Tuesday, January 10, 2023

 

સ્વતંત્રતાના ઈતિહાસનું સૌથી  રોમાંચક પાત્ર

નેતાજી સુભાષચંદ્ર બોઝ



૨૩મી જાન્યુઆરીએ જેમની જન્મ જંયતિ છે એવા, ભારતની સ્વતંત્રતાના ઈતિહાસના મહાનુભાવને પ્રંસગે યાદ કરવા જેવા છે. જો તેઓ સફળ થયા હોત તો ૧૯૪૫ પછીનો ભારતનો ઈતિહાસ જુદો લખાયો હોત. વર્ષો સુધી લગભગ ઈરાદાપૂર્વક ભૂલાવાયેલા મહાન વ્યકિતત્વનો વર્તમાન પેઢીને તો આછો પાતળો ખ્યાલ નહિ હોય.

ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓમાં સૌથી આકર્ષક વ્યકિતત્વ નેતાજી સુભાષચંદ્ર બોઝનું રહ્યું છે. . .. ૧૯૩૮માં સુરત જિલ્લાના હરિપુરા ગામમાં ભરાયેલા અધિવેશનમાં ઉમટેલી લાખોની મેદની એનો પૂરાવો છે. આ અધિવેશનમાં તેઓ યુવાન વયે કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારે સમ્રગ દેશ અને દુનિયા ચકિત રહી ગઈ. જાનકીનાથ બોસ અને પ્રભાવતી દત્તના કુટુંબમાં ૨૩મી જાન્યુઆરી ૧૮૯૭ના દિવસે કટકમાં તેમનો જન્મ. એમનું જીવન અને કાર્ય બાળપણથી રસપ્રદ રહ્યા. ૧૬ વર્ષની ઉંમરથી તેઓ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના વિચારોથી આકર્ષાયા હતા.  ૧૯૨૦માં તેમણે કેમ્બ્રિજ યુનિમાં અભ્યાસ કરીને ભારતમાં કલેક્ટરની કક્ષાની જગ્યા માટે લેવાતી આઈ.સી.એસ. પરીક્ષા પસાર કરી પણ દેશભક્તિથી પ્રેરાઈને તેમણે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી. અસહકારની લડતમાં જોડાઈને તેમણે કોંગ્રેસપ્રવેશ કર્યો. ગાંધીજીએ તેમને ચિતરંજન દાસના નેતૃત્વમાં કામ કરવાની સલાહ આપી. તેઓ જેલમાં ગયા. ૧૯૨૭માં જેલમાંથી છૂટીને તેમણે 'સ્વરાજ' નામનું પેપર શરુ કર્યું. તેઓ કોંગ્રેસના જનરલ સેક્રેટરી બન્યા અને પંડિત નહેરુ સાથે કામ કર્યું.

..૧૯૩૮થી ૧૯૪૫ સુધીના સમય-ગાળામાં તો તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા. ૧૯૩૮માં તેઓ કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા અને તેમણે દેશમાં ઉદ્યોગીકરણ માટે એક સમિતિની રચના કરી. તેમના વિચાર ગાંધીજીને પસંદ નહોતા, કારણ કે કોંગ્રેસ તે વખતે ગ્રામોદ્યોગને મહત્વ આપતી હતી. તેમની ક્રાંતિકારી વિચારસરણી પણ કોંગ્રેસને પસંદ નહોતી. ત્યારથી તેમની અને કોંગ્રેસના અન્ય નેતાઓ વચ્ચે મતભેદ શરુ થયા. ૧૯૩૯માં તેઓ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારામૈયા સામે ઉમેદવારી કરીને કોંગ્રેસ પ્રમુખ તરીકે ભારે બહુમતીથી ફરી ચૂંટાયા. કૉંગ્રેસમાં તેઓ લાંબા સમય સુધી ટકે શક્ય નહોતું.  અંતે પં.નહેરૂ અને ગાંધીજી સાથે મતભેદો ઉગ્ર થતા તેમણે રાજીનામુ આપી દીધું. કોગ્રેસથી અલગ થઈ ગયા અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. ૧૯૪૦માં નાના કારણે જેલમાં ધકેલી દેવાયેલા સુભાષચંદ્રે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાનો નિર્ણય કરીને અંગ્રેજ સરકારને લખેલા લાંબા પત્રમાં જણાવ્યું હતું, “ગુલામ રહેવું માનવી માટે મોટામાં મોટો શાપ છે... અન્યાય અને ગેરવર્તણૂક સાથેનું સમાધાન અતિ ભયંકર ગુનો છે... અન્યાય સામેનું યુધ્ધ મોટામાં મોટો સદગુણ છે...”

સુભાષચંદ્રના નિર્ણયનો પ્રતાપ સરકાર સહન કરી શકી નહી અને તેમને છોડી દીધા. ત્યાર પછી તેઓ થોડો સમય એકાંતવાસમાં રહ્યા અને પછી એકાએક જગતને ખબર પડી કે સુભાષચંદ્ર તો છૂપા વેશે ભારત છોડી ગયા છે..!

વતનત્યાગ પછીના એમના જીવનનો પાંચેક વર્ષનો ઈતિહાસ અત્યંત રોમાંચક રહ્યો. જગત બે પક્ષોમાં વહેચાઈને વિશ્વયુધ્ધના પડઘમ વગાડી રહ્યું હતું. ટચૂકડા ઈટાલી, જર્મની અને જાપાન અન્ય કેટલાક રાષ્ટ્રો સાથે મળીને બ્રિટન, ફાન્સ જેવા તાકાતવાન મિત્ર રાજયોને ધ્રૂજાવી રહ્યા હતા. જર્મન સરમુખત્યાર હિટલરનું નામ લેતાં લોકો ધ્રૂજી ઊઠતા હતા. કાબૂલ, રશિયા થઈને સુભાષબાબુ જર્મની પહોચ્યાં અને હિટલરને મળ્યા. દિવસોમાં બ્રિટનની સરકારનું જેના ઉપર રાજય હતું તે ભારતના લાખો સૈનિકો, બ્રિટિશ સૈનિકો તરીકે વિશ્વના કેટલાય ભાગોમાં જર્મની-જાપાન વગેરે ધરી રાજયો સામે લડી રહ્યા હતા. ૧૯૪૨ના એપ્રિલમાં જ્યારે સુભાષબાબુનો અવાજ જર્મન રેડિયો ઉપરથી સંભળાયો, ત્યારે બ્રિટીશ સરકાર પણ ચોંકી ગઈ. સુભાષબાબુએ પહેલું પ્રવચન કરતા જણાવ્યું હતું, “વિવેકબુધ્ધિથી વિચારનાર હિંદીઓને સમજાવું જોઈએ કે વિશાળ જગતમાં ભારતનો એક શત્રુ છે. શત્રુએ ભારતને દોઢસો વર્ષ સુધી પીંખ્યું છે. દુશ્મને ભારત માતાના દેહનું લોહી ચૂસી લીધું છે. જો કોઈપણ રીતે યુધ્ધમાં બ્રિટિશ શાહીવાદનો વિજય થવાનો હોય તો હિંદના હાથમાં ગુલામીની જંજીરો સદાકાળ માટે જકડાયેલી છે એમ ચોક્કસ માનજો.”

દિવસોમાં બ્રિટિશ સેક્રેટરી સ્ટેફર્ડ ક્રિપ્સ ભારતમાં આવીને કોન્ગ્રેસને સમજાવી રહ્યા હતા કે કોન્ગ્રેસ બ્રિટનને યુધ્ધમાં સહકાર આપે અને બ્રિટન ભારતની સ્વતંત્રતાની માગણી અંગે યુધ્ધ પછી હકારાત્મક રીતે વિચારી શકે! કોન્ગ્રેસે સહકારની ખાત્રી પણ આપી.

જૂન ૧૯૪૨માં લિબિયામાં ભયંકર લડાઈ ચાલી રહી હતી. ઈટાલીયન અને જર્મન સેના બ્રિટીશ સેના ઉપર ગોલંદાજી કરી રહી હતી, ત્યારે આકાશમાંથી કાગળોનો વરસાદ થયો. હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં લખાયેલી પત્રિકાઓમાં બ્રિટિશ સેના તરફથી લડતા હિન્દી સૈનિકોને ઉદ્દેશીને સુભાષચંદ્ર બોઝનો સંદેશ હતો. એમાં લખ્યું હતું, “ લડાઈ આપણી નથી અને આપણે એની સાથે કાંઈ લેવાદેવા નથી.” બ્રિટિશ સેનાના વડાઓએ આને જર્મન સેનાની યુક્તિ ગણાવી, પણ વખતે ત્યાં લડતા બ્રિટિશ સેનાના ૪૫,૦૦૦માંથી ૨૭,૦૦૦ સૈનિકોએ હથિયાર છોડી દીધા અને આખી સેનાને જર્મનીની શરણાગતિ સ્વીકારવી પડી. હિન્દી સૈનિકોને સુભાષબાબુ ડ્રેસડનમાં મળ્યા. તેમણે સૌનેઆઝાદ હિન્દ સેના'માં જોડાવા આમંત્રણ આપ્યું. ત્યારથી સુભાષચંદ્રનેતાજીકહેવાયા. તે દિવસે નેતાજીએ પહેલી વાર ભારતીય ઝંડો ફરકાવ્યો. જે સૈનિકો આઝાદ હિન્દ સેનામાં જોડાયા તે સૌને જર્મન લશ્કરે નેતાજીને સોંપી દીધા. પછી તો જ્યાં જ્યાં, બ્રિટન તરફથી લડતા જે જે ભારતીય સૈનિકો યુધ્ધકેદીઓ તરીકે પકડાયા તે આઝાદ હિન્દ સેનાને મળતા ગયા અને સેના વિશાળ થતી ગઈ. હિટલરે પણ એક દિવસ ડ્રેસડનમાં આઝાદ હિન્દ સેના સમક્ષ ભાષણ કરતા ભારત અને નેતાજીને બિરદાવ્યા હતા!

સુભાષબાબુ જર્મનીમાં હતા તે દરમિયાન પૂર્વમાં ક્રાંતિકારી રાસબિહારી બોઝ એવી રીતે જર્મનીના સાથી એવા જાપાન સાથે મળીને ભારતીય મૂળના યુદ્ધકેદીઓની આઝાદ હિન્દ સેના તૈયાર કરી રહ્યા હતા, જેના પ્રથમ કમાન્ડર હતા જનરલ મોહન સીંગ. રાસબિહારી બોસે પૂર્વના દેશોમાં રહેતા ભારતીય નાગરિકોની ઇન્ડિયન નેશનલ લીગ પણ બનાવી, જેનો મુખ્ય હેતુ સેના માટે ફંડ ભેગું કરવાનો હતો. યુરોપ કરતા વધારે બ્રિટિશ સૈનિકો પૂર્વમાં લડતા હતા, એટલે નેતાજી હિટલરની મદદથી સબમરીનમાં છુપાઈને સિંગાપોર પહોંચી ગયા અને રાસબિહારી બોસને મળ્યા. રાસબિહારી બોસ સાથે મળીને બંને સેના એક કરી અને વિશાળ સેનાનું નેતૃત્વ નેતાજીએ સંભાળ્યું. નેતાજીએ ૨૧ ઓક્ટોબર ૧૯૪૩ના દિવસે સિંગાપોરમાં "સ્વતંત્ર ભારતની સરકાર"ની રચના કરી અને તેને જાપાન જેવા કેટલાક દેશોએ માન્યતા પણ આપી. દિવસે નેતાજી આંદામાન ગયા, જે જાપાનના કબ્જામાં હતું, અને ત્યાં પહેલી વખત ભારતીય ત્રિરંગો લહેરાવી સલામી આપી. જાપાનના સરસેનાપતિ ટોજો સાથે પણ નેતાજીએ ચર્ચાઓ કરી. પહેલા સિંગાપોર, અને પછી રંગૂનને આઝાદ હિન્દ સેનાનું મુખ્ય કેન્દ્ર બનાવીને નેતાજીએ ભારત (બ્રિટિશ) ઉપર આક્રમણ કરવાની તૈયારીઓ કરી, અનેચલો દિલ્હી'ના નારા સાથે ૧૯૪૪માં ભારતની પૂર્વ સરહદેથી આક્રમણ કર્યું. તેમણે કોહિમા સહિત પૂર્વ ભારતનો કેટલોક ભાગ જીતી લીધો. સરહદે પણ બ્રિટન તરફથી લડતા સૈનિકો સામે ચાલીને આઝાદ હિન્દ સેનામાં જોડાતા ગયા અને દિલ્હી તરફની કૂચ, મર્યાદિત સાધનો હોવા છતાં, આગળ વધતી ગઈ.  આઝાદ હિન્દ સેનાના એક સેનાપતિ શાહનવાઝ ખાન લખે છે કે સેનાના સૈનિકોએ લાંબા થઈને જીતેલા ભારતની ભૂમિને ચૂમી લીધી.

કમનસીબે અમેરિકા યુધ્ધમાં મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયું, જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુહુમલો કરી ધરી રાષ્ટ્રોને હતોત્સાહ કર્યા. જાપાન હારી ગયું. તેની પાછળ બરમા (મ્યાનમાર) પણ ફરી અંગ્રેજો પાસે આવી ગયું અને આસામ સરહદેથી ઈમ્ફાલ સુધી પહોંચેલી આઝાદ હિન્દ સેનાને પાછળથી સપડાવી દીધી. તે સમયે સમાચાર આવ્યા કે નેતાજી વિમાની અકસ્માતમાં માર્યા ગયા, અને આઝાદ હિન્દ સેના હતોત્સાહ થઈ ગઈ, હારી ગઈ. નેતાજી ૧૮મી ઓગસ્ટ ૧૯૪૫ના રોજ તાઈવાનની હોસ્પિટલમાં અવસાન પામ્યા એવું નોંધાયું છે. પણ એમના અવસાનની વાત કોઈએ સાચી માની નહીં અને વખતોવખત નેતાજી જીવીત છે એવી વાતો થતી રહી. આઝાદ હિન્દ સેનાના પકડાયેલા સૈનિકો અને અધિકારીઓ સામે દિલ્હીના લાલ કિલ્લામાંરાષ્ટ્રદ્રોહના આરોપસર કોર્ટ માર્શલ કેસો ચાલ્યા અને પ્રસિધ્ધ બેરિસ્ટરો ભૂલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરૂ વગેરેની તર્કબદ્ધ દલીલોના કારણે સૌનો છૂટકારો થયો.

નેતાજીએ આપેલોચલો દિલ્હી'નો મંત્ર હજુ આજે પણ એટલો તાકાતવાન છે. એમના જીવન અને કાર્ય વિશે ઘણું સાહિત્ય પ્રકાશિત થયું છે. ૧૯૪૬-૫૦ના અરસામાં રોમાંચક વાતો જયારે જીવંત હતી ત્યારે કેટલાક પુસ્તકો પ્રસિધ્ધ થયા હતા, પણ પછીથી તો એની ઉપર લગભગ પડદો પડી ગયો. આઝાદી બાદ વર્ષો સુધી દેશનું સુકાન સંભાળનાર કોંગ્રેસનાં નેતાઓનું જીવન અને કાર્ય એની સરખામણીમાં ખૂબ ફિક્કા લાગે. વળી ૧૯૩૯થી શરૂ થયેલા મતભેદોનો ડંખ પણએ નેતાઓના મનમાં રહ્યો હોય, શક્ય છે. વખતના કેટલાક નેતાઓ સુભાષબાબુના હિટલર સાથે અને જાપાનીઓ સાથેના સંબંધોના કારણે એમને ફાસીવાદી પણ માનતા હતા. જો વિશ્વયુધ્ધનો વળાંક થોડોક મોડો આવ્યો હોત અને સુભાષબાબુ તેમની સેના લઈને દિલ્હી પહોંચી ગયા હોત. એક સંભાવના ઘણી બધી ચર્ચાઓ પ્રેરી શકે. સુભાષબાબુ આઝાદ હિંદ સેનાને હંમેશા કહેતા આવ્યા હતા કે આપણું કામ દિલ્હીની ગાદી કબ્જે કરવાનું છે. ત્યારપછીનું કાર્ય ગાંધીજીને સોંપી દેવાનું છે. ગાંધીજીની કાર્યપધ્ધતિ સામે વિરોધ હોવા છતાં ગાંધીજીની દેશ પ્રત્યેની નિષ્ઠનો એમાં સ્વીકાર હતો.

જર્મન સેનાપતિ રોમેલે ભારતની સંસ્કૃતિના વખાણ કરીને હિન્દુ-મુસ્લિમ એકતાને બિરદાવી હતી અને સુભાષબાબુની માટે પ્રંસશા કરી હતી. આઝાદ હિંદ સેનામાં જોડાયેલા બધા સૈનકોનાં મનમાંથી ધર્મનો ભેદ ભૂંસવામાં સુભાષબાબુ સફળ થયા હતા એનો પૂરાવો આઝાદ હિંદ સેનાના સેનાનીઓ તરીકે નિમાયેલા કર્નલ શાહનવાઝનખાં (જે પછીથી કેન્દ્રમાં રેલ્વેપ્રધાન પણ થયા હતા), કર્નલ ગુરૂબક્ષસીંગ ધીલોન, કેપ્ટન પ્રેમકુમાર સહગલ અને કેપ્ટન લક્ષ્મી (બંનેએ પછી લગ્ન કર્યા) છે. જો.. તો.. વાત કરીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે, જો નેતાજી સફળ થયા હોત તો ભારતના ભાગલા તો થયા હોત!

નેતાજી દ્વારા પ્રેરિત રાષ્ટ્રભાવના તે સમયે ભારતીય સેનામાં પ્રસરી ગઈ હતી. ત્યાર બાદ ફેબ્રુઆરી ૧૯૪૬માં નૌસેનામાં બળવો થયો, જેમાં ભારતીય નૌસૈનિકો અને ગોરા નૌસૈનિકો વચ્ચેના ભેદભાવ ઉપરાંત રાષ્ટ્રભાવના પણ હતી. કારણે બ્રિટિશ સરકારમાં ડર પેસી ગયો હતો કે હવે જો ભારતમાં વધુ રહીશું તો આપણે માટે જોખમ છે. કેટલાક લોકો માને છે કે ભારતને તાત્કાલિક આઝાદી આપવાના નિર્ણય પાછળ પણ એક કારણ હતું.

ચલો દિલ્હી', ‘તુમ મુઝકો ખુન દો, મૈ તુમ્હેં આઝાદી દૂંગા' જેવા જોશીલા સુત્રો આપીને દેશના તે સમયના યુવાન હૈયાઓનું દિલ જીતી લેનાર સુભાષચંદ્ર બોઝના રહસ્યમય મૃત્યુને હજુ આજે પણ શંકાની નજરે જોનારા ચહકો છે.

મહાન નેતાને યાદ કરીએ અને નવી પેઢી એમની રોમાંચક જીવનયાત્રા વિશે વધુને વધુ જાણે એવા પ્રયત્નો સરકાર અને અન્ય સંસ્થાઓ કરે એવી અપેક્ષા રાખીએ,