

મુશ્કેલીમાંથી માર્ગ

 


એક માણસ તેની સેલ્સમેનની નોકરીથી તદ્દન કંટાળી ગયો હતો. કામમાં તેને રસ નહોતો એટલે સાંજે ઘરે આવે ત્યાં સુધીમાં તેનું માથું દુઃખી જતું. એક દિવસ એણે કંટાળીને નોકરી છોડી દીધી. એમ વિચારીને કે બે વખતના રોટલા તો ગમે તેમ મળી રહેશે. એનું મન હલકું બની ગયું. દિવસે ખૂબ વાંચવું, વિચારવું, લખવું અને આજીવિકા માટે રાત્રે પ્રૌઢ શિક્ષક તરીકે કામ કરવાનું શરુ કર્યું. એની પાસે ભણવા આવતા લોકોમાંથી કોઈને ડિગ્રી કે સર્ટિફિકેટ જોઈતા નહોતા. તેમને તો તેમના પ્રશ્નો ઉકેલવા હતા. તેને તેનો દરેક  પીરીઅડ રસમય બનાવવો પડતો કે જેથી લોકો બીજે દિવસે આવે અને એના રોટલા ચાલુ રહે એટલે એણે એના જીવનના અનુભવોની અને તેમાંથી મળેલા બોધની વાત પ્રૌઢો સમક્ષ કરી. એણે એના દરેક પ્રૌઢ વિદ્યાર્થીને તેમના પ્રશ્નોના ઉકેલ તેમની મૌલિક રીતે શોધતા શીખવ્યું. હવે તેનો આત્મવિશ્વાસ વધ્યો અને ઉત્સાહ પણ વધ્યો. આમ વાંચતા, વિચારતા, શીખવતા દુનિયાનો સૌથી સફળ સલાહકાર બની ગયો. વ્યક્તિનું નામ હતું ડેલ કાર્નેગી. એણે એના અનુભવો, દાખલાઓ અને વિચારોના બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યા.  “How to stop worrying and start living” and “How to win friends and influence people”  પુસ્તકો લોકપ્રિય બન્યા અને પાછળથી દુનિયાની દરેક ભાષામાં અનુવાદિત થયા. ધીરે ધીરે પોતે એક વ્યક્તિ માટીને સંસ્થા બની ગયો.

દાખલો આપવાનો હેતુ એટલો કે તમે પણ સૌ વિચારતા થાઓ, તમારા નિર્ણયો જાતે લો અને તેનો અમલ કરતા તમારી સામે જે જે મુશ્કેલીઓ આવે તેનું નિરાકરણ તમારી મૌલિક રીતે કરો. સલાહ જરૂર લો પણ તે ફક્ત તમારા નિર્ણયોને દિશા આપવા અને મૂલવવા માટે. જે કૃષ્ણમૂર્તિ કહ્યું છે કે 'તમારા સિવાય પૃથ્વી પર તમને કોઈ બચાવી ના શકે.' તમામને કૈક ને કૈક મુશ્કેલીઓ તો આવવાની અને મુશ્કેલીઓનો તમે જેટલી ધીરજ, હિંમત અને મૌલિકતાથી સામનો કરશો તેટલા તમે વધુ હળવા - પ્રફુલ્લિત બનશો. તમારી આસપાસના લોકોને શું તકલીફો આવી અને તેમાંથી તેમણે કેવી રીતે માર્ગ કાઢ્યો તેનું નિરીક્ષણ કરતા રહેશો તો તમને તમારા પ્રશ્નો ઉકેલવાનું ખૂબ સરળ થઇ જશે. મુશ્કેલી આવે એટલે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. શું ભગવાન ચમત્કાર કરીને આપણી મુશ્કેલી દૂર કરશે? ના. ભગવાન પણ આવા સમયે આપણને માર્ગદર્શન કરશે, મુશ્કેલીમાંથી દૂર કરવાનો ઈલાજ શોધવાની આપણને શક્તિ આપશે. મુશ્કેલી દૂર કરવા માટે જે કાંઈ પુરુષાર્થ કરવો પડે તે તો આપણે જાતે કરવો પડે. વિદુરજીએ કહ્યું છે :

દેવા: દંડમાદાય રક્ષન્તિ પશુપાલવત,

તું રક્ષન્તિમિચ્છતિ બુદ્ધયા સંવિભંજતી તમ.

અર્થાત, ભગવાન કંઈ ગોવાળની પેઠે હાથમાં લાકડી લઈને રક્ષણ કરતા નથી, પણ તેઓ જેનું રક્ષણ કરવા ઈચ્છે તેની બુદ્ધિમાં વધારો કરે છે.