Tuesday, December 14, 2021

રાજીનામુ

 

રાજીનામુ

 



             આજે તો એણે નક્કી કર્યું હતું કે સવારે ઊઠીને સૌથી પહેલું કામ રાજીનામુ આપવાનું કરશે. સવારે જો કોઈનો ફોન આવે કે કોઈ મળવા આવે તે વખતે  પોતે રાજીનામુ આપી દીધું છે એમ કહી નિરાંત અનુભવશે. પથારીમાં પડ્યો સુનિલ નિરાંત વાગોળતો રહ્યો.

એસ. એમ. ચેરીટેબલ હોસ્પિટલના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે સુનિલ છેલ્લા દસ વર્ષથી કામ કરતો હતો. ઘરમાં અને કુટુંબમાં બધું એવી રીતે ગોઠવાઈ ગયેલું હતું કે ઓફિસે - કલાક જવાની વિધિ કરવા સિવાય કઈ ખાસ કરવાનું નહોતું. પિતાજીએ શેરોમાં રોકેલી મૂડી અને રૂની પેઢીમાંથી એને એટલી આવક હતી કે એને કમાવા માટે કાંઈ કરવાની જરૂર નહોતી. એટલું નહિ વાપરવા માટે કાંઈ કરવું જરૂરી હતું. એટલે એણે એસ. એમ. ચેરીટેબલ ટ્રસ્ટને સારું એવું દાન કર્યું હતું. પરિણામે ટ્રસ્ટના એક ટ્રસ્ટીનું મૃત્યુ થતા એને ટ્રસ્ટી નીમવામાં આવ્યો અને બીજે વર્ષે મૅનેજિંગ ટ્રસ્ટીનું પદ પણ મળી ગયું. સુનિલે જવાબદારી સંભાળ્યા બાદ બધા ટ્રસ્ટીઓ નિરાંતે ઊંઘતા થઇ ગયા હતા.

સુનિલ આવ્યા પછી હોસ્પિટલમાં ઘણી વ્યવસ્થા આવી હતી. નવા સાધનો વસાવ્યા હતા, સારા ડોક્ટરો અને પૂરતો સ્ટાફ આવી ગયો હતો. મકાન પણ મોટું થયું હતું. હોસ્પિટલની નાની મોટી વહીવટી બાબતોમાં એને દિવસ નાનો પડતો અને ઘણી વાર રાત પણ ખર્ચાઈ જતી. શરૂઆતમાં તો એને બધામાં ખૂબ મજા આવતી. કુટુંબમાં પણ બધાને ખૂબ આનંદ થયો હતો. પણ શરૂઆતના વર્ષો પછી મોડી રાતે ફોન રણકી ઊઠે કે વહેલી સવારે કોઈ ડોરબેલ રણકાવે તો ઊઠવાની તસ્દી કુટુંબના કોઈ સભ્ય લેતા નહોતા. નોકર હોય તો તે પણ ફક્ત ફોન ઉપાડવા કે દરવાજો ખોલવા પૂરતા મદદરૂપ થતા. વાત તો તેને કરવી પડતી. એની તકલીફો અને કુટુંબના સભ્યોનું તેના જાહેર જીવન તરફના બેફિકરાઈ ભરેલા વર્તનનું વળતર એને વાહ વાહ, ખુશામતો, પ્રસંશા વગેરેમાં મળી રહેતું. વહેલી સવારે ડોરબેલ રણકાવી મીઠી ઊંઘનો ભંગ કરનાર પ્રત્યે શ્રાપ વરસાવતો ઊભો થતો, પણ આવનાર "આપને કસમયે તકલીફ આપી, પણ આપના સિવાય બીજું કોઈ એનો ઉકેલ લાવી શકે એમ નથી" એમ કહી પ્રસંશાની માળા બનાવીને પહેરાવી દે એટલે ખુશ થઇ જતો. થાકીને પથારીમાં પડ્યો હોય અને પાંપણ પર પાંચ કિલો ભાર મુક્યો હોય તેવી સ્થિતિમાં ફોન રણકી ઊઠે અને 'સા.. .' જેવો ઉદ્દગાર જીભ અને હોઠની વચ્ચે અટવાતો રાખીને ફોન ઉપાડે ત્યારે સામે હોસ્પિટલના ભારે ડિગ્રીધારી ડોક્ટરનો અગત્યની વહીવટી બાબતમાં એના જેવા બીકોમ ની સલાહ માંગતો અવાજ સંભળાય એટલે એની છાતી ઇંચ ફૂલી જતી અને પાંપણો પરનો ભાર હળવો થઇ જતો. સવારના પહોરમાં ફોન પર વાત કરતા ઠંડી થઇ ગયેલી ચા પેપરના છેલ્લા  પાના પરના સમાચારોમાં એનું નામ વાંચીને ટેસ્ટફૂલ બની જતી.

ટ્રસ્ટીઓ હવે જાગ્યા હતા. જેને બકરું માનીને ઘુસાડી દીધું હતું તે હવે હાથી બનીને સૌને ઢાંકી દેતું હતું. તે  તેમનાથી કેમ સહન થાય? બધા ટ્રસ્ટીઓએ - બીકે કે પોતે એકલા તો નહિ પડી જાય - બે-ત્રણ વર્ષ સુધી હવા નાખ્યા કરી. પણ આજે એનો વિસ્ફોટ થઇ ગયો. વિસ્ફોટ થયો તો એવો થયો કે બધા ટ્રસ્ટીઓને પહેલા આવો વિસ્ફોટ ના કરવા બદલ પસ્તાવો થયો.

આજે મળેલી ટ્રસ્ટીમંડળની વાર્ષિક બેઠક્માં હિસાબો મંજૂર થઈ ગયા પછી હોસ્પિટલના વહીવટની વાત નીકળી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે ખાનગી પ્રેકટીસ માટે રાજીનામુ આપ્યું હતું. તેમની જગ્યાએ બઢતી આપી શકાય તેવા ત્રણ ડોક્ટરો હતા. એમાંથી ડો. શાહ એક ટ્રસ્ટીના સગા હતા, અને પોતાની ભલામણ માટે અન્ય ટ્રસ્ટીઓનેપણ મળી ચૂક્યા હતા. બીજા ડૉક્ટર શોભનાબેન ઘણા લાંબા સમયથી હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત દર્દીઓમાં પણ ખૂબ પ્રિય હતા. ત્રીજા ડૉક્ટર ખૂબ  ભણેલા હતા, પણ સ્થાનિક ભાષા જાણતા નહોતા. ડો. શાહ તેમના વિષયમાં નિષ્ણાત હતા, પણ તેજ મિજાજ હોવાથી અપ્રિય હતા. સુનિલે ત્રણેની વાત કરી અને પોતે જગ્યા માટે શોભનાબેનનીપસંદગી કરી છે એવું જાહેર કર્યું ત્યારે ભડકો થયો. અન્ય ટ્રસ્ટીઓને પૂછ્યા વિના નિર્ણય લેવો જોઈએ એવી લોકશાહી ટીકાથી શરુ થયેલો હુમલો સુનિલ અને શોભનાબેનના ચારિત્ર્ય ખંડન સુધી પહોંચ્યો ત્યારે સુનિલથી ના રહેવાયું અને મિટિંગ છોડીને ચાલી આવ્યો. આવીને એણે નક્કી કર્યું કે સવારે ઊઠીને સૌથી પહેલું કામ રાજીનામુ આપવાનું કરશે.

વહેલી સવારે એની ઊંઘ 'શોભનાબેનનો ફોન છે' કહીને નોકરે ઊડાડી ત્યારે ક્ષણભર તો ચમકી ગયો. 'મીટીંગનો હેવાલ એમના સુધી પહોંચી પણ ગયો? શું જવાબ આપીશ?' એવા વિચાર કરતા ફોન સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં રાજીનામુ આપવાનો એણે કરેલો નિર્ણય એને યાદ આવી ગયો હતો.

"ગુડ મોર્નિંગ, શોભનાબેન, કેમ યાદ કર્યો?" શોભનાબેનનો ઉત્તર આવે ત્યાં સુધી તે હૃદયના ધબકારા સાંભળી રહ્યો.

"સુનિલભાઈ, એક તકલીફ આપવાની છે. એક બાઈને સિઝેરિઅન કરવાનું છે, પણ જોખમી છે. લોહીની વ્યવસ્થા કરવી પડશે. આપણી પાસે એના ગ્રુપના લોહીનો સ્ટોક નથી."

 "કોણ બાઈ છે?"

"ગામડેથી આવી છે. ત્રણ બાળકો છે. પતિનું ગયા મહિને અકસ્માતમાં અવસાન થયું. નહિ બચે તો છતી મિલકતે બાળકો ભિખારી બની જશે." શોભનાબેનના અવાજમાં રહેલી અનુકંપા એને સ્પર્શી ગઈ. રાજીનામુ તો કાલે પણ અપાશે, પોતે આજે કાંઈ ના કરે તો છોકરાઓ રખડી પડશે.

"કેટલી વાર રાહ જોઈ શકશો?"

"રાહ જોવાનું જોખમી છે, છતાં વધુમાં વધુ બે કલાક ખેંચી શકાશે."

"સારું, હું પ્રયત્ન કરું છું." કહી તેમણે ગ્રુપ નંબર લઇ શહેરની બધી બ્લડ બેંકોમાં ફોન કરી જોયા પણ સફળતા મળી. ગ્રુપની ચબરખી હાથમાં રાખીને તે વિચારમાં પડ્યો. પોતે જેનાથી છૂટવાનું નક્કી કર્યું તેમાં તેને વધારે ખૂંપવાનું થતું જાય છે. ચબરખી ઉપર નજર રાખીને વિચાર કરતા તેના મગજમાં ઝબકારો થયો.

તેણે ડો. શાહનો ફોન ઘુમાવ્યો. તેમનો પ્રત્યુત્તર સાંભળીને સુનીલનું મુખ મલકી ઊઠ્યું. તેણે ટ્રસ્ટી બિહારીભાઇનો ફોન નંબર જોડીને એટલું જણાવ્યું, "સીધા હોસ્પિટલ આવો. તાત્કાલિક કામ છે." અને પણ હોસ્પિટલ જવા નીકળ્યો.

બંને લગભગ સાથે હોસ્પિટલ પહોંચ્યા. બિહારીભાઈની આંખમાંના પ્રશ્નોનો ઉત્તર આપ્યા વિના આગળ થયો અને બંને મેટરનિટી ઓપરેશન થીએટર પાસે પહોંચી ગયા. તેમને જોઈને વોર્ડબોય હાંફળો ફાંફળો થઈને શોભનાબેનને બહાર બોલાવી લાવ્યો.

"શોભનાબેન, શહેરની કોઈ બ્લડ બેંકમાં તમારે જોઈતું લોહી નથી. પણ આપણે થોડા વખત પહેલા  કેમ્પ કર્યો હતો તે સમયે બધાના સેમ્પલ લીધા હતા, તેના પરથી ડો. શાહે મને કહ્યું કે આપણા સન્માનનીય ટ્રસ્ટી શ્રી બિહારીભાઈનું લોહી મેચ થશે. ગમે તેમ કરીને બાઈને બચાવી લઈએ." સુનિલ સડસડાટ બોલી ગયો. પછી બિહારીભાઇ સામે જોયું. હકીકતમાં બિહારીભાઇ સુપ્રિન્ટેન્ડેન્ટની જગ્યા માટે ડો. શાહની ભલામણ કરતા હતા એટલે એમનાથી ના કહી શકાય એવી સ્થિતિ નહોતી.

ઓપરેશન  પતિ ગયા પછી ટ્રસ્ટીઓની ચેમ્બરમાં ગયા. કોફી પીતા પીતા સુનિલે બિહારીભાઈને કહ્યું, "આજે તમેહોસ્પિટલની પ્રતિષ્ઠા માટે લોહી આપ્યું છે. આજથી ખુરશી તમારી. તમને હોસ્પિટલ માટે ઠીક લાગે તે તમે કરો." આગલા દિવસના વિવાદનો આડકતરો ઉલ્લેખ કરતા તેણે એક કાગળ લઈને પોતાનું રાજીનામુ લખીને બિહારીભાઈને આપી દીધું.