Monday, August 16, 2021

 છપ્પર ફાડકે



 

આપણે શબ્દો વારંવાર સાંભળીએ છીએ. આખું વાક્ય છે 'ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ.' પણ શું? જિંદગી કે મોત? કદાચ બંને.

વાત ૧૪મી એપ્રિલ ૧૯૪૪ની છે. બીજું વિશ્વયુદ્ધ લગભગ સમાપ્તિને આરે હતું. તે સમયે કેનેડામાં બનેલું અને ૧૯૪૨માં રજીસ્ટર થયેલું 'ફોર્ટ સ્ટિફાઇન' નામનું ૮૦૦૦ ટન વજનનું એક વ્યાપારી જહાજ મુંબઈના વિક્ટોરિયા બંદરમાં લાંગર્યું હતું. હજુ ખાલી કરવાનું બાકી હતું. તેમાં ૧૩૯૫ ટન TNT (એક્સપ્લોઝિવ), એક ફાઈટર જેટ, ટોર્પિડો, માઇન્સ વગેરે તો હતા . ૩૧ બોક્સમાં ભરેલી ,૯૦,૦૦૦ પાઉન્ડ વજન ધરાવતી સોનાની પાટો ઉપરાંત ઓઇલ વગેરે પણ હતા. જહાજના નિયમો પ્રમાણે રૂ અને એક્સપ્લોઝિવ સાથે ભરી ના શકાય, છતાં જહાજના કેપટન એલેક્ઝાન્ડર જેમ્સની નામરજી છતાં કરાચીથી મુંબઈ માટે ૮૭૦૦૦ રૂની ગાંસડીઓ પણ ભરવામાં આવી હતી, કારણ કે યુદ્ધ માટે રેલવે લાઈનો વ્યસ્ત હતી. જહાજના કાર્ગોની જે યાદી બનાવવામાં આવી હતી તેમાં સોનાનો ઉલ્લેખ નહોતો, એટલે છુપાવીને લઇ જવાતી હતી એમ માની શકાય.

બપોરે વગે જહાજમાં એક જોરદાર ધડાકો થયો અને તે સળગી ઊઠ્યું. જહાજના કર્મચારીઓ તથા બંદર પરના માણસો અને ફાયર બ્રિગેડ એમાં લાગેલી આગ હોલાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ થોડી વાર પછી લગભગ -૫૦ વાગે આગ હોલાવવાના પ્રયત્નો પડતા મૂકી તરત વહાણ છોડી દેવાનો આદેશ કર્મચારીઓને અપાયો. આદેશનો અમલ થાય તે પહેલા ફક્ત ૧૬ મિનિટમાં બીજો જોરદાર ધડાકો થયો. કેપટન સહીત ૩૦૦ જેટલા કર્મચારીઓમાંથી કોઈ બચી શક્યું નહિ. ધડાકાને કારણે જહાજમાં ભરેલી રૂની સળગતી ગાંસડીઓ અને ગરમીથી લાલચોળ થયેલી સોનાની પાટો તોપના ગોળાની જેમ હવામાં ફંગોળાઈ અને કિનારાના આસપાસના ઘરોમાં છાપરા તોડીને ઘરોમાં ઘૂસી ગઈ. સળગતી રૂની ગાંસડીઓ કિનારાના વિસ્તારની ઝુંપડીઓ ઉપર પડી અને લગભગ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આગનું તાંડવઃ રચાયું. કેટલાક ઘરોમાં સોનાની પાટો પણ પડી. તૂટેલા જહાજના ટૂકડાઓ પણ કિનારાના કેટલાક વિસ્તારોમાં ખાબક્યા

બંદરમાં જહાજની આસપાસ ઊભેલા ૧૬ જેટલા વિશાળકાય જહાજો સળગી ઊઠ્યા અને પછી જળસમાધિ લીધી, જેમાં જહાજ બ્રિટિશ રોયલ ઇન્ડિયન નેવીના પણ હતા. ઉપરાંત ૧૧ જહાજોને પણ ભારે નુકસાન થયું.

ધડાકો એટલો ભયંકર હતો કે બંદરથી ૮૦ કિમીની ત્રિજ્યામાં આવેલા વિસ્તારોમાં તેનો અવાજ સંભળાયો. ૧૭૦૦ કિમિ  દૂર સિમલામાં આવેલી ભૂકંપમાંપક લેબોરેટરીમાં પણ તેનું કંપન અનુભવાયું.

ધડાકા તથા આગના કારણે થયેલા નુકસાનના આંકડા :

. મૃત્યુ : બંદર ઉપર કામ કરતા તથા ફાયર સર્વિસમાં સેવા આપતા ૨૩૧ કર્મચારીઓએ જીવ ગુમાવ્યા જેમાં ૬૬ ફાયર બ્રિગેડના હતા. કિનારે રહેતા આશરે ૫૦૦ લોકોએ જીવ ગુમાવ્યા. આમ કુલ ૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યા. કેટલાક લોકોના મત અનુસાર મૃતકોનો કુલ આંકડો ૧૩૦૦ જેટલો હતો.

. માલસામાન : દરેક આશરે ૨૫ કિલો વજન ધરાવતી ૩૧ ખોખામાં ભરેલી ૧૨૪ સોનાની પાટો ક્યાં તો કિનારે ઊછળી અથવા દરિયામાં ડૂબી (જો કે તેમાંથી મોટા ભાગની પછીથી ધીરે ધીરે ભેગી કરી લેવાઈ). જહાજોમાં રહેલો આશરે ૫૦,૦૦૦ ટન જેટલો માલ નુકસાન પામ્યો. બનાવ પછી બંદરમાં વખતોવખત કરવમાં આવતા ડ્રેજીંગ (ભરાઈ જતી માટી ઉલેચવાનું કામ) દરમિયાન કોઈ ને કોઈ ચીજ મળતી રહી, જેમાં સોનાની પાટો પણ હતી. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૧માં એક સોનાની પાટ તથા ઓક્ટોબર ૨૦૧૧માં ૪૫ કિલો વજન ધરાવતો એક જીવતો બૉમ્બ મળ્યો હતો.

સમાચાર : તે સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. એટલે સમાચાર સંસ્થાઓ પર ભારે નિયંત્રણો હતા. વાત સૌથી પહેલા તે સમયે જાપાનના કબ્જા હેઠળના સાયગૉન રેડીઓએ ૧૫મી એપ્રિલ ૧૯૪૪ને  રોજ જાહેર કરી (જાપાન બ્રિટન સામે લડતું હતું). જયારે આપણા દેશમાં પત્રકારોને સમાચાર પ્રસિદ્ધ કરવાની પરવાનગી મે, ૧૯૪૪ના બીજા અઠવાડિયામાં મળી. અમેરિકાના ટાઈમ્સ મેગેઝીને તો વાત છેક ૨૨મી મેના રોજ પ્રસિદ્ધ કરી. ભારતના સુધીશ ઘટક નામના એક ફિલ્મ નિર્માતાએ બનાવ પર એક ફિલ્મ બનાવી પણ તે સમયના લશ્કરી અધિકારીઓએ તે જપ્ત કરી લીધી. પાછળથી તેના કેટલાક અંશો ન્યૂઝરીલમાં ભારતના પ્રેક્ષકોને બતાવવામાં આવ્યા.

ધડાકાની યાદગીરી તરીકે તથા માર્યા ગયેલા ૬૬ ફાયરમેનોને શ્રદ્ધાંજલિ આપવા દર વર્ષે ૧૪થી ૨૧ એપ્રિલ દરમિયાન 'ફાયર સેફ્ટી વીક' ઉજવવામાં આવે છે.

Thursday, August 12, 2021

 

દીકરાને પત્ર

 


દીકરા,

'મધર્સ ડે'  (માતૃદિન) પ્રસંગે તૅ મોકલેલ સુંદર કાર્ડ મળ્યું. રંગબેરંગી મોંઘા કાગળ પર ખૂબ આકર્ષક રીતે છાપેલું, સુંદર ભાવવાહી સંદેશો ધરાવતું કાર્ડ જોઈને મને તારું બાળપણ યાદ આવી ગયું.

તું ચોથા કે પાંચમા ધોરણમાં ભણતો હોઈશ. તારા વર્ગશિક્ષકે 'મારી મમ્મી' વિષય ઉપર નિબંધ લખી લાવવાનું  'ઘરકામ' તને આપ્યું હતું. તૅ આવીને મને પૂછ્યું હતું, 'મમ્મી, હું શું લખું?' અને મેં ઉત્તર આપ્યો હતો 'તને જે ઠીક લાગે તૅ લખ, બેટા. તો તારી પરીક્ષા છે.' અને તું મારાથી રિસાઈને ચાલી ગયો હતો!

પછી તૅ કાંઈક લખ્યું હતું અને વર્ગશિક્ષકને બતાવ્યું હતું. બપોરે રિસેશમાં અમે 'ટીચર્સ રૂમ'માં ભેગા થયા ત્યારે તારા વર્ગશિક્ષકે મને કહ્યું હતું, 'તમારા દીકરાએ મમ્મી વિષે લખેલો નિબંધ તમારે વાંચવા જેવો છે. ખૂબ સરસ છે.' કહી તેમણે તારી નોટબુક, જેમાં તૅ નિબંધ લખ્યો હતો તૅ મને બતાવી હતી. વાંચતા મારી આંખમાં પાણી આવી ગયા હતા. તને ખબર હોય પણ પછીથી નિબંધનું પાનું મેં ફાડીને રાખી લીધું હતું. જયારે તું ખૂબ યાદ આવે ત્યારે આજે પણ હું પાનું કાઢીને વાંચી લઉં છું. તારો -૧૦ વરસની  ઉંમરનો, માતૃપ્રેમથી છલકાતો ચહેરો હંમેશા મારી નજર સમક્ષ તરવરે છે.

તું મોટો થયો, એન્જીનીયર થયો. દેશમાં નોકરી કરી. લગ્ન કર્યા. પરદેશ જવાની તારી ઈચ્છા તૅ વ્યક્ત કરી. અમારી મરજી હોવા છતાં અમે બંનેએ તને અમારી નામરજીનો અણસાર પણ આવે તે રીતે હા પાડી અને તું પરદેશ ચાલી ગયો.

'પંખીના બચ્ચા મોટા થાય એટલે તેઓ માળો છોડી જાય. આપણું પંખી પણ હવે માળો છોડી ગયું. ક્યારેક ઊડતું ઊડતું આવી ચઢે અને આપણે તેને જોઈએ તેટલું આપણું ભાગ્ય માનવું.' તારા ગયા પછી ઘરે આવીને હું લાગણીવશ બની હતી અને રડતી હતી ત્યારે તારા પપ્પાએ મને વાસ્તવિકતા સમજાવી હતી. એટલે દીકરા, અમે તારી પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા રાખી નહોતી. તારા પપ્પા તો તારા ગયા પછી થોડાક વર્ષોમાં ચાલી ગયા. તું ત્યારે અહીં આવ્યો હતો. પપ્પાના નસીબમાં તારા હાથે અગ્નિદાહ અને પછીથી પિંડદાન હતા. મને તેથી થોડુંક સાંત્વન મળ્યું હતું. જો તારા પત્ની-બાળકો સાથે આવી શક્યો હોત તો વધુ સારું થાત, પણ અચાનક આવવાનું થતા શક્ય નહોતું સ્વાભાવિક હતું. જતા પહેલા તૅ મને અમેરિકા આવવા માટે કહ્યું હતું અને તે માટે પાસપોર્ટ, વિસા વગેરેની વિધિ કરી તૅ મને ત્યાં બોલાવી પણ હતી.

તારી ઈચ્છા હતી કે મારી સાથે રહીને તારા બાળકોમાં હું આપણા સંસ્કારોનું સિંચન કરું. પણ હું કરી શકી નહોતી. ત્યાંના વાતાવરણમાં મારી ઘણી મર્યાદાઓ હતી. હું પોતે ત્યાં ગોઠવાવામાં અસમર્થતા અનુભવતી હતી. અંગે આપણે વાત પણ થઇ હતી. મેં તને કહ્યું હતું, 'બેટા, સંસ્કાર બહારથી આરોપણ કરવાની ચીજ નથી. સંસ્કારનું સિંચન કરવામાં બહારનું અને ઘરનું વાતાવરણ ઘણો મોટો ભાગ ભજવે છે. ઉપરાંત આપણા સંસ્કારને સારા સંસ્કાર માનવાની ભૂલ કરતો. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે દિલમાં ઉગતી માનવતા અને લાગણી સંસ્કાર છે. તને મારી વાત બહુ ગમી નહોતી કે કદાચ સમજાઈ નહોતી મને ખબર છે. પણ સંસ્કારના જે દર્શન ત્યાં મને ત્યાં થયા હતા તે હું તને જણાવી શકી નહોતી.

આપણે બધા તમારા મિત્રો સાથે એક રેસ્ટોરાંમાં જવા ગયા હતા. આપણું ટેબલ સર્વ કરનારી એક ચબરાક છોકરી હતી. તેનો પહેરવેશ આપણી ભાષામાં સંસ્કારી નહોતો. તમે બધા તો તમારી વાતોમાં મશગુલ હતા. જમતા જમતા મારા ધ્રૂજતા હાથે ચમચી નીચે પડી ગઈ હતી, અને સાથે કેટલુંક ખાવાનું પણ મારા કપડાં પર ઢોળાયું હતું. 'સંભાળજો બા' કહી તારી વહુ તો પાછી વાતોમાં વળગી ગઈ હતી. પણ પેલી છોકરી ઝડપથી મારી પાસે દોડી આવી હતી. મારા કપડાં ઉપરના એઠવાડને નેપકીન પર ઉપાડીને લઇ ગઈ અને પછી મારી સાડી પર પડેલા ડાઘ પણ તેણે સાફ કરી આપ્યા હતા. આપણે બધા જમીને ઊભા થયા ત્યારે તમે બધા તો ફટાફટ ચાલવા લાગ્યા હતા. બેસી રહેવાથી જકડાઈ ગયેલા મારા ઘૂટણના કારણે  ઊભા થવામાં મને થઇ રહેલી મુશ્કેલી તે છોકરી તરત કળી ગઈ હતી. તમે ટીપમાં શું મૂક્યું છે તેના તરફ નજર સુદ્ધાં કર્યા વિના, મારો એક હાથ પકડી તેના ખભે ગોઠવી બીજા હાથે મને ઊભા થવામાં મદદ કરી હતી એટલું નહિ એના ખભે મારો હાથ રાખીને મને થોડાક ડગલાં ચલાવી હતી, તું ચાલતા શીખ્યો ત્યારે હું તને ચલાવતી હતી તેમ. જયારે એને સંતોષ થયો કે હવે હું બરાબર ચાલી શકું છું ત્યારે તે મારી તરફ સ્મિત કરીને તેને કામે વળગી હતી. મારી નજરો દ્વારા વ્યક્ત થયેલી આભારની લાગણી તેણે સ્મિતથી સ્વીકારી હતી. શું આને સંસ્કાર કહેવાય?

ત્યાર પછી પણ મને આવા કેટલાક અનુભવ થયા હતા. આપણે કોઈ સંબંધીને ત્યાં જઈએ ત્યારે સ્નેહની સ્નિગ્ધતા કરતા ઔપચારિકતા વધુ જોવા મળતી. બાળકોને 'અંકલ આંટીને હેલો કરો બેટા' કહીને પરાણે સન્મુખ કરાવાતા, પણ તેમના ચહેરા પર લાગણીના ભાવ કરતા ઔપચારિકતા વધુ હતી. આપણે જયારે બહાર જતા, કોઈ શોપિંગ મોલમાં કે અન્યત્ર, ત્યારે અજાણ્યા લોકો પણ એકબીજાનું સસ્મિત અભિવાદન કરતા તે મને ગમતું. મને પણ રીતે ઘણા લોકોએ સસ્મિત આવકારી હતી. તેની સરખામણી હું આપણે ત્યાંની સાથે કરતી. અજાણ્યાને સ્મિત આપવાનું આપણા સંસ્કારમાં તો નથી.

થોડાક મહિના રહીને મેં જયારે તને કહ્યું બસ, મારે હવે પાછા જવું છે', ત્યારે તને આશ્રર્ય  થયું હતું. સૌથી પહેલો પ્રશ્ન તેં મને પૂછ્યો હતો, 'શું કરશો ત્યાં જઈને?' મારે ઉત્તર આપવો હતો, 'શું કરું છું અહીં રહીને પણ?' પણ આપી શકી નહોતી. મેં ફક્ત એટલું કહ્યું હતું, 'અહીં ગમતું નથી, ઘર-ગામ યાદ આવે છે.' વધુ દલીલ કર્યા વિના તેં મારા પાછા આવવાની વ્યવસ્થા કરી આપી હતી. મને એરપોર્ટ પર મૂકવા આવ્યા ત્યારે તમારા બંનેની ભરાઈ આવેલી આંખે મને ઘણું બધું કહી દીધું હતું. હું તમારા માળામાંથી મારા માળામાં પાછી આવી ગઈ હતી.

ત્યાર પછી તો તમે ત્રણ-ચાર વાર અહીં આવી ગયા. હું મહેમાનની જેમ તમારું સ્વાગત કરું. મને થાય કે મારા હાથે તને અને તારા બાળકોને ભાવતી રસોઈ બનાવીને જમાડી મારી લાગણીને સાર્થક કરું. તને લાગે કે હું વધારે પડતી તકલીફ ઊઠાવું છું એટલે તું કોઈ ને કોઈ બહાનું કરીને બહાર જવાનું - જમવાનું - ફરવાનું ગોઠવતો. બહાર જાય ત્યારે ક્યારેક મને પણ સાથે લઇ જવાનું રાખતો તો ક્યારેક બહારથી જમીને આવતી વખતે મારા માટે પણ લઇ આવતો. અહીં આવીને પણ સતત મુલાકાતો, મુસાફરી, શોપિંગ વગેરેમાં તમે એવા વ્યસ્ત થઇ જતા કે મારી સાથે નિરાંતે બેસીને વહાલની વાતો કરવાનો તમને સમય મળતો નહોતો. મારા દીકરા-વહુ સાથે બેસીને નિરાંતે અલક-મલકની વાતો કરવાના મારા ઓરતા અધૂરા રહી જતા. એમ તમારી રજાઓ પૂરી થતા તમે ઊડી જતા, પાછા તમારા માળામાં.

આજે મધર્સ ડે પ્રસંગે તારું કાર્ડ જોઈને મને આનંદ થયો કે તું મને હજુ એટલી લાગણીથી યાદ કરે છે. દીકરા, ખોટું ના લગાડતો, પણ આવા મોંઘા કાર્ડને બદલે, અથવા, જો તને જમાના અનુસાર તે જરૂરી  લાગ્યું હોય તો, તેની સાથે, લાગણીભર્યા થોડા શબ્દો સાદા કાગળમાં, તારા સ્વહસ્તે લખીને મોકલ્યા હોત તો મને વધુ લાગણીનો અહેસાસ થયો હોત. પણ ચિંતા ના કરીશ, બેટા,. તારા અપરિપક્વ હસ્તાક્ષર - ભાષામાં લખેલો પેલો નિબંધ હજુ મેં સાચવી રાખ્યો છે અને હું તે કાઢીને તેં જાણે આજે લખ્યો છે એમ વાંચું છું. તેં લખ્યું હતું,

"મારી મમ્મી મને ખૂબ વહાલ કરે છે. સવારે વહેલા ઊઠવાનું મને ગમતું નથી, પણ તે મને ખાટલામાંથી ઊંચકીને ઊઠાડી કાઢે છે. હું તેને ગળે વળગી જાઉં છું અને તેને ખૂબ વહાલ કરું છું. તે મને પરાણે દાતણ કરાવે છે. મારે મમ્મી પપ્પા સાથે ચા પીવી હોય છે પણ તે મને દૂધનો વાડકો ધરી દે છે અને દબાણ કરીને પીવડાવે છે. પણ પછી તે તેની ચાના કપમાંથી મને થોડીક ચા આપે છે ખરી. હવે હું મોટો થયો છું, છતાં મારી મમ્મી મને બાથરૂમમાં નવડાવવા આવે છે અને મને ચોળી ચોળીને નવડાવે છે. પછી તેની જાતે મને સ્કૂલના કપડાં પહેરાવે છે. મારી મમ્મીને પણ મારી શાળામાં આવવાનું હોય છે, પણ તે તો ફટાફટ તૈયાર થઇ જાય છે. મને ખવડાવવામાં મોડું થઇ જાય તો તે ઊભા ઊભા થોડું ખાઈને મારી સાથે ચાલવા માંડે છે. રાત્રે સુતા પહેલા મમ્મી  મને ક્યારેક પરીઓની વાર્તા કહે છે તો ક્યારેક હાલરડાં ગાઈને મને ઊંઘાડે છે. મારી મમ્મી મને બહુ વહાલ કરે છે. મારી મમ્મી દુનિયામાં અજોડ છે."

બસ દીકરા, તારા બાળકોને આશીર્વાદ અને તમને બંનેને વહાલ.

     લિ

તારી મમ્મી



Sunday, August 1, 2021

 

જદુભાઇ

 


હમણાં હમણાંથી જદુભાઇ ન્યાતના મેગેઝીનમાં નજર નાંખતાં થયા હતા. તેમની દીકરી સુજ્ઞા હવે પરણવા જેવડી થઇ હતી. એને લાયક કોઈ છોકરાની જાહેરાત જોવા મળે હેતુ મુખ્ય હતો. હવે નિવૃત્ત થયા હોવાથી તેમની પાસે સમય પણ ખૂબ હતો. દીકરો તો ક્યારનો પરણીને દૂરના શહેરમાં ગોઠવાઈ ગયો હતો. સુજ્ઞાનો જન્મ ઘણો મોડો થયો હતો. તેના અને દીકરા રાહુલ વચ્ચે દસ વરસનો તફાવત હતો.

વાંચતા વાંચતા તેમની નજર એક જાહેરાત પર પડી. સામાન્ય રીતે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લઈને ત્યાં ઠરીઠામ થયેલા મૂરતિયા માટે આર્ટ્સ ગ્રેજ્યુએટ સુજ્ઞા અભણ ગણાય, એમ માની તેઓ આવા છોકરાઓની જાહેરાતને નજરઅંદાજ કરી દેતા હતા. પણ એકાએક એમની નજર છોકરાના પિતા અને માતાના નામ  ઉપર પડી. નામ જાણીતું હતું, પણ સરનામું પરિચિત નહોતું. તેમને સ્હેજ રસ પડ્યો અને છોકરાની જન્મતારીખ જોઈ. તેમના આશ્ચર્ય વચ્ચે તેની અને સુજ્ઞાની જન્મતારીખ એક હતી. તેમના મગજમાં એક ઝબકારો થયો અને તેમની નજર સામે સુજ્ઞાનાં જન્મનો દિવસ આવી ગયો.

તે સમયે પોતે થોડે દૂરના એક નાના શહેરની હાઈસ્કૂલમાં હતા. તેમની બાજુમાં ન્યાતના લાલુભાઇ રહેતા હતા. તેઓ પણ શહેરમાં તો બહારના હતા, પણ ન્યાતના હોવાને કારણે બંને વચ્ચે ઝડપથી નિકટતા કેળવાઈ ગઈ. લાલુભાઇ બેન્કમાં અધિકારી હતા. તેમને એક દીકરી હતી, જે રાહુલ કરતા ઘણી નાની હતી. હવે તેમને દીકરાની તમન્ના હતી. સંજોગ એવો બન્યો કે લાલુભાઈની પત્ની અને જદુભાઈની પત્ની બંનેને દિવસો હતા અને ડોક્ટરે બંનેને ડીલીવરીની તારીખ પણ લગભગ એક અઠવાડિયામાં આપી.

નસીબજોગે બંનેને એકજ દિવસે હોસ્પિટલમાં દાખલ કરવા  પડ્યા. હોસ્પિટલ એક હોવાથી જદુભાઇ અને લાલુભાઇ સાથે ત્યાં હતા. ખાસી વાર થયા પછી "દીકરો આવ્યો છે' એવા સમાચાર નર્સે પહેલા લાલુભાઇને આપ્યા ત્યારે બંને એકબીજાને ભેટી પડ્યા. જેટલી ખુશી લાલુભાઈને થઇ તેટલી જદુભાઈને પણ થઇ. હજુ જદુભાઇને સમાચાર માટે રાહ જોવાની હતી. તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે હજુ - કલાક લાગી જશે. આથી તેમણે લાલુભાઇને ફરી અભિનંદન આપી સમાચાર તેમના અન્ય સંબંધીઓને પહોંચાડવા ઘરે જવા સૂચવ્યું.

"અરે યાર, શું ઉતાવળ છે? સમાચાર તો ગમે ત્યારે પહોચાડાશે. પહેલા તો જોઈએ કે દીકરો આવ્યો છે તેને માટે ભગવાન વહુ પણ મોકલે છે કે કેમ..!"

જદુભાઇ પણ મજાક સાંભળીને હસી પડ્યા હતા. જદુભાઈની ઈચ્છા દીકરી આવે એવી હતી તેની લાલુભાઈને ખબર હતી. વાતોમાં બે કલાક પસાર થઇ ગયા અને જયારે નર્સ સમાચાર લઈને આવી ત્યારે લાલુભાઈએ એને બોલવા દીધા વિના સીધું પૂછ્યું હતું, "દીકરી છે ને?" નર્સે ફક્ત ડોકું ધુણાવીને ઉત્તર આપ્યો હતો અને હસતી હસતી અંદર ચાલી ગઈ હતી. સામાન્ય રીતે દીકરીના જન્મથી અણગમો અનુભવતા વડીલોથી અલગ લોકો પ્રત્યે તેને માન પણ ઉપજ્યું હતું.

બંને બાળકો દસ વરસના થયા ત્યાં સુધી બંને કુટુંબો ત્યાં રહ્યા. મોટા થતા બાળકોને આનંદથી જોતા રહ્યા. લાલુભાઇ મૂડમાં હોય ત્યારે સુજ્ઞાને "વહુ દીકરા" કહીને પણ ક્યારેક બોલાવી લેતા. પછી જદુભાઈને પોતાના વતનના ગામની શાળામાં નોકરી મળવાના સંજોગો ઊભા થયા એટલે બંને કુટુંબ છૂટા પડ્યા. થોડા વખતમાં લાલુભાઈની બદલી પણ પ્રમોશન સાથે પંજાબમાં થઇ ગઈ. બે-ત્રણ વર્ષ બંને વચ્ચે પત્રવ્યવહારથી સંપર્કો રહ્યા, પણ ધીરે ધીરે તે ક્ષીણ થતા ગયા.

આજે જયારે જાહેરાત જોઈ ત્યારે જદુભાઈને થયું કે ચોક્કસપણે લાલુભાઇ હશે. તેમનું સરનામું મુંબઈનું હતું. શક્ય છે કે બદલીઓ થતા થતા અંતે તેઓ મુંબઈમાં સ્થાયી થયા હોય. એમને તે રાત્રે ઊંઘ ના આવી. છોકરો સારું ભણ્યો હતો, સારું કમાતો હતો, દેખાવડો તો હતો નાનપણથી. એને લાયક અનેક છોકરીઓના માબાપ પડાપડી કરશે એની એમને ખાતરી હતી. આમ પણ અમેરિકાનું લેબલ એક સૌથી મોટી અને આકર્ષક લાયકાત હતી. આવામાં પોતાની સામાન્ય ભણેલી દીકરી માટે લાલુભાઈને કહેવાય કે કેમ તેની દ્વિધામાં તેમણે આખી રાત પડખા બદલ્યા. એક તરફ આવી શક્યતા હતી તો બીજી તરફ બાપ તરીકેની લાગણી પ્રયત્ન કરી જોવા પ્રેરતી હતી. જૂના મિત્રને મળવાનો, જૂના સ્મરણો તાજા કરવાનો, સાકેતને જોવાનો લોભ પણ ખરો.

ગડમથલના અંતે લાલચનો વિજય થયો અને તેમણે મુંબઈ જવાનું નક્કી કર્યું. સાકેત તો થોડા દિવસ રોકવાનો છે અને જો કઈ વાત બને તો પછી સુજ્ઞાને બોલાવવામાં સારો એવો સમય નીકળી જાય. એના કરતા એને પણ સાથે લઇ જવી, એવું વિચારીને સુજ્ઞાને પણ સાથે જ લીધી.

ભાવનગરથી લાંબી મુસાફરી કરી બાપ-દીકરી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઉતર્યા ત્યારે જદુભાઈને વિચાર તો આવ્યો કે પોતે દીકરીના ભવિષ્યની લાલચમાં ઉતાવળ તો નથી કરી? લાલુભાઇ તેમના વિષે શું વિચારશે? નજીકમાં એક નાનકડી હોટેલ શોધી ત્યાં ઉતારો કરી બંને ન્હાઈ-ધોઈને તૈયાર થયા. દરમિયાન જદુભાઈએ સુજ્ઞાને પણ તેમના મુંબઈ પ્રવાસનું કારણ જણાવી દીધું હતું. "તમે ચિંતા ના કરો, પપ્પા. ઉપરવાળો જે રસ્તો બતાવશે તે આપણા માટે સારો હશે. જો મને એમ લાગે કે સાકેત માટે હું યોગ્ય નથી, તો હું ના કહી દઈશ."

બંને ટેક્સી કરીને વિલે પાર્લેના સરનામે લાલુભાઈને ત્યાં પહોંચ્યા.ફ્લેટ આલીશાન હતો તેના ઉપરથી બાપ દીકરીને ખ્યાલ આવ્યો કે લાલુભાઈએ પણ સારી કમાણી-બચત કરી હતી. ડોરબેલની સ્વિચ દબાવીને બંને ઊભા રહ્યા ત્યારે જદુભાઈના હૃદયના ધબકારા વધી ગયા.

એક યુવતીએ આવીને દરવાજો ખોલ્યા ત્યારે તેમને રાહત થઇ. "આપ બેસો. અંકલ અને બધા એક જગ્યાએ ગયા છે. પાછા આવતા હશે. છતાં હું તેમને જણાવી દઉં..શું નામ આપનુંમને કહીને    ગયા છે કે કોઈ આવે તો મને તરત ફોન કરજે." કહી તેણે ફોન  ડાયલ કરવા માંડ્યો. "હલ્લો, અંકલ, એક મહેમાન આવ્યા છે." કહી તેણે જદુભાઇ તરફ જોયું. "જદુભાઇ" એવો ટૂંકો ઉત્તર સુજ્ઞાએ આપી દીધો.

સામેથી શું કહેવાયું તે તો ખબર ના પડી, પણ પેલા બહેન સુજ્ઞા તરફ એક નજર કરીને રસોડા તરફ વળ્યાં અને થોડી વારમાં નાસ્તાની ડીશ સાથે હાજર થયા. "શું લેશો? ચા કે કોફી?"

"કાંઈ જરૂર નથી. અમે ચા-નાસ્તો કરીને નીકળ્યા છીએ." સુજ્ઞાએ વિવેક કર્યો, પણ પેલા બહેને ફરી એક વાર સુજ્ઞા તરફ નજર કરી અને "તો પછી આઈસ્ક્રીમ લાવું છું." કહી અંદર ગયા. સુજ્ઞા પપ્પાના ચહેરા પર મૂંઝવણના ભાવો જોઈ રહી હતી. તેને પણ ઓછી મૂંઝવણ નહોતી. થોડી વારમાં પેલા બહેન આઈસ્ક્રીમ પણ લાવ્યા અને બંનેએ સંકોચસહ નાસ્તો તથા આઈસ્ક્રીમ પૂરા કર્યા. પેલા બહેન પણ ત્યાં બેઠા હતા. નાસ્તો વગેરે પૂરા થતા આદતવશ સુજ્ઞા ખાલી ડીશો ભેગી કરવા માંડી. પેલા બહેને તે જોયું, સહેજ મલકાયા અને "અરેરેરે. તમે બેસો. હું મૂકી દઉં છું." કહી ઊભા થયા. ત્યાં સુધીમાં સુજ્ઞા ઊભી થઇ ગઈ હતી અને પેલા બહેનની અવરજવરના કારણે પરિચિત રસોડા તરફ વળી રહી હતી. "તમે મહેમાન કહેવાઓ." કહેતા પેલા બહેને  નેપકીન પણ લંબાવ્યો. તે કઈ પૂછવા માંગતા હોય તેમ સુજ્ઞાને લાગ્યું, પણ શું વાત કરવી? "અમે આજે સવારે ભાવનગરથી આવ્યા." કૈક બોલવું જોઈએ એમ લાગતા સુજ્ઞાએ કહ્યું.

"મારુ નામ જિજ્ઞા. લાલુમામા મારા મામા થાય. હું પણ કાલે રાજકોટથી આવી."

પછી તો બંને રસોડા પાસે ડાઇનિંગ ટેબલ ઉપર રાજકોટ, ભાવનગર, સૌરાષ્ટ્રની વાતોએ વળગ્યા. સમય સુજ્ઞાએ પોતાનો પરિચય થોડો આપ્યો - ઘણો બાકી રાખ્યો.

ડ્રોઈંગ રૂમમાં જદુભાઇ પણ છાપું હાથમાં લઈને સમય પસાર કરી રહ્યા હતા. લગભગ અર્ધા કલાકે ડોરબેલ વાગી અને બાપ-દીકરી બંનેના ધબકારા વધી ગયા.

જિજ્ઞાએ દરવાજો ખોલતા લાલુભાઇ અંદર આવ્યા અને સીધા જદુભાઇ પાસે જઈ એમને ભેટી પડ્યા. દરમ્યાન સુજ્ઞા પણ ત્યાં આવી ગઈ. સુજ્ઞા લાલુભાઈને પગે પડી. લાલુભાઈએ તેને ઊભી કરી બાથમાં લીધી અને માથે હાથ ફેરવ્યો.

"માફ કરજે દોસ્ત, તારે બેસી રહેવું પડ્યું. થાકી ગયા છીએ અમે તો સાકેત માટે છોકરીઓ જોઈને..." કહી તેમણે અત્યાર સુધી શાંત ઊભેલા સાકેત તરફ નજર કરી. સાકેત જદુભાઇ પાસે આવ્યો અને તેમને પગે પડ્યો. "કેમ છો અંકલ?" કહી તેણે જદુભાઇ સાથે હાથ મેળવ્યા. જદુભાઇ થોડા હળવા થયા. એક કોઠો - ઓળખાણનો તો સરળતાથી પાર થઇ ગયો હતો. હજુ તો કેટલાય કોઠા પાર કરવાના હતા..! તેમને થયું. 

"બેટા, અંકલને ચા-નાસ્તો કરાવ્યો કે નહિ?" લાલુભાઈએ જિજ્ઞા તરફ ફરીને પૂછ્યું.

"જી, મામા."

"તો હવે બંનેને માટે કંઈક મિસ્ટાન્ન સાથે જમવાનું પણ બનાવજો. મહાદેવ ભેગા આપણે પોઠીયા પણ ખરા ." કહી તેઓ હસ્યાં.

"પણ.." કહેતા જદુભાઇ વિવેક કરવા ગયા, પણ શબ્દો ના જડ્યા.

"વિવેક રહેવા દે. આટલા વર્ષે મળ્યા છીએ તો સાથે જમીએ તો ખરા. કાંઈ પરેજી? ડાયાબિટીસ કે એવું?"

"ના. ભગવાનની કૃપા છે. પણ તમારી હા કહેવડાવવાની રીત હજુ અસલ રહી." જદુભાઇએ કહ્યું.

ત્યાર પછી બંને વાતોએ વળગ્યા. ભૂતકાળને ખોતરી ખોતરીને બધું કાઢ્યું. છૂટા પડ્યા પછી કોણે શું કર્યું તે વાતો થઇ. સુજ્ઞા તો રસોડામાં ગઈ હતી. ખૂબ વાતો કરી, પણ જદુભાઇએ કાળજી રાખી કે ક્યાંય "વહુ-દીકરા'   વળી વાતનો ઉલ્લેખ ના થઇ જાય. તેમણે પણ નોંધ્યું કે લાલુભાઈએ પણ વાતનો ઉલ્લેખ પ્રયત્નપૂર્વક ટાળ્યો હતો.

****

સાકેત અમેરિકાથી આવીને એરપોર્ટ પાર ઉતર્યો ત્યારે તેનો પહેલો પ્રશ્ન હતો, "પપ્પા, જદુકાકા વિષે તપાસ કરી કે નહિ?"

"કરી તો ખરી, પણ ચોક્કસ માહિતી મળી નથી. તેમના ગામમાંથી સમાચાર મળ્યા છે કે તેઓ ભાવનગરમાં સ્થાયી થયા છે પણ સરનામું ના મળ્યું,. આવડા મોટા ભાવનગરમાં શોધવા ક્યાં? છતાં આપણી ન્યાતના બેત્રણ ઓળખીતાને વાત કરી છે. મને વિશ્વાસ છે કે મળી જશે. મેં આપણી ન્યાતના માસિકમાં પણ તારા લગ્ન અંગે જાહેરાત આપી છે. જો જદુકાકા વાંચતા હશે તો ચોક્કસ સંપર્ક કરશે."

ઘરે આવીને ગોઠવાયા નહોતા ત્યાં સાકેત માટે ફોન આવવા શરૂ થઇ ગયા. તે સમયે તો લાલુભાઈએ બધાને છોકરીનો બાયોડેટા મોકલી આપવાનું કહી વાયદો કર્યો. કેટલાક ઘરે પણ આવી ગયા. વાતને અઠવાડિયું વીતી ગયું એટલે હવે જદુભાઈનો સંપર્ક થવાની આશા ઓછી થતી ગઈ. એટલે લાલુભાઈએ સાકેતને સૂચવ્યું કે એક તરફ આપણે જદુકાકાના સમાચારની રાહ જોઈએ અને બીજી તરફ તું તને ઠીક લાગે તેવી બેત્રણ છોકરીઓ જોઈ તો રાખ. નિર્ણય પછી કરીશું. આમ નક્કી કરીને તેમણે એક કુટુંબને બીજે દિવસે મળવાનો સમય આપી દીધો. તે રાત્રે ભાવનગરથી એક ઓળખીતાનો ફોન આવ્યો. તેમને જદુભાઈનું ઘર મળી ગયું છે, પણ જદુભાઇ અને તેમની દીકરી તો તે દિવસે મુંબઈ આવવા નીકળ્યા છે.

તે રાત્રે લાલુભાઈના ઘરમાં જાણે સાકેતની સગાઇ થઇ ગઈ હોય તેવી ખુશી હતી. સાકેત પણ બાળપણની યાદોમાં ખોવાઈ ગયો. તે અને સુજ્ઞા રોજ સવાર સાંજ સાથે રમતા હતા, લડતા હતા, તોફાન કરતા હતા, ક્યારેક ઘર-ઘર  રમતા ત્યારે વર-વહુ બનીને ઘરસંસાર પણ ચલાવી લેતા હતા. એક વાર શાળામાં નાટકમાં પણ બંને વર-વહુ બન્યા હતા. બધું તેની નજર સમક્ષ તરવરી રહ્યું. તેને થયું, 'બાળપણ પાછું આવી શકતું હોત તો!'  તે રાત્રે ભોજન સમયે અને ત્યારબાદ ઘરમાં જદુભાઈની અને સાકેત-સુજ્ઞાનાં બાળપણની વાતો છવાઈ ગઈ હતી. સવારે ઊઠીને બધા જાણે જદુભાઇ અને સુજ્ઞાનું સ્વાગત કરવા - ખાસ તો સુજ્ઞાને જોવા થનગની રહ્યા હતા. પણ દસ વાગવા છતાં તેઓ આવ્યા એટલે લાલુભાઈને શંકા પેદા થઇ, 'ક્યાંક બીજે તો નથી ગયા?' સાકેત પણ નિરાશ થયો. એમને તો એમ હતું કે દાદર સ્ટેશને ઊતરીને તેઓ સીધા એમના ઘરે આવી જશે. હિસાબે તો આઠેક વાગે આવી જવા જોઈએ. દરમિયાન અગિયાર વાગે જે મુલાકાત નક્કી કરી હતી તે માટે હવે નીકળવું જોઈએ એવું લાગતા જિજ્ઞાને ઘરે રાખી તેઓ ગયા. ગયા તો ખરા પણ તેમનું મન અને ધ્યાન ઘર તરફ હતું.

આથી જયારે જિજ્ઞાએ ઘરનું બારણું ખોલી બાપ-દીકરીને જોયા ત્યારે તેનું મન તો ખુશીથી ઊછળી પડ્યું હતું. પણ તેણે સંયમ રાખી ખાતરી કરી લીધી કે તેઓ જદુભાઇ અને સુજ્ઞા છે. સુજ્ઞા સાથે વાતચીત દરમિયાન તેણે જાણ્યું કે તેઓ કોઈ હોટલમાં ઊતર્યા છે ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે બાપ-દીકરી આવ્યા તો છે લગ્નની વાત મનમાં લઈને, પણ તેઓ એટલો બધો સંકોચ અનુભવે છે કે કદાચ લગ્નની વાત નહિ કાઢે. તે સાકેતની રૂમમાં ગઈ અને તેને લોકોના મોડા આવવાનું કારણ જણાવ્યું અને સાથે પોતાની શંકા પણ કહી. "કઈ વાંધો નહિ, પપ્પા છે ને? તો રસ્તો કાઢશે. પણ સુજ્ઞા માટે તારો અભિપ્રાય તો કહે."

"ભાઈ, તારે જો ભણતરનો વાંધો નહિ હોય તો તેને તારે માટે ભગવાને બનાવી છે એમ માન. જો તું ના પાડવાનો હોય તો હું કાલે મારા પપ્પાને ફોન કરી એને મારી ભાભી બનાવી દઉં."

"કેમ? હું લગ્ન કરું તો તે તારી ભાભી કહેવાય?"

"મારો મતલબ કે એના જેવી છોકરી આપણા કુટુંબને મળે તો આપણું ભાગ્ય કહેવાય."

વાત ચાલતી હતી તે દરમિયાન લાલુભાઇ પણ ત્યાં આવી પહોંચ્યા.

"પપ્પા, જદુભાઇ તો કઈ બોલશે નહિ, પણ વાત પાકી કરી દો. મને લાગે છે કે મારી ધીરજના મીઠા ફળ મળી રહ્યા છે."

"સાથે એક વાત પૂછું, દીકરા? લગ્ન સાદાઈથી કરીએ તો તને વાંધો નહિ ને? મને લાગે છે કે જો સમાજના રીતરિવાજો અનુસાર લગ્ન કરવા જઈશું તો સમય પણ જશે અને જદુભાઇ તેની બચતનો સારો એવો ભાગ ખર્ચી નાખશે આપણી સરભરામાં. દીકરો રાહુલ કરવી હોય તો પણ બહુ મદદ કરી શકે એમ હું માનતો નથી, કારણ કે એની નોકરી સામાન્ય છે."

" તો પપ્પા તમે કહો તેમ. તમે કહો તો આજે કોર્ટમાં જઈને વાત પતાવી દઈએ."

બધા જમવા બેઠા હતા ત્યારે લાલુભાઈએ વાત કાઢી, "ચાર-પાંચ દિવસ તો રહેશો ને, જદુભાઇ?"

જદુભાઈએ સુજ્ઞા તરફ જોયું. તેના ચહેરા પર મૂંઝવણ હતી. "તમને મળવા-જોવા આવ્યા હતા. હવે અમે તમારા કામમાં અડચણ બનીશું. મારો વિચાર કાલે નીકળી જવાનો છે. હવે ઘર જોઈ લીધું છે એટલે ફરી કોઈ વાર આવીશ ત્યારે આપણે નિરાંતે મળીશું." જદુભાઇએ નક્કી કરી લીધું હતું કે સુજ્ઞાનાં લગ્ન અંગે વાત કરી લાલુભાઈને શરમમાં નાખવા નથી.

પાંચેક મિનિટની ચૂપકીદી પછી લાલુભાઇ બોલ્યા, "જુઓ જદુભાઇ, નિવૃત્ત થયા હોવા છતાં તમારે કામ હોય તો તમને દબાણ નહિ કરું, પણ સુજ્ઞાને તો સાકેત અમેરિકા પાછો જાય ત્યાં સુધી મૂકી જવી પડશે. અમારે મદદ થશે અને સુજ્ઞા અમારી સાથે મુંબઈ પણ જોશે. સાથે તમે પણ રહો તો તો વધુ આનંદ."

જદુભાઇ ચૂપ રહ્યા. કુંવારી દીકરીને પારકા ઘરે - 'પારકા' શબ્દ મગજમાં આવતા ખાવામાં કાંકરી આવી હોય તેવું જદુભઈને લાગ્યું  - મૂકી જવી? લાલુભાઈને ના પણ કહેવાય!

"તમે ચૂપ છો એનો મતલબ કે તમે મારી વાત સાથે સંમત છો. ચિંતા કરશો નહિ. સાકેત જાય પછી જિજ્ઞા રાજકોટ જવાની છે તે એને ભાવનગર મૂકીને જશે." જદુભાઈને શબ્દો તો સમજાયા પણ તેમાં સુજ્ઞાને વહુ બનાવવાનો 'નકાર' પણ ચોખ્ખો દેખાઈ આવ્યો. તેમણે વાત કાઢી તે સારું કર્યું એમ તેમને થયું.

તે સાંજે જદુભાઇ, સાકેત, સુજ્ઞા અને જિજ્ઞા સાથે સેન્ટ્રલ પાસે હોટલમાંથી તેમનો સમાન લઇ આવ્યા. સાથે બીજે દિવસે સાંજની ગાડીની જદુભાઈની ભાવનગરની ટિકિટ પણ તેમણે લઇ લીધી. લગભગ બે કલાકના સમયમાં સાકેતની વાત કરવાની રીત-ભાત, વ્યવહાર એટલો આત્મિય હતો કે જદુભાઈને અફસોસ થયો કે તેને પોતાનો જમાઈ બનાવી શક્યા નહિ.

જદુભાઇ બે દિવસ લાલુભાઈની મહેમાનગતિ માણી રાતની ગાડીમાં નીકળી ભાવનગર પાછા આવી ગયા. સુજ્ઞા મુંબઈ રહી. પત્નીને વાત કરી ત્યારે તેને ચિંતા તો થઇ, પણ તેમને લાલુભાઇ અને તેમના કુટુંબ ઉપર પૂરો વિશ્વાસ હતો,. પતિ-પત્ની બંનેને એકજ અફસોસ રહી ગયો - વાત આગળ વધવાનો. જદુભાઈએ આખી વાતને એક દીવાસ્વપ્ન સમજીને ભૂલી જવાનો નિર્ણય કર્યો. તેમને એક વાતનો સંતોષ હતો કે લાલુભાઈની મિત્રતા જેવી ભૂતકાળમાં હતી તેવી રહી હતી.

વાતને ચાર દિવસ વીતી ગયા. એક સાંજે જદુભાઇ નજીકની લાઈબ્રેરીમાં બેસીને સામાયિકો ઊથલાવી રહ્યા હતા, ત્યાં તેમના પાડોશીનો દીકરો દોડતો આવ્યો. 'ઘરે કોઈ મહેમાન આવ્યા છે અને તમને ઝટપટ બોલાવે છે.' કહેતો તે બાળક તેમની આંગળી પકડીને બોલ્યો, "દાદા, બધા મોટી ગાડીમાં આવ્યા છે. સુગી (સુજ્ઞા) ફોઈ પણ છે." બાળક કહી રહ્યો હતો. જદુભાઈને ફાળ પડી,. 'સુજ્ઞાને કાંઈ..' તે ઝડપથી ચાલીને ઘરે પહોંચ્યા.

ઘરે જઈને જોયું તો ઘરમાં તો જાણે આનંદ આનંદનું વાતાવરણ હતું. તેમનો શ્વાસ હેઠો બેઠો. ઘરમાં પહોંચતા લાલુભાઇ તેમને ભેટી પડ્યા અને કહ્યું, "જો જદુ , હું તારો ગુનેગાર છું. તને પૂછ્યા - કહ્યા વિના મેં સાકેત અને સુજ્ઞાને પરણાવી દીધા છે. તે મારી પણ દીકરી તો ખરી ને? વહુ તો હવે થઇ. સુજ્ઞાને પૂછી લીધું છે, હોં! તારે મને  જે સજા કરવી હોય તે મંજૂર છે. "

તેમણે સાકેત અને સુજ્ઞા તરફ જોયું. બંને તેમને પગે લાગ્યા. જિજ્ઞાએ બોક્સમાંથી પેંડો કાઢીને જદુભાઈના મોમાં મૂકી દીધો. જદુભાઈની આંખો સહેજ ભીની થઇ અને પછી લાલુભાઈને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.