Friday, March 12, 2021

 

કુમ્ભ મેળો

માર્ચ ૨૦૨૧થી હરદ્વારમાં મહા કુંભમેળાની શરૂઆત થાય છે, એ લગભગ એપ્રિલના અંત  સુધી ચાલશે. તા. ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્ય પરેડ સાથે થઇ હતી. ભવ્ય કુમ્ભ મેળો અને પ્રજાસત્તાક દિન ની ભવ્ય પરેડ, એ બંને વચ્ચે દેખીતી રીતે કોઈ સંબંધ કે સામ્ય ના હોઈ શકે, સિવાય કે બંને ભવ્ય પ્રસંગો, લોકોની ભારે ભીડ. કુમ્ભ મેળાને સમજાવવા માટે એમાં રહેલું સામ્ય કુંભમેળાને વધુ સરળ રીતે સમજાવી શકે.



 પ્રજાસત્તાક દિનની પરેડ આમ તો ભારતના રાજ્યબંધારણનો અમલ શરુ થવાનો દિવસ છે, પણ એની ઉજવણી વિશિષ્ટ રીતે થાય છે. આપણા સંરક્ષણ વિભાગના ત્રણે અંગો - આર્મી, નેવી અને એરફોર્સ  ચુનંદા જવાનોની જુદી જુદી ટુકડીઓ - બટાલિયાનો, આંતરિક સુરક્ષામાં જોડાયેલા હથિયારધારી ઘટકો, જેવા કે બીએસએફ, સીઆરપીએફ, એનસીસી, વગેરે પોતાના શ્રેષ્ઠ કેડેટોનું, તેમના હથિયારોનું, તેમની ઉપલબ્ધીઓનું પ્રદર્શન દેશના રાષ્ટ્રપતિને સલામી આપવાની સાથે, ઉપસ્થિત મહેમાનો, રાજનેતાઓ, અધિકારીઓ અને પ્રજા સમક્ષ કરે છે. એમાં ભાગ લેનાર દરેક જવાન કે કેડેટ પોતાને મળેલા એ સન્માન બાદલ ભાગ્યશાળી સમજે છે. બીજી તરફ ત્યાં હાજર તથા ટીવી પાર આ પરેડ જોનાર પણ આપણી આંતરિક અને બાહ્ય સંરક્ષણ સેવા અંગેની તાજી જાણકારી મેળવીને  પોતાની સુરક્ષા અંગે હાશ અનુભવે છે. જે જે ટુકડીઓ આ પરેડમાં ભાગ લે છે તે દરેકની ગૌરવગાથા ઉદ્દઘોષકો દ્વારા જણાવવામાં આવે છે. તે વર્ષ દરમિયાન જે તે વિભાગે પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ જવાનો અને કેડેટોને વિવિધ મેડલો અર્પણ કરવામાં આવે છે. આમ પ્રજાસત્તાક દિનની પરેડ આપણા સંરક્ષણ કાર્યમાં સંલગ્ન અને સદા સજ્જ જવાનો માટે એટલો જ મહત્વનો બની રહે છે, જેટલો વિદ્યાર્થીઓ માટે પદવીદાન સમારંભ.

આની સરખામણી કુંભમેળા સાથે કરીએ. જેમ સૈનિકો  પ્રજાની સલામતીની ચિંતા કરે છે, તેમ હિંદુઓ માટે સાધુ-સન્યાસીઓ લોકોની આધ્યાત્મિક આસ્થાનું પાલન-પોષણ કરેછે,. આ સાધુ-સન્યાસીઓ માટેનો પદવીદાન સમારંભ એટલે કુંભમેળો. પુરાણો અનુસાર તો સમુદ્રમંથનથી પ્રાપ્ત થયેલા અમૃતકુંભને દાનવોથી બચાવવા મોહીનીસ્વરૂપ વિષ્ણુએ જે પ્રયત્નો કર્યા, તે સમયે એ કુમ્ભમાંથી ઢોળાયેલા અમૃતના કેટલાક ટીપાં જે જે સ્થળોએ પડ્યા તે સ્થળોએ, ગ્રહોની અમુક પ્રકારની યુતિ વખતે સ્નાન કરવાથી મોટા પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી વાત છે. કુંભસ્નાનનો મહિમા કદાચ એ કારણે શરુ થયો હશે. પણ એ સમયે એકઠા થતા લાખો શ્રદ્ધાળુઓ સાથે સાધુ સમાજને જોડવા માટે આદિ શંકરાચાર્યએ જે પ્રયત્નો કર્યા તેને કારણે કુંભમેળો લોકો કરતાંય સાધુ-સન્યાસીઓ માટે વધુ મહત્વનો બની ગયો.

એક જમાનામાં દેશભરમાં હિન્દુઓના જુદા જુદા ફીરકાઓનાં અનેક સાધુ-સન્યાસીઓ હતા, તેમના મઠો હતા, શિષ્યો અને અનુયાયીઓ હતા. પોતાને શ્રેષ્ઠ ગણાવવાની હોડમાં તેમની વચ્ચે સ્પર્ધાઓ થતી, ક્યારેક લડાઈઓ પણ થતી અને સામાન્ય હિન્દુને માટે એમાં કોણ સારું અને યોગ્ય તે સમજવું મુશ્કેલ થઇ પડતું. સેંકડો વર્ષો પહેલા થઈ ગયેલા આદિ શંકરાચાર્યએ આ બધું જોયું. સન્યાસીઓ અને મહાત્માઓ વચ્ચેની સ્પર્ધાના કારણે સામાન્ય લોકોનો હિન્દૂ ધર્મ તરફનો ભાવ ઓછો થતો જોયો. અનેક હિંદુઓ બૌદ્ધ અને જૈન ધર્મો અંગીકાર કરવા લાગ્યા. આથી શ્રી આદિ શંકરાચાર્યે ખૂબ મહેનત કરીને હિન્દૂ ધર્મના વડાઓને એકઠા કરીને તેમને સ્પર્ધામાં રાચવાને બદલે ધર્મપ્રચારના તેમના મુખ્ય કાર્ય તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. એ માટે તેમણે કુંભમેળાના પ્રસંગનો ઉપયોગ કર્યો અને તે આજ સુધી ચાલુ રહ્યો છે.

કુંભમેળો  દર બાર વર્ષે ભરાય છે એમ કહેવાય છે, પણ હરદ્વાર ઉપરાંત અલ્હાબાદ, નાસિક અને ઉજ્જૈન એમ ચાર સ્થળોએ ભરાતાં અર્ધકુંભ ગણતા વારાફરતી દર ત્રણ વર્ષે કુંભમેળો ભરાય છે, એમ એક જગ્યાનો વારો બાર વર્ષે આવે છે. એમાં હરદ્વાર અને અલાહાબાદમાં ભરાતાં કુંભમેળામાં સૌથી વધુ ભીડ થાય છે. ભારતના કુંભમેળાને વિશ્વનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે.

દર બાર વર્ષે ભરાતાં મહાકુંભમેળામાં ભારતભરમાં સેવાકાર્ય અને ધર્મપ્રચાર કરતા સાધુ-સન્યાસીઓ તથા વિદ્વાનો તેમના અનુયાયીઓ અને શિષ્યો સાથે પધારે છે અને કુંભમેળા દરમિયાન ત્યાં રોકાઈને એકબીજા સાથે વિચારવિમર્શ. ધર્મચર્ચા કરે છે. આદિ શંકરાચાર્યે સમગ્ર સાધુ સમાજને સન્યાસી અખાડા, બજરંગી અખાડા તથા નિર્મળ અખાડા એમ ત્રણ વિભાગોમાં વહેંચ્યા. કાળક્રમે સન્યાસી અખાડામાં નિરંજની અખાડા, પંચાયતી આનંદ અખાડા, જુના અખાડા જેવા છ અખાડા થયા. જયારે અન્ય બે માં પણ દરેકના ત્રણ ત્રણ અખાડા થયા. એમ કુલ ૧૩ અખાડાઓમાં ભારતભરમાં ધર્મપ્રચાર અને પ્રસારનું કાર્ય કરતા સાધુ-સંતો સંકળાઈ ગયા. જો કે સમયાંતરે કેટલાક સાધુ-સન્યાસીઓ પોતાના અલગ ફીરકા સ્થાપીને પણ કાર્ય કરવા લાગ્યા. કુંભમેળા સમયે આવા અલગ રીતે કાર્ય કરતા ફીરકાઓને આ અખાડાઓમાં જોડાવા પ્રેરવા તે પણ કુંભમેળાની કાર્યવાહીનો ભાગ બન્યો. જે તે અખાડાઓમાં સાધુ-સન્યાસીઓના વિવિધ પદો જેવા કે સ્વામી, દંડીસ્વામી, મંડલેશ્વર, મહામંડલેશ્વર, જેવી  નિમણુંકો લોકશાહી રીતે કરવાનો અવસર પણ કુંભમેળો છે. દરેક સાધુ સન્યાસી અને મઠાધીશો ધર્મપ્રચાર અને પ્રસાર અર્થે તેમની ઉપ્લબધિઓનું પ્રદર્શન કુંભમેળા વખતે કરે છે અને તે અનુસાર તેમની બઢતી (જેમ કે મંડલેશ્વરમાંથી મહામંડલેશ્વર)નો નિર્ણય સામૂહિક રીતે લેવાય છે.

ગ્રહોની દશાનુસાર જે ૧૦-૧૨ (આ વર્ષે ફક્ત ૪) કુંભસ્નાન નક્કી કરવામાં આવ્યા છે, તેમાં હિન્દૂ પ્રજા શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. એમાં ત્રણ સ્નાન એવા હોય છે કે જેને 'શાહી સ્નાન'નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ શાહી સ્નાન દરમ્યાન દરેક અખાડાના સાધુ સન્યાસીઓ તેમના શિષ્યો, બેન્ડવાજા અને ભજનમંડળીની સાથે, સરઘસાકારે, ખાસ શણગારેલી પાલખીઓમાં, તો કોઈ હાથી ઉપર સવાર થઈને સ્નાન કરવા માટે નીકળે છે. શાહી સ્નાનનું આ સરઘસ ૫-૭ કિલોમીટર લાબું થઇ જાય છે અને પ્રજાસત્તાક દિનની પરેડની યાદ અપાવે છે. આ શાહી સ્નાન દરમ્યાન કયા અખાડાને સ્નાન કરવાનો અધિકાર પ્રથમ, કોનો બીજો છે તે પણ અગાઉથી નક્કી થયેલું હોય છે. માટે ભાગે નિરંજની અખાડા કે જુના અખાડાનું કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી તેમાંથી એકનો ક્રમ પહેલો હોય છે.

શાહી સ્નાનના સરઘસમાં દરેક અખાડાના મોખરે તે અખાડાના મહામંડલેશ્વર અખાડાનો દંડ લઈને ચાલે છે. તેની પાછળ તે અખાડા સાથે સંકળાયેલા નાગા સાધુઓ હોય છે. તેની પાછળ બેન્ડવાજા સાથે તે અખાડાના હોદ્દાના ક્રમે મઠાધીશો અને સન્યાસીઓ તેમના શિષ્યગણ અને ભજનમંડળી સાથે ચાલે છે. જે પાલખીઓમાં આ મહાનુભાવો વિરાજમાન થાય છે તે પાલખીઓ તેમના અનુયાયીઓ ઉઘાડા પગે ચાલીને ખેંચતા હોય છે. એક સમય એક અખાડાના સાધુ સન્યાસીઓ તથા તેમનો શિષ્યગણ, નક્કી કરાયેલા ઘાટ ઉપર સ્નાન કરે છે. તેમના સ્નાનનો સમય અને અવધિ (તેમની સંખ્યાના આધારે એક કલાક થી અડધો કલાક) પણ બધાએ મળીને નક્કી કરેલો હોય છે. એક અખાડાના લોકો સ્નાન કરી લે પછી બીજો, પછી ત્રીજો એમ વારાફરતી સ્નાન કરે છે. સ્નાન કરી લીધા પછી જેમનું સ્નાન પતી ગયું હોય તે અખાડાના લોકો ફરી પાછા જે રીતે આવ્યા હોય તે જ રીતે વાજતે ગાજતે પોતાના મુકામે પરત ફરે છે. શાહીસ્નાનના આ સમયે સામાન્ય પ્રજાને તે સ્થળે સ્નાન કરવાની મનાઈ હોય છે. તેઓ બીજા ઘાટ પર સ્નાન કરે છે.



શાહી સ્નાન માટે સાધુ સન્યાસીઓ જે તૈયારી કરે છે તે પ્રજાસત્તાક પરેડ માટે જવાનો દ્વારા કરતી તૈયારી જેવી જ હોય છે. કોણ ક્યાં ચાલશે-બેસશે, તેમના હાથમાં શું હશે, શું પહેરશે વગેરે બધું જ અગાઉથી નક્કી થઇ જાય છે. વહીવટીતંત્ર માટે પણ પ્રજાસત્તાક દિનની પરેડની માફક શાહી સ્નાનનો પ્રસંગ ખૂબ તૈયારી અને કુનેહભર્યો બની રહે છે.

એક તરફ સાધુ સમાજનો આ માહોલ હોય છે તો બીજી તરફ સમગ્ર દેશ તથા વિશ્વમાંથી પધારેલા આ બધા મહાનુભાવોના એક સાથે દર્શન કરવા એ લોકો માટે મોટો લ્હાવો હોય છે. એ કારણે જ શાહી સ્નાનના દિવસે કુંભમેળામાં ૪૦-૫૦ લાખથી પણ વધુ લોકો એકઠા થતા હોય છે. શાહી સ્નાનના એક સરઘસમાં (નિરંજની અખાડાના સન્યાસીઓ સાથે) ભાગ લેવાની આ લેખકને તક મળી હતી અને તે અદભુત લ્હાવો હતો. શાહી સ્નાનના ૮-૧૦ કિલોમીટરના સમગ્ર માર્ગ ઉપર રસ્તાની બંને બાજુએ દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. એમાં હવે તો હજારો વિદેશીઓ પણ જોડાતા થયા છે. ઘણા તો કઈ સંસ્થા કે સ્થળેથી આવ્યા છે તે દર્શાવતા બેનર પણ પ્રદર્શિત કરતા હોય છે, જેથી સન્યાસીઓ તેમને ઓળખી શકે. દેશના લોકોમાં આટલી વિભિન્નતા, વિસંવાદિતા, હોવા છતાં આપણો દેશ એક કેમ છે તેની અનુભૂતિ આ લોકોને જોઈએ ત્યારે જ થાય. આ માટે જો રેહવાની સગવડ ના મળે તો તેઓ રસ્તા પર પણ સુવા કે ખુલ્લામાં રોટલા બનાવીને ખાવા ખુશી ખુશી તૈયાર હોય છે.

આવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવનાર તંત્ર માટે તે કાર્ય ખરેખર કસોટીરૂપ હોય છે. એક સાથે ભેગા થતા આટલા મોટા સમૂહ માટે પાણી, સેનીટેશન, સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા શહેરના દરેક દિશાના રસ્તાઓ પર ૮-૧૦ કિમિ સુધી કરવામાં આવે છે, એટલે રસ્તા પર સૂનારાને પણ નજીકમાં જ પાણી તથા સેનીટેશનની સગવડ મળી રહે છે. કુંભમેળાનો સમય ફેબ્રુઆરીથી એપ્રિલની આસપાસ હોય છે એટલે ઠંડી કે વરસાદનો ભય ખાસ હોતો નથી.

મેળા માટે નિમાતા મેળા અધિકારીને પૂરી સત્તા આપવામાં આવે છે જેથી તે આપત્કાળમાં નિર્ણયો લઇ શકે. લાખો ભક્તોને દૂધ, લોટ જેવી જીવન જરૂરિયાતની ચીજો વ્યાજબી ભાવે મળી શકે તેનો બંદોબસ્ત પણ કરવામાં આવે છે, જેથી તેઓ પોતાની સગવડ કરી શકે. આરોગ્યવિષયક સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં હોય  છે. ઈન્ટરનેટ તથા મોબાઇલ ફોન નહોતા ત્યારે પબ્લિક ફોનની વ્યવસ્થા પણ કરવી પડતી.

એવું પણ નથી કે કુમ્ભમેળા સમયે એકઠા થતા લોકો ધાર્મિક આસ્થા ધરાવતા ભક્તો જ હોય છે. ફક્ત કુતુહલ ખાતર મેળો જોવા આવનાર લોકોની સંખ્યા પણ ખુબ મોટી હોય છે. ભેગા થતા લોકોમાં ગરીબ - તવંગર, અભણ - ખૂબ ભણેલા લોકો પણ હોય છે. આવા પ્રસંગોએ અસામાજિક તત્વો તો હોવાના  જ.

જેમ આપણા સંરક્ષણ દળને પ્રજાસત્તાક દિને જોઈને આપણે ગૌરવ અનુભવીએ છીએ તેમ જ કુંભમેળામાં દેખાતી રાષ્ટ્રિય એકતા અને ત્યાગ જોઈને આત્માને સંતોષ થાય છે. ભારે ભીડનો છોછ છોડીને આ ભીડમાં રહેલી રાષ્ટ્રિય એકતાના દર્શન કરવા એક વખત કુંભમેળો જોવો જોઈએ.