“સાહેબ, બરાબર આપની ઈચ્છા અનુસારનું એક મકાન હમણા વેચાવા આવ્યું છે, કિંમત પણ ઓછી છે, અત્યારે અડધી કિંમત ચૂકવવાની રહેશે અને ત્રણ મહિના પછી બાકી ૨કમ ચૂકવી કબજો લઈ શકાશે.” દલાલે મારી ઓફિસમાં પેસતા જ શુભ સમાચાર આપ્યા. પંદરેક વરસથી ભાડાના ઘરમાં રહ્યા પછી પોતાનું ઘર બનાવવાની તીવ્ર ઈચ્છા શોભનાને થઈ આવી હતી. ભાડાનું મકાન સરસ હતું,મકાનમાલિક પરદેશ હતા અને એમને મકાન ખાલી કરાવવાની કોઈ ઉતાવળ નહોતી, બલકે અમારા જેવા નાના કુટુંબ દ્વારા તેમના મકાનની સાર-સસંભાળ લેવાય તેટલું જ તે ઈચ્છતા હતા. વિસ્તાર પણ સારો હતો. આ બધા કારણે નાહકના લાખો રૂપિયાનું રોકાણ કરી નવેસરથી દુનિયા વસાવવાની મારી માનસિક તૈયારી નહોતી. શોભનાને પણ ઘર સજાવવાની વધારાની જવાબદારી, વધારાનો ખર્ચ અને અજાણી જગ્યામાં ભરાઈ પડવાની બીક તો લાગતી હતી, પણ લોકોના મહેણા એને બહુ સાલતા હતા. ‘આટલી આવક છે અને આટલો વખત થયો છતાં પોતાનું ઘર હજુ કર્યું નથી.' એવી વાત સગા સંબંધીઓ, મિત્રો, ઓળખીતા અને આજુબાજુના લોકો કરતા ત્યારે એને બહુ લાગી આવતું. આ જ કારણે હમણાં હમણાં તે લગભગ દરરોજ મને મકાન જોતા રહેવા માટે દબાણ કરતી હતી. મને નવા બંધાતા મકાનમાં ભરાઈ પડવાની બીક લાગતી હતી એટલે જૂનું તૈયાર મકાન મળી જાય તો લઈ લેવાની ગણતરીએ એક મિત્રને વાત કરી હતી અને તેણે એક દલાલની મુલાકાત કરાવી દીધી હતી. ત્યારથી દલાલ દર બેચાર દિવસે એકાદ મકાનની દરખાસ્ત લઈને આવતો, પણ કોઈને કોઈ વાંધો કાઢી હું તેને ના સંભળાવી દેતો. મકાન જોવા જવાની ઈચ્છા દર્શાવું તો શોભના તરત જ કોઈ પણ મકાન કોઈ પણ કિંમતે લેવાની હા પાડી દે એવી એની માનસિક સ્થિતિ થઈ ગયેલી હતી, એટલે હું એ સ્થિતિ ટાળવા પ્રયત્ન કરતો હતો. આવા કારણે જ મેં દલાલને ઘણીબધી જરૂરિયાતોની યાદી જણાવી દીધી હતી અને એમાં સ્હેજ પણ ઉણપ હોય તો હું ના જ સંભળાવી દેતો હતો.
“આજે પૈસા ને ત્રણ મહિના પછી કબજો..'' હું બહાનું શોધવાની તૈયારી કરવા લાગ્યો.
‘‘વાત એમ છે કે સાહેબ કે એક મધ્યમ વર્ગના ખાનદાન કુંટુંબનું મકાન છે. દીકરી પરણાવવા માટે હાથ ભીડમાં છે. એટલે અડધી રકમ આપવી જોઈએ એમ કહે છે. દીકરીના લગ્ન પતી ગયા પછી કબજો આપી દેશે. જો આપણે થોડું ખેંચીએ તો કિંમતમાં પણ સરળ રહે અને કામ થઈ જાય. આ તક ગુમાવવા જેવી નથી, સાહેબ. બીજા ઘરાકો મળી શકશે પણ બરાબર તમે ઈચ્છો છો તેવું જ મકાન હોવાથી પહેલા તમને કહ્યું છે... પછી તો તમારી મરજી...''
દલાલની આ નિર્લેપતા મને સ્પર્શી ગઈ. આ પહેલા તેણે આવી રીતે વાત કરી નહોતી.
“તો જોવાનું ગોઠવીએ.. જો તમને વિશ્વાસ હોય અને સરનામુ આપો તો અમે એક બે દિવસમાં અનુકૂળતાએ જોઈ આવીએ. પછી આપણે વાત કરીએ... ડરશો નહિ, તમારી દલાલી ડૂબાડીને સીધો સાદો નહિ કરી નાંખું...” મેં કહ્યું.
“કાંઈ વાંધો નહિ, સાહેબ. મકાન તમને ગમવાનું જ છે,' કહી તેણે મને એક કાગળ ઉપર નામ સરનામું લખી આપ્યું અને તેણે રજા લીધી, એના ગયા પછી સરનામાવાળા કાગળ તરફ નજર નાંખી અને એ વાંચતા હું ચમક્યો.
મારી નજર સામે વીસ વર્ષ પહેલાનો એ દિવસ પથરાઈ ગયો, જ્યારે અમે અમારા હાલના મકાનમાં પહેલ વહેલા રહેવા આવ્યા હતા. અમારો સામાન ટ્રકમાંથી ઉતરતો હતો. મજુરો બીજો સામાન ઉતારવામાં વ્યસ્ત હતા ત્યારે હું એક ભારે સુટકેસ ઉપાડવાનો પ્રયત્ન કરતો હતો. “..અંકલ, આપને મદદ કરું?...' સાત આઠ વર્ષની એક સુંદર છોકરી મારી પાસે આવીને ઊભી રહી ગઈ હતી. મેં સુટકેસ મૂકી દીધી અને તેના તરફ જોઈ રહ્યો. “થેંક્યું બેટા, તારાથી એ નહિ ઊંચકી શકાય, મજુરો મૂકી દેશે.” મેં હસતા હસતા કહ્યું, અને પૂછ્યું..... ‘‘તું અહીં જ રહે છે?”
“આ બાજુના મકાનમાં...” અને પછી તો એ નાની છોકરી સાથે એવી વાતોએ વળગ્યો કે મારો બધો જ થાક ઉતરી ગયો. થોડીવાર પછી શોભના આવી પહોંચી. તેની સાથે પણ એ નાની શિલ્પાએ દોસ્તી બાંધી અને એની મધ્યસ્થી દ્વારા તે સાંજે અમે એના પપ્પા મમ્મી સાથે ભોજન લીધું,
ત્યાર પછી તો અમારા બંને કુટુંબો વચ્ચે ગાઢ મૈત્રી થઈ ગઈ. હસમુખભાઈએ પ્રથમ દિવસથી જ અમને અજાણ્યા સ્થળમાં હૂંફ પૂરી પાડી, એ દિવસોમાં મારી આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. હું હજુ સામાન્ય સેલ્સમેન હતો. ઘણી વાર આઠ દશ દિવસ સુધી પણ બહાર રહેવાનું બનતું. ત્યારે શિલ્પા શોભના જોડે જ રહેતી. મોટી બહેનની જેમ તેમણે શોભનાને સાચવી હતી. હસમુખભાઈ વેપારી હતા. આવક પ્રમાણમાં સારી હતી. ભીડનાં સમયે અમને મદદ પણ કરતા અને તે એવી રીતે કે અમને સ્હેજે નાનમ ન લાગે. શિલ્પા ખૂબ હોંશિયાર નહિ પણ એકંદરે સારી પ્રગતિ કરી ગ્રેજયુએટ થઈ ગઈ, ત્યારે પેંડા અમે પણ વહેંચ્યા હતા અને સારો છોકરો શોધવામાં એમને હું પણ મદદ કરતો હતો. એમની ન્યાતમાં દીકરીનું લગ્ન એ કેટલી મોટી જવાબદારી હતી તેનો મને આજ સુધી ખ્યાલ નહોતો આવ્યો.
ઓફીસમાં હું બેચેન બની ગયો. કેટલાક તાકીદના કામ પતાવી હું નીકળી ગયો. ઘરે પહોંચ્યા પછી પણ હું સ્વસ્થ ન થઈ શક્યો અને શોભનાને પણ આડુ અવળું બહાનું કાઢીને મેં શાંત કરી. બીજે દિવસે જઈને મેં દલાલને ફોન કરી સોદાનો બાબતમાં આગળ કાર્યવહી કરી મને મળવા કહ્યું.
જ્યારે તે આવ્યો ત્યારે મેં તેની સામે એક જ શરત મૂકી, ‘‘મકાન મેં જોયું છે પણ લેનાર હું છું તે વાત તમારે અત્યારે મકાનમાલિકને કરવાની નથી. કબજા વખતે જોયું જશે. પૈસા હું ડ્રાફ્ટથી આપું છું, તમે મને પ્રોસીસરી નોટ કરી આપો અને એની સામે મકાનમાલિક પાસે તમે પણ પ્રોમસરી નોટ લઈ શકો.’’ દલાલને એમાં કાંઈ મુશ્કેલી નહોતી.. શોભનાને એ વાત ક્યારે કઈ રીતે કરવી તે હજુ મારે વિચારવાનું હતું.
શિલ્પાના લગ્ન સારી રીતે થઈ ગયા. એમની જ ન્યાતના એક મિત્રના પુત્ર સાથે એ ગોઠવાઈ શક્યું હતું. શિલ્પા ખૂબ ખૂશ હતી. આનંદ - શિલ્પાનો પતિ પણ ખુશ હતો. આનંદ અમારા જેવી જ એક કંપનીમાં સેલ્સમેન હતો અને ખૂબ તેજસ્વી હતો. તેનું ભવિષ્ય ઉજજવળ હતું,
શિલ્પાના લગ્નની ધમાલમાં શોભના મકાનની વાત ભૂલી ગઈ હતી. અને મેં પણ ચૂપ જ રહેવાનું પસંદ કર્યું હતું. લગ્નના અઠવાડિયા બાદ અચાનક જ તેના હાથમાં મારી બેન્કની પાસબુક આવી ગઈ અને તેમાં મોટી રકમની એન્ટ્રી જોઈને તે ચમકી ઊઠી. તેને ખબર હતી કે મકાન માટે ભેગા કરેલા એ પૈસા હતા. તે દિવસે સાંજે તે મારા ઉપર તોફાનની માફક વરસી પડી. ઘણા વખત પછી તેનું લડવાનું રોવાનું બધું પત્યું, ત્યારે મેં આખી વાત કહી દીધી. તે ચૂપચાપ સાંભળી રહી. ‘‘આવતી પંદરમી તારીખે ત્રણ મહિના પૂરા થાય છે. તે પહેલા નક્કી કરી લેજે કે મકાનનો દસ્તાવેજ કોના નામનો કરવો છે.” મેં સમગ્ર જવાબદારી તેની ઉપર ઢોળી દીધી.
અમારા જેવા નજીકના માણસો જ તેમની ભીડના સમયે સસ્તામાં રાખી લે તે જાણીને હસમુખભાઈ અને વિનોદબેન કેટલા દુ:ખી થાય તે વિચાર મને વારંવાર આવતો હતો, અને કોઈ નિર્ણય થઈ શકતો નહોતો. જ્યારે દલાલ જોડે મકાનનો સોદો કરવાની વાત કરી ત્યારે તો હસમુખભાઈને તાત્કાલિક મદદરૂપ થવાની ભાવનાથી પ્રેરાઈને જ એ કર્યું હતું, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા અને એ મકાનમાં અવારનવાર 'રાખ્યું છે’ની ભાવના સાથે આવતી થતી ગઈ તેમ તેમ એને રાખી લેવાનો લોભ વધતો ગયો. જ્યારે જ્યારે એનો કબજો લેવાનો વિચાર આવતો ત્યારે જાણે કોઈ મોટો ગુનો કરવાનો વિચાર કરી રહ્યો હોઉં એવું અનુભવાતું. જો દલાલે મારે બદલે બીજાને વાત કરી હોત તો હસમુખભાઈને આથી ય ઓછી કિંમતે મકાન ખાલી કરી ભાડાના ઘરમાં રહેવા જતું રહેવું પડ્યું હોત' એવો વિચાર કરી સાંત્વન મેળવવા પ્રયત્ન કરતો, પણ સાંત્વન મળતું નહોતું.
શોભના પણ મારા જેવું જ વિચારતી હતી એવું એની વાત પરથી લાગ્યું. એમને એમ નિર્ણય ઠેલાતો ગયો. દલાલે ઉતાવળ કરવા માંડી, કારણ કે તેની દલાલી રોકાઈ રહી હતી. મેં કંટાળીને તેને દલાલીની મોટાભાગની રકમ ચૂકવી દીધી. મારી પાસે હજુ બાકીના પૈસાની વ્યવસ્થા થઈ નથી' એમ કહીને હું તેને ટાળતો હતો.
એક દિવસ રાત્રે અમે બધા મળ્યા હતા ત્યારે હસમુખભાઈએ ખૂબ સંકોચાતા તેમની મુંઝવણ કહેવા માંડી, ‘‘તમને વાત નથી કરી. પણ શિલ્પાના લગ્ન ખર્ચ માટે મેં આ મકાન વેચવાનું નક્કી કરીને સોદો પણ કર્યો છે. અડધા પૈસા પણ લઈ લીધા છે. અને બાકીના પૈસા લઈને દસ્તાવેજ કરી કબજો આપવાની મુદત વીત્યાને પણ ત્રણ ચાર મહિના વીતી ગયા છે. દલાલ કહે છે કે પાર્ટી પાસે બાકીના પૈસાની જોગવાઈ થઈ શકી નથી એટલે મોડું થાય છે. અમે તો ખૂબ મુંઝવણમાં છીએ. ભાડાના એક ઘર માટે વાત કરી રાખી છે તે ઉતાવળ કરે છે. શું કરવું તે કાંઈ સમજ પડતી નથી. દલાલ પાર્ટી સાથે મુલાકાત ગોઠવે તો તેમને કહું કે ‘‘ભાઈ તારી પાસે સગવડ ન હોય તો થોડા થોડા કરીને આપજે. મારૂં કામ કાઢ્યું તે ઓછું છે? તમે જ સલાહ આપો મારે શું કરવું?”
હું અને શોભના એક બીજા સામે જોઈ રહ્યા. ઘણી વાર સુધી ચૂપકીદી છવાઈ ગઈ. ‘“તમે અમને છોડીને જતા રહેશો, એમને?'' શોભનાએ વિનોદાબેનને સહેજ હસીને કહ્યું.
“શું કરીએ છૂટકો નથી. પણ હવે કાંઈ ફેંસલો આવે તો સારૂં, ચિંતામાં ને ચિંતામાં એમનું તો ખાવાનું ય અર્ધું થઈ ગયુ છે.”
“ખૂબ લાગણી અને ઉત્સાહપૂર્વક બનાવેલું મકાન જેટલું મોડું છોડવાનું થાય તેટલું ગમે, પણ હવે એવું લાગે છે કે જાણે અમે કોઈનો અધિકાર ઝૂંટવીને જીવી રહ્યા છીએ.." કહેતા હસમુખભાઈની આંખો ભીની થઈ.
“શિલ્પાને અને આનંદને આની ખબર છે?'' શોભનાથી પૂછાઈ ગયું.
“શિલ્પીથી કોઈ વાત છૂપી રાખતા નથી, અને શિલ્પાએ આનંદને વાત કરી જ હશે. લેનારે એક જ દિવસમાં રૂપિયા કાઢીને આપી દીધા એટલે એને પણ મકાનની ઉતાવળ તો હશે જ ને? અમારી માફક ધંધામાં ગુંચવાઈ જવાથી બીજા પૈસાની સગવડ ન થઈ શકી હોય બિચારાથી, જો મળે તો કોઈ રસ્તો કાઢીએ..." વિનોદાબેને આંખ લૂછતા કહ્યું .
“નક્કી કરેલી મુદતમાં દસ્તાવેજ નથી કરાવ્યો એટલે તમે સોદો રદ ન કરી શકો?”’ મેં પૂછ્યું.
‘‘દાનત એવી હોય તો થાય…..પણ એવું મારે કરવું નથી.”
“તમે લીધેલી રકમ વ્યાજ સાથે અનુકૂળતાએ પાછી આપી દઈ શકો......
“એવી સગવડ હમણાં તો થઈ શકે એમ નથી. હજુ તો લગ્નના ખર્ચથી પડેલા ખાડામાંથી બહાર નીકળી શક્યા નથી. જો એવું થઈ શકે તેમ હોત તો આટલું સુંદર મકાન સસ્તામાં વેચવા કાઢત? મને ખાત્રી છે કે મને મદદ કરી શકે તેવા તમારા જેવા બે ત્રણ મિત્રો તો છે, પણ હમણાં તો પાછા આપી શકાય તેવું જ નથી. અને અમે હવે કેટલો વખત?''
જેમ જેમ હસમુખભાઈ સાથે વધુ વાત કરતો ગયો તેમ તેમ હું મારી જાતને વધુને વધુ ગુનેગાર માનતો ગયો. વારંવાર શોભના તરફ જોઈ તે શું વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરતો રહ્યો. થોડીવારની ચૂપકીદી પછી મેં હસમુખભાઈને આખી વાત કરી દીધી, અમારી મુંઝવણ સહિત.
“લો ઘી ઢોળાયું તે પણ ખીચડીમાં...” કહીને હસમુખભાઈ હસી પડ્યા.
પછી તો ખૂબ ચર્ચા, રકઝક, વિચારણા, મૂંઝવણને અંતે વિનોદાબેને જ રસ્તો કાઢી આપ્યો. અમે ચૂકવેલા પૈસાના બદલામાં અમે એમના મકાનની ઉપર જ અમારૂં મકાન બનાવીએ, કોઈનો કોઈના ઉપર ઉપકાર નહિ અને છૂટા પડવાની વાત પણ નહિ..
આ દરખાસ્ત સાંભળતાં જ શોભના વિનોદાબેનને વળગી પડી એની મુંઝવણ આંસુઓથી ધોવાઈ રહી.