રતિયો
એનું નામ હતું રતિલાલ પણ ગામમાં સૌ એને ‘રતિયા’ જ તરીકે ઓળખે. નાના છોકરાઓને માનથી બોલાવવાની ઈચ્છા થાય તો ‘રતિયા’નું ‘રતિયાભાઈ’ કે ‘રતિયાકાકા’ કરે! માદરપાટમાંથી બનાવેલું બે ખીસ્સાવાળું ટૂંકી બાંયનું ખમીસ અને ખાખી ટૂંકી ચડ્ડી, એ એનો હંમેશનો પહેરવેશ. ખમીસનાં બે ખીસ્સામાંથી જમણામાં રૂમાલનો ડૂચો અને ડબામાં કાગળોનો નાનો થોકડો અને પેન હંમેશાં હોય. પગમાં કોઈ વાર ચંપલ દેખાય, કોઈવાર બૂટ પણ દેખાય, પણ મોટે ભાગે પગ ઉંધાડા જ હોય. ગામમાં એક નાનું સરખું ઘર-માલિકીનું. સીમમાં થોડી જમીન, એકલો જીવ. આગળ-પાછળ કોઈ નહિ. માબાપ નાનપણમાં જ છોડી ગયેલાં. દીકરી આપનાર કોઈની નજરમાં વસેલો નહિ એટલે કુંવારો – વાંઢો. કોઈને કાંઈ પણ કામ પડે એટલે પહેલાં રતિયો યાદ આવે. વીંછી કરડે તો રતિયો વીંછી ઉતારવાનો કીમિયો જાણે, કોઈને ખરીદી કરવા જવું હોય તો રતિયાનો સાથ લે - રતિયાને વજન ઊંચકવામાં નાનમ નહોતી એટલે. મોડી રાત્રે આવતી ગાડીએ કોઈને આવવું હોય તો સ્ટેશને લેવા આવવાનું રતિયાને કહી દેવાનું. રતિયો લાકડી લઈને પ્લેટફોર્મ ઉપર હાજર જ હોય! ખળો સૂનો મૂકીને લગન-મરણમાં જવું પડે તો રતિયો આપમેળે જ કહેશે, ‘તમે નિરાંતે જઈ આવો, એક રાત હું સાચવીશ.’ કોઈ માંદું પડે અને બે માઈલ દૂરના મોટા ગામથી દાક્તર બોલાવવા હોય તો રતિયા સાથે સાઈકલનો મેળ કરી દેવાનો. કોઈને ત્યાં સારો-નરસો પ્રસંગ હોય, ત્યારે જમણવાર પતી ગયા પછી વધઘટ ગરીબ ગુરબાઓને વહેંચતી વખતે રતિયો ન હોય તો ભાગ્યે જ મેળ પડે. ઘરના પુરુષો બહાર ગયા હોય તો ઢોર - બળદોને પાણી પાવાનું, ખૂંટ બદલવાનું કામ રતિયો હસતાં હસતાં કરી આપે. તો ક્યારેક પુરુષોને ખેતરે ખાવાનું પહોંચાડવામાં પણ એને શરમ નહીં!
રતિયાનું ગુજરાન કઈ રીતે ચાલતું તે કોઈને ખબર નહોતી. તેની કોઈને પડી પણ નહોતી. રતિયાની જીવનજરૂરિયાત થોડી, અને તેની પાસે જમીન હતી, એટલે એમાંથી એનું પુરૂં થઈ રહે એમ લોકો સ્વાભાવિક રીતે માનતા. ખેડૂતો રતિયાને જમીન ખેડી આપે કે બીજું કામ કરી આપે તો રતિયો સામે ચાલીને કિંમત ચૂકવી આપતો. છતાં કોઈ ન લે તો તેનો પણ વાંધો નહિ!
શિવરાત્રી કે જન્માષ્ટમી વખતે મંદિરમાં રતિયો ભજનોનો સૂત્રધાર બનતો. નવરાત્રિમાં ગરબા પણ મોટે ભાગે રતિયો જ ગવડાવતો. શ્રાવણ કે અધિક માસમાં રાત્રે ત્રણેક કલાક સુધી એ ... ‘વૈશંપાયન એણી પેર બોલ્યા, સુણ જનમેજય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ્યપર્વ મહિમાય,...’ ગાતો અને ભાગવતનું પઠન કરતો ત્યારે તે કથાકાર જેવો લાગતો
રતિયો કદી કોઈ પાસે કાંઈ માંગતો નહિ. હા, ચા તેની કમજોરી હતી. કોઈ ચા આપે તો તે ના ન પાડતો. કોઈને ત્યાં જમવાના સમયે થોડોક આગ્રહ થાય તો તે જમી લેતો.
એક મહિના સુધી એ આતુરતા ન સંતોષાઈ, ત્યારે રતિયો લગ્ન કરવા ગયો હોય એ વાત અંગે શંકા પેદા થઈ અને ‘રતિયો સાધુ થઈ ગયો’, એવી બીજી જોરદાર શક્યતા ગામમાં ફેલાતી ગઈ. રતિયાના જીવન તરફ જોતાં એ લગ્ન ન કરે તો બીજો રસ્તો સાધુ થઈ જવાનો જ લે એવી લોકોની કલ્પના હતી. આ સિવાય રતિયાના જીવનમાં બીજી શી ઊણપ હોઈ શકે? લગ્ન કરવા માટે એ ગામ બહાર જાય એ ખરું, પણ પછી સ્થિર થવા અને લગ્નજીવન માણવા એને ગામની દુનિયામાં આવવું જ પડે. એ સાધુ થાય તો જ ગામનો ત્યાગ કરી શકે. આવા તર્કો કરીને લોકોએ માન્યું કે રતિયો સાધુ થઈ ગયો. છ મહિના સુધી રતિયો ન દેખાયો એટલે લોકોએ ખાતરીપૂર્વક માની લીધું કે તે સાધુ થઈ ગયો. કોઈ અજાણ વ્યક્તિ રતિયા વિષે પૂછતો, તેને હવે તો નિઃસંકોચ ઉત્તર મળતો કે તે સાધુ થઈ ગયો. ગામના છોકરાઓને માટે ‘રતિયો’ શબ્દ સાધુનો પર્યાય બની રહ્યો. કોઈ પણ સાધુને ગામમાં પ્રવેશતો જોતા છોકરાંઓ કહેતા, ‘રતિયો આવ્યો.’
લોકોની ટૂંકજીવી સ્મૃતિમાંથી રતિયો ભૂસાંઈ ગયો, પણ રહી ગઈ એની મૂઠીભર મિલકત. ખેડાયા વિનાની જમીનમાં લોકોનાં ઢોર ચરતાં. ઘરને તાળું હતું એટલે એ લોકભોગ્ય બની શકતું નહિ. પણ બિલાડીઓ, વનિયર જેવાં પ્રાણીઓને માટે એ સંરક્ષિત સ્થાન બની રહ્યું. પાંચેક વર્ષ વીતી ગયાં. એક દિવસ મારા ઉપર આવેલા રતિયાના પત્રે વળી પાછી રતિયાની સ્મૃતિનો વંટોળ ઊભો કર્યો. રતિયાના મોતીના દાણા જેવા સુંદર અક્ષરે લખાયેલો પત્ર જોયો ત્યારે જ ખ્યાલ આવ્યો કે રતિયાને લખતાં પણ આવડતું હતું! તેણે લખ્યું હતું :
“મુરબ્બીશ્રી કિશોરભાઈ, પત્ર અજાણ્યો લાગશે. લખનાર પણ આટલા સમય પછી અજાણ્યો લાગે, છતાં સ્મૃતિને સહેજ ઢંઢોળીને ‘રતિયા'ને યાદ કરશો તો જરૂર યાદ આવી જશે. હા, હું રતિયો જ આ પત્ર લખી રહ્યો છું. આપને અગાઉ તકલીફ આપી છે તે બદલ માફી માંગવા નહિ, પણ થોડી વધુ તકલીફ આપવા. તકલીફની વાત કરતા પહેલાં મારી વાત. આપ જાણો છો કે ગામમાં હું શું હતો. દોષારોપણ નથી કરતો, પણ હકીકત જણાવું છું કે, જે લોકો મને પોતાનો માનતા હતા, પોતાનો માની કોઈ પણ કામ મને વિનાસંકોચ સોંપતા હતા, મારામાં વિશ્વાસ રાખતા હતા, તેઓને એક વાતનો કદી ખ્યાલ આવ્યો નહિ કે રતિયાને પણ પોતાની પાયાની જરૂરિયાતો હતી. બે વખત નહિ તો એક વખત પણ પેટ ભરવાની અને ટાઢ – તડકા - વરસાદથી શરીરને રક્ષવાની જરૂરીયાતો રતિયો પૂરી કરી શકતો હતો કે કેમ તે કોઈએ વિચાર્યું નહિ. મેં માગ્યું હોત તો મને ઘણું મળ્યું હોત. પણ, એક તો સૈદ્ધાતિક રીતે હું માનતો કે જે લોકો મારો ઉપયોગ કરે તેઓએ મારો ખ્યાલ રાખવાનું સૌજન્ય દર્શાવવું જોઈએ. અને બીજું, જે ક્ષણે હું માગું તે ક્ષણથી માટે મારું સ્વાભિમાન છોડવું પડે. ગામ છોડતા પહેલાં બે -ત્રણ દિવસો મેં ભૂખમાં અને મનોમંથનમાં વિતાવ્યા. મારે માટે બે વિકલ્પો હતા. જન્મભૂમિનો ત્યાગ કરી રોટલો રળી લેવો; અથવા ગૌરવ છોડી ગામના લોકો પાસે યાચના કરવી, ગામના યુવાનો મારી મશ્કરી કરતા, લોકો મારી પાસે કામ કરાવી મારી ઠેકડી ઉડાડતા, તે બધું હું સમજતો હોવા છતાં તે આનંદથી માણતો, કારણકે અંતરમાં ગૌરવ હતું કે હું કોઈનો ઓશિયાળો નહોતો. પણ ભૂખ્યા પેટે આંતરિક ગૌરવ જાળવી લોકસમૂહમાં ભળી જઈને જીવન વિતાવવાનો પ્રયોગ છોડાવ્યો. મેં ગામ છોડવું ઉચિત માન્યું. ગામ છોડયા પછી મોત આવે તો પણ મેં પ્રેમથી આવકાર્યું હોત. સદ્દનસીબે એવું બન્યું નથી. હું ક્યાં છું, શું કરું છું તે જાણવાની આતુરતા - ફક્ત કુતૂહલપ્રેરિત આતુરતા - બધાને હશે. પણ તે સંતોષવાની જરૂર નથી એમ માનું છું એટલે લખતો નથી.
“આ સાથે મારા ઘરની ચાવી મોકલું છું. ઘરમાં ઝાઝી મિલકત નથી. થોડાં પુસ્તકો છે. એનાથી જો ગામને માટે એક પુસ્તકાલય શરૂ કરી શકો તો સારું. શરૂ થયા પછી ભગવાન એને જરૂર સમૃદ્ધ બનાવશે, જીવન જરૂરિયાતની જે થોડી-ઘણી ચીજો સારી હોય તે જરૂરિયાતવાળાને વહેંચી દેશો, મારા ઘરનો ઉપયોગ પુસ્તકાલય, દવાખાનું કે એવા જાહેર કાર્યો માટે કરશો તો મને આનંદ થશે. સીમમાં થોડી જમીન છે, ખેડાણ નહિ થવાથી ઘાસિયું જ હશે. પુસ્તકાલય, દવાખાનું કે એવું જે કોઈ કાર્ય શરૂ કરો તેના નિભાવ અર્થે એ જમીનનો ઉપયોગ કરો તો સારું. નિભાવખર્ચ પૂરો નહિ નીકળે તો પણ ફૂલ નિહ ને ફૂલની પાંદડી મળી રહેશે. ટૂંકમાં, કોઈ જાહેર સત્કાર્યની શરૂઆત માટે આટલી મારી નાનકડી મિલકત ઉપયોગી થઈ શકરો. એનો વિકાસ ભગવાનની કૃપા અને આપ સૌની મહેનત ઉપર આધાર રાખે, પણ બંધ તો નહિ જ થાય એમ માનું છું. આ સાથે મકાન અને જમીન અંગે જરૂરી લખાણ મોકલું છું. આ તકલીફ આપવા માટે આપને પસંદ કર્યા - આપની સાથે ઓછામાં ઓછો પરિચય હોવા છતાં - તેનું કારણ આપની નિષ્ઠામાં શ્રદ્ધા છે, મારા વિષે જાવાની આપની આતુરતા સંતોષી નથી શકતો તે બદલ માફ કરશો,
લિ.આપનો રતિયો
પત્ર પૂરો કરતાં મારી સમક્ષ રતિયાની આકૃતિ તરવરી કહી, રતિયો સામાન્ય નહોતો તેની ખાતરી એનો પત્ર આપતો હતો. ‘મારે શું કરવું ?' એવો મને પ્રશ્ન થયો અને અંતરમાંથી તરત જ અવાજ આવ્યો, ‘એણે સોપેલું કાર્ય પૂરી નિષ્ઠાથી કરી આપવું.' સાંજે ગામના અગ્રણીઓની હાજરીમાં રતિયાનું ઘર અમે ખોલ્યું. થોડાં વાસણો, ખાટલો, ગોદડું વગેરે સામાન્ય ચીજવસ્તુઓ ઉપરાંત પાંચસોથી સાતસો જેટલાં પુસ્તકો ઘરમાં પડ્યાં હતાં. કબાટ કે એવું નહોતું એટલે જમીન ઉપર ઈંટો ગોઠવી, તેના ઉપર પાટિયા મૂકી બધાં પુસ્તકો ગોઠવ્યાં હતાં. એક પછી એક પુસ્તક જોવાની લાલચ હું રોકી ન શક્યો. મોટા ભાગનાં ગુજરાતી પુસ્તકો હતાં, કેટલાંક હિન્દી પણ હતાં. થોડાં સામયિકો પણ હતાં. ગુજરાતીમાં અનુવાદિત શરદબાબુ, ટાગોર, પ્રેમચંદ, કાલિદાસ, શેકસપિયર, ટોલ્સ્ટોય, જુલે વર્ન, માર્ક ટ્વેન, એડગર એલન પો જેવા જેવા કેટલાંય સાહિત્યસ્વામીઓની કૃતિઓ; સંસ્કૃત ઉપનિષદો અને સ્મૃતિઓ ઉપરાંત રાજ્યશાસ્ત્ર, વિજ્ઞાન વગેરે જુદા જુદા વિષયોનાં પુસ્તકો પણ રતિયાના ઘરમાં હતાં. રતિયાનો આ ખજાનો જોઈને મને પ્રશ્ન થયો, એણે વાંચ્યાં હશે આ બધા ?' અને મારા સ્મરણપટ ઉપર રાત્રે મોડે સુધી રતિયાના ઘરમાં બળતા ફાનસની યાદ તાજી થઈ. ‘પુસ્તકો જોઈને હબકી ગયા કે શું ?' મારી સાથે આવેલા લોકોમાંથી એક જણે પૂછ્યું, ત્યારે હું વાસ્તવિક દુનિયામાં આવ્યો. રતિયાના આ ખજાના વિષે જાતજાતની ટીકા એ લોકોએ કરી. 'પુસ્તકો પાછળ ખર્ચ્યા તેટલા પૈસા બચાવ્યા હોત તો બે વીધા જામીન બીજી લઈ શકયો હોત અને આમ ગામ છોડવા વારો ન આવત.' એક વ્યવહારકુશળ આગેવાન બોલ્યા. અંતે આ પુસ્તકોમાંથી ગામમાં પુસ્તકાલય શરૂ કરવાની દરખાસ્ત મેં લોકો સમક્ષ મૂકી. બધી જવાબદારી સંભાળવાની તૈયારી મેં દર્શાવી ત્યારે એ દરખાસ્ત મંજૂર થઈ. જમીનમાંથી થતી આવક હાલ નવાં પુસ્તકો ખરીદવામાં વાપરવી એવો નિર્ણય થયો. કબાટ વગેરે માટે ફાળો ઉઘરાવવાની શરૂઆત મેં જ થોડા પૈસા આપી કરી. આમ ટીકાટીપ્પણો છતાં રતિયાએ ઈચ્છેલ કાર્ય શરૂ થયું.
જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ રતિયો એક વિદ્વાન, પરોપકારી, મિલનસાર, દીર્ઘદૃષ્ટા વ્યક્તિ તરીકે મારા માનસ ઉપર છવાઈ ગયો. જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ રતિયાની આકૃતિ વિરાટ બનતી ગઈ અને છેવટે સમાજસેવાના વિશાળ ફલકમાં વિલીન થઈ ગઈ. રતિયાએ સૂચવેલી યોજના શબ્દોમાં ખૂબ સામાન્ય હતી પણ તેમાં સ્વયંભૂ વિકાસની પૂરેપૂરી તક હતી તેની ખાતરી થઈ અને એ સ્વયંભૂ વિકાસના નિમિત્ત બનવાનો મેં સંકલ્પ કર્યો. રતિયો ક્યાં હશે, શું કરતો હશે એવા પ્રશ્નો માનસ ઉપર આવી આવીને લુપ્ત થઈ ગયા અને રતિયાની યોજનાના વિકાસની ચરમ સીમા રતિયાને અહીં ખેંચી લાવશે એવી શ્રદ્ધા દૃઢ બની ગઈ.
વર્ષો વીતતાં ગયાં અને રતિયાએ વાવેલું બીજ ફાલીને મોટું વૃક્ષ થતું ગયું. ગામના લોકોના અને બીજા લોકોના સહકારથી પુસ્તકાલય, દવાખાનું, ઔષધશાળા, ધર્મશાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કૉલેજ, એમ એક પછી એક શાખાઓ એમાંથી નીકળતી ગઈ અને સ્વયંવિકાસની વડવાઈઓ જમીનમાં ઉતારતી કબીરવડને આંબવાનો પ્રયત્ન કરી રહી. પંદર વર્ષ પહેલાંનું એક નાનકડું ગામડું સમગ્ર વિસ્તારનું સંસ્કારતીર્થ બની રહ્યું.
વિજ્ઞાનભવનના એક વિદ્યાર્થીનું આંતરરાષ્ટ્રીય સન્માન થયું, ત્યારે ગામ આત્મગૌરવથી ડોલી રહ્યું. એ વિદ્યાર્થીને સન્માનવાનો અને એ નિમિત્તે આ સંસ્કારતીર્થના દૃષ્ટાને તર્પણ કરવાનો એક સમારંભ ગામમાં રાખવામાં આવ્યો. અનેક નિમંત્રણો મોકલવામાં આવ્યાં. છાપામાં જાહેર આમંત્રણ પણ પાઠવાયું. સમારંભના બે દિવસ પહેલાંનાં સમગ્ર દેશનાં છાપાંઓમાં રતિયાને ઉદ્દેશીને જ્યાં હોય ત્યાંથી ગામમાં આવી આ કાર્યક્રમમાં હાજરી આપવાની વિનંતિ પ્રસિદ્ધ થઈ. આ વિનંતિએ સમગ્ર દેશમાં કુતૂહલ પેદા કર્યું. પત્રકારોને ટાઈટલો બાંધવા માટે રસભરી સામગ્રી મળવાની આશા બંધાઈ અને સમારંભનો દિવસ ઉત્સવ, આતુરતા, અને લોકમેદનીથી ભરપૂર બની રહ્યો. મને વિશ્વાસ હતો કે રતિયો આવશે. ગામ પ્રત્યેની તેની મમતા તેને આ પ્રસંગે જરૂર ખેંચી લાવશે. જાહેર વિનંતી મારા સૂચનથી જ પાઠવાઈ હતી. હજારો લોકો, સેંકડો મહાનુભાવો ભેગા થયા, પ્રશંસાઓ ધઈ, સૂચનો થયાં, સન્માનો થયાં, તસ્વીરો ઝડપાઈ અને ગામ ધન્ય બની ગયું. બધાને એક જ વસવસો રહી ગયો કે રતિયો ન આવ્યો. કદાચ હયાત જ નહિ હોય એવી અમંગળ શંકા કોઈકના મનમાં ઊભી થઈ, પણ મંગળ પ્રસંગે વ્યક્ત ન થઈ.
સમારંભ પતી ગયો. મહેમાનો ચાલ્યા ગયા. રતિયો ન આવ્યો તેનો આઘાત મને ખૂબ લાગ્યો. હું નિરાશ થઈ ગયો. ઊંઘ ન આવી. મોડી રાત્રે બારણે ટકોરા પડ્યા. કાંઈક ભય અને આશંકાથી બારણું ખોલ્યું. એ જ માદરપાટનું ખમીસ અને ખાખી ચડ્ડી બારણામાંથી દષ્ટિગોચર થયાં. મેં બારણું ફટાક દઈને ખોલી નાંખ્યું અને મોંમાંથી ચીસ નીકળી ગઈ, ‘રતિયો...."
‘હા, હું રતિયો, ચાલો, અંદર વાતો કરીએ.' ધીમા અવાજે એણે કહ્યું અને આગળ થયો. એની પાછળ શૂન્ય મને બારણું બંધ કરી હું પણ અંદર આવ્યો. એ ખુરશી ઉપર બેસી ગયો. હું ઊભો ઊભો એના તરફ જોઈ જ રહ્યો.
‘તું ખરેખર રતિયો....' મેં કાંઈ બોલવાનો પ્રયત્ન કરતાં કહ્યું.
‘હા, હું રતિયો, બેસો તો ખરા.... અને પાણી પાશો ?' તેણે કહ્યું. ઘરનાં બધાં જાગી ગયાં હતાં અને ભેગા પણ થઈ ગયાં હતાં. પાણીનો ગ્લાસ આવ્યો ત્યાં સુધીમાં હું માનસિક સ્વસ્થતા મેળવી ચૂક્યો હતો.
‘તું જમવાનો પણ હશે જ.' મેં કહ્યું અને મોટી દીકરીને ઈશારત કરી થાળી તૈયાર કરવા મોકલી.
‘તું આવી રીતે કેમ આવ્યો ?' મેં પૂછ્યું.
“સમારંભ માટેનું આમંત્રણ વાંચીને મારે આવવું જ જોઈએ, જાહેરાત ન આપી ન્ હોત તો પણ આવવાની ઈચ્છા હતી.”
‘પણ આમ છૂપા વેશે?’ મેં પૂછ્યું.
‘આ તો મારો જાણીતો વેશ છે. બીજો વેશ હોત તો અહીં છૂપો કહેવાત !' તેણે હસતાં હસતાં કહ્યું, મારા ઉપર અને ગામ ઉપર એ કટાક્ષ કરી રહ્યો હોય એવો વહેમ મને ક્ષણભર ગયો.
‘પણ તું જાહેર કેમ ન થયો?' મેં પૂછ્યું.
‘આટલી બધી કીર્તિનો ભાર હું જીરવી શક્યો હોત એમ તમને લાગે છે ? તેણે ગંભીરતાથી પૂછ્યું.
‘તારું જ સર્જન છે એટલે એ ભાર પણ વેઠવો તો પડે જ ને !’
‘તમારી ભૂલ થાય છે.હું તો માત્ર નિમિત્ત બન્યો. એક બીજ આપ્યું. બીજ વાવનાર - જતન કરીને ઉછેરી છોડ બનાવનાર તો તમે છો અને છોડને વિશાળ વૃક્ષમાં વિકસાવનારા બીજા કેટલાય લોકો છે. મારા કરતાં કીર્તિના વધુ હક્કદાર એ સૌ છે. મેં તો એક કલ્પના કરી હતી. એને સત્ય બનાવનાર તો તમે સૌ છો. સાંજે હું જાહેર થયા હોત તો સન્માનનો, યશનો, પ્રશંસાનો સાગર મારા ઉપર ઊમટ્યો હોત અને તેમાં તમારા જેવા યશના સાચા અધિકારીઓ તણાઈ ગયા હોત. તમે જ કહો, મેં સારું કર્યું કે ખોટું ?'
હું ઉત્તર ન આપી શકર્યો. રતિયો વહેલી સવારે ચાલી ગયો એના આગમનની
જાહેરાત ન કરવાનું મારી પાસે વચન લઈને. છતાં થો ડા દિવસો પછી ગામમાં વાત વહેતી હતી,
જેનાં મુખ્ય મુદ્દા હતા. “રતિયો મુંબઈમાં વેપાર કરે છે, સમારંભના દિવસે સમયસર પહોંચી
ન શક્યો - શરમ લાગી એટલે કિશોરભાઈને ત્યાં રાત રોકાઈને વહેલી સવારે પાછો ચાલી ગયો,
સરનામું આપતો ગયો નથી, સંસ્થાના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાનો ડ્રાફટ આપી ગયો છે, સમય
કાઢી ફરી આવવાનું વચન આપી ગયો છે. વગેરે.”