Monday, March 6, 2023

વાચન

વાચન



માણસને શારીરિક રીતે તેમજ માનસિક રીતે સબળ બનાવવા માટે ઘણી જરૂરિયાતો છે. આવી પાયાની જરૂરિયાતોની યાદીમાં ભણતરનો સમાવેશ થાય છે. ભણતરનો ભાગ, છતાં જેની સ્વતંત્ર જરૂરિયાત તરીકે ગણના થવી જોઈએ એવી અન્ય જરૂરિયાત વાંચતા રહેવાની છે. સમાજમાં અને દુનિયામાં શું ચાલે છે તે જાણવાથી માંડી અનેક હેતુસર વાંચવું જરૂરી છે. છતાં વાચન પ્રત્યે લોકોનો ઉત્સાહ - ખાસ કરીને ગુજરાતમાંખૂબ નબળો છે. બધા ભણેલા માણસો વાંચવામાં રસ લેતા થાય તો પુસ્તકાલયો આગળહાઉસ્કૂલ' બોર્ડ ઝૂલતા થાય, પુસ્તકોની અને સામાયિકોની દુકાનો ઓછી પડે! લોકોની વાચન પ્રત્યે ઉદાસીનતાની ફરિયાદો ઘણા લોકો કરે છે, તેના ઉપાયો પણ વિચારે છે, છતાં સમાજને વાંચનાભિમુખ કરી શકાતા નથી.

વાચન એક ટેવ છે અને તે અન્ય ટેવોની માફક મહદ્અંશે બાળપણથી પડતી હોય છે. જેમ અનેક ટેવો બાળક ઘરમાંથી કે શાળામાંથી કેળવે છે તેમ વાચનની ટેવપણ ઘર કે શાળામાંથી કેળવાય છે. મોટા થયા પછી વાચનની ટેવ કેળવી શકાય ખરી, પણ બાળપણથી કેળવેલી ટેવમાં વાચન માટે જેભૂખ' જોવા મળે છે, તે ભાગ્યે જોવા મળે. જો યોગ્ય અભિગમ અપનાવાય તો બાળકને વાચનની ટેવ પાડવી અઘરી નથી.

મોટા ભાગના વાલીઓ માને છે કે બાળકે એના અભ્યાસનું વાંચવું જોઈએ. આવી માન્યતાને કારણે બાળકને વાંચે છે તો ખરૂં, પણ બાળકની વાચન પ્રત્યેની ઉત્સુકતા જળવાતી નથી. અભ્યાસનું વાચન બાળકને ફરજિયાત કરવું પડતું હોય છે. જાણીતી વાત છે કે બાળકને જયારે કોઈ કામ ફરજિયાત કરવું પડતું હોય ત્યારે તેને અણગમો પેદા થતો હોય છે. અભ્યાસનું વાંચવામાં એને આમે ય ખૂબ રસ પડતો નથી અને વારંવાર એકનું એક વાંચવાને કારણે કંટાળો પણ આવે છે. આનો એક ઉપાય હોઈ શકે કે બાળકને અભ્યાસની સાથે સાથે રસ પડે તેવા પુસ્તકો, સામયિકો વાંચવા પ્રેરણા આપવી. કેટલાક શિક્ષકોવાલીઓ કરે છે અને તેનું પરિણામ પણ સારૂં આવે છે.

અમે ભણતા હતા ત્યારેઈતર વાંચન'નો વિષય ફરજિયાત હતો અને એના પરિણામે અમારે રસ પડે એવા પુસ્તકોનો અભ્યાસ કરવાનો આવતો. ‘ઈતર વાચનતરીકે બાળકને રસ પડે તેવા જુલે વર્નના કે અન્ય લેખકોના પુસ્તકો પસંદ કરાતા. હવે વિષય રહ્યો નથી, પણ દરેક શાળામાં પુસ્તકાલય હોવું ફરજિયાત બન્યું છે. કાયદાકીય જરૂરિયાતો પૂરી પાડવા એવા પુસ્તકાલયો નિભાવાય છે ખરા અને જૂજ બાળકો કે શિક્ષકો તેના લાભ લે છે.પણ તેના આંકડા ઉત્સાહપ્રેરક નથી. ખરેખર તો શિક્ષકોએ વર્ગમાં બાળકોને પ્રસંગોપાત તેમની શાળાના પુસ્તકાલયમાં હોય તેવા સારા પુસ્તક વિષે તેમનામાં રસ જાગૃત થાય તેવી રીતે વાતો કરી તેમને વાંચવા પ્રેરવા જોઈએ. બાળક અભ્યાસ સિવાયનું શું વાંચે છે તે જાહેરમાં ચર્ચા કરી, નહિ વાંચનાર બાળકોને વાચન માટે પ્રેરી શકાય. જેમ કોઈ સીનેમા અંગે વાતો સાંભળીને બાળક તે ફિલ્મ જોવા આતુર થતું હોય તેમ પુસ્તક વિષે સાંભળીને પણ તે વાંચવા બાળક આતુર બની શકે. થોડાક વખત પહેલા નવસારીના સયાજી વૈભવ પુસ્તકાલયે કરેલોપ્રયોગ પણ ખૂબ સફળ રહ્યો હતો. પોતે વાંચેલા પુસ્તક અંગે લખવાની એક સ્પર્ધા પુસ્તકાલય દ્વારા યોજવામાં આવી હતી. આવા પ્રયોગો પણ કરવા જેવા છે.

કાર્ય મા-બાપ પણ સારી રીતે કરી શકે, પણ તે માટે માબાપ પણ વાંચતા હોવા જોઇએ. ઘરમાં પણ બાળકોમાં વાચનરૂચિ પેદા થાય તે માટે થોડાક પુસ્તકોની સમાયાંતરે ખરીદી થાય, સારા સામાયિકો મંગાવાય, પુસ્તકો સામાયિકો અંગે બાળકો સાથે વાત થાય જરૂરી છે. પંદર રૂપિયાની ચોકલેટની સાથે કે એને બદલે બાળકને એટલી કિંમતનું પુસ્તક કે સામયિક અપાવી શકાય. વર્ષે દહાડે નાનકડું બજેટ જો પુસ્તકો અને સામયિકો માટે ફાળવવામાં આવે, અને સાથે સાથે બાળકોને વાંચવાનું મન થાય તેવું વાતાવરણ કેળવવામાં આવે તો બાળકોનો બૌદ્ધિક વિકાસ તંદુરસ્ત બને છે. એક વખતના ભાજીપાંઉ, કે પરફુયમનાં બદલે બે ત્રણ સારા પુસ્તકો કે સામાયિકો ખરીદી શકાય .

આજે જયારે ટી.વી., કોમ્પ્યુટર, જેવા સાધનો ભરપૂર પ્રમાણમાં માહિતી પૂરી પાડી શકે એમ છે ત્યારે વાંચવું જરૂરી છે? હા. ઈલેકટ્રોનિક માધ્યમોની કેટલીક મર્યાદાઓ છે. વાંચવાનું ફક્ત જ્ઞાન માટે જરૂરી નથી. મનોરંજન માટે, સમય પસાર કરવા માટે, વગેરે વિવિધ કારણોસર વાચન જરૂરી છે. વાચનને ઈલેકટ્રોનીક માધ્યમોના હરિફ તરીકે નહીં પણ પૂરક તરીકે ગણીએ તો એની ઉપયોગિતા સમજી શકાય. ચિત્રકલા, સંગીતકલા, જેવી ક્લાઓની માફક વાચનને પણ એક ક્લા તરીકે અપનાવીએ તો ટેવ ખૂબ રસપ્રદ બની શકે.

વાંચવાથી શું? સમય પસાર કરવા માટે વાચન જેવું ઉત્તમ કોઈ માધ્યમ નથી. જે કાંઈ આપણે જાણતા હોઈએ તે જાણવા માટે પણ વાચન ખૂબ ઉપયોગી છે. સૌથી વધારે અગત્યનું તો છે વાંચન માણસને વિચારતા શીખવે છે. આપણે વાંચતા જઈએ છીએ તેની સાથે આપણું મગજ વિચારતું પણ જાય છે અને જે વાંચતા હોઈએ તે વિષે પ્રતિક્રિયા પણ કેળવતું જાય છે. આમ વિચારતા શીખવા માટે વાંચવું અત્યંત જરૂરી છે. શું વાંચવું તે દરેકે પોતે નક્કી કરવાનું છે.

વાંચવાની ટેવનો મોટો ફાયદો વૃધ્ધાવસ્થા દરમિયાન થાય છે. નાનપણમાં જો વાંચવાની ટેવ પડી હોય તો માણસ નિવૃત્તિનો સમય વાંચવામાં વીતાવી શકે છે અને કુટુંબમાં ઘર્ષણ અટકે છે. એવા પણ દાખલાઓ છે કે નિવૃત્તિ પછી વાંચતા થયેલા વડીલો લખતા પણ થયા છે.

બાળકોને રસ પડે તેવું તેમને વાંચવા પ્રેરવું જોઈએ, નહીં તો ઉલ્ટી અસર કરે છે. સામાન્ય રીતે ઉપદેશાત્મક વાતો કે પુસ્તકો વાંચવાનું મોટા માણસોને પણ નથી ગમતું તો બાળકોને ક્યાંથી ગમે? સારા પુસ્તકો- સામાયિકોના નામે એવું ઉપદેશાત્મક સાહિત્ય ધરી દેવાથી તો બાળક વાંચતું હોય તે પણ છોડી દે.

અહીં આપણી મોટી કમનસીબી છે. નાના મોટા બધાને રસ પડે તેવું, છતાં સારૂ હોય તેવું, સાહિત્ય ઘણું ઓછુ પ્રસિધ્ધ થાય છે. સાહિત્યની દ્રષ્ટિએ જે ઉત્તમ ગણાતું હોય છે તે લોકભોગ્ય નથી હોંતુ, અને લોકોને ગમે તેવું લખવું તેને ઉત્તમ લેખકા નાનમ સમજે છે. પરિણામે લોકભોગ્ય છતાં સારૂં હોય તેવું સાહિત્ય ભાગ્યે પેદા થાય છે.- ગુજરાતીમાં તો જવલ્લે .